ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમને સુપ્રીમ કોર્ટે 'ગેરબંધારણીય' ગણાવી, કોર્ટે બીજું શું કહ્યું?

પ્રકાશિત

સુપ્રીમ કોર્ટે ગુરુવારના ચૂંટણી બૉન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી બૉન્ડની જાણકારી ગુપ્ત રાખવું માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે.

મુખ્ય જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડે કહ્યું કે,"સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા 12 એપ્રિલ 2019થી અત્યાર સુધી ખરીદવામાં આવેલા બૉન્ડની માહિતી ચૂંટણી પંચને ઉપલ્બધ કરાવે."

આ માહિતી ત્રણ અઠવાડિયામાં આપવાની રહેશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચથી 13 માર્ચ 2024 સુધી આ માહિતી વેબસાઇટ પર પ્રકાશિત કરવાનું કહ્યું છે.

કોર્ટે કહ્યું કે, "કાળા નાણા પર અંકુશ લગાવવાના હેતુથી માહિતીના અધિકારનું ઉલ્લંઘન વાજબી નથી. ચૂંટણી બૉન્ડ યોજના માહિતીના અધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. રાજકીય પક્ષો દ્વારા ભંડોળની માહિતી જાહેર ન કરવી એ ઉદ્દેશ્યની વિરુદ્ધ છે."

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "સરકારની દલીલ હતી કે આ યોજનાથી કાળા નાણાં પર રોક લાગશે. પરંતુ આ દલીલ લોકોના માહિતીના અધિકારને અસર કરે છે. આ યોજના માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે."

કોર્ટે કહ્યું કે, "સરકારે દાતાઓની ગોપનીયતા જાળવવી જરૂરી માન્યું, પરંતુ અમે આ સાથે સહમત નથી."

ચુકાદો સંભળાવતા સીજેઆઈ ડી. વાય. ચંદ્રચુડે કહ્યું, "અમે સર્વસંમતિથી આ નિર્ણય પર પહોંચ્યા છીએ. મારા નિર્ણયને જસ્ટિસ ગવઈ, જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ સમર્થન આપ્યું છે."

ચુકાદો સંભળાવતા સીજેઆઈ ડી. વાય. ચંદ્રચુડે કહ્યું, "અમે સર્વસંમતિથી આ નિર્ણય પર પહોંચ્યા છીએ. મારા નિર્ણયને જસ્ટિસ ગવઈ, જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ સમર્થન આપ્યું છે."

સુપ્રીમ કોર્ટના ચુકાદામાં થયેલી મહત્ત્વની ટિપ્પણીઓ :

• ઇલેક્ટોરલ બૉન્ડ યોજના ગેરબંધારણીય.

• ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમ RTI (માહિતીના અધિકાર)નું ઉલ્લંઘન છે.

• 2017માં ઇન્કમ ટૅક્સ ઍક્ટમાં કરવામાં આવેલ ફેરફાર (મોટા ડોનેશનને પણ ગોપનીય રાખવા) એ ગેરબંધારણીય છે.

•2017માં જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં કરાયેલો ફેરફાર પણ ગેરબંધારણીય છે.

•કંપની ઍક્ટમાં થયેલો ફેરફાર પણ ગેરબંધારણીય છે.

• આ સુધારાઓને કારણે ટ્રાન્ઝેક્શનના હેતુ માટે આપવામાં આવેલા દાનની માહિતી પણ છુપાયેલી છે.

•સ્ટેટ બૅન્કે તમામ પક્ષો દ્વારા મળેલા ડોનેશનની માહિતી 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવી જોઈએ.

•ચૂંટણી પંચે આ માહિતી 13 માર્ચ સુધીમાં પોતાની વેબસાઈટ પર જાહેર કરવી જોઈએ.

•રાજકીય પક્ષોએ એવા બૉન્ડ પરત કરવા જોઈએ જે હજુ સુધી બૅન્કને રોકડ કરવામાં આવ્યા નથી.

નવેમ્બર 2023 ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની પાંચ જજોની એક બંધારણીય બૅન્ચ ઇલેક્ટોરલ બૉન્ડ કે ચૂંટણી બૉન્ડ યોજનાની કાયદાકીય યોગ્યતા સાથે સંબંધિત અરજી પર સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

આ મામલો સુપ્રીમ કોર્ટમાં આઠ વર્ષથી વધુ સમયથી ચાલતો હતો અને તેના પર સૌની નજરો મંડાયેલી હતી. કારણ એ છે કે આ ચુકાદાની મોટી અસર આગામી 2024ની લોકસભા ચૂંટણી પર પડી શકે છે.

આ મામલા પર સુનાવણી શરૂ થાય તેના એક દિવસ અગાઉ જ 30 ઑક્ટોબરે ભારતના ઍટોર્ની જનરલ આર. વેંકટરમણીએ આ યોજનાનું સમર્થન કરતા સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આ યોજના રાજકીય પાર્ટીઓને આપવામાં આવતા દાનમાં ‘સ્વચ્છ ધન’ ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે.

આ સાથે જ ઍટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટ સામે એવો તર્ક પણ રજૂ કર્યો હતો કે યોગ્ય પ્રતિબંધોને આધીન થયા વિના નાગરિકોને બધી ચીજો જાણવાનો અધિકાર નથી.

આ વાતનો સંદર્ભ એ તર્ક સાથે જોડાયેલો છે કે જેના હેઠળ એવી માગણી કરવામાં આવી હતી કે રાજકીય પાર્ટીઓએ એ જાણકારી સાર્વજનિક કરવી જોઈએ કે તેમને કેટલા પૈસા કોની પાસેથી મળ્યા છે.

શું છે આ ઇલેક્ટોરલ બૉન્ડ્સ જેની આટલી ચર્ચાઓ થઈ રહી છે, આવો સમજીએ.

ગુમનામ વચન પત્ર એટલે શું?

ઇલેક્ટોરલ બૉન્ડ રાજકીય પક્ષોને દાન આપવાનો એક રસ્તો છે. આ એક વચન પત્ર જેવું હતું જેને કોઈપણ ભારતીય નાગરિક કે કંપની ભારતીય સ્ટેટ બૅન્કની અમુક શાખાઓ પાસેથી ખરીદી શકતું હતું અને તેના હેઠળ પોતાની પસંદની રાજકીય પાર્ટીઓને ગુપચુપ રીતે દાન કરી શકતું હતું.

ભારત સરકારે ઇલેક્ટોરલ બૉન્ડ યોજનાની જાહેરાત 2017માં કરી હતી. આ યોજનાને સરકારે 29 જાન્યુઆરી, 2018થી લાગુ કરી દીધી હતી.

આ યોજના હેઠળ ભારતીય સ્ટેટ બૅન્ક રાજકીય પક્ષોને ધન આપવા માટે બૉન્ડ જાહેર કરી શકતી હતી.

જે વ્યક્તિ પાસે એવું બૅન્ક ખાતું હોય કે જેમાં કેવાયસી જાણકારીઓ વેરિફાઈ થયેલી હોય તે આ બૉન્ડ ખરીદી શકતા હતા. ઇલેક્ટોરલ બૉન્ડમાં પૈસા આપનારનું નામ હોતું નથી.

આ યોજના હેઠળ ભારતીય સ્ટેટ બૅન્કની અમુક શાખાઓ પાસેથી એક હજાર, 10 હજાર, એક લાખ, 10 લાખ અને એક કરોડમાંથી કોઇપણ મૂલ્યના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદી શકાય એમ હતું.

ચૂંટણી બૉન્ડને વાપરવાનો સમયગાળો માત્ર 15 દિવસનો રખાયો હતો. એ દરમિયાન તેનો ઉપયોગ માત્ર જન પ્રતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત રજિસ્ટર થયેલા રાજકીય પક્ષોને દાન આપવા માટે કરી શકાય એમ હતું.

છેલ્લી લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં જે રાજકીય પક્ષોને એક ટકાથી વધુ મત મળ્યા હોય તેને જ ઇલેક્ટોરલ બૉન્ડથી દાન આપી શકાતું હતું.

આ યોજના હેઠળ ચૂંટણી બૉન્ડ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઑક્ટોબરના મહિનાઓમાં 10 દિવસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા.

તેમને લોકસભા ચૂંટણીના વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચિત 30 દિવસના વધારાના સમયગાળા માટે પણ જાહેર કરવામાં આવી શકાતા હતા.

આ યોજના પર સવાલો કેમ ઊઠ્યા હતા?

ભારત સરકારે આ યોજનાની શરૂઆત કરતા કહ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડ દેશમાં રાજકીય ફંડિંગની વ્યવસ્થાને સ્વચ્છ કરી દેશે.

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એ સવાલ વારંવાર ઊઠ્યો હતો કે ઇલેક્ટોરલ બૉન્ડના માધ્યમથી દાન આપનાર લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે જેના કારણે કાળા ધનમાં વધારો થઈ શકે છે.

એક ટીકા એવી પણ થઈ રહી હતી કે આ યોજના મોટા કૉર્પોરેટ ઉદ્યોગો તેમની ઓળખ છુપાવીને દાન કરી શકે તેના માટે લાવવામાં આવી હતી.

આ યોજનાને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પહેલી અરજી વર્ષ 2017માં ‘અસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ’ અને નૉન-પ્રૉફિટેબલ ઑર્ગેનાઇઝેશન ‘કૉમન કૉઝ’ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી અરજી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી(માર્ક્સવાદી) એ દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ યોજનાને કારણે ભારતીય અને વિદેશી કંપનીઓ દ્વારા અસીમિત રાજકીય દાન અને રાજકીય પક્ષોને ગુમનામ રીતે ફંડિંગ માટે દરવાજા ખુલી જાય છે. જેના કારણે મોટેપાયે ચૂંટણી દરમિયાન ભ્રષ્ટાચારને કાનૂની સ્વરૂપ મળી જાય છે.

આ અરજીઓમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ઇલેક્ટોરલ બૉન્ડ યોજનામાં રાખવામાં આવેલું ગુમનામીપણું ભારતીય નાગરિકોને મળેલા ‘જાણવાના હક્ક’નું પણ ઉલ્લંઘન કરે છે. આ અધિકારને સુપ્રીમ કોર્ટે પણ તેના ભૂતકાળના ચુકાદાઓમાં બંધારણની કલમ 19-1-એ હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભાગ ગણાવ્યો હતો.