ગુજરાતમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે, સૌરાષ્ટ્ર, દક્ષિણના જિલ્લામાં શું આગાહી કરાઈ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે સાઉથ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદનું જોર છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ચોવીસ કલાકમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ખેરગામમાં 8 મિમી વરસાદ થયો છે. જ્યારે ગરુડેશ્વર, ડાંગ-આહવા, સુબીર, નાંદોદમાં ચાર મિમી વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં કેટલાક જિલ્લામાં 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાના કારણે મંગળવારે ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રૂપની મીટિંગ મળી હતી.

બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા અલગ-અલગ રિજિયનમાં પાણીના સ્ટોરેજની માહિતી અપાઈ હતી. તે મુજબ રાજ્યના 206 ડૅમમાંથી 111 ડૅમ હાઈ ઍલર્ટ પર છે. જ્યારે 27 ડૅમ ઍલર્ટ પર અને 9 ડૅમ વૉર્નિંગ લેવલ પર છે.

બેઠકમાં NDRF અને SDRFના અધિકારીઓ હાજર હતા. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ભારે વરસાદના કારણે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લામાં ગોઠવવામાં આવી છે.

ગુજરાતમાં લૉ પ્રેશર એરિયા વરસાદ લાવશે

હાલમાં બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં એક લૉ પ્રેશર એરિયા રચાયો છે જે આગામી ચોવીસ કલાકમાં વધુ સક્રિય થવાની આગાહી છે. આ લૉ પ્રેશર એરિયા ઓડિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે.

આ ઉપરાંત બિકાનેર, જયપુર, દાતિયા, સિધી, પુરીથી લઈને બંગાળની ખાડી સુધી ચોમાસાના ટ્રફની રચના થઈ છે.

હવામાન વિભાગનું લૅટેસ્ટ બુલેટિન જણાવે છે કે ત્રીજી સપ્ટેમ્બર, બુધવારે નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત બુધવારે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના બાકીના જિલ્લામાં હળવો વરસાદ પડવાની શક્યતા છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

ચોથી સપ્ટેમ્બરે, ગુરુવારે રાજ્યમાં કેટલાક જિલ્લામાં રેડ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આગાહી મુજબ નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તેવી જ રીતે છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં પણ કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ તમામ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

આ સિવાય આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગુરુવારે છૂટાછવાયાં સ્થળે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

પાંચમી સપ્ટેમ્બર, શુક્રવારે સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે. તેની સાથેસાથે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડશે, તેથી આ જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમાનાથ, બોટાદ અને દીવમાં ઑરેન્જ ઍલર્ટ છે અને આ જિલ્લાઓમાં શનિવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

રવિવારે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, બોટાદ અને દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

ગુજરાતનાં જળાશયોમાં પાણીના સ્તરમાં વધારો

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં કચ્છમાં સરેરાશ 85 ટકા વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 95 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે.

પૂર્વ મધ્ય ગુજરાતમાં 91 ટકાથી વધારે વરસાદ પડી ગયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 84 ટકા અને સાઉથ ગુજરાતમાં 95 ટકા કરતા વધુ વરસાદ થયો છે.

ગુજરાતના ડૅમોમાં સરેરાશ 82 ટકાની આસપાસ પાણી છે. સરદાર સરોવર ડૅમ 90 ટકા જેટલો ભરાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન