'આ ચમત્કારથી ઓછું નથી', છ દિવસ સુધી ઍવરેસ્ટ પર ગુમ રહ્યા બાદ જીવતા મળી આવ્યા શેરપા

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

એક ભૂતપૂર્વ બ્રિટિશ સૈનિકે એ ક્ષણ યાદ કરી છે જ્યારે તેઓ માઉન્ટ ઍવરેસ્ટ પરથી ઊતરતી વખતે નેપાળી શેરપાથી વિખૂટા પડી ગયા હતા.

છેલ્લે દાવા શેરપા 7,500 મીટર (24,600 ફૂટ)ની ઊંચાઈએ આવેલા કૅમ્પ-3 ઉપર દેખાયા હતા, જે બાદ તેઓ છ દિવસે જીવતા મળી આવ્યા હતા. પર્વતારોહક ક્રિસ થ્રલે કહ્યું કે શરૂઆતમાં તો આ શેરપા તમામ મુસીબતો પડવા છતાં જીવતા પરત ફર્યા તે માનવું જ અશક્ય હતું.

થ્રલે બીબીસીના ન્યૂઝઅવરને કહ્યું, "તેની પુત્રી સાથે પોતાનાં આંસુ રોકવાનો એ એક મિનિટનો અનુભવ અને બીજી મિનિટે તેનું નગરમાં પ્રવેશવાનું દૃશ્ય, આ બધું અત્યંત અદ્ભુત છે, જેને અભિવ્યક્ત ન કરી શકાય."

થ્રલે છેલ્લે દાવા શેરપાને તેમના થેલા પર થોડા સમય માટે આરામ કરવા માટે બેઠેલા જોયા હતા, એ સમયે તેઓ મુશ્કેલ ચઢાણ બાદ બેઝ કૅમ્પ તરફ પાછા ફરી રહ્યા હતા.

શેરપા ગુમ થયા એ પહેલાં શું બન્યું હતું?

થ્રલ હિલરી દાવા શેરપા તરીકે ઓળખાતા આ શેરપાને પાર કરીને આગળ નીકળી ગયા. તેમને આ નામ પ્રખ્યાત પર્વતારોહક ઍડમંડ હિલરી પરથી મળ્યું છે.

તેઓ નીચે ઊતરતી વખતે એકલા અંદાજે 50-100 મીટર જેટલા આગળ નીકળી ગયા હતા, જ્યાં તેમને તેમના જૂથના બીજા સભ્ય મળ્યા, જેઓ "ઑક્સિજન વિનાના પૉલિશ પર્વતારોહક હતા, જે ઠંડીમાં ખૂબ ઠરી ગયા હતા."

તેમણે ન્યૂઝઅવરને કહ્યું, "તેથી તરત જ મારું ધ્યાન અમારા ત્રણ પૈકી સૌથી નબળા સભ્ય તરફ ગયું. અને બસ એટલું જ."

"આ વ્યક્તિને નીચે ઊતરવામાં મદદ કરતી વખતે જ્યારે મેં પર્વતના શિખર તરફ પાછળ જોયું , ત્યારે હિલરી દાવા ત્યાંના ત્યાં જ હતા, અને ચોક્કસપણે નીચે નહોતા ઊતરી રહ્યા, કારણ કે અમે તેની હેડ ટૉર્ચ જોઈ લીધી હોત."

દાવા શેરપા છેલ્લે કૅમ્પ-3ની ઉપર, લગભગ 7,500 મીટરની ઊંચાઈએ જોવા મળ્યા હતા.

આગામી છ દિવસ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં. તેમનાં પત્નીએ એએફપીને જણાવ્યું હતું કે શેરપાના આત્મા માટે અંતિમ સંસ્કારની પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું હતું.

દરેક ક્ષણ સાથે નબળી પડતી જીવનની આશા

જેમ-જેમ તેમના બચવાની આશા ઓછી થતી ગઈ, તેમ તેમ દાવા શેરપા ધીમે-ધીમે પાછા ફરતા રહ્યા, અને ગુરુવારે એક સફાઈ ટીમે તેમને વિશ્વના સૌથી ઊંચા પર્વત પરથી ધીમે-ધીમે નીચે સરકતા જોયા.

જ્યારે થ્રલે પહેલી વાર સોશિયલ મીડિયા પર દાવા શેરપા જીવતા મળી આવ્યા હોવાની કૉમેન્ટ્સ જોઈ, તેમણે કહ્યું કે ત્યારે તેમને લાગ્યું હતું કે કે આ કૉમેન્ટ્સ "સ્પામ" છે.

તેમણે ન્યૂઝઅવરને જણાવ્યું, "આ વાત ખરેખર અથાક મુશ્કેલીઓનો સામનો કરવા જેવી છે. હું ગઈ કાલે જ પરિવારને મળ્યો અને મારી સંવેદના વ્યક્ત કરવા મળ્યો હતો."

તેમણે ઉમેર્યું કે તેઓ "હિલરી માટે ખૂબ જ ખુશ છે, તેમની સાથે વાત કરવા માટે આતુર છે."

શોધખોળના પ્રયાસોનું નિરીક્ષણ કરી રહેલા 8K ઍક્સપિડિશન્સના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર પેમ્બા શેરપાએ આને " જાતનું ખરું રૅસ્ક્યૂ" ગણાવ્યું.

તેમણે કહ્યું, "દાવા દિવસો સુધી બધી મુશ્કેલીઓ સામે ટકી રહેવામાં સફળ રહ્યો. આ કોઈ ચમત્કારથી ઓછું નથી."

કાઠમંડુની એચએએમએસ હૉસ્પિટલના આઇસીયુમાં ડૉક્ટર એવા નિશાંત ધકાલના જણાવ્યા અનુસાર, દાવા શેરપા "હોશમાં અને સારવાર હેઠળ છે."

"અમે વધુ પડતી ઠંડી, ઠંડીથી થતી ઈજા, હાઇડ્રેશન અને અન્ય ઈજાને મૅનેજ કરી રહ્યા છીએ. તેમની વધુ તપાસ કરાઈ રહી છે અને તેઓ અમારા આઇસીયુમાં રહેશે."

તેમનાં પુત્રી મ્હેન્ડો લ્હામો શેરપાએ તેમની મુલાકાત લીધા પછી રૉયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું, "તેમણે મને ઓળખી લીધી... તેઓ સારા છે અને બોલી રહ્યા છે."

"અમે ખુશ છીએ."

આ સિઝનમાં એક હજારથી વધુ લોકોએ ઍવરેસ્ટનું શિખર સર કર્યું છે, જે તેને રેકૉર્ડ અનુસાર સૌથી વ્યસ્ત શિખર બનાવે છે. એએફપી અનુસાર, પાંચ લોકોનાં મોત થયાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન