બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ, ચોમાસું ફરી સક્રિય થશે?

પ્રકાશિત

ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં ઑગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદી ગતિવિધિઓ ધીમી પડી ગઈ છે અથવા તો અનેક વિસ્તારોમાં વરસાદ પડી જ રહ્યો નથી.

રાજ્યમાં દક્ષિણ ગુજરાતને છોડીને મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે અને ઑગસ્ટમાં વરસાદ પડ્યો નથી. હવે અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ દેખાઈ રહી છે.

હાલ માત્ર ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો, પૂર્વોત્તરનાં રાજ્યો અને હિમાલયની તળેટીમાં જ વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થયો છે.

હવે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે જે થોડી મજબૂત બનીને લૉ પ્રેશર એરિયા બને તેવી શક્યતા છે.

હવે ફરીથી ગુજરાતમાં વાતાવરણ પલટાય તેવી તેમજ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાવા લાગી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના ટ્રૅકમાં થોડો ફેરફાર થતાં ગુજરાતમાં ફરી વાર મેઘમહેર જોવા મળી શકે છે.

આ બદલાવને કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી એક વાર પલટો આવે તેવી અને કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.

સિસ્ટમ અનુમાન પ્રમાણે આગળ વધવાને કારણે પહેલાં દક્ષિણ-પૂર્વ અને પછી કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ નોંધાઈ શકે છે.

આજથી ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ સુધી હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

રવિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, સુરત, નર્મદા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, આણંદ, ખેડા અને વડોદરાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને સૌરાષ્ટ્રના બાકીના તમામ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ હળવો વરસાદ વરસે તેવી સંભાવના છે.

તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. અહીંના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં અને કેટલાક તાલુકામાં વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં આ સિસ્ટમને કારણે વરસાદ પડશે?

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડ્યો નથી. કોઈ જગ્યાએ માત્ર છુટોછવાયો વરસાદ પડ્યો છે.

બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમ ભારતના ભૂ-ભાગો તરફ આગળ વધશે પરંતુ તે સિસ્ટમ રાજસ્થાન કે ગુજરાત પર આવે એવી શક્યતા દેખાતી નથી.

હવામાન વિભાગ સહિત બીજાં મૉડલો જે સ્થિતિ દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે સિસ્ટમ આગળ વધીને ઉત્તર તરફ જતી રહે તેવી શક્યતા છે. દેશમાં ફરી ચોમાસું સક્રિય થશે પરંતુ તે માત્ર મધ્ય ભારત, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં જ સક્રિય થશે.

આ ઉપરાંત ગોવા, કોકણના વિસ્તારો, કર્ણાટકના વિસ્તારો અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, પશ્ચિમ મધ્ય પ્રદેશના વિસ્તારોમાં આ સિસ્ટમની ખાસ અસર થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી.

સ્કાયમેટ વેધરના એક અહેવાલ પ્રમાણે આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી નથી. એટલે તે વધારે આગળ વધે તે પહેલાં જ ફરીથી નબળી પડે તેવી શક્યતા છે. જેથી તેની અસર ભારતના કેટલાક ભાગોમાં જ થશે.

ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદની શક્યતા નથી?

ગુજરાતમાં વરસાદ આપણે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત નજીક પાકિસ્તાન પર બનતી સિસ્ટમો કે ઑફ શૉર ટ્રફ પર આધારિત છે.

ઉપરોક્તમાંથી કોઈ મજબૂત સિસ્ટમ બને તો ગુજરાતમાં વરસાદ વધે છે અને જો કોઈ સિસ્ટમ ના હોય તો રાજ્યમાં વરસાદી ગતિવિધિ ધીમી કે નહિવત્ બની જાય છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ માત્ર છુટાછવાયા વરસાદની જ શક્યતા છે. કોઈ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા દેખાતી નથી.

આગામી ત્રણ કે ચાર દિવસો સુધી ગુજરાતમાં માત્ર હળવો કે મધ્ય વરસાદ અને એ પણ માત્ર કેટલાક વિસ્તારોમાં જ થાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી કે ભાવનગરના કોઈ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં કોઈ જગ્યાએ છુટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે.

ગુજરાત માટે આ વર્ષે જુલાઈ મહિનો ખૂબ સારો રહ્યો હતો તેમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. પરંતુ ઑગસ્ટ મહિનાએ વરસાદને લઈને નિરાશ કર્યા છે.

ઑગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ?

ઑગસ્ટમાં વરસાદ ખેંચાતા રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં વરસાદની ઘટ વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જુલાઈ મહિનામાં જે જિલ્લાઓમાં વરસાદ સરપ્લસ હતો ત્યાં પણ વરસાદની ઘટ દેખાઈ રહી છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સરેરાશ 0.43 મીમી વરસાદ જ પડ્યો છે. આખા ઑગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો ઑગસ્ટ મહિનામાં સરેરાશ 16.48 મીમી વરસાદ જ પડ્યો છે. જ્યારે કે જુલાઈમાં સરેરાશ વરસાદનું પ્રમાણ 448.73 મીમી હતું.

રાજ્યમાં કુલ 708.17 મીમી એટલે કે સિઝનનો કુલ સરેરાશ 80.79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.