You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસા પહેલાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
4 જૂને ભારતમાં વિધિવત્ ચોમાસું બેસી ચૂક્યું છે, કેરળમાં ચોમાસાના આગમનની સાથોસાથ ગુજરાતમાં પણ પાછલા અમુક દિવસથી છૂટોછવાયો વરસાદ ચાલી રહ્યો છે.
નોંધનીય છે કે સામાન્ય રીતે ભારતમાં ચોમાસું 1 જૂને બેસી જતું હોય છે, પરંતુ આ વખત તેને ત્રણ દિવસ જેટલું મોડું થયું છે.
બીજી તરફ, અગાઉ ભારતના હવામાન વિભાગ અને અન્ય વિશ્વાસપાત્ર હવામાન એજન્સીઓએ પણ ભારતમાં અલ નીનોની અસરને કારણે જૂનથી સપ્ટેમ્બરના ચાર માસમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની અને સરેરાશ કરતાં વધુ તાપમાન રહેવાની આગાહી કરી છે.
હવે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ અને સમગ્ર ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગે બુલેટિન જાહેર કર્યું છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ ક્યાં ક્યાં પડી શકે?
હવામાન વિભાગે 4 જૂનના રોજ બપોરના 12 વાગ્યે જાહેર કરેલા બુલેટિન પ્રમાણે 5 જૂનના રોજ ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે હવળાથી મધ્યમ કક્ષાનો છૂટાછવાયો વરસાદ અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સહિત મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
આ ઉપરાતં 6 જૂનના માટેની આગાહી પ્રમાણે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ સિવાયના તમામ જિલ્લામાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે 7 જૂનના રોજ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાયના તમામ જિલ્લામાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 4 જૂનના રોજ ચોમાસું લક્ષદ્વીપ ટાપુઓના તમામ વિસ્તારો, કેરળ અને માહેના તમામ વિસ્તારો પર ચોમાસું પહોંચી ગયું છે. જ્યારે તામિલનાડુના કેટલાક વિસ્તારો, કર્ણાટકના કેટલાક વિસ્તારો અને બંગાળની ખાડી તથા અરબી સમુદ્રના કેટલાક વધારે વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?
ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો પાછલા કેટલાક દિવસથી સતત છૂટાછવાયા વરસાદને કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત જરૂર મળી છે.
આ સિવાય કેટલાંક સ્થળોએ કરા અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાની ઘટનાઓ પણ નોંધાઈ રહી છે.
હવે ભારત બાદ ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે એ પ્રશ્ન અંગે ચર્ચા કરીએ તો, ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સામાન્ય તારીખ 15 જૂન છે. સૌપ્રથમ ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહોંચે છે અને તે બાદ આગળ વધીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચે છે.
30 જૂન સુધીમાં સામાન્ય રીતે ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને આવરી લે છે. જોકે, સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાની ચાલ અલગ હોય છે અને અલગ અલગ તારીખોએ વિવિધ વિસ્તારોમાં પહોંચે છે.
હવામાન વિભાગ તબક્કાવાર ચોમાસું કયા રાજ્યમાં પહોંચશે તેની જાણકારી આપતું હોય છે. ચોમાસું મહારાષ્ટ્રના મુંબઈમાં પહોંચી જાય તે બાદ સામાન્ય રીતે ગુજરાતની તારીખ જાહેર કરવામાં આવતી હોય છે. ક્યારેક 3થી 4 દિવસ અગાઉ પણ હવામાન વિભાગ માહિતી આપે છે.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાની અરબી સમુદ્રની બ્રાંચ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે અને મુંબઈ સુધી જલદી ચોમાસું પહોંચે તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદ શરૂ થઈ જશે. તાજેતરમાં જ અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. હવે ચોમાસા પહેલાં ફરી વરસાદ શરૂ થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન