You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉક્રોચ જનતા પાર્ટીને દિલ્હીના જંતર-મંતર પર કરેલા એક દિવસના વિરોધપ્રદર્શનથી શું મળ્યું?
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેના શનિવારે દિલ્હી પહોંચતાંની સાથે જ દિલ્હીના જંતર-મંતર પર શરૂ થયેલું વિરોધપ્રદર્શન મોડી સાંજે સમાપ્ત થયું.
પ્રદર્શનમાં સામેલ લોકો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
શનિવારની સવારે અભિજિત દીપકેએ અમેરિકા પરથી દિલ્હી પહોંચ્યા બાદ ઍરપૉર્ટ પર ઉતરતાંની સાથે જ કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે પેપર લીક થવાને કારણે નીટની પરીક્ષા આપનાર ઘણા વિદ્યાર્થીઓએ 'આત્મહત્યા' કરી છે.
આ પહેલાં અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર જણાવ્યું હતું કે કૉક્રોચ જનતા પાર્ટીને દિલ્હી પોલીસ પાસેથી જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી મળી ગઈ છે.
કૉક્રોચ જનતા પાર્ટીની શરૂઆત એક ઑનલાઇન વ્યંગાત્મક આંદોલન તરીકે થઈ હતી.
આ 'ઑનલાઇન મૂવમેન્ટ' ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એ ટિપ્પણીના વિરોધમાં શરૂ થઈ હતી, જેમાં જસ્ટિસ સૂર્યકાંતે કેટલાક 'નકલી ડિગ્રી ધરાવતા યુવકો'ની સરખામણી 'કૉક્રોચ એટલે કે વંદા' સાથે કરી હતી.
લગભગ બે અઠવાડિયાં પહેલાં જ શરૂ થયેલી આ ઑનલાઇન મૂવમેન્ટને ઘણા લોકોનું સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ, ઍક્સ અને ફેસબુક પર તેના ફૉલોઅર્સની સંખ્યા લાખોમાં પહોંચી ચૂકી છે.
દિલ્હીના જંતર-મંતર પર આજે શું થયું?
શનિવારે અભિજિત દીપકે જંતર-મંતર પર પહોંચે તે પહેલાં જ ત્યાં લોકો ભેગા થવા લાગ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભિજિતના દિલ્હી ઍરપૉર્ટથી જંતર-મંતર સુધી પહોંચતાં જ લગભગ બે થી ત્રણ હજાર સમર્થકો ત્યાં ભેગા થઈ ગયા.
અભિજિત દીપકેએ જંતર-મંતર પર પહોંચીને કહ્યું, "છેલ્લા 5, 10 દિવસથી લોકો મને પ્રશ્ન પૂછતા હતા કે સોશિયલ મીડિયા પર પેજ ચલાવીને શું થશે. તે લોકોને કૅમેરો ફેરવીને જણાવી દો કે જંતર-મંતર પર કેટલા કૉક્રોચ ઘરની બહાર નીકળી આવ્યા છે."
તેમણે દાવો કર્યો, "માત્ર એક-બે દિવસમાં અમારી સાથે લાખો વિદ્યાર્થીઓ હશે. આ કૉક્રોચ જનતા પાર્ટી કોઈ પ્લાન કરીને બનાવેલી પાર્ટી નથી. આ દરેક વિદ્યાર્થીનો અવાજ છે, જે સરકારથી નારાજ છે."
તેમણે કહ્યું, "10-12 વર્ષથી આ લોકોએ આપણને હિંદુ-મુસ્લિમની રાજનીતિમાં ફસાવીને રાખ્યા છે, તેનાથી કોને ફાયદો થયો? શું હિંદુ-મુસ્લિમ કરવાથી દેશમાં કોઈને પણ નોકરી મળી?"
દીપકેએ કહ્યું, "મારી માતાને ઘણો ડર હતો કે આ સરકાર મને જેલમાં નાખી દેશે. આ દેશમાં દરેક માતાને આ ડર રહે છે જ્યારે તેમનું બાળક આ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. અમે ક્યાં સુધી આ સરકારથી ડરીને જીવતા રહીશું?"
જંતર-મંતર પર આવેલા યુવાનોમાં દેખાયો ગુસ્સો
કૉક્રોચ જનતા પાર્ટીના આ વિરોધપ્રદર્શનમાં પર્યાવરણ કાર્યકર્તા અને શિક્ષણવિદ્ સોનમ વાંગચુક પણ સામેલ થયા હતા.
આ પ્રદર્શનને કવર કરી રહેલા બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યું કે જંતર-મંતર પર અભિજિત દીપકે પહોંચ્યાં ત્યાં સુધીમાં તો સેંકડો લોકો અહીં ભેગા થઈ ચૂક્યા હતા.
તેમણે કહ્યું કે યુવાઓમાં નીટ પેપર લીકને લઈને ઘણો ગુસ્સો જોવા મળ્યો અને તેઓ કૉક્રોચ જનતા પાર્ટીની આ માંગનું સમર્થન કરતા દેખાયા કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ.
અહીં આવેલાં ઘણાં યુવક-યુવતીઓ આ પ્રશ્ન ઊઠાવી રહ્યાં હતાં કે શિક્ષણ વ્યવસ્થા સુધારવી તો દૂર, સરકાર તે પરીક્ષાઓ પણ યોગ્ય રીતે કરાવી શકતી નથી, જેના પર દેશના લાખો યુવાનોનું ભવિષ્ય સંકળાયેલું છે.
દિલનવાઝ પાશાએ જણાવ્યું કે આ પ્રદર્શનમાં 'હિંદુવાદી સંગઠન'ના લોકો પણ હાજર હતા. પરંતુ તેમની સંખ્યા વધારે નહોતી.
દેશની વિવિધ રાજકીય પાર્ટીઓએ શું કહ્યું?
વિપક્ષી રાજકીય પાર્ટીઓએ કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થનમાં ખુલ્લેઆમ બોલવાનું શરૂ કર્યું છે.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે ફેસબુક પર બીબીસી ન્યૂઝ હિંદીના એક વીડિયોને શૅર કરતાં લખ્યું, "આ અવાજ અભિમાની સત્તાધીશો સુધી પહોંચે, હવે યુવાનો પણ પોકારી રહ્યા છે ઇન્કલાબ."
શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક નિવેદનમાં કહ્યું, "નીટ પેપર લીકે લાખો યુવાનોઓનાં સપનાંઓ કચડી નાખ્યાં છે. આ બધાં પીડિત યુવક-યુવતીઓ હવે 'કૉક્રોચ' બનીને પોતાનો અવાજ બુલંદ કરી રહ્યાં છે. સરકારે તેમની વાત સાંભળવી જ પડશે. આ 'કૉક્રોચોને' ઓછા ન આંકતા. જંતર-મંતરના આંદોલને સરકારે આ જ ચેતવણી આપી છે."
શિવસેનાનાં નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે કૉક્રોચ જનતા પાર્ટીને પ્રદર્શનની મંજૂરી આપીને દિલ્હી પોલીસે યોગ્ય કામ કર્યું છે.
પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "કદાચ પહેલી વાર દિલ્હી પોલીસે યોગ્ય કામ કર્યું છે, સીજેપીને પ્રદર્શનની મંજૂરી આપીને."
રાજકીય કાર્યકર્તા અને વિશ્લેષક યોગેન્દ્ર યાદવે ઍક્સ પર પ્રદર્શન કરી રહેલા યુવાઓના સમર્થનમાં વિનોદકુમાર શુક્લની એક કવિતા વાંચી.
શું કહી રહ્યા છે વિશ્લેષકો?
કૉક્રોચ જનતા પાર્ટીના આ પ્રદર્શનની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા રહી.
લોકો આ પ્રદર્શનમાંથી નીકળેલા સંદેશાનું વિશ્લેષણ કરી રહ્યા છે.
તેઓ આ પ્રશ્ન પણ પૂછે છે કે સામાન્ય રીતે આવાં પ્રદર્શનો સામે કડક દેખાતી મોદી સરકારે તેને એટલી સરળતાથી મંજૂરી કેવી રીતે આપી દીધી?
તે સાથે જ પ્રદર્શનની અસર અને તેની 'ઑનલાઇન મૂવમેન્ટ'ના ભવિષ્ય પર પણ ચર્ચા થઈ રહી છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સ્મિતા ગુપ્તાએ આ બાબતે બીબીસી ન્યૂઝ હિંદી સાથે વાત કરતાં કહ્યું, "સરકારે બાંગ્લાદેશ અને નેપાળમાં યુવાનોનાં આંદોલનો જોઈ લીધાં છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતનું કૉક્રોચ વિશેનું નિવેદન અને ત્યારબાદ તેના પર થયેલી તીવ્ર પ્રતિક્રિયા પછી સરકારને આ આંદોલનો યાદ આવી ગયાં અને તેણે તેને માટે થોડી જગ્યા આપવાનું મન બનાવ્યું."
"તેનો એક હેતુ એ પણ હતો કે તેના દ્વારા એક કસોટી પણ થઈ જશે કે અંતે તેમાં કેટલો દમ છે. એટલે દિલ્હી પોલીસે સરળતાથી આ પ્રદર્શનને મંજૂરી આપી દીધી."
તેમણે કહ્યું, "પેપર લીકનો મુદ્દો દરેક પરિવારને સ્પર્શતો મુદ્દો છે. તેથી લોકોમાં ગુસ્સો પણ છે. સરકાર આ ગુસ્સો શાંત થવા દેવા ઇચ્છતી હતી."
"આ પહેલાં નૉર્વેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે એક યુવા પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો, જેનો મુદ્દો ખૂબ ગરમાયો હતો. એટલા માટે પણ સરકાર બૅકફૂટ પર હતી."
સ્મિતા ગુપ્તાએ કહ્યું, "જ્યારે ચૂંટણીઓ થાય છે ત્યારે બેરોજગારીનો મુદ્દો સૌથી મોટો મુદ્દો કહેવાય છે. પરંતુ અહીં તો યુવાનો જોઈ રહ્યા છે કે રોજગાર મેળવવું તો દૂર, તેમની માટે પરીક્ષામાં બેસવું પણ મુશ્કેલ બની ગયું છે. યુવાનોમાં બેચેની છે. તેમનું ભવિષ્ય અંધકારમાં છે."
આખરે આવા ઑનલાઇન પ્લૅટફૉર્મથી શરૂ થઈને યોજાયેલાં આ પ્રદર્શનોનું ભવિષ્ય શું છે? શું આ ભવિષ્યમાં કોઈ રાજકીય શક્તિ બની શકશે?
સ્મિતા ગુપ્તાએ કહ્યું, "થોડાં વર્ષો પહેલાં કનૈયાકુમારના નેતૃત્વમાં જેએનયુમાં થયેલું આંદોલન લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મોટા મુદ્દાઓ પર હતું, પરંતુ કૉક્રોચ જનતા પાર્ટીનું આંદોલન એવા મુદ્દા પર છે જેનો સંબંધ દેશનાં દરેક ઘર સાથે છે. એ છે ખરાબ શિક્ષણ વ્યવસ્થાનો મુદ્દો. તેથી તેને સમર્થન મળી રહ્યું છે."
તેમણે કહ્યું, "આ પ્રદર્શન એવા સમયે થયું છે જ્યારે મોદી સરકારનો હનિમૂન પિરિયડ સમાપ્ત થઈ રહ્યો છે. દુનિયાભરમાં ચાલી રહેલાં યુદ્ધોના કારણે ભારતમાં ખરાબ આર્થિક પરિસ્થિતિથી લોકો પરેશાન થઈ રહ્યા છે. હેલ્થ જેવી કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ ઓછો થઈ રહ્યો છે. આ અસંતોષને કારણે આવાં પ્રદર્શનોની પ્રાસંગિકતા જળવાઈ રહેશે."
શું સીજેપી 'રાજકીય શક્તિ' બની શકશે?
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તા આ પ્રદર્શનને વ્યવસ્થાની સામે લોકોના આક્રોશ અને અસંતોષના પ્રતિક તરીકે જુએ છે.
તેઓ કહે છે, "જો લોકોમાં અસંતોષ ન હોત તો તેમણે તપતી ગરમીમાં ભેગા થઈને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ન કરી હોત. આ બધું તે સમયની યાદ અપાવે છે જ્યારે 'નિર્ભયા' કેસમાં દિલ્હીમાં લોકો ભારે ઠંડીમાં પણ વૉટર કૅનનની પરવા કર્યા વગર ન્યાયની માગણી માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા."
તેમણે કહ્યું, "આ સરકાર વિરુદ્ધનું પ્રદર્શન લાગી રહ્યું છે. પરંતુ આ તો તે વ્યવસ્થાનો વિરોધ છે જે કોઈને જવાબદારી લેવા દેતી નથી. સત્તાપક્ષ તરફથી કહેવામાં આવે છે કે આ એવી સરકાર નથી જેમાં મંત્રીઓનાં રાજીનામાં લેવામાં આવે છે."
સરકારે આ પ્રદર્શનને સરળતાથી મંજૂરી આપવાના પ્રશ્ન પર શરદ ગુપ્તાએ કહ્યું, "જયપ્રકાશ આંદોલન, વીપી સિંહના આંદોલનથી લઈને અન્ના આંદોલન સુધી, જ્યારે પણ સરકારે આવાં આંદોલનોને દબાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે તે વધુ પ્રચંડ બન્યાં છે. તેથી સરકારે પ્રદર્શનને મંજૂરી આપીને તેની હવા કાઢવાની રણનીતિ અપનાવી."
શું કૉક્રોચ જનતા પાર્ટી જેવા સંગઠનનું કોઈ રાજકીય ભવિષ્ય છે? શું તેઓ કોઈ મોટી રાજકીય શક્તિ બની શકશે?
આ પ્રશ્નના જવાબમાં શરદ ગુપ્તાએ કહ્યું, "કૉક્રોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો રાજકીય રીતે સંપૂર્ણ અનુભવહીન છે. તેમના ત્રણ પ્રવક્તા પત્રકાર રહ્યા છે. ભવિષ્યમાં તેઓ કોઈ રાજકીય પક્ષ બની જાય તો સારી વાત હશે. શક્ય છે કે તેઓ આમ આદમી પાર્ટીની જેમ કોઈ પાર્ટી તરીકે સામે આવે. પરંતુ હાલમાં મને તેમના રાજકીય ભવિષ્યની કોઈ મજબૂત તસવીર દેખાતી નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન