You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઊધઈ કેવા વિસ્તારોમાં વધુ લાગે? ફર્નિચર અને રોકડ રૂપિયા કેમ ખાઈ જાય?
નવું ઘર લીધા બાદ જે તે વ્યક્તિ ઘરની સજાવટમાં ફર્નિચરને વધુ મહત્ત્વ આપે છે. લોકો લાખો રૂપિયાના ખર્ચે ફર્નિચર બનાવે છે, પણ આવું ફર્નિચર જ્યારે ઊધઈ કોરી ખાય કે બગાડી નાખે ત્યારે તેની સમસ્યાનો પાર નથી રહેતો. એટલું જ નહીં પણ બૅન્કમાં રાખેલા પૈસા કે અગત્યના દસ્તાવેજ પણ ઊધઈએ કોરી ખાધા હોય એવા અનેક કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે.
પ્રતીક પ્રજાપતિનો અમદાવાદમાં ફર્નિચર બનાવવાનો વ્યવસાય છે. તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે, "મારી પાસે એવા ઘણા કિસ્સાઓ આવ્યા છે કે લોકોના કબાટમાં અથવા નોટોનાં બંડલ પર ઊધઈ આવી ગઈ હોય. મારે દર મહિને એક કેસ તો ઊધઈના લીધે નુકસાન થયું હોય એવો આવે જ છે. પરંતુ હવે લોકો લાકડાનાં ફર્નિચર બનાવવાને બદલે પીવીસી ફર્નિચર બનાવવાની માગણી કરે છે."
ઊધઈએ બૅન્કમાં રાખેલા પૈસા બગાડી નાખ્યા હોય કે ખાઈ ગઈ ગઈ હોય એવા કેટલાક કિસ્સા પર નજર કરીએ.
ગુજરાતના વડોદરા શહેરમાં એક ખાતાધારકના બૅન્કના લોકરમાં રાખેલા બે લાખથી વધુ રૂપિયા ઊધઈએ કોરી ખાધા હતા.
આંધ્રપ્રદેશમાં એક વ્યક્તિએ જિંદગીભરની કમાણી અને બચત કરેલી રોકડ રકમ લોખંડની તિજોરીમાં રાખી હતી અને તેને ઊધઈ ખાઈ ગઈ હતી. અહેવાલ અનુસાર, ઊધઈ અંદાજે પાંચ લાખ રૂપિયાની ચલણી નોટોને ખાઈ ગઈ હતી.
તો રાજસ્થાનના ઉદયપુરમાં પંજાબ નેશનલ બૅન્કની શાખામાં પણ ઊધઈ લાખો રૂપિયાની નોટો અને પ્રોપર્ટીના દસ્તાવેજોને કોરી ખાતાં હતાં.
તો એવું કેમ થાય છે કે ઊધઈ ઘરની અમુક વસ્તુઓને કોરી ખાઈ છે? ઊધઈની પ્રકૃતિમાં શું જરૂર છે?
ઊધઈ શું છે અને ક્યાંથી આવે છે?
ઊધઈને અંગ્રેજીમાં 'વ્હાઇટ આન્ટ' એટલે કે 'સફેદ કીડી' કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટાનિકા મુજબ, ઊધઈ 2750 પ્રકારની હોય છે અને તેમાંથી માત્ર 10 ટકા જંતુઓની શ્રેણીમાં આવે છે. જંતુઓ તે છે જે ગંભીર અને અત્યંત ખર્ચાળ નુકસાનનું કારણ બને છે.
ઊધઈની 2600 જેટલી પ્રજાતિમાંથી 270 ભારતમાં જોવા મળે છે. અમુક જાત જમીનની અંદર રહે છે જે ઘરનાં ફર્નિચર જેવી વસ્તુઓ નુકસાન પહોંચાડે છે. જ્યારે અમુક જાત જમીનની બહાર પણ રહે છે. તેવી જાત ખેતરમાં પાકને નુકસાન પહોંચાડે છે.
આ વિશે બીબીસીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને કીટકશાસ્ત્રી લલિત ઘેટિયા સાથે વાત કરી.
પ્રોફેસર લલિત કહે છે કે, "ઊધઈ જમીનમાં ત્રણ ફૂટ નીચે રહે છે. તેનું કદ 8થી 10 સેન્ટિમીટરનું હોય છે. ઊધઈ તેના ઉદરના ભાગેથી માટી ખોદે છે અને અંદર જતી રહે છે. તે ઈંડાં પણ 15થી 20 સેન્ટિમીટર માટીની અંદર મૂકે છે."
સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા ઊધઈ પર એક પેપર લખાયું છે. તેનું નામ છે, "ઊધઈ: કૃષિવનીય પાકની એક હઠીલી જીવાત અને તેનું વ્યવસ્થાપન". તેના મુજબ, ઊધઈ રેતાળ, ગોરાડું અને પોચી જમીનમાં વધારે જોવા મળે છે.
આમ તો ઊધઈ કીડી જેવી દેખાય છે પરંતુ ઊધઈને આઇઓપ્ટેરા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે અને કીડીઓને હાઈમેનોપ્ટેરા વર્ગમાં મૂકવામાં આવી છે.
પ્રોફેસર લલિત કહે છે, "ઊધઈ ત્રણ પ્રકારની હોય છે. એક છે કામદાર. કામદાર ઊધઈનું કામ આખા રાફડા (કૉલોની) માટે ખોરાકને શોધવાનું અને તેના રાફડાની સાફ-સફાઈ રાખવાનું હોય છે. ઊધઈમાં 95 ટકા કામદાર ઊધઈ હોય છે. કામદાર લૈંગિક અને વિકાસની રીતે અપરિપક્વ હોય છે."
"બીજી છે સૈનિક ઊધઈ. સૈનિકનું કામ તેના રાફડાની રક્ષા કરવાનું હોય છે. તે રાજા-રાણી અને કામદારોની રક્ષા કરે છે. સૈનિક સ્વરૂપમાં તે અપરિપક્વ હોય છે, પરંતુ કેટલીક પ્રજાતિઓમાં તેઓ સંરક્ષણ માટે સારી રીતે વિકસિત મોં ધરાવે છે."
"અને ત્રીજી છે રાજા અને રાણી. તેનું કામ રાફડો મોટો કરવાનું છે. કુંવર અને કુંવારી ઊધઈને પાંખો હોય છે. રાજા અને રાણી તેની પહેલી ઉડાન ભરે છે અને ઉડાન દરમિયાન સમાગમ કરે છે. આ ઉડાન બાદ તેની પાંખો ખરી પડે છે. સમાગમ બાદ રાજા ઊધઈ થોડા સમયમાં મૃત્યુ પામે છે. જ્યારે રાણી ઊધઈની ઉંમર 8થી 20 વર્ષ સુધીની હોઈ શકે છે."
પ્રોફેસર લલિત કહે છે કે, "ઊધઈમાં રાણીનું કામ ઈંડાં મૂકવાનું હોય છે, નરનું કામ રાણી સાથે સમાગમ કરવાનું હોય છે. રાણી ઈંડાં મૂકે છે અને કાર્યકરો એ ઈંડાંની દેખરેખ રાખે છે તથા ખોરાક ભેગો કરે છે. આ ઈંડાંમાંથી મોટા ભાગે આવા જ કાર્યકર જન્મ લે છે."
રાજા અને રાણી શરૂઆતની અવસ્થામાં પાંખો ધરાવે છે. રાજા અને રાણી હંમેશાં સાથે રહે છે.
જ્યારે રાજા ઊધઈ મૃત્યુ પામે છે ત્યારે કામદાર ઊધઈ પાંખવાળા તબક્કામાંથી પસાર થયા વિના પ્રજનનક્ષમ નરમાં વિકાસ કરી શકે છે અને રાજાના સ્થાને નવા રાજા તરીકે પ્રસ્થાપિત થાય છે.
પ્રોફેસર લલિત કહે છે કે, "ઊધઈ 1 સેકન્ડમાં 1 ઈંડું મૂકી શકે છે અને તે તેના જીવનકાળ દરમિયાન 1 કરોડ જેટલાં ઈંડા મૂકે છે."
કીડી, મધમાખી અને ભમરી જેવાં કીટક અને ઊધઈ વચ્ચેનો એક મુખ્ય તફાવત એ છે કે અન્ય કીટકોમાં ઈયળ અને કોશેટા અવસ્થા હોય છે જે ઊધઈમાં સક્રિય હોતા નથી.
બીજો તફાવત એ છે કે રાજા તરીકે ઓળખાતી નર ઊધઈ આજીવન માદા સાથે રહે છે અને સમાગમ પછી મૃત્યુ પામતી નથી.
ઊધઈ કઈ વસ્તુને કોતરે છે?
ઊધઈ સામાન્ય રીતે પોચી જમીન અને ભેજવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે તેવું જાણકારોનું માનવું છે. જે વિસ્તારોમાં લાંબા સમયથી પાણી ભરાઈ રહેતું હોય એવા વિસ્તારોમાં આવેલાં ઘરો-બિલ્ડિંગોમાં ઊધઈની સમસ્યા વધારે જોવા મળતી હોય છે.
ઘરનાં બારી-બારણાં, ખેતરો, જૂનાં કાગળિયાં વગેરેમાં ઊધઈ લાગી જતી હોવાના કિસ્સા પણ આવતા હોય છે.
ઊધઈ લાકડાં અને છોડની સામગ્રીમાંથી પોષકતત્ત્વો મેળવે છે, પરંતુ તે પોતાનો ખોરાક જાતે પચાવી શકતી નથી. તેના બદલે તેનાં આંતરડાંમાં સિમ્બાયોટિક પ્રોટોઝોયા અને બૅક્ટેરિયા હોય છે જેથી છોડના સખત તંતુઓને તોડી શકાય.
પ્રોફેસર લલિતના કહેવા પ્રમાણે, "ઊધઈનો ખોરાક છે સેલ્યુલોઝ. ઊધઈ રેસાયુક્ત સેલ્યુલોઝનો ઉપયોગ પોતાના ખોરાકમાં લે છે. તેથી ઊધઈ એવી વસ્તુને ખાય છે જેમાં સેલ્યુલોઝ હોય અને આ સેલ્યુલોઝ પેપર અને લાકડાંમાં હોય છે.
તેમના મતે, "તેથી જે ચીજમાં સેલ્યુલોઝ મળશે તે ઊધઈ કોતરશે. કોટનનાં કપડાં કપાસમાંથી બને છે, તેથી ઊધઈ કોટનનાં કપડાં પણ કોતરી શકે છે. શણની થેલીઓ અથવા શણમાંથી બનેલી વસ્તુઓ પણ ઊધઈ કોતરે છે."
"ઊધઈ અંધારું પસંદ કરે છે, તેથી તે ભૂંગળી બનાવે છે અને તેની અંદર જ ચાલે છે. તે લાકડાંના કબાટમાં પણ કપડાંની પાછળ આવે છે. તે એવી જગ્યા એ ભૂંગળી બનવાનું પસંદ કરે છે જ્યાં તે દેખાઈ ન શકે."
ઊધઈનું પ્રકૃતિમાં શું મહત્ત્વ હોય છે?
પ્રોફેસર લલિત કહે છે કે, "ઘણા ચાર પગના શાકાહારી પશુઓ પ્રકૃતિમાંથી સેલ્યુલોઝને ખોરાકમાં લે છે. પરંતુ પ્રકૃતિમાં સેલ્યુલોઝ જટિલ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. તેથી ઊધઈ તે સેલ્યુલોઝને સાદા સ્વરૂપમાં બનાવીને ઉપલબ્ધ કરાવે છે. ઊધઈ ઝાડમાંથી સડેલું લાકડું અને સેલ્યુલોઝ ધરાવતા પદાર્થને રિસાયકલ કરે છે."
આથી કુદરતી ઇકૉસિસ્ટમમાં ઊધઈ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
તદુપરાંત, ઊધઈ જેટલી જ ખેતરોને નુકસાન પહોંચાડે છે, તેટલી જ તે ખેડૂતો માટે જરૂરી પણ છે. તે મૃત જીવાત, ફરેલાં પાંદડાં અને અન્ય પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેને સેન્દ્રીય પદાર્થમાં રૂપાંતરિત કરે છે.
ઊધઈનો કોઈ ઉપાય છે ખરો?
બજારમાં ઊધઈ મારવાની દવા અને અનેક પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે, તેમાં દાવો કરવામાં આવે છે કે ટ્રીટમેન્ટ કરવાથી ઊધઈ લાગતી નથી. જોકે એવું પણ જાણવા મળ્યું છે કે ઊધઈ કઈ જાતની છે તેના આધારે તેની દવા અસરકારક સાબિત થતી હોય છે.
જાણકારોના કહેવા પ્રમાણે, ઊધઈનું સંપૂર્ણ નિવારણ શક્ય નથી, પણ થોડા સમય માટે તેને રોકી શકાય છે.
વિકાસ પંચાલ અમદાવાદમાં છેલ્લાં 35 વર્ષથી પેસ્ટ કંટ્રોલનું કામ કરે છે. તેમના મતે, ઊધઈ કોઈ પણ જગ્યાએ લાગી જતી હોય છે, તેમની પાસે અલગ-અલગ જગ્યાએ ઊધઈ લાગી ગઈ હોય એવા અનેક કિસ્સા આવે છે.
ઊધઈને મારવાની અને ફરી પાછી ન આવે તેની ટ્રીટમેન્ટ સમજાવતા તેઓ કહે છે કે ફ્લૅટ, બંગલો વગેરેમાં તેની ટ્રીટમેન્ટ અલગ હોય છે.
તેઓ કહે છે, ફ્લોર કે દીવાલમાં કાણું પાડીને તેમાં એક પાઇપ ફીટ કરવામાં આવે છે, તેમાં ઊધઈ મારવાની દવા કે કેમિકલ નાખવામાં આવે છે. ત્યારબાદ તેની પર સિમેન્ટથી ચણતર કરી દેવામાં આવે છે. આવું કરવાથી ચાર-પાંચ વર્ષ ઊધઈની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
ફર્નિચરનો વ્યવસાય કરતા લોકો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે હવે ઊધઈની સમસ્યા વધતા લોકો પ્લાસ્ટિકના ઉપયોગ તરફ વળ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન