You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજેશ ઍક્સ્પોર્ટ્સઃ 15 લાખ કરોડ રૂપિયાની 'બનાવટી આવક' દેખાડનારી કંપનીમાં LICના ધરખમ રોકાણનો વિવાદ
શૅર બજાર પર દેખરેખ રાખતી નિયમનકારી સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ની તપાસનો સામનો કરી રહેલી રાજેશ ઍક્સ્પોર્ટ્સ પર 2020-21 અને 2024-25નાં નાણાકીય વર્ષો દરમિયાન તેની 15.15 લાખ કરોડ રૂપિયાની આવક વધારી-ચઢાવીને બતાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
જોકે, કંપનીએ સેબી દ્વારા મુકાયેલા આ આક્ષેપો બૉમ્બે સ્ટોક ઍક્સચેન્જ સમક્ષ નકારી કાઢ્યા છે.
કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે, તેણે આવક સંબંધિત સાચા આંકડા જ બહાર પાડ્યા છે અને તેણે કશું ખોટું કર્યું નથી.
વાસ્તવમાં ગઈ ચોથી જૂનના રોજ જારી કરાયેલા તેના 109 પાનાંના આદેશમાં સેબીએ એવો આક્ષેપ કર્યો હતો કે, કંપનીએ તેની પેટાકંપનીઓ મારફત કેટલાંક વર્ષો માટેનાં તેનાં કામકાજો વધારીને દર્શાવ્યાં હતાં.
સેબીના જણાવ્યા પ્રમાણે, 2020-21થી 2024-25નાં છેલ્લાં પાંચ નાણાકીય વર્ષો દરમિયાન આ કંપનીના હિસાબોમાં મોટાપાયે હેરાફેરી કરવામાં આવી હતી.
તેના પરિણામે આશરે 158.3 અબજ ડૉલર (આશરે 15 લાખ, 16 હજાર કરોડ રૂપિયા)ની ખોટી આવક દર્શાવવામાં આવ્યાનો આરોપ છે.
આ રકમ છેલ્લાં પાંચ નાણાકીય વર્ષોમાં કંપની દ્વારા બતાવવામાં આવેલી કુલ આવકના અંદાજે 99.8 ટકા જેટલી થાય છે.
મ્યુચ્યુઅલ ફંડો અંતર રાખ્યું પણ એલઆઇસીએ રોકાણો વધારવાનું ચાલુ રાખ્યું
રાજેશ ઍક્સ્પોર્ટ્સ આભૂષણો અને ગોલ્ડ રિફાઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અને તે આશરે ત્રણ દાયકા પૂર્વે સ્ટોક ઍક્સચેન્જ પર લિસ્ટેડ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૉમ્બે સ્ટોક ઍક્સચેન્જ પર ઉપલબ્ધ શૅરહોલ્ડિંગની પેટર્ન દર્શાવે છે કે, સામાન્યપણે મ્યુચ્યુઅલ ફંડ તરીકે ઓળખાતા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લાં દસ વર્ષોમાં રાજેશ ઍક્સ્પોર્ટ્સમાં રોકાણ કરવામાં રસ દર્શાવ્યો નથી.
આ ગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો લગભગ નગણ્ય રહ્યો હતો.
માર્ચ, 2017માં મ્યુચ્યુઅલ ફંડો રાજેશ ઍક્સ્પોર્ટ્સનો 0.46 ટકા હિસ્સો ધરાવતાં હતાં અને આ હિસ્સો સમય વીતવા સાથે નજીવી વધ-ઘટ સાથે પ્રમાણમાં સ્થિર રહ્યો છે.
માર્ચ, 2026 માટેનો કંપનીનો ડેટા દર્શાવે છે કે, સરકાર દ્વારા નિયંત્રિત લાઇફ ઇન્સ્યૉરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એલઆઇસી) કંપનીનો 10.80 ટકા હિસ્સો ધરાવતી હતી.
શૅરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરતાં એ પણ પ્રગટ થાય છે કે, એલઆઇસી ઉપરોક્ત કંપનીની એકમાત્ર મોટી સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર હતી.
માર્ચ, 2017માં એલઆઇસીનો હિસ્સો 1.19 ટકા હતો, તે લગભગ 10 વર્ષોમાં વધીને 10.80 ટકા થયો હતો.
ધ્યાનપાત્ર બાબત એ છે કે, બીજી કોઈ પણ ઇન્સ્યૉરન્સ કંપનીએ સોના અને આભૂષણોના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીમાં કોઈ રસ દર્શાવ્યો ન હતો.
માર્ચ, 2026ની શૅર હોલ્ડિંગ પેટર્ન મુજબ, અન્ય ઇન્સ્યૉરન્સ કંપનીઓ તેમાં નજીવો હિસ્સો ધરાવતી હતી.
રાજેશ ઍક્સપોર્ટ્સ મામલે કૉંગ્રેસે શું કહ્યું?
આ મામલાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. વિરોધ પક્ષ કૉંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આને કૌભાંડ ગણાવ્યું છે.
એક્સ પર એક લાંબી પોસ્ટમાં તેમણે લખ્યું હતું, "પાંચ વર્ષોમાં કંપનીએ 15.5 લાખ કરોડની બનાવટી આવક દર્શાવી હતી. તેણે સ્વિસ કંપની વેલકેમ્બી એસએ જેવી વિદેશી પેટાકંપનીઓમાંથી મોટી આવક નોંધાવી હતી, પણ તેમાં કોઈ ગ્રાહકની વિગતો નથી કે કોઈ રસીદ પણ નથી. પ્રમોટર સાથે જોડાયેલી કંપનીઓને પરવાનગી વિના ફંડ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. ત્રીજી જૂને સેબીએ સ્ટોક માર્કેટમાં કંપની પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. કંપનીના શૅર 80 ટકા સુધી ગગડી ગયા અને શૅરધારકોએ 12,726 કરોડની ખોટ વેઠવાનો વારો આવ્યો. એલઆઇસીએ કંપનીમાં 2,000 કરોડ રૂપિયા રોક્યા હતા, જેમાંથી લગભગ 1,600 કરોડ રૂપિયા ડૂબી ગયા છે."
તેમણે આક્ષેપ કર્યો હતો, "મોદી સરકારના નાક નીચે પાંચ વર્ષ સુધી આ કૌભાંડ ચાલતું રહ્યું. વડા પ્રધાને રાજેશ મહેતા સાથે ફોટા પણ પડાવ્યા છે. ઠગો અને કાયદાને હાથતાળી આપીને ભાગતા લોકો મોદી સરકારના નાક નીચે જ ભાગી રહ્યા છે. છેલ્લાં 12 વર્ષમાં તેમાંથી કોઈને ભારત પરત લવાયા નથી... તેમના પોલા અને જૂઠ્ઠા શબ્દો - "ખાતો નથી ને ખાવા દેતો નથી" ફરી વખત જોરથી ગૂંજી રહ્યા છે!"
વરિષ્ઠ ઍડ્વોકેટ પ્રશાંત ભૂષણે એક્સ પર એક ફોટો શૅર કરીને લખ્યું હતું, "કોઈ કંપની કેવી રીતે 12 વર્ષ સુધી 15 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની નકલી નિકાસો દર્શાવી શકે અને કોઈની નજરમાં ન આવે? શું આ 15 લાખ કરોડ રૂપિયા ટેક્સ હેવનમાંથી મની લૉન્ડરિંગ મારફત લવાયેલાં નાણાં હતાં? આ કંપનીને કોણ બચાવી રહ્યું હતું? સત્તામાં બેઠેલા લોકો સાથે તેને શું સંબધ છે? આ ફોટો કદાચ તેની કોઈ કડી પૂરી પાડી શકે!"
પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ એક્સ પર લખ્યું હતું, "રાજેશ ઍક્સ્પોર્ટ્સ સામેની મૂળ ફરિયાદ માર્ચ, 2024માં સેબી સમક્ષ દાખલ કરવામાં આવી હતી, તે સમયે વિવાદાસ્પદ માધવી પુરી બુચ સેબીનાં વડાં હતાં. ફરિયાદ દાખલ થયાના 26 મહિના પછી સેબીએ વચગાળાનો આદેશ જારી કરતાં કહ્યું હતું કે, કંપનીએ 15 લાખ કરોડ રૂપિયા કરતાં વધુની આવક ખોટી રીતે રજૂ કરી હતી."
કંપનીએ એવો દાવો કર્યો હતો કે, તેની સ્વિટ્ઝરલૅન્ડસ્થિત પેટાકંપની વેલકેમ્બી એસએ તેના અબજો ડૉલરના વૈશ્વિક વ્યવસાયનો મુખ્ય આધાર હતી. જોકે, ઓડિટમાં બહાર આવ્યું હતું કે, પેટાકંપનીની વાસ્તવિક આવક (ઓડિટ) કંપનીના દર્શાવવામાં આવેલા આંકડાના અડધા ટકા કરતાંય ઓછી હતી.
સાથે જ સેબીને એ પણ માલૂમ પડ્યું હતું કે, કંપનીએ રૂપિયા 11,487 કરોડનાં વેચાણો અને રૂપિયા 11,488 કરોડ કરતાં વધુની ખરીદી સહિત અબજો રૂપિયાના છેતરપિંડીયુક્ત વ્યવહારો નોંધ્યા હતા.
તપાસ મુજબ, આ વ્યવહારોમાં, રાજેશ મહેતા દ્વારા તેમની વ્યક્તિગત ક્ષમતાથી કરવામાં આવેલા ગોલ્ડ ડેરિવેટિવ્ઝના સોદા કંપનીનાં ખાતાંઓમાં જમા બતાવાયા હતા.
સેબીએ તેના આદેશમાં કહ્યું હતું, "સાથે જ એ પણ બહાર આવ્યું હતું કે, આરઇએલ (રાજેશ ઍક્સ્પોર્ટ્સ લિમિટેડ)એ વેલકેમ્બી એસએનાં ઓડિટેડ ફાયનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ તેની વેબસાઇટ પર દર્શાવ્યાં નહોતાં, જેથી રોકાણકારો કંપનીની વાસ્તવિક નાણાકીય સ્થિતિ વિશેની ચોક્કસ વિગતો મેળવવાથી વંચિત રહ્યા હતા."
રાજેશ ઍક્સ્પોર્ટ્સે શું સ્પષ્ટતા કરી?
રાજેશ ઍક્સ્પોર્ટ્સે ચોથી જૂનના રોજ સ્ટોક ઍક્સ્ચેન્જ ફાઇલિંગમાં એવી સ્પષ્ટતા કરી હતી કે, સેબીનો ચુકાદો વચગાળાનો આદેશ હતો અને "તેમાં કોઈપણ પ્રકારનું નકારાત્મક તારણ કાઢવામાં આવ્યું નથી."
કંપનીએ એવો દાવો કર્યો હતો કે, તેણે "કશું ખોટું કામ કર્યું નથી" અને તેણે આવકના જે આંકડા જાહેર કર્યા હતા, તે સાચા હતા.
કંપનીએ તેની યાદીમાં જણાવ્યું હતું, "આદેશમાં મુખ્ય વાંધો આવકની કથિત ખોટી રજૂઆત વિશેનો છે. આ સ્થિતિ મુખ્યત્વે એક ગૂંચવણને લીધે ઉદ્ભવી છે, કારણ કે, સેબીએ વેલકેમ્બીની આવકને બદલે તેના વ્યાજ, કર, ડેપ્રિસિએશન અને એમોર્ટાઇઝેશન પૂર્વેની આવકને તેના હિસાબ માટેનો આધાર ગણી છે. આ જ કારણસર સેબીએ આવકમાં લગભગ 97 ટકાનો તફાવત નોંધ્યો છે."
કંપની જણાવે છે કે, જો વેલકેમ્બી એસએના નાણાકીય ડેટાનું સાચું અર્થઘટન કરવામાં આવે, તો આવકની કથિત અસમાનતાઓ દેખાશે નહીં. જોકે, સેબીની વિસ્તૃત તપાસ અને આગામી કાર્યવાહી પછી જ આ મામલા પર અંતિમ નિષ્કર્ષ સામે આવશે.
અમેરિકાસ્થિત પાઇનટ્રી મેક્રોના સ્થાપક રિતેશ જૈને ગુરુવારે એક્સ પર પોસ્ટ કરીને સેબીની તપાસનાં તારણો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે તેની વ્યાપક આર્થિક અસરો તરફ પણ ધ્યાન દોર્યું હતું.
જૈને રૉયટર્સ એશિયાનો અહેવાલ શૅર કરતાં દેશના સમાવેશક બિઝનેસ ડેટા સામે સવાલ ઊઠાવ્યો હતો. તે અહેવાલમાં જણાવ્યું હતું, "સેબીએ કંપનીનાં ખાતાંઓમાં 158 અબજ ડૉલર (આશરે 15.15 લાખ કરોડ રૂપિયા)ના વધારી-ચઢાવીને રજૂ કરાયેલા આંકડા પકડી પાડ્યા છે."
તેમણે સંકેત આપ્યો હતો કે, જો આવકના ડેટામાં આટલી વિશાળ સ્તરની વિસંગતતા રહેલી હોય, તો ભારતના કુલ વેપાર અને નિકાસના ડેટાની વિશ્વસનીયતા પર પણ માઠી અસર પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન