You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આગામી દિવસોમાં આ જિલ્લામાં પડશે વરસાદ, ચોમાસું ક્યારથી બેસી શકે?
ગુજરાતમાં કેટલાક જિલ્લામાં પાછલા અમુક દિવસથી છૂટોછવાયો વરસાદ પડવાનો સિલસિલો યથાવત્ છે.
જોકે, થોડા દિવસથી વરસાદને કારણે વાતાવરણમાં પ્રસરેલી ઠંડક ઘણા જિલ્લાઓમાં જાણે ગાયબ થઈ ગઈ છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બફારા અને તડકાને કારણે ગરમીનું જોર યથાવત્ રહ્યું હોય તેવો આભાસ થયો હતો.
અહીં નોંધનીય છે કે ભારતમાં 4 જૂનથી ચોમાસું બેસી ચૂક્યું છે, જે પ્રથમ કેરળમાં ઍૅન્ટ્રી પછી ભારતના અન્ય ભૂભાગો તરફ આગળ વધતું જઈ રહ્યું છે.
હવામાન વિભાગે ફરી એક વાર પોતાના તાજેતરના બુલેટિનમાં ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગેની માહિતી અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના અંગે આગાહી જાહેર કરી છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 7 જૂનના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત બાકીના અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે.
આ સિવાય 8 જૂનના રોજ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત બાકીના અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે.
9 જૂનના રોજ ડાંગ, તાપી, નવસારી અને વલસાઢ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત બાકીના અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે.
હવામાન વિભાગના 6 જૂનના રોજ સવારના આઠ વાગ્યાના બુલેટિન મુજબ, દક્ષિણપશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો અને ગોવાના બાકીના ભાગો સુધી આગળ વધવાની સાનુકૂળ સ્થિતિઓ છે. આ સિવાય આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું તામિલનાડુ, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમમધ્ય, મધ્યપૂર્વ અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના વધુ ભાગો અને ઉત્તરપૂર્વનાં રાજ્યોના કેટલાક ભાગો તરફ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોમાસું ગુજરાત તરફ કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે?
4 જૂને કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ હવે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આગળ વધીને ચોમાસું 6 જૂનની સ્થિતિ પ્રમાણે ગોવા સુધી પહોંચી ગયું છે અને આગામી બે-ત્રણ દિવસમાં મહારાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચી જાય એવી શક્યતા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસાની પ્રગતિ હવે ખૂબ ઝડપથી થઈ રહી છે અને આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કદાચ તેલંગાણાના કેટલાક ભાગો સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.
જો આ જ ઝડપથી ચોમાસું આગળ વધતું રહ્યું તો ગુજરાતમાં સમયસર ચોમાસું બેસે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કંઈક આવી જ શક્યતાઓ મુંબઈના ચોમાસા માટે દેખાઈ રહી છે, નોંધનીય છે કે મુંબઈમાં સામાન્ય રીતે 10-11 જૂનના રોજ ચોમાસું બેસતું હોય છે.
ગુજરાતમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 15 જૂન છે, હાલની સ્થિતિને જોતાં આ તારીખના એકાદ-બે દિવસ આગળ પાછળ રાજ્યમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન