ગુજરાતમાં હવે કયા જિલ્લામાં અતિભારે વરસાદ પડવાનો છે, વરસાદનું જોર કેટલા દિવસ રહેશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

સૌરાષ્ટ્ર- કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું હાલમાં સક્રિય છે અને અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ડાંગ અને તાપી જિલ્લામાં કેટલીક જગ્યાએ ઘણો ભારે વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લામાં પણ અમુક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત સુરત, મહીસાગર, નવસારી, ડાંગ, ભરુચ, અરવલ્લી, દાદરા નગર હવેલી(UT), ભાવનગર અને કચ્છમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે.

હવામાન ખાતાએ જણાવ્યું કે સાઉથ ગુજરાતથી લઈને કેરળના દરિયાકિનારા સુધી એક ઑફ-શોર ટ્રૉફ રચાયો છે.

હાલમાં બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર એરિયા સર્જાયો છે જે આગળ વધીને મધ્ય ભારત સુધી આવશે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતમાં કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

અમદાવાદસ્થિત હવામાન કચેરીના ડેટા પ્રમાણે 8મી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ(UT), દાદરા નગર હવેલી(UT)માં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

8 જુલાઈએ પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

9 જુલાઈએ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ(UT), દાદરા નગર હવેલી(UT)માં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

9 જુલાઈએ રાજ્યના બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી છે જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

10 જુલાઈએ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

10 જુલાઈએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ(UT), દાદરા નગર હવેલી(UT), સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

11 અને 12મી જુલાઈએ પણ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ(UT), દાદરા નગર હવેલી(UT)માં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ડૅમ છલકાયા

ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા જૅમ છલકાઈ ગયા છે અને પાણી છોડવાની ફરજ પડી છે. જેમ કે વડોદરામાં આજે આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવશે.

આજવા સરોવરની સપાટી 211 ફૂટ થવાથી ડૅમના દરવાજા ખોલવામાં આવશે. તેના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થશે.

અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદના કારણે નદીનાળા છલકાયાં છે અને સાકરિયા તળાવ ઓવરફ્લૉ થયો છે. અહીં મકાઈ, બાજરી અને જુવારનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ધારી, નાયકા, ધોળીધજા ડૅમમાં નવાં પાણીની આવક ચાલુ છે અને થોરિયાળી, સબુરી, ત્રિવેણી ઠંગા ડૅમ સંપૂર્ણ છલકાઈ ગયા છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના ડેટા અનુસાર કચ્છ અને સાઉથ ગુજરાતમાં અત્યાર સુધીમાં 50 ટકા કરતાં વધારે વરસાદ પડી ગયો છે. જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 41 ટકાથી લઈને 45 ટકા સુધી વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં સરેરાશ 882 મીમી વરસાદ પડતો હોય છે તેની સામે અત્યાર સુધીમાં 407 મીમી વરસાદ પડી ગયો છે. એટલે કે સરેરાશની તુલનામાં 46 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ 21.63 મીમી વરસાદ પડ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન