‘સરકાર સુરક્ષાની જવાબદારી લે તો જ અહીં ભણવા આવજો,’ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓમાં ભય

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
  • પ્રકાશિત

રવિવારે ગુજરાત યુનિવર્સિટી હૉસ્ટેલના A બ્લૉકનું દૃશ્ય અન્ય સામાન્ય દિવસ કરતાં તદ્દન જુદું હતું. અંદર પ્રવેશતી વખતે ચારેકોર પથ્થર અને કાચના ટુકડા વિખેરાયેલા પડ્યા હતા. ઉપરાંત નુકસાનગ્રસ્ત વાહનો પણ જોવા મળી રહ્યાં હતાં.

હૉસ્ટેલના કૅમ્પસમાં રવિવારે મીડિયા, પોલીસકર્મી અને યુનિવર્સિટીના અધિકારીઓની ભીડ જોવા મળી રહી હતી. અને આ દૃશ્યના સાક્ષી હતા અહીં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, જેમના ચહેરા પર ચિંતા અને ભય સાફ દેખાતાં હતાં.

ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટલના A બ્લૉકના સંકુલમાં નાના મોટા કાર્યક્રમો માટે એક પ્લૅટફૉર્મ બનાવાયું છે અને પ્લૅટફોર્મની પાસે તાર પર એક ચટાઈ સૂકવેલી જોવા મળી રહી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે આ ચટાઈ પર તેઓ નમાજ પઢે છે.

આ A બ્લૉક શનિવારે સમાચારમાં છવાઈ ગયો જ્યારે અહીં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કથિતપણે નમાજ પઢવાની બાબતે 20-25 લોકોનાં ટોળાએ હુમલો કરી દીધો. આ હુમલામાં કેટલાક વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ પૈકી બેને તો હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

આ સમગ્ર ઘટનાના કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં મામલો આંતરરાષ્ટ્રીય મીડિયાની નજરે પણ ચઢ્યો હતો. જે બાદ સ્થાનિક પોલીસે આ સમગ્ર મામલે 20-25નાં ટોળા સામે ફરિયાદ નોંધી સોમવાર સુધી પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે આ ઘટનામાં આરોપીઓની શોધ માટે નવ ટીમો બનાવી હોવાનું કહ્યું હતું.

વાઇરલ વીડિયોમાં ભારે પથ્થરમારો કરતી ભીડ ગંદી ગાળો બોલતા અને ધાર્મિક નારા લગાવતી પણ સંભળાઈ રહી હતી.

જોકે, આ સમગ્ર ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીનાં વાઇસ-ચાન્સેલર નીરજા ગુપ્તાએ કહ્યું હતું કે આવી ઘટના ભવિષ્યમાં ન બને એ સુનિશ્ચિત કરવા માટે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ખાનપાનની આદતો અંગેની સંવેદનશીલતા અને જાહેર સ્થળોએ ધર્મ અને આસ્થાના પાલન અંગે વધુ માહિતગાર કરવા પર ધ્યાન અપાશે.

આ ઘટના અંગે ભારતના વિદેશ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તેઓ રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?

ગત શનિવારે રાત્રે લગભગ સવા દસથી સાડા દસની વચ્ચે આશરે 15 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હૉસ્ટેલના આ પ્લૅટફૉર્મ પર રમજાન મહિનાની નમાજ પઢી રહ્યા હતા.

વિદ્યાર્થીઓની ફરિયાદ અનુસાર બરાબર એ સમયે 20-25 લોકોનું ટોળું ત્યાં આવી ચઢ્યું અને જાહેર સ્થળે નમાજ પઢવાનાં કારણો પૂછવા લાગ્યા.

હુમલાનો ભોગ બનનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફરિયાદ અનુસાર ‘મનાઈ’ છતાં હૉસ્ટેલના કૅમ્પસમાં ઘૂસી આવેલું આ ટોળું બોલાચાલી બાદ અચાનક હુમલો કરવા લાગ્યું.

હુમલાખોર ટોળાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરી, ભારે પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત હૉસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થીઓના રૂમ અને વાહનોમાં તોડફોડ કરી હતી.

રવિવારે પત્રકારો સાથે વાત કરતા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે કહ્યું હતું કે, “ગુજરાત યુનિવર્સિટીમાં 300 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભણે છે. હૉસ્ટેલના A બ્લૉકમાં આ વિદ્યાર્થીઓને એક ટોળાએ નમાજ પઢતા રોક્યા હતા અને આ માટે મસ્જિદમાં જવા કહ્યું હતું. ઘર્ષણ બાદ પોલીસ અહીં અડધા કલાકની અંદર જ પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.”

ઘટના બાદ બીબીસી ગુજરાતીએ જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ સાથે વાત કરી તેમનું કહેવું હતું કે તેઓ ભારે ડર અનુભવી રહ્યા છે.

એક વિદ્યાર્થીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “સાચું કહું તો મને હાલ ખૂબ બીક લાગી રહી છે, મને નથી ખબર કે મારા ઘરે જ્યારે આ ઘટનાની જાણ થશે તો પરિવારના સભ્યોને મારી કેટલી ચિંતા થશે અને ત્યારે હું તેમને શું કહીશ.”

તેઓ હૉસ્ટેલની ઇમારત બહાર પથ્થરમારાની ઘટનાની સાક્ષી પૂરતા ઢગલાબંધ પથ્થરોનો ભૂકો બતાવીને કહે છે કે, “આ પ્રકારના પથ્થર તમને પેલી બાજુ જોવા નહીં મળે, જેનો સીધો અર્થ એ છે કે અમે માર ખાધો છે અને હવે અમને વધુ બીક લાગી રહી છે.”

ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ હાલ સૃષ્ટિ કૅમ્પસ ખાતે રહે છે. જ્યાં આ ઘટના બની છે તે A બ્લૉક બહાર બે પ્રાઇવેટ ચોકીદારની ડ્યૂટી પર હોય છે અને હૉસ્ટેલના નિયમ પ્રમાણે બહારના કોઈપણ વિદ્યાર્થી કે વિઝિટરને પરવાનગી વગર અંદર આવવાની મનાઈ છે.

A બ્લૉકની બહાર ખુલ્લું મેદાન છે અને આસપાસના બ્લૉકમાં પણ વિદેશી વિદ્યાર્થીઓ રહે છે. જોકે, આ ઘટના બની તે સમયના વીડિયોમાં જોઈ શકાય છે કે બે ચોકીદાર ઘર્ષણ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને વિદેશી વિદ્યાર્થીઓને સમજાવીને તેમને અંદર જવાનું કહી રહ્યા હતા.

એ બેમાંથી એક ચોકીદારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, “ટોળાના લોકો કોઈ વાત માનવા તૈયાર નહોતા, જો અમે વચ્ચે પડીને તેમને ન સમજાવ્યા હોત તો કદાચ હજી વધુ નુકસાન થયું હોત.”

‘અગાઉ પણ બની ચૂક્યા છે આવા બનાવ’

નેટવર્ક સિક્યૉરિટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરતા નોમાન અફઘાનિસ્તાનથી અહીં ભણવા આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, “આ ઘટના બની ત્યારે હું હૉસ્ટેલમાં નહોતો, પરંતુ મને જાણ થતાં હું અહીં આવ્યો ત્યારે મેં જોયું કે મારા રૂમની દરેક વસ્તુ તોડી નખાઈ હતી. આ ઝઘડામાં મારા રૂમમાં કેમ તોડફોડ કરાઈ એ મને સમજાતું નથી.”

નોમાને ગુજરાત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, “ગુજરાતમાં ભણવા આવતા દરેક આંતરરાષ્ટ્રીય વિધાર્થીએ પહેલાં પોતાની સુરક્ષા વિશે વિચારવું જોઈએ. જો અહીંની સરકાર સુરક્ષાની જવાબદારી આપે તો જ અહીં આવશો. હાલ તો મને એવું લાગે છે કે અહીં જાણે કોઈ સુરક્ષા જ નથી.”

તેમણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે આ પહેલાં પણ આવા બનાવ બન્યા હોવાની વાત કરતા તેઓ કહે છે કે, “આ કૅમ્પસમાં પહેલાં પણ એવા અનેક બનાવો બન્યા છે, જેમાં મારા મિત્રો સહિત ઘણા લોકોના રૂમમાં આવીને કેટલાક લોકો ‘જય શ્રીરામ’ બોલવા માટે મજબૂર કરતા હતા અને જો ન બોલે તો માર પડતો હતો.”

ઘટના અંગે પોલીસે શું કર્યું?

અમદાવાદ પોલીસે આ સમગ્ર કેસમાં કરેલી તપાસ અંગે માહિતી આપતા કહ્યું હતું કે તેમણે ઘટના અંગે એફઆઈઆર નોંધીને આરોપીઓની ઓળખ કરવાનું શરૂ કરી દીધું હતું.

20-25 લોકોના ટોળા સામે થયેલી ફરિયાદ બાદ તમામને શોધવા માટે પોલીસની નવ ટીમો બનાવાઈ હતી. જેમાં ચાર ટીમ ક્રાઇમ બ્રાન્ચની તો પાંચ ટીમ સ્થાનિક પોલીસની હતી.

રવિવારે મોડી સાંજે ડીસીપીસ તરુણ દુગ્ગલે પત્રકારોને જણાવ્યું હતું કે, “20-25 આરોપીઓ પૈકી હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના બે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આરોપીઓની શોધ માટે પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ રહી છે.”

જોકે, પોલીસે આરોપીઓ અંગે આના કરતાં વધુ કોઈ માહિતી આપી નહોતી.

સોમવાર બપોર સુધીમાં પોલીસ આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે.

ઉપરોક્ત બંને આરોપીઓ સિવાય જિતેન્દ્ર પટેલ (31), ક્ષિતિજ પાંડે (22) અને સાહિલ ધુતીદુઆ (21)ની ધરપકડ કરી લેવાઈ છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા અમદાવાદ ઝોન-7ના ડીસીપી તરુણ દુગ્ગલે કહ્યું હતું કે આગામી સમયમાં હજુ વધુ લોકોની ધરપકડ કરાશે.

ગુજરાત યુનિવર્સિટિનાં વાઇસ ચાન્સલરનું શું કહેવું છે?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા આવી ઘટના ભવિષ્યમાં ન બને એ સુનિશ્ચિત કરવા ગુજરાત યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ જેમના પર હુમલો થયો એ જ વિદેશી વિદ્યાર્થીઓને વધુ ‘માહિતગાર’ કરવાની વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે, માટે તેઓ જ્યારે આ દેશમાં આવે તો આ દેશ વિશે તેમને માહિતી હોવી જરૂરી છે. જેની આ વખતની બેચમાં મને કમી લાગી છે. જેમકે પોતાના ધર્મ કે આસ્થાનું પ્રદર્શન જાહેર સ્થળો પર ન કરવું, ગુજરાત જેવા રાજ્યમાં, જે મુખ્યત્વે એક શાકાહારી રાજ્ય છે, ત્યાં ખાનપાનની આદતો કેવી રાખવી? વિવિધ તહેવારોમાં કેવી રીતે ભાગીદાર બનવું? તેમજ જો કોઈ મહિલા મિત્ર સાથે દોસ્તી કરે તો તેની સાથે કેવી રીતે રહેવું? આવી વિવિધ વાતો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેમને બતાવવાની જરૂર છે. જે અમે થોડા સમયમાં કરવાના છીએ.”

વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ગુજરાત યુનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી કૅમ્પસના HRDC (હ્યુમન રિસોર્સ ડેવલપમૅન્ટ સેન્ટર)ની બાજુની નવી હૉસ્ટેલના અલૉટમન્ટ લેટર વિદ્યાર્થીઓને આપી દીધા છે.

આવનારા એક-બે દિવસમાં આ તમામ વિદ્યાર્થીઓને નવી બિલ્ડિંગમાં ખસેડી દેવામાં આવશે, જ્યાં દરેક રૂમમાં બે વિદ્યાર્થીઓ, તેમજ સાથે બાથરૂમ અને પેન્ટ્રી જેવી સગવડો તેમને મળશે.