મુંબઈના ડબ્બાવાળા : જેમણે 100 વર્ષો સુધી લાખો લોકોને જમાડ્યા તેઓ હવે કેમ સંઘર્ષ કરી રહ્યા છે

    • લેેખક, નિલેશ ધોત્રે અને શાહિદ શેખ
    • પદ, બીબીસી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

રોજ સવારે શહેર આળસ મરડીને બેઠું થાય, તે પહેલાં સફેદ ટોપી અને શર્ટ પહેરેલા પુરુષો ડબ્બાઓથી લદાયેલી સાઇકલો પર સવાર થઈને મુંબઈનાં સબઅર્બન રેલવે સ્ટેશનો પર આવી પહોંચે છે.

તેઓ આ ડબ્બા ટ્રેન પર ચઢાવે છે, શહેર પાર કરે છે અને પછી પગપાળા કે બાઇક પર સવાર થઈને ઑફિસના કર્મચારીઓને ગરમ, ઘરે રાંધેલું ભોજન પહોંચાડવાના કામમાં લાગી જાય છે.

ટૂંકો વિરામ લીધા બાદ, તેઓ આ સમગ્ર પ્રક્રિયા અવળા ક્રમમાં કરે છે - ખાલી ડબ્બા એકઠા કરે છે અને જે ડબ્બો જે ઠેકાણેથી આવ્યો હોય, ત્યાં તેને બપોર સુધીમાં પહોંચાડે છે.

આ પુરુષો ડબ્બાવાળા કહેવાય છે અને તેઓ જગપ્રસિદ્ધ થઈ ચૂકેલી ડબ્બા પહોંચાડવાની તેમની સચોટ વ્યવસ્થા મારફત એક સદી કરતાં પણ વધુ સમયથી મુંબઈને ઘરનું ભોજન જમાડતા આવ્યા છે.

ડબ્બા તરીકે ઓળખાતા લન્ચબૉક્સમાં સામાન્યતઃ ભાત, દાળ, શાક, રોટલી અને અમુક વખત માંસનું ભોજન હોય છે, જે શહેરના ઉપનગરોનાં ઘરોમાં તાજું બનાવવામાં આવ્યું હોય છે.

મુંબઈમાં ઑફિસમાં કામ કરનારા કર્મચારીઓની ઘણી પેઢીઓ માટે ઘરે તૈયાર થયેલું ભોજન પરિવારની દિનચર્યા, સંસ્કૃતિ અને આહારની પ્રાથમિકતા સાથે જોડાયેલું છે, જેને પગલે દૈનિક લન્ચબૉક્સ આ અતિવ્યસ્ત શહેરની વર્કિંગ લાઇફનો મહત્ત્વનો ભાગ બને છે.

દરેક ડબ્બા પર આલ્ફાન્યૂમેરિક કોડ આવેલો હોય છે, જેના પરથી ડબ્બાવાળાને જાણ થાય છે કે, તે ડબ્બો ક્યાંથી આવ્યો છે, ક્યાં જઈ રહ્યો છે, તે કઈ બિલ્ડીંગના કયા માળનો છે અને તે પાછો કેવી રીતે આવશે. ન કોઈ ઍપ કે ન જીપીએસ - બસ, મુંબઈની ટ્રેનો અને રસ્તાઓથી પરિચિત ડબ્બાવાળાઓ દ્વારા પેઢીઓથી ચાલી આવતી સિસ્ટમ.

આ વેપારે દેશની આર્થિક રાજધાની મુંબઈને વૈશ્વિક ઓળખ અપાવી છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે ઓછા ખર્ચાળ લૉજિસ્ટિક્સના માસ્ટરક્લાસ તરીકે તેનો અભ્યાસ કર્યો હતો. 2003માં, ભાવિ રાજા કિંગ ચાર્લ્સે પણ તેમના મુંબઈ પ્રવાસ દરમિયાન ડબ્બાવાળાઓ સાથે થોડો સમય પસાર કર્યો હતો.

આ સેવા એ ખાસિયતનો પર્યાય બની ગઈ, જેના પર મુંબઈને ગર્વ હતો કે, આટલા ઘોંઘાટ અને ભાગદોડની વચ્ચે પણ અમુક ચીજો હજુયે અત્યંત ચોકસાઈપૂર્ણ રીતે કામ કરે છે.

આ ઓળખ ઊભી કરનારા ડબ્બાવાળાઓ હાલમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ડબ્બાવાળાની વ્યવસ્થા 19મી સદીના ઉત્તરાર્ધમાં શરૂ થઈ હોવાનું મનાય છે.

તે સમયે બૉમ્બે (અત્યારે મુંબઈ) બ્રિટિશ શાસન હેઠળ હતું. શહેર ઝડપથી વિસ્તરી રહ્યું હતું અને ઑફિસે જનારા કર્મચારીઓને દિવસ દરમિયાન તાજી, ઘરે બનેલી રસોઈ જમવા માટે કોઈ ઉપાયની જરૂર હતી.

રેસ્ટોરાં અને કૅન્ટીનની સંખ્યા જ્યારે ઘણી જ મર્યાદિત હતી, એવા સમયમાં જ્યાં રસોઈ સંસ્કૃતિ, ધર્મ અને પારિવારિક દિનચર્યા સાથે ગાઢપણે સંકળાયેલી હોય, તેવા શહેરમાં ઘરનું બનેલું ભોજન લઈ જવું ઘણું મહત્ત્વપૂર્ણ હતું.

આ વિચાર એક પારસી બૅન્કરને સ્ફૂર્યો હોવાનું મનાય છે. તેમણે રોજ સવારે તેમના ઘરેથી લન્ચ લઈ જવા માટે, પોતાની ઑફિસ સુધી પહોંચાડવા માટે અને પછી ખાલી ડબ્બો પાછો લઈ જવા માટે એક માણસ રાખ્યો હતો. આ સરળ વ્યવસ્થા ટૂંક સમયમાં જ લોકપ્રિય થઈ ગઈ.

શોભા બોંદ્રેના પુસ્તક 'મુંબઇઝ ડબ્બાવાલાઃ ધ અનકોમન સ્ટોરી ઑફ ધ કૉમન મૅન'માં જણાવ્યા અનુસાર, 1890માં મહાદેવ બચ્ચે નામના એક માણસે લગભગ 100 વર્કરો સાથે આ વ્યવસ્થાને તેના આધુનિક સ્વરૂપમાં સંગઠિત કરી હતી.

પ્રારંભના ગાળામાં ડબ્બાવાલા ડબ્બાને સાઇકલો પર લાદીને લઈ જતા હતા અને તેમનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવા અને ચોકસાઈથી પરત કરવા માટે તેમના પર રંગીન દોરા વડે ચિહ્ન કરતા હતા. સમય પસાર થવા સાથે દોરાના ચિહ્નનું સ્થાન આગવી આલ્ફાન્યૂમેરિક કોડ સિસ્ટમે લીધું અને ડબ્બા પહોંચાડવા માટે સાઇકલો, મોટરબાઇક તથા મુંબઈના ઉપનગરીય ટ્રેન નૅટવર્કનો સહારો લેવામાં આવ્યો.

આ સેવાનું નિયમન કરતાં અને તેના પર દેખરેખ રાખતાં સંગઠનોના જણાવ્યા પ્રમાણે, આ સેવા તેની ચરમસીમા પર હતી, ત્યારે લગભગ 4,500 ડબ્બાવાળા રોજ સમગ્ર મુંબઈમાં 50,000 જેટલા ડબ્બા (લન્ચબૉક્સ) પહોંચાડતા હતા.

પરંતુ મહામારીમાં આ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. ઑફિસો બંધ થઈ ગઈ ને લોકો ઘરેથી કામ કરવા માંડ્યા, તે પછી દૈનિક ડિલીવરીની અગાઉ જેવી જરૂરિયાત રહી નહીં.

એક સમયે રોજ 20 કે 25 ઑફિસ વર્કરોને સેવા પૂરી પાડનારા ડબ્બાવાળા પાસે અચાનક ગણ્યાગાંઠ્યા જ ગ્રાહકો બચ્યા - તો વળી કેટલાક ડબ્બાવાળા પાસે તો એક પણ ગ્રાહક ન રહ્યો.

હાથ પર કંઈ બચત ન હોવાથી ઘણા ડબ્બાવાળાઓએ આ વ્યવસાય જ છોડી દીધો.

ત્યારથી ઑફિસો તો પાછી ખૂલી ગઈ છે, પણ ઑફિસ ગયા વગર કામ કરવાના અને હાઇબ્રિડ વર્ક મૉડેલને કારણે એક સમયે પૂરજોશમાં ધમધમતા રહેતા મુંબઈના ડબ્બાવાળાના નૅટવર્કની માગ હવે સાવ ઘટી ગઈ છે.

'કોવિડ પછી વધી ડબ્બાવાળાની મુશ્કેલી'

મુંબઈ ટિફિન બૉક્સ સપ્લાયર્સ ઍસોસિએશનના સેક્રેટરી કિરણ ગાવંડે જણાવે છે, "લોકડાઉન પછી વર્ક-ફ્રૉમ હોમ શરૂ થયું. હવે કેટલાક લોકો અઠવાડિયે માત્ર બે કે ત્રણ દિવસ જ ઑફિસ જાય છે. મુંબઈના ડબ્બાવાળાઓ ઉપર તેની વિપરિત અસર પડી છે."

2018માં રજિસ્ટર્ડ ડબ્બાવાળાની સંખ્યા લગભગ 4,500 હતી, તે આજે ઘટીને 1,500 જેટલી થઈ ગઈ હોવાનું ઍસોસિએશને જણાવ્યું હતું.

તેની સાથે જ, ભોજન સાથેનો મુંબઈનો સંબંધ પણ બદલાઈ ગયો છે.

સ્વિગી અને ઝોમેટો જેવી ઑનલાઇન ફૂડ ડિલીવરી ઍપની સાથે વધુને વધુ ક્લાઉડ કિચન ઓછી કિંમતે રેસ્ટોરાંનું ખાવાનું ઑફર કરી રહ્યાં છે, જેના કારણે લોકોને નવા વિકલ્પો મળ્યા છે.

એક સમયે ડબ્બાવાળાઓએ ઘણી જ ઓછી હરીફાઈનો સામનો કરવો પડતો હતો અને તેઓ મહિને માત્ર 2,000 રૂપિયા (21 ડૉલર, 16 પાઉન્ડ)માં ઘરની બનેલી રસોઈ પહોંચાડતા હતા, તેને બદલે હવે તેમણે સ્ક્રીનની એક ક્લિક પર બિરયાની અને બર્ગરથી માંડીને દરેક ચીજ સાથે સ્પર્ધા કરવી પડે છે.

બાલુ ભાગુ શિંદેએ 20 વર્ષ સુધી ડબ્બાવાળા તરીકે કામ કર્યા પછી આ વ્યવસાયને તિલાંજલિ આપી હતી.

41 વર્ષના શિંદે એક સમયે રોજ 15થી 20 ગ્રાહકોને ડબ્બા પહોંચાડીને મહિને 20,000 રૂપિયા જેટલી કમાણી કરી લેતા હતા - જે રકમ દેશના મોંઘા શહેરમાં પાંચ વ્યક્તિના પરિવારનું ભરણ-પોષણ કરવામાં મદદ કરવા માટે પૂરતી હતી. 2020ના અંત સુધીમાં તેમની પાસે ફક્ત બે જ ગ્રાહકો બચ્યા હતા.

ઑફિસો ફરી ખુલવાની તેમણે રાહ જોઈ, પણ તે પછી કદીયે ગ્રાહકોની સંખ્યા અગાઉ જેટલી ન થઈ. આખરે, શિંદે ટુકટુક ડ્રાઇવર તરીકે કામ કરવા લાગ્યા.

હવે તેઓ મહિને આશરે 15,000 રૂપિયા કમાય છે - જે ડબ્બાની ડિલીવરી કરવાથી થતી કમાણી કરતાં ઓછી છે, પણ તેઓ મર્યાદિત વિકલ્પોને કારણે આ કામ કરવા લાચાર છે.

"અમારી પાસે ગ્રાહકો નથી અને પૈસા પણ નથી - અમે શું કરીએ?" એમ શિંદે કહે છે.

"અમે અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ ખેડી રહ્યાં છીએ. હું મારા ઘરખર્ચ પર કાપ મૂકી રહ્યો છું, પણ મારે ત્રણ બાળકો છે, જેમનું શિક્ષણ મારા માટે સૌથી વધુ મહત્ત્વનું છે. ઘણી વખત મારે પૈસા ઉધાર લેવા પડે છે."

જે લોકો આજે પણ ડબ્બાવાળા તરીકે કામ કરે છે, તેમના માટે જીવિત રહેવાનો અર્થ છે બે નોકરીઓ કરવી, જેથી કોઈ રીતે તેમનું અને પરિવારનું ગુજરાન ચાલી શકે.

'બધા ડબ્બાવાળા એક કરતાં વધુ જૉબ કરે છે'

40 વર્ષના મૌલી બચ્ચે બે દાયકાથી ડબ્બાવાળા તરીકે કામ કરી રહ્યા છે. મુંબઈના ઉપનગરમાં રહેતા મૌલીનો દિવસ સવારે સાત વાગ્યાથી શરૂ થાય છે. સવારે 10.30 વાગ્યા સુધીમાં તેઓ આસપાસના વિસ્તારોનાં ઘરો અને નાનાં રસોડાંઓમાંથી ડબ્બા એકઠા કરીને તેમને શહેરભરની ઑફિસોમાં પહોંચાડવા માટે ટ્રેનમાં બેસે છે.

બપોર સુધીમાં ડિલીવરી પૂરી થઈ જાય છે. બપોરના બે વાગ્યાથી અવળો ક્રમ શરૂ થાય છે.

તે પછી તેમનું બીજું કામ શરૂ થાય છે, જ્યાં તેઓ એક ફાઇનાન્સિયલ કંપની વતી દુકાનદારો પાસેથી રોજની નાની રકમની બચત થાપણ એકઠી કરે છે અને રાત્રે દસેક વાગ્યે ઘરે પરત ફરે છે. ત્યાં સુધીમાં તેમણે 15 કલાક કામ કરી લીધું હોય છે અને શહેરભરમાં 100 કિલોમીટર (62 માઇલ)નો પ્રવાસ ખેડી લીધો હોય છે.

તેમને બે બાળકો છે - પુત્રી સ્કૂલમાં છે અને પુત્ર દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. તે ક્રિકેટર બનવા ઇચ્છે છે.

મૌલી બચ્ચે કહે છે, "કોવિડ મહામારી પહેલાં હું 25 ડબ્બાની ડિલીવરી કરતો હતો. તેમાંના કેટલાક લોકો હવે ઘરેથી કામ કરે છે, તો અમુકે નોકરી ગુમાવી દીધી છે. હવે માત્ર 15 ગ્રાહકો જ બચ્યા છે."

"ડબ્બાવાળાના કામમાંથી થતી આવક ઘણી જ ઓછી છે. બધાં એક કરતાં વધારે કામ કરે છે."

આ વ્યવસાય સાથે સંકળાયેલા વડીલો તેમની નહીં, પણ તેમના પછી આવનારા લોકોની વધુ ચિંતા કરે છે.

35 વર્ષથી ડબ્બાવાળા તરીકે કામ કરી રહેલા બબન કદમ કહે છે, "અમારા સમયમાં અમે જેમ-તેમ કરીને ગુજરાન ચલાવી લેતા હતા. પણ આજના સમયની મોંઘવારીને જોતાં યુવાન પેઢી આ કામમાં નહીં આવે. સૌને સારા પૈસાવાળી નોકરી કે વ્યવસાય જોઈએ છે."

મુંબઈ ટિફિન બૉક્સ સપ્લાયર્સ ઍસોસિએશનના પ્રમુખ રામદાસ બબન કારવંદે જણાવે છે કે, ડબ્બાવાળાનું નૅટવર્ક હવે અગાઉની માફક શહેરના તમામ ભાગોમાં ડિલીવરી નથી કરતું.

ઍસોસિએશન હવે શિફ્ટ આધારિત કામ વિશે વિચારી રહ્યું છે, જેથી ડબ્બાવાળા તેમની સવારની ડિલીવરીની સાથે પાર્ટ-ટાઇમ નોકરી પણ કરી શકે.

કારવંદે જણાવે છે, "આમ કરવાથી તેઓ બીજા કામમાંથી કે નાના વ્યવસાયોમાંથી પણ કમાણી કરી શકશે."

જોકે, એમ કરતાં પણ આ સિસ્ટમ ક્યાં સુધી ટકી રહેશે, તેની તેમને ખાતરી નથી.

"હાલના તબક્કે તો અમે કામ ચાલુ રાખ્યું છે. પણ ભવિષ્યમાં શું થશે, તે અમે કહી શકીએ નહીં," એમ તેઓ જણાવે છે.

જોકે, અત્યારે તો મુંબઈની ટ્રેનોમાં રોજ સવારે સ્ટીલના ડબ્બાઓ લઈને ભીડભાડભર્યાં પ્લૅટફૉર્મ્સ પરથી પસાર થતા માણસો જોવા મળે છે. આ સાથે તેઓ એક સમયે શહેરનો પર્યાય ગણાતી પરંપરાને હજુયે ધબકતી રાખી રહ્યા છે, પણ હવે તેમની સાથે આ પરંપરા જ પાછળ રહી જવાનું સંકટ તોળાઈ રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન