ઑશનગેટના સહસ્થાપકે ટાઇટનની સુરક્ષા મુદ્દે લગાવાયેલ આરોપોનો શું જવાબ આપ્યો?

પ્રકાશિત

પાંચ લોકો સાથે વિશ્વના સૌથી વધુ ચર્ચિત જહાજ ટાઇટેનિકનો કાટમાળ જોવા ઍટલાન્ટિક મહાસાગરમાં ગયા બાદ ગુમ થઈ ગયેલી સબમરીન ટાઇટનની શોધમાં સામેલ યુએસ કોસ્ટ ગાર્ડને તેનો પાછળનો ભાગ અને લૅન્ડિંગ ફ્રેમ મળી આવ્યા છે.

અમેરિકાના કોસ્ટ ગાર્ડે સબમરીનમાં સવાર પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. કોસ્ટ ગાર્ડના ઍડમિરલ જૉન મૉગરે જણાવ્યું છે કે સબમરીનના પાંચ ભાગ ટાઇટેનિક જહાજના કાટમાળની પણ નીચે મળ્યા છે.

સબમરીન ટાઇટનનો મુખ્ય જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયા તેના શોધકાર્યમાં જોડાયેલા અમેરિકન કોસ્ટ ગાર્ડે સબમરીનમાં મોટા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.

સબમરીનમાં પાકિસ્તાની અબજોપતિ શહઝાદા, દાઉદ, તેમના પુત્ર સુલેમાન, બ્રિટિશ બિઝનેસમૅન હૅમિશ હાર્ડિંગ, આ સબમરીનનું સંચાલન કરતી કંપની ઑશનગેટના સીઈઓ સ્ટોકટન રશ અને ફ્રેન્ચ ઍક્સપ્લોરર પોલ ઓનરી નાર્જેલેટ સહિતના પાંચ લોકો હતા.

સબમરીન શોધવાના કામમાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ હતી. અમેરિકન કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બચાવ અભિયાન અત્યંત જટિલ હતું.

ઑશનગેટના સહસ્થાપક ગુઇલેર્મો સોનલેઇને આરોપોને નકાર્યા

ઑશનગેટના સહ-સ્થાપક ગુઇલેર્મો સોનલેઇને સલામતી અને પ્રમાણપત્ર સંદર્ભે કંપનીની થઈ રહેલી ટીકાઓને નકારી કાઢી છે.

સોનલેઇને કંપનીને 10 વર્ષ પહેલાં જ છોડી દીધી હતી, પરંતુ હજી પણ કંપનીમાં તેમનો કેટલોક હિસ્સો બાકી છે.

બીબીસી રેડિયો 4 ટુડેના પ્રોગ્રામમાં બોલતા તેમણે કહ્યું કે, “ફિલ્મ ડિરેક્ટર જેમ્સ કેમેરૂન સહિત જે લોકો ટાઇટનની સલામતી અને સુરક્ષા પર સવાલ ઊઠાવી રહ્યા છે, તેમની પાસે સંપૂર્ણ માહિતી નથી.”

તેમણે કહ્યું કે, “લોકો તેના સર્ટિફિકેશનને સલામતી સાથે જોડીને સવાલો ઉઠાવી રહ્યા છે, પરંતુ તેઓ 14 વર્ષમાં ટાઇટને ખેડેલી સફરને અવગણી રહ્યા છે.”

“જે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે, તેમને હું પૂછવા માંગું છું કે શું તેઓ આ સબમરીનની ડિઝાઇન બની રહી હતી ત્યારે તેઓ હાજર હતા? શું અમે ટેસ્ટિંગના કેટલા તબક્કા પસાર કર્યા છે એની તેમને ખબર છે?”

સોનલેઇને કહ્યું હતું કે, “દરિયાઈ ખેડાણો અને સંશોધનો કરતા એક આખા વર્ગ માટે આ બહુ મોટો આંચકો છે. પરંતુ જે લોકો ઊંડા સમુદ્રી ખેડાણો કરે છે, તેમને એ વાતનો અંદાજો હોય જ છે કે ત્યાં કેટલું ભયંકર દબાણ હોય છે અને ગમે ત્યારે આ પ્રકારનો વિસ્ફોટ થવાની શક્યતા રહેલી છે.”

તેમણે કહ્યું કે તેઓ માને છે કે ટેકનૉલૉજી અને ઇનોવેશન એ નિયમોને પાછળ છોડી શકે છે અને લોકો જોખમને સમજવા અને ઘટાડવા માટે વધુ સમજદાર છે.

ફિલ્મ 'ટાઇટેનિક'ના ડિરેક્ટરે કેવા સવાલ ઊઠાવ્યા?

ડૂબી ગયેલા જહાજ ટાઇટેનિક પર બનેલી પ્રખ્યાત ફિલ્મ 'ટાઇટેનિક'ના ડાયરેક્ટર જેમ્સ કેમરૂને કહ્યું છે કે તેમને આ અકસ્માત થયો હોવાની શંકા થઈ ગઈ હતી.

ટાઇટેનિક સુધી 33 ડૂબકી લગાવી ચૂકેલા કૅમેરૂને બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે રવિવારે જ્યારે ટાઇટન સબમરીન પહેલીવાર ગુમ થઈ ત્યારે તેઓ એક જહાજ પર હતા.

પરંતુ સોમવાર સુધી તેમણે તેના ગુમ થવાના કોઈ સમાચાર સાંભળ્યા ન હતા. જ્યારે તેમને ખબર પડી કે સબમરીને તેનો રસ્તો અને સંપર્ક ગુમાવી દીધો છે, તે જ સમયે તેમને શંકા હતી કે આ સબમરીન અકસ્માતનો શિકાર થઈ ગઈ છે.

કેમરૂને કહ્યું કે, “મને તો ઝણઝણાટી થઈ ગઈ હતી. મને લાગે છે કે સબમરીનનું ઇલેક્ટ્રૉનિક્સ અને કૉમ્યુનિકેશન સિસ્ટમ ફેઇલ થઈ ગયું હશે. એવું પણ બન્યું હોઈ શકે કે તેનાં ટ્રાન્સપૉન્ડરોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું હોય.”

કેમરોને ગયા અઠવાડિયે બીબીસી ન્યૂઝને કહ્યું: "આ મને એક લાંબા, ખરાબ સ્વપ્ન જેવું લાગ્યું. જ્યાં લોકો આમતેમ દોડી રહ્યા છે અને મોટા અવાજો આવી રહ્યા છે, તથા ઓક્સિજન અને અન્ય તમામ બાબતો વિશે વાત કરી રહ્યા છે.”

કેવા પ્રકારનાં સવાલો ઊઠી રહ્યા છે?

ડિક બાર્ટન કે જેઓ ટાઇટેનિકના કાટમાળ સુધી પહોંચનાર પ્રથમ બ્રિટિશ ડૂબકીખોર છે તેઓ ટાઇટનમાં સવાર પેસેન્જર પૉલ હેનરી નાર્જેલેટને ‘અસાધારણ વ્યક્તિત્વ’ ગણાવે છે.

બીબીસી બ્રેકફાસ્ટ સાથે વાત કરતા તેઓ તેમના આ મિત્રને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને તેમણે સાથે મળીને ખેડેલા દરિયા વિશેની વાતોને વાગોળે છે.

પરંતુ તેઓ કહે છે કે, “અમે જે પ્રકારનાં અભિયાનો ખેડી રહ્યા હતા, તે તમામ એક પ્રૉફેશનલ તરીકે હતા. પરંતુ જે સબમર્સિબલ્સ આ પ્રકારે દરિયાના પેટાળમાં જવાના હોય છે, તેમની તો ડિઝાઇન જ આ પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થઈ હોય છે.”

બાર્ટન ઑશનગેટની ડિઝાઇન અને મેન્ટેનન્સ પર પણ પ્રશ્ન ઉઠાવે છે. તેઓ કહે છે કે દરેક તબક્કે ‘રેડ ફ્લેગ’ (ભયસૂચક સિગ્નલો) હતાં.

ટાઇટન જે જગ્યાએ હતું એ ‘અનિયંત્રિત’ આંતરરાષ્ટ્રીય જળવિસ્તાર છે

હાલમાં દરિયામાં ઊંડે સુધી જઈ રહ્યા હોય તેવા સબમર્સિબલની સુરક્ષા પર સવાલો ઊઠી રહ્યા છે. આ સિવાય આ દુર્ઘટના પછી તેના પર કેવા પ્રકારનાં નિયંત્રણો મૂકાશે અથવા તો કેવા નિયમનો હોવા જોઈએ, તેના પર ચર્ચાઓ થઈ રહી છે.

યુનિવર્સિટી ઑફ સાઉથેમ્પ્ટનમાં ઑશનોગ્રાફીના સીનીયર લેક્ચરર તરીકે ફરજ બજાવી રહેલા ડૉ. સિમોન બોક્સલ જણાવે છે, “ટાઇટન જે જગ્યાએ હતું એ ‘અનિયંત્રિત’ આંતરરાષ્ટ્રીય જળવિસ્તાર હોવાથી કદાચ બીજી સબમરીનને જે પ્રકારનાં પરીક્ષણોમાંથી પસાર થવું પડ્યું હશે, તે પ્રકારનાં પરીક્ષણોમાંથી તે પસાર નહીં થઈ હોય.”

યુનાઇટેડ કિંગડમમાં કોઈપણ જહાજ - બોટ, સબમર્સિબલ અથવા આરઓવી (દૂરથી સંચાલિત વાહન)ને પાણીમાં પ્રવેશવાની મંજૂરી આપતાં પહેલાં "ખૂબ કડક સલામતી તપાસ"માંથી પસાર થવું આવશ્યક છે, એમ તેમણે જણાવ્યું હતું.

"સૌથી મોટી સમસ્યા એ છે કે આ ચોક્કસ પ્રકારનું સબમર્સિબલ કે જહાજ કોઈના અધિકારક્ષેત્ર હેઠળ આવતું નથી."

એ ROV જેણે ટાઇટન શોધી

ટાઇટનનો કાટમાળ શોધી કાઢનાર રિમોટ-ઓપરેટિંગ વ્હીકલ (ROV) બનાવનાર કંપનીએ કહ્યું કે તેમના પ્રયાસો પહેલાથી જ લોકોને બચાવી લેવા પર જ કેન્દ્રીત હતા.

તેઓ કૅનેડિયન જહાજ ડીપ એનર્જી સાથે કામ કરી રહ્યા હતા, જે ટાઇટનને સપાટી પર પાછા લાવવાની ક્ષમતા ધરાવતું હતું.

મૅસેચ્યુસૅટ્સ સ્થિત પેલેજિક રિસર્ચ સર્વિસીઝે જણાવ્યું હતું કે, "અમે અવિશ્વસનીય અને જબરદસ્ત દરિયાઈ બચાવ અભિયાનનો માત્ર એક ભાગ હતાં."

"આ એક મોટું નુકસાન છે, અને અમારી સંવેદના આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોના પરિવારો અને મિત્રો માટે છે."