You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હીરા માટે જાણીતા દેશની સૌથી મોટી ખાણ કેમ બંધ થઈ રહી છે?
- લેેખક, એડ બટલર
- પદ, વેપાર સંવાદદાતા, કોનો, સિએરા લિયોન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
લૅબ-ગ્રોન હીરાની વધી રહેલી લોકપ્રિયતાને કારણે ખાણમાંથી કાઢવામાં આવેલા હીરાના ભાવો ગગડી ગયા છે. પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોનમાં આવેલી દેશની સૌથી મોટી હીરાની ખાણને તાળાં વાગી ગયાં છે.
પુરુષો ઉઘાડા ડિલે ધોમધખતા તાપમાં આકરી મજૂરી કરી રહ્યા છે. ખાડાના કાદવને ચાળીને પાવડાથી ખસેડવાનું કામ ચાલુ છે. સિએરા લિયોનના હીરાઉત્પાદક પ્રદેશ કોનોમાં આવેલી આ અંતરિયાળ, અનૌપચારિક અને નાના સ્તરની ખાણના ફોરમેન ડૅનિયલ હાથ વડે જે કાંકરીઓ અને માટી ફંફોળી રહ્યા છે, તે મને બતાવે છે.
તેઓ કહે છે, "અમે તેને પાણીમાં નાખીને પછી ધોઈએ છીએ, જેથી જો તેમાંથી કશું હીરા જેવું કે કોઈ ચળકતો પથ્થર મળી આવે, તો તરત જોઈ શકાય." ડૅનિયલ ઉપરાંત અન્ય પાંચ પુરુષો હીરાના નાના ટુકડા શોધી રહ્યા છે, પણ અહીં કમાણી સાવ ઓછી છે. "મેં હજી એટલી મોટી કમાણી નથી કરી. કેટલીક વખત તો આખું વર્ષ કંઈ મળતું નથી," એમ તેઓ કહે છે. "ભગવાનની કૃપાથી જ હીરો મળે છે. અમે બસ સપનાં જોઈ રહ્યા છીએ, હજુયે અમે આશા સેવી રહ્યા છીએ."
ગયા વર્ષે દેશની સૌથી મોટી હીરાની ખાણ કોઇડુ હોલ્ડિંગ્ઝ બંધ થઈ ગયા પછી કોનોમાં આ પ્રકારની બિનઅધિકૃત ખાણો વધી ગઈ છે. ખાણિયાઓનાં વેતનને લઈને ઔદ્યોગિક વિવાદ થયા પછી ખાણ બંધ થઈ જતાં એક હજાર લોકોએ નોકરી ગુમાવવી પડી હતી. સત્તાવાર રીતે કંપની કહે છે કે વિવાદના ખર્ચ અને સુરક્ષાને લગતાં કારણોસર ખાણ બંધ કરવામાં આવી હતી, પણ ખાનગીપણે, આંતરિક સૂત્રો સ્વીકારે છે કે નબળા વૈશ્વિક બજારની પણ તેમાં ભૂમિકા રહી હતી.
કુદરતી હીરાની કિંમતમાં ઘટાડો કેમ થયો?
કેવળ છેલ્લાં ચાર વર્ષની અંદર જ પોલિશ્ડ કુદરતી હીરાની છૂટક કિંમત 40% જેટલી ઘટી ગઈ છે. આ પાછળનું મુખ્ય પરિબળ કહેવાતા લૅબ-ગ્રોન હીરા ઉદ્યોગની વૃદ્ધિ છે. ફૅક્ટરીમાં ક્રિસ્ટલાઇઝ્ડ કાર્બનમાંથી બનાવવામાં આવતા આ હીરા રાસાયણિક રીતે તેમજ ભૌતિક રીતે ખાણમાંથી મળતા હીરા જેવા જ હોય છે. મોટા ભાગે ભારત અને ચીનમાં HPHT (હાઇ પ્રેશર હાઇ ટેમ્પરેચર - ઊંચું દબાણ, ઊંચું તાપમાન) અને CVD (કેમિકલ વેપર ડિપોઝિશન) - એ બે વિભિન્ન ટૅકનૉલૉજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હોવાથી આ હીરાની કિંમત સામાન્ય કિંમત કરતાં 70% જેટલી ઓછી હોય છે.
કોનોના ગવર્નર ઑગસ્ટિન શેખો કહે છે કે કુદરતી હીરાના વૈશ્વિક ભાવોમાં મોટો ઘટાડો થતાં છેલ્લાં પાંચ વર્ષોમાં આ પ્રદેશને ભારે ફટકો પડ્યો છે. "હીરાના નીચા મૂલ્યને લીધે ખાણિયાઓની કમાણી ઘટી ગઈ છે, રોકાણ મર્યાદિત થઈ ગયું છે તેમજ સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ પણ નબળી પડી ગઈ છે." 1930ના દાયકાથી હીરાનું ખનન પશ્ચિમ આફ્રિકાના આ ભાગની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર રહ્યું છે. 35 વર્ષ પહેલાં આ પ્રદેશ સિએરા લિયોનમાં ક્રૂર અને લાંબા સમય સુધી ચાલેલા ગૃહયુદ્ધનું કેન્દ્ર બન્યો હતો, જેના પરથી 2006માં લિયોનાર્ડો ડી કેપ્રિયોને ચમકાવતી હોલિવૂડની ફિલ્મ 'બ્લડ ડાયમન્ડ્ઝ' બનાવવામાં આવી હતી.
કોનોને તેના હીરાના ખજાનાને કારણે નિશાન બનાવવામાં આવ્યો હતો. શેખોએ આ પ્રદેશમાં આચરવામાં આવેલા અસંખ્ય અત્યાચારોનું વર્ણન કર્યું હતું, જેમાં કબજો મેળવવા લડતાં સશસ્ત્ર જૂથોના સંઘર્ષમાં તેમનાં ખુદનાં માતાની હત્યાનો પણ સમાવેશ થતો હતો. "તેઓ અંધાધૂંધ ગોળીબાર કરતા હતા, લોકોને મારી નાખ્યા અને આખું શહેર સળગાવી દીધું," એમ તેઓ કહે છે.
"તે આતંકની લડાઈ હતી... મારાં માતા દુર્ભાગ્યે તેનો ભોગ બન્યાં... તે દુઃસ્વપ્ન હતું. હું સાચે જ તેના વિશે વિચારવા નથી માગતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યાં હીરા નીકળે છે ત્યાંના જ લોકો નિરાશ કેમ?
એક અંદાજ પ્રમાણે, 11 વર્ષ સુધી ચાલેલા સંઘર્ષના અંતે 50 હજાર કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા હતા અને લાખો લોકો અપંગ થઈ ગયા કે પછી ત્યાંથી ઉચાળા ભરી ગયા હતા. 2003માં યુનાઇટેડ નેશન્સનું પીઠબળ ધરાવતી આંતરરાષ્ટ્રીય હીરા પ્રમાણન યોજના - કિમ્બરલી પ્રોસેસ શરૂ કરવામાં આવી, જેનો આશય આવા સંઘર્ષગ્રસ્ત હીરાને મુખ્ય પ્રવાહના હીરા બજારમાં પ્રવેશ કરતાં અટકાવવાનો હતો. પણ ઉદ્યોગે તેના કારણે થયેલા નુકસાનને ઓછું કરવા માટે ઘણો સંઘર્ષ વેઠવો પડ્યો છે.
કોનોની એક પ્રાથમિક શાળાના શિક્ષક અબુબકર અમારા કહે છે, "મારા મતે તો, હીરાએ અમને નિરાશ કર્યા છે. તે હીરાએ અમારા સમુદાય માટે, કોનો માટે, સિએરા લિયોન માટે શું કર્યું? વિશ્વમાં અમને એક ગરીબ દેશ ગણવામાં આવે છે."
હીરાના ખનન અને વેચાણમાં નિપુણતા ધરાવતી બ્રિટનની બહુરાષ્ટ્રીય કંપની ડી બિયર્સ સ્થિતિ બદલવા માટે ઉત્સુક છે. સિએરા લિયોનમાં તેણે 'જેમફેર' નામનો પ્રોજેક્ટ આદર્યો છે, જેમાં સ્થાનિક કારીગર ખાણિયાઓને સાધનો, તાલીમ અને તેમણે શોધેલા હીરાની વધુ વાજબી કિંમત આપવામાં આવે છે. તેને હીરા માટેની તટસ્થ વેપાર યોજના કહી શકાય. જેમફેરના સ્થાનિક પ્રતિનિધિ રેમન્ડ આલ્ફા કહે છે, "આ પાછળનો આશય બજારો સાથે જોડાણ સાધવાનો છે, જેથી તેઓ તેમના હીરા વેચવા માટેનું એક સ્થાન શોધી શકે. સાથે જ એક આશય તેમનું સશક્તીકરણ કરવાનો, તેમને તાલીમ પૂરી પાડવાનો છે. અમે તેમને કૌશલ્યો પૂરાં પાડીએ છીએ."
પરંતુ, ડી બિયર્સ માટે તેનું સૌથી મહત્ત્વનું કાર્ય પ્રતિષ્ઠા સાથે જોડાયેલું છે, જેથી રિટેલરો તેમના દ્વારા વેચવામાં આવતા પ્રત્યેક હીરાની મૂળ કહાણી ગ્રાહકોને જણાવી શકે.
ડી બિયર્સના પ્રતિનિધિ ડૅવિડ જ્હોન્સન કહે છે, "ગ્રાહકોનો રસ વધી રહ્યો છે. લોકો હવે જાણવા માગે છે કે તેમની કૉફી, કપાસ કે ચૉકલેટ ક્યાંથી આવ્યાં છે. આથી, એમાં કોઈ નવાઈ નથી કે તેઓ તેમના હીરા ક્યાંથી આવ્યા એ પણ જાણવા માગે છે. કારણ કે, હીરા આમ પણ ભાવનાત્મક રીતે મહત્ત્વની ખરીદી ગણાય છે."
લૅબ-ગ્રોન હીરાની લોકપ્રિયતા કેમ વધી રહી છે?
હીરા ક્યાંથી આવ્યા છે, તે અંગેની આ વધેલી પારદર્શકતાને પગલે ખાણમાંથી નીકળેલા હીરાને વધુ ગ્રાહકો મળી શકે છે, પણ કેટલાક લોકો કહે છે કે લૅબ-ગ્રોન હીરાની લોકપ્રિયતા વધવાનું ચાલુ રહેશે. ભારતમાં લૅબ-ગ્રોન હીરાનું કેન્દ્ર એવા સુરતમાં કાર્યરત કૉમોડિટીઝ કંપની ફોરલિંક વેન્ચર્સના ચીફ ઍક્ઝિક્યુટિવ રોહિત મહેતા કહે છે કે આ હીરા માત્ર સસ્તા જ નથી, બલ્કે તે વધુ નૈતિક અને પર્યાવરણ માટે બહેતર પણ છે. તેઓ ઉમેરે છે, "લોકો ક્લાઇમેટ ચેન્જ વિશે અને પૃથ્વીના પેટાળમાંથી થતા ખનન વિશે વધુ સતર્ક છે."
પરંતુ, લૅબ-ગ્રોન હીરા પર્યાવરણ માટે સાનુકૂળ હોવાની દલીલ દરેકના ગળે ઊતરતી નથી. કુદરતી હીરાથી અલગ, લૅબ-ગ્રોન હીરા પાછળ અઢળક ઊર્જા ખર્ચાય છે અને એક રફ હીરો બનાવવા માટે પણ વિપુલ પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે. લૅબ-ગ્રોન હીરાઉદ્યોગની વૃદ્ધિનો અભ્યાસ કરનારા અમેરિકાસ્થિત પર્યાવરણીય સલાહકાર સ્ટેનલી મથુરમ કહે છે, "આ રિએક્ટર્સ સૂર્યના તાપમાન જેટલી ગરમી પર ચાલતાં હોય છે. તે ડેટા સેન્ટરો જેવાં હોય છે. તેમને આ જ પ્રકારની ઊર્જાની જરૂર પડે છે."
જોકે, ઊર્જાના વપરાશ અંગેની તે ચિંતા ખરીદકર્તાઓને અટકાવી રહી હોય, એમ લાગતું નથી. ગયા વર્ષે લૅબ-ગ્રોન હીરા બજારનું મૂલ્ય 29.5 અબજ ડૉલર (21.9 અબજ પાઉન્ડ) નોંધાયું હતું અને 2024 સુધીમાં તે 91.9 અબજ ડૉલરના સ્તરે પહોંચશે, એવો અંદાજ એક અભ્યાસમાં આંકવામાં આવ્યો હતો. 2025 માટેનો લૅબ-ગ્રોન હીરાનો આંકડો 20 અબજ ડૉલર કરતાં વધારે છે, જે ડી બિયર્સના અંદાજ પ્રમાણે આભૂષણોમાં વપરાતા કુદરતી, ખાણમાંથી મળેલા હીરાનું કુલ વાર્ષિક આંતરરાષ્ટ્રીય મૂલ્ય છે.
અમેરિકામાં વેડિંગ પ્લાનિંગ વેબસાઇટ 'ધ નોટ' દ્વારા હાથ ધરવામાં આવેલા 2026ના રિયલ વેડિંગ સ્ટડી મુજબ, અમેરિકામાં સગાઈની વીંટીઓમાં લૅબ-ગ્રોનનો હિસ્સો તમામ વેચાણોમાં 61% નોંધાયો છે. અહેવાલ પ્રમાણે, આ ફેરફાર "આર્થિક વ્યાવહારિકતા અને બદલાતાં મૂલ્યો દ્વારા પ્રેરિત છે. 40% યુગલોએ કહ્યું હતું કે ખાસ કરીને એ બાબત મહત્ત્વની છે કે તેમનો હીરો પ્રયોગશાળામાં વિકસાવવામાં આવે."
જ્યોર્જિયાના એટલાન્ટા ખાતે જ્વેલરી રિટેલર ડૅવિડ ડગ્લાસ ડાયમન્ડ્ઝના સહ-સ્થાપક ડગ મીડોઝ કહે છે કે લોકો લૅબ-ગ્રોન હીરા તરફ વળી રહ્યા છે, કારણ કે આ રીતે તેઓ મોટો હીરો ખરીદી શકે છે. "મૂળ મુદ્દો હીરાનો જ છે. તેઓ તેમને પોસાઈ શકે, તેવો મોટો અને ચળકતો હીરો ખરીદવા માગે છે. વર્ષો પહેલાં ઘરેણાંના તમામ ભાગોમાંથી હીરાનો ભાગ સૌથી મોંઘો ગણાતો હતો. સોનાના ભાવ ઉછળીને એક ઔંસના 4500થી 5000 ડૉલરે પહોંચી જતાં દાગીનાનું ઘડામણ ઘણું મોંઘું થઈ ગયું છે અને હીરો તેમાં સસ્તો ભાગ બની રહ્યો છે."
મીડોઝ ઉમેરે છે કે માટી સાથે વણાયેલી વાર્તા ધરાવતા તેમજ પશ્ચિમ આફ્રિકાના દરિદ્ર ખાણિયાઓના પરિશ્રમનું મૂલ્ય ઉજાગર કરતા કુદરતી હીરાને પ્રોત્સાહન આપવાના વિચાર પ્રત્યે તેઓ સહાનુભૂતિ ધરાવે છે, પણ એ હીરાનું વેચાણ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. "એક ગ્રાહકને કુદરતી હીરાના મૂલ્ય વિશે સમજૂતી આપવાની કોશિશ કરવી હવે નવો જ પડકાર બની ગયો છે. હું નથી જાણતો કે અમે તે કેવી રીતે કરીશું, તેમ છતાં મને આશા છે કે ઉદ્યોગ તેનો કોઈ માર્ગ કાઢશે."
સિએરા લિયોનના ડાયમન્ડ બેલ્ટ તરફ પાછા વળીએ તો, ડૅનિયલ ચાળણીમાંથી કાંકરાનો વધુ એક ઢગલો ફેંકી દે છે. માથું નીચે નમાવીને ખાડાના વાદળી-ભૂખરા કાદવ તરફ જોતાં તેઓ કહે છે, "કમનસીબે અહીં કોઈ હીરો નથી." "હું ફરી વખત નસીબ અજમાવીશ," આટલું બોલીને તેઓ ફરી ખોદકામ શરૂ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન