You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કયા જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
ભારતમાં ત્રણેક દિવસના વિલંબ બાદ આખરે 4 જૂનના રોજ વિધિવત્ ચોમાસું બેસી ચૂક્યું છે.
કેરળમાં દસ્તક દીધા બાદ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો ઘણા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાનું ચાલુ છે. તેમજ વાદળછાયા વાતાવરણ અને વરસાદને કારણે રાજ્યમાં અંગ દઝાડતી ગરમીથી થોડી રાહત મળી રહી છે.
હવે હવામાન વિભાગ ચોમાસાની આગેકૂચ અને આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ અંગે ફરી એક વાર આગાહી કરી છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?
ભારતના હવામાન વિભાગે 5 જૂનના રોજ જાહેર કરેલા પોતાના બુલેટિનમાં આગામી દિવસો માટે ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સ્થિતિની આગાહી કરી છે. જે મુજબ, 6 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત, 7 જૂને અમેરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાયના રાજ્યના બીજા જિલ્લામાં આ દિવસે શુષ્ક હવામાન રહી શકે છે.
8 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાયના રાજ્યના બીજા જિલ્લામાં આ દિવસે શુષ્ક હવામાન રહેવાની આશંકા છે.
બીજી તરફ, ચોમાસાની આગેકૂચની વાત કરીએ તો હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે મધ્ય અરબી સમુદ્ર, સમગ્ર ગોવા, મહારાષ્ટ્ર-આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, કર્ણાટકના વધુ ભાગો, તામિલનાડુના બાકી રહેલા ભાગો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમમધ્ય, મધ્યપૂર્વ અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના વધુ ભાગો અને ઉત્તરપૂર્વનાં રાજ્યોના કેટલાક ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની આગળ વધવા માટેની સાનુકૂળ સ્થિતિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?
ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો પાછલા કેટલાક દિવસથી સતત છૂટાછવાયા વરસાદને કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત જરૂર મળી છે.
આ સિવાય કેટલાંક સ્થળોએ કરા અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાની ઘટનાઓ પણ નોંધાઈ રહી છે.
હવે ભારત બાદ ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે એ પ્રશ્ન અંગે ચર્ચા કરીએ તો, ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સામાન્ય તારીખ 15 જૂન છે. સૌપ્રથમ ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહોંચે છે અને તે બાદ આગળ વધીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચે છે.
30 જૂન સુધીમાં સામાન્ય રીતે ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને આવરી લે છે. જોકે, સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાની ચાલ અલગ હોય છે અને અલગ અલગ તારીખોએ વિવિધ વિસ્તારોમાં પહોંચે છે.
હવામાન વિભાગ તબક્કાવાર ચોમાસું કયા રાજ્યમાં પહોંચશે તેની જાણકારી આપતું હોય છે. ચોમાસું મહારાષ્ટ્રના મુંબઈમાં પહોંચી જાય તે બાદ સામાન્ય રીતે ગુજરાતની તારીખ જાહેર કરવામાં આવતી હોય છે. ક્યારેક 3થી 4 દિવસ અગાઉ પણ હવામાન વિભાગ માહિતી આપે છે.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાની અરબી સમુદ્રની બ્રાંચ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે અને મુંબઈ સુધી જલદી ચોમાસું પહોંચે તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદ શરૂ થઈ જશે. તાજેતરમાં જ અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. હવે ચોમાસા પહેલાં ફરી વરસાદ શરૂ થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન