વર્ક ફ્રૉમ હોમ અને ઑફિસમાં કામ કરવાથી શું સમસ્યા થઈ શકે?

પ્રકાશિત

કોરોના મહામારી દરમ્યાન જ્યારે ચેપ ફેલાતો રોકવા માટે કડક લૉકડાઉન લાગુ કરાયું હતું ત્યારે દુનિયામાં કંપનીઓએ રિમોટ કે વર્ક ફ્રૉમ હોમની વ્યવસ્થા લાગુ કરી.

ઑફિસે નહીં જવાનું અને ઘર કે અન્ય કોઈ સ્થળેથી કામ કરવાની આ વ્યવસ્થા નવી નહોતી પણ પહેલી વાર આટલા મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ થયો.

જ્યારે સ્થિતિ સુધરી તો કેટલીયે કંપનીઓએ રિમોટ વર્કિંગ ખતમ કરીને કર્મચારીઓને ફરી પાછા ઑફિસમાં કામ કરવા બોલાવી લીધા.

પણ કેટલીક કંપનીઓ એવી છે જેણે રિમોટ વર્કિંગ ચાલુ રાખ્યું અથવા હાઇબ્રિડ વર્કિંગ સિસ્ટમને અપનાવી.

હાઇબ્રિડ વર્કિંગનો અર્થ છે કેટલાક દિવસો ઑફિસમાં જઈને કામ કરવાનું અને કેટલાક દિવસો ઘરેથી કામ કરવાનું. કેટલા દિવસ ઑફિસે જવાનું છે અને કેટલા દિવસ ઘરેથી કામ કરી શકાય એ માટે અલગઅલગ કંપનીઓએ પોતાના પ્રમાણે નિયમો બનાવ્યા છે.

ઘરેથી કામ કરવાની સુવિધા

નોઇડામાં એક ટૅક કન્ટેન્ટ કંપનીમાં કામ કરતાં સ્વાતિ કહે છે કે તેમની ઑફિસમાં હાઇબ્રિડ વર્કિંગ લાગુ કરવામાં આવે છે અને તેના સાથીદારોને પણ ગમે છે.

તેમણે બીબીસી સહયોગી આદર્શ રાઠોડને કહ્યું, "જ્યારે કોવિડ પછી સ્થિતિ સુધરી ત્યારે કહેવામાં આવ્યું કે જેનું કામ ઘરેથી થઈ શકે છે તેમના માટે ઑફિસ આવવું જરૂરી નથી. આવી સ્થિતિમાં હું મોટા ભાગે મારા વતનથી કામ કરું છું. જ્યારે પણ જરૂરી હોય ત્યારે અમે ઑફિસે આવીએ છીએ. જોકે આવું ત્યારે જ થાય છે જ્યારે ટીમના સભ્યોએ સાથે મળીને કંઈ કામ કરવાનું હોય છે."

આ હાઇબ્રિડ સેટઅપનો ફાયદો છે. એક તરફ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા મળે છે તો બીજી તરફ તેઓ ઑફિસમાં આવીને સાથે કામ પણ કરી શકે છે.

આમ જોવા જઈએ તો કામ કરવાની રીતમાં આ અનુકૂળ લાગે છે પણ ક્યારેક તેનો યોગ્ય રીતે અમલ થતો નથી. લીઝમેનના સર્વેક્ષણના ડેટા દર્શાવે છે કે નાના અને નવા કર્મચારીઓને ઑફિસમાં વધુ વાર આવવું પડે છે.

બીબીસી વર્કલાઇફના એક લેખ અનુસાર લંડનસ્થિત લીસમૅનના સ્થાપક અને સીઈઓ ટિમ ઓલ્ડમૅન કહે છે, "કંપનીમાં જેટલા નાની ઉંમરના અને જેમનો કાર્યકાળ ઓછો હોય છે તેવા કર્મચારીઓને તેમના વરિષ્ઠ કર્મચારીઓની સરખામણીમાં વધારે વાર ઑફિસમાં આવીને કામ કરવું પડશે."

આવાં કેટલાંક ઉદાહરણો ભારતમાં પણ જોવાં મળે છે. દિલ્હીમાં એક મીડિયા સંસ્થામાં કામ કરતા અનુજ (નામ બદલ્યું છે) કહે છે કે તેમની ઑફિસમાં હાઇબ્રિડ સિસ્ટમ અપનાવવામાં આવી છે પરંતુ ટીમમાં નવા, નાના અને ખાસ કરીને અપરિણીત કર્મચારીઓને તેમના વરિષ્ઠ કર્મચારીઓ કરતાં વધુ વખત ઑફિસમાં આવવું પડે છે.

તેઓ કહે છે, “કેટલાંક કામ એવાં હોય છે જે ઘરેથી થઈ શકતાં નથી. તેના માટે ઑફિસે આવવું પડશે. આવી સ્થિતિમાં કેટલીક ટીમો ઘરેથી કામ કરે છે, જ્યારે કેટલાકને ઑફિસમાં આવવું પડે છે. આનાથી પણ અસંતોષ પેદા થાય છે.”

સિસ્ટમને યોગ્ય રીતે લાગુ ના કરવાનું નુકસાન

હાઇબ્રિડ સિસ્ટમમાં અન્ય ગેરફાયદા પણ છે. યુવા કર્મચારીઓને ઑફિસમાં વધુ વખત બોલાવવામાં આવે છે અને વરિષ્ઠ કર્મચારીઓ ઘરેથી વધુ કામ કરે છે.

લીસમૅનના સીઇઓ ઓલ્ડમૅન કહે છે કે જુનિયર કર્મચારીઓ કરતાં વરિષ્ઠ કર્મચારીઓને વધુ સુગમતા આપવી તે સ્વાભાવિક લાગે છે. જોકે તેમ કરવું એ હાઇબ્રિડ વર્કિંગની સફળતામાં અવરોધ છે.

તેઓ કહે છે, “જો વરિષ્ઠ સહકર્મીઓ ઘરેથી વધુ કામ કરે છે. તો ઑફિસમાં આવતા ઓછા અનુભવવાળા સહકર્મીઓ સમસ્યાઓનો સામનો કરશે. તે જ સમયે જો વરિષ્ઠ સહકર્મીઓ પણ સમાન રીતે ઑફિસમાં આવે તો ઓછા અનુભવી કર્મચારીઓને શીખવા મળે."

કૅલિફોર્નિયામાં ડિજિટલ કૉમ્યુનિકેશન્સ ટૅક કંપની સિસ્કોના ચીફ વાઇસ પ્રેસિડેન્ટ અને મૅનેજિંગ ડિરેક્ટર જિતુ પટેલે બીબીસી વર્કલાઇફના ઍલેક્સ ક્રિશ્ચિયનને જણાવ્યું કે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી યુવા કામદારોનો વિકાસ અટકી જવાનું જોખમ રહેશે.

તેમનું કહેવું છે કે આ સમસ્યાને 'ઇન પર્સન ડેઝ' નક્કી કરી ઉકેલી શકાય છે. મતલબ કે એ દિવસો જ્યારે બધાને ઑફિસે આવવાનું હોય છે. પરંતુ તેઓ ચિંતા વ્યક્ત કરે છે કે જો આ અંગે કોઈ કડક નિયમ બનાવાશે તો કર્મચારીઓને લાગશે કે કંપની તેમના પર વિશ્વાસ નથી કરતી.

તેઓ કહે છે, “દરેક વ્યક્તિને ઑફિસમાં બોલાવવાનો નિયમ બનાવવાના બદલે અમે એક મૉડલ અપનાવ્યું છે. તે હેઠળ ટીમોને સ્વતંત્રતા અપાય છે કે તેઓ કેવી રીતે કામ કરવા માગે છે તે નક્કી કરી શકે."

હાઇબ્રિડ સેટઅપની અન્ય સમસ્યાઓ

ડૉ. આશિષ શર્મા આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક સંસ્થામાં સલાહકાર છે. તેમને લાગે છે કે કેટલાક વિષયો એવા છે કે જેના પર મીટિંગોમાં સ્પષ્ટતા નથી થતી, કારણ કે તે વર્ચ્યુઅલ રીતે યોજાતી હોય છે.

આશિષ બીબીસી સહયોગી આદર્શ રાઠોડને કહે છે, “આમ તો વર્ચ્યુઅલ મીટિંગ ખૂબ જ અનુકૂળ અને અસરકારક છે, કારણ કે તમે ગમે ત્યાંથી તેમાં જોડાઈ શકાય છે. પરંતુ કેટલાક મુદ્દાઓ એવા હોય છે જેમાં સામસામે બેસી વધુ સારી રીતે ચર્ચા કરી શકાય.”

તેઓ કહે છે, “હાઇબ્રિડ સિસ્ટમમાં એવું થાય છે કે કેટલાક સાથીદારો ઑફિસમાં હોઈ શકે છે પરંતુ જો બાકીના સહકાર્યકરો ક્યાંક બીજે હોય તો આખી મીટિંગ વર્ચ્યુઅલ બની જાય છે. આ કારણે મીટિંગ બિનજરૂરી રીતે લાંબી થઈ જાય છે અને ક્યારેક કોઈ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ બની જાય છે.”

આશિષ એકલા નથી. લીસમૅનના સર્વે અનુસાર આશરે 40 ટકા કર્મચારીઓને હાઇબ્રિડ મીટિંગ્સમાં ભાગ લેવો મુશ્કેલ લાગે છે. ભલે તેઓ ઘરેથી અથવા ઑફિસમાંથી વર્ચ્યુઅલ રીતે ભાગ લેતા હોય.

ઓલ્ડમૅન કહે છે કે આ સમસ્યા આવનારા લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. તેઓ કહે છે, “આ કોઈ સૉફ્ટવૅરની સમસ્યા નથી. ઘણી ઑફિસો હાઇબ્રિડ મીટિંગ માટે તૈયાર નથી. છેલ્લાં પાંચ વર્ષમાં અમારું કામ ઘણું બદલાઈ ગયું છે પણ અમારી ઑફિસો પ્રી-પેન્ડેમિક યુગ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે."

કર્મચારીઓને આ સુવિધા ગમતી હોવા છતાં તેનો બીજો ગેરફાયદો છે. લીસમૅનનો ડેટા કહે છે કે જે લોકો ઓછા દિવસો માટે ઑફિસે ગયા હતા તેમણે જણાવ્યું કે તેમની વર્ક લાઇફ બેલેન્સ ઘણું સારું થઈ ગયું છે.

પરંતુ 42 ટકા લોકોએ કહ્યું કે જ્યારે તેઓ ઑફિસના બદલે દૂરના કોઈ વિસ્તારથી કામ કરતા હતા ત્યારે તેમને લાગ્યું કે તેઓ તેમના સાથીદારો સાથે 'સોશિયલ કનેક્ટ’ નથી કરી શકતા.

ઓલ્ડમૅન કહે છે, “એવું લાગે છે કે ઑફિસમાં કામ કરવા આવવું એ હજુ પણ સંસ્થા કે કંપનીના સામાજિક માળખાને મજબૂત બનાવે છે. કંપનીઓ અને કર્મચારીઓ બંનેએ આ સમસ્યા દૂર કરવી પડશે.”

હાઇબ્રિડ વર્કિંગથી નાખુશ ‘બૉસ’

વૉશિંગ્ટનમાં સોસાયટી ફૉર હ્યુમન રિસોર્સ મૅનેજમૅન્ટના પ્રેસિડેન્ટ અને સીઈઓ જૉની સી. ટેલર જુનિયર કહે છે કે કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા એક્ઝિક્યુટિવ્સનો એક એવો વર્ગ છે જેઓ હાઇબ્રિડ કામ કરવાનું પસંદ કરતા નથી.

તેમણે બીબીસી વર્કલાઇફને કહ્યું કે કેટલાક કિસ્સાઓમાં બૉસ ઇચ્છે છે કે કર્મચારીઓ હાઈબ્રિડ સિસ્ટમની સમસ્યાઓ હલ કરવાને બદલે ઑફિસમાં સંપૂર્ણ રીતે કામ પર પાછા આવે. તેમનું કહેવું છે કે કેટલાક સીઈઓએ તેમને કહ્યું કે તેઓ આ સિસ્ટમથી કંટાળી ગયા છે.

અમેરિકામાં ડિઝની અને ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લૅકરૉકે હવે કર્મચારીઓને ચાર દિવસ માટે ઓફિસમાં બોલાવવાનું શરૂ કરી દીધું છે અને નાઇકી પણ આવું કરવા જઈ રહી છે.

પરંતુ સોસાયટી ફૉર હ્યુમન રિસોર્સ મૅનેજમૅન્ટના પ્રેસિડેન્ટ ટેલર કહે છે કે ઘણી જગ્યાએ હાઇબ્રિડ સિસ્ટમ યથાવત્ રહેશે, કારણ કે ઘણા એવા કર્મચારીઓ હશે જેમને સંપૂર્ણ રીતે ઑફિસમાં જ કામ કરવા બોલાવવામાં આવશે તો ના પાડી દેશે અથવા તો નોકરી છોડી દેશે.

ભારતમાં પણ આવું થઈ રહ્યું છે. બૅંગલુરુમાં એક કન્સલ્ટિંગ કંપનીમાં કામ કરતા રોહિત પરાશરે બીબીસી સહયોગી આદર્શ રાઠોડને જણાવ્યું કે તેમની અગાઉની કંપનીએ હાઇબ્રિડ સિસ્ટમ ખતમ કરી દીધી હતી. ત્યાર બાદ તેમણે નવી નોકરી શોધવાનું શરૂ કર્યું. હવે તે એક કંપનીમાં કામ કરી રહ્યા છે જ્યાં તેમને કાયમી ધોરણે રિમોટ વર્કિંગની સુવિધા આપવામાં આવી છે.

સમાધાન શું છે?

લંડનમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્કના મુખ્ય માનવ સંસાધન અધિકારી તનુજ કપિલાશ્રમી માને છે કે હાઇબ્રિડ વર્કિંગના પડકારોને ઉકેલી શકાય છે.

તેમનું ક્ષેત્ર એવું છે કે જેમાં મોટા ભાગે કામ રિમોટ વર્કિંગ પદ્ધતિથી થઈ શકે તેમ નથી. પણ તેમનું કહેવું છે કે એવું જોવા મળ્યું છે કે જે કામ રિમોટ વર્કિંગથી થઈ શકે તેમ હોય તેની યાદીના આધારે રિમોટ વર્કિંગ કરવાની નીતિ બનાવવામાં આવી છે.

તેમણે બીબીસી વર્કલાઇફને કહ્યું, “આ સિસ્ટમ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આથી વર્ક કલ્ચરને બગાડવાની ચિંતા કરવાને બદલે તેનાથી ઊભી થતી સમસ્યાઓના ઉકેલ માટેના રસ્તાઓ શોધવા જોઈએ.”

લીસમૅનના સ્થાપક અને સીઈઓ ટિમ ઓલ્ડમૅન કહે છે કે ઘણા દાયકાઓથી બનેલી કાર્યકારી વ્યવસ્થાને બદલવામાં સમય લાગશે.

તેઓ કહે છે, “મહામારીને થોડો જ સમય છે. હાઇબ્રિડ વર્કિંગની પર્યાવરણ, કાર્ય-સંસ્કૃતિ, કર્મચારીઓના શિક્ષણ અને સંસ્થામાં તેમની કારકિર્દી પર શું અસર પડે છે તેનો અભ્યાસ ત્યારે જ થઈ શકે છે, જો આ સિસ્ટમ કેટલાક દાયકાઓ સુધી ચાલુ રહે."