You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળના ધરાન શહેરમાં ગોહત્યા અંગે થયેલા વિવાદ બાદ તણાવની સ્થિતિ, શું છે સમગ્ર મામલો?
- લેેખક, બિક્રમ નિરૌલા
- પદ, બીબીસી નેપાળી માટે, વિરાટનગરથી
- પ્રકાશિત
નેપાળના ધરાન શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા મનાઈ-હુકમ જાહેર કરાયા બાદ સ્થાનિક નિવાસીઓએ જણાવ્યું કે શનિવાર સવારથી જ ત્યાં લોકોની અવરજવર ઘટી ગઈ છે.
પ્રતિબંધના કારણે ધરાનના રસ્તા કોશી રાજમાર્ગ પર દોડતી ગાડીઓ પણ અટકી ગઈ છે.
ધરાનના ટ્રાન્સપૉર્ટ કારોબારી કુમાર કાર્કીએ કહ્યું કે ધરાનનાં અન્ય સ્થળો પર જનારી અને અન્ય સ્થળોએ ધરાનમાં દાખલ થનારી ગાડીઓની અવરજવર લગભગ ઠપ છે. ધરાનમાં બજાર ખુલ્લી છે. એવું કહેવાઈ રહ્યું છે કે શહેરમાં ગમે ત્યાં અવરજવર માટે ઉપયોગમાં લેવાતાં ટેમ્પો-મોટરસાઇકલ સહિત અમુક ખાનગી વાહનોને રોકવામાં નથી આવી રહ્યાં.
ધરાન ઉપમહાનગરપાલિકાના ઉપપ્રમુખ ઇન્દ્ર વિક્રમ બેઘાએ કહ્યું, “ધરાનના લોકોએ મનાઈ-હુકમનું પાલન કર્યું છે.” સ્થાનિક લોકોએ જણાવ્યું કે શહેરમાં દાખલ થવાના રસ્તા અને મુખ્ય ચાર રસ્તા પર સુરક્ષાકર્મીઓની ભારે હાજરી જોવા મળી હતી.
વાદવિવાદ
કારોબારીઓ અનુસાર, ઇટહરીના રસ્તે ધરાન જનારી તમામ ગાડીઓને પોલીસે ઇટહરીના તરહરા ક્ષેત્રેમાં રોકીને પાછી મોકલી દીધી છે.
ધરાનમાં વિભિન્ન ધાર્મિક સંગઠનો દ્વારા શનિવારના રોજ ધાર્મિક રેલી આયોજિત કરવાની તૈયારી બાદ સ્થાનિક પ્રશાસને અહીં શુક્રવાર રાતથી શનિવાર રાત 12 વાગ્યા સુધી મનાઈ-હુમક લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
નેપાળના ધરાનમાં કેટલાક લોકો દ્વારા ગોમાસં ખાવાને લઈને થયેલા વાદવિવાદ બાદ સ્થિતિ કથળતી રોકવા માટે તંત્રે આ પગલું ઉઠાવ્યું છે. સુનસરી જિલ્લા તંત્ર કાર્યાલયે કહ્યું છે કે રાજકીય, સામાજિક અને ધાર્મિક સમારોહો જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદી દેવાયો છે.
સુનસરી પોલીસ અધીક્ષક પ્રભુ ઢકાલે કહ્યું કે ધરાનનાં તમામ પ્રવેશ બિંદુઓ પર કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાંતિ-સુરક્ષા અને સામાજિક સદ્ભાવ
ગૃહમંત્રાલયના અધિકારીઓએ જાણકારી આપી છે કે ધરાનમાં કડક સુરક્ષાવ્યવસ્થા જાળવવા માટે પોલીસતંત્રને ઍલર્ટ કરી દેવાયું છે. આ વિષયને લઈને સંઘીય સંસદમાં પણ ચર્ચા અને ચિંતા વ્યક્ત કરાઈ છે.
સ્થાનિક પ્રશાસને કહ્યું છે કે ધરાનમાં અમુક દિવસોથી ચાલી રહેલા વિવાદને કારણે શાંતિ-સુરક્ષા અને સામાજિક સદ્ભાવમાં ખલેલ ન પડે, તે માટ જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે. ધરાનમાં સક્રિય વિભિન્ન રાજકીય દળોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને તમામને સામાજિક સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરી છે.
ગોમાંસ ખાવાની કથિત ઘટનાની વ્યાખ્યા એક પક્ષ દ્વારા તેમની જાતિ, સંસ્કૃતિ અને ધર્મનિરપેક્ષતા દ્વારા અપાયેલા અધિકાર સ્વરૂપે કરાઈ રહી છે. પરંતુ હિંદુ સમુદાયનાં કેટલાક લોકો અને અમુક ધાર્મિક સંગઠનો આને ધાર્મિક અને સામાજિક સદ્ભાવમાં વિક્ષેપની કોશિશ ઘણાવી રહ્યાં છે.
‘ગોહત્યા વિરુદ્ધ પ્રદર્શન’
લગભગ એક અઠવાડિયા અગાઉ બનેલી હોવાનું કહેવાઈ રહેલ આ ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરાયા છે. તે બાદ ઘટનાનાં સમર્થન અને વિરોદમાં સડક પર પ્રદર્શન થયાં હતાં. આ મામલો સામે આવ્યા બાદ ધરાનમાં સામાજિક સમરસતાની પહેલ પણ શરૂ કરાઈ છે.
હિંદુ ધર્મ સાથે જોડાયેલાં વિભિન્ન સંગઠનોના નેતૃત્વમાં શનિવારે ધરાનમાં ‘ગોહત્યા વિરુદ્ધ પ્રદર્શન’ની જાહેરાત સાથે આને રોકવાની પહેલ કરાઈ. ધરાનના સ્થાનિક રાજકારણમાં સક્રિય લોકોએ કહ્યું છે કે તમામ પક્ષો સાથે ચર્ચા બાદ સામાજિક એકતા જાળવી રાખવાની પહેલ આગળ વધારાઈ છે.
ધરાન ઉપમહાનગરપાલિકાના ચાર પૂર્વ પ્રમુખોએ એક સામૂહિક નિવેદન જાહેર કરીને કહ્યું, “અન્ય સમુદાયો વિરુદ્ધ નફરત ફેલાવવાનું અને સામાજિક સદ્ભાવમાં વિક્ષેપ સર્જવાનું આ કૃત્ય અગાઉ ક્યારેય નથી બન્યું. ધરાનની સુંદરતા અહીના સમાજ અને સમુદાય છે જેમણે વર્ષોથી એકમેક સાથે સૌહાર્દ, ભાઈચારો અને એકતા કાયમ રાખ્યાં છે.”
સર્વપક્ષીય બેઠક
ધરાનના શહેરપ્રમુખ હર્ક સામ્પાંગ રાઈએ પણ ‘એકમેક સાથેનાં સદ્બાવ, ભાઈચારો અને એકતા જાળવી રાખવાની’ અપીલ કરી છે. તેમણે સોશિયલ નેટવર્ક ફેસબુક પર લખ્યું કે, “આવો આપણે સામાજિક એકતા અને જાતિગત સદ્ભાવ તોડવાનું કામ ન કરીએ.”
પૂર્વ નગરપ્રમુખ તિલક રાયે જણાવ્યું કે તેઓ વિભિન્ન રાજકીય દળો, સંગઠનો અને અન્ય ઇચ્છુક પક્ષો સાથે વાતચીત કરીને એવા પ્રયાસ કરી રહ્યા છે કે જેથી વર્ષોથી ચાલતા આવી રહલા જાતિગત અને ધાર્મિક સૌહાર્દમાં ખલેલ ન પડે.
નેપાળી કૉંગ્રેસ ધરાનના અધ્યક્ષ શ્યામ પોખરેલે બીબીસને જણાવ્યું કે શુક્રવારના રોજ થયેલી સર્વપક્ષીય બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે કે તમામને સામાજિક સૌહાર્દ જાળવી રાખવા અને પક્ષ કે વિપક્ષમાં કોઈ પણ પ્રકારનું પ્રદર્શન નહીં કરવાનો આગ્રહ કરાશે.
પ્રશાસનનું શું કહેવું છે?
સ્થાનિક પ્રશાસને કહ્યું છે કે ધરાનમાં અમુક દિવસોથી ચાલી રહેલા વિવાદથી શાંતિ-સુરક્ષા અને સમાજિક સદ્ભાવમાં ખલેલ ન પડે, તેના માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે.
પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓએ પણ સાવચેતી રાખી છે. મુખ્ય જિલ્લા અધિકારી હુમકલા પાંડે દ્વારા જાહેર કરાયેલ મનાઈ-હુકમમાં કહેવાયું છે કે ‘સામાજિક, ધાર્મિક, રાજકીય સભા, રેલી, પ્રદર્શનો વગેર સહિત કોઈ પણ કાર્યક્રમનું આયોજન નહીં કરાય.’
સુનસરી પોલીસ અધીક્ષક ઢકાલે કહ્યું, “અમે શાંતિ અને સુરક્ષાની જાળવણી માટે બધા સાથે સમન્વય જાળવી રહ્યા છીએ.”
આ પહેલાં ધરાનમાં એક હિંદુ મંદિર ક્ષેત્ર પાસે ખ્રિસ્તીઓ માટે ચર્ચના નિર્માણને લઈને ઘણો વિવાદ થયો હતો.
સામાજિક ક્ષેત્રના નેતાઓએ ચેતવણી આપી છે કે જો સમયાંતરે ઊભા થતા આવા ધાર્મિક તેમજ સાંસ્કૃતિક વિવાદોનું તાત્કાલિક સમાધાન નહીં કરાય તો સામાજિક સૌહાર્દના વાતાવરણમાં વિક્ષેપ સર્જાશે અને આનાં સમાજમાં ખરાબ પરિણામ જોવા મળશે.