અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત : 10 નાં મોત

પ્રકાશિત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતને કારણે ઘટનાસ્થળે જ આઠ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે અન્ય બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ પણ છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતી વખતે નડિયાદ પાસે એક કાર સાઇડમાં ઊભેલા ટ્રેલર સાથે અથડાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક જાણકારી મુજબ ટ્રેલર બગડેલું હોવાથી ઊભેલું હતું અને તેની પાછળ કાર ધડાકાભેર તેમાં ઘૂસી ગઈ હતી.

ઘટના સ્થળે હાલમાં 108ની ટીમ બચાવની કામગીરી કરી રહી છે. અનેક લોકોએ ગાડીનાં પતરાને તોડીને મૃતદેહોને કારમાંથી બહાર કાઢ્યા હતા.

રાહુલ ગાંધીએ કર્ણાટકની ચૂંટણીસભામાં શું કહ્યું?

રાહુલ ગાંધીએ કર્ણાટકની એક ચૂંટણી સભામાં કહ્યું કે આ ચૂંટણી બે વિચારધારાની લડાઈ છે.

એક તરફ બંધારણને બચાવવા માટે લડનારા લોકો છે અને બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ છે, જે લોકતંત્રને ખતમ કરવા માંગે છે.

તેમણે માંડ્યાની એક ચૂંટણી સભામાં કહ્યું, “ચૂંટણીનો સમય છે અને આ બે વિચારધારાની લડાઈ છે. એક તરફ કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન છે, જેને બંધારણની લડાઈ લડી હતી. હિન્દુસ્તાનને બંધારણ અને લોકતંત્ર આપ્યું. આરએસએસ અને ભાજપ બીજી તરફ બંધારણને ખતમ કરવા માંગે છે. તેઓ લોકતંત્રને ખતમ કરી રહ્યાં છે અને હિન્દુસ્તાનની દરેક સંસ્થાઓમાં પોતાના લોકોની ભરતી કરી રહ્યાં છે.”

રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં તેના વિશે એક સવાલ પર તેમણે જવાબ આપ્યો કે પાર્ટીની સીઈસીની ટીમ આ નિર્ણય કરે છે કે કોણ ક્યાંથી ચૂંટણી લડશે.

કૉંગ્રેસે અત્યાર સુધી અમેઠી અને રાયબરેલી બેઠક પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી.

આમ આદમી પાર્ટીએ “આપ કા રામરાજ્ય” નામની વેબસાઇટ લૉન્ચ કરી

રામનવમીના દિવસે દિલ્હીમાં સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી (આપ)એ “આપ કા રામરાજ્ય” નામની વેબસાઇટ લૉન્ચ કરી છે.

આપ નેતા અને રાજ્યસભાના સંસદ સભ્ય સંજય સિંહે આ વાતની જાણકારી આપી હતી.

સંજય સિંહે કહ્યું, “અમે લોકો રામનવમીના દિવસે આજે “આપ કા રામરાજ્ય” વેબસાઇટની શરૂઆત કરી રહ્યાં છીએ.”

“આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો રામરાજ્યને લઈને શું વિચાર છે? એક એવું રામરાજ્ય જેના વિશે શ્રીરામે કહ્યું અને સાકાર કરીને દેખાડ્યું.”

તેમણે ઉમેર્યું, “એ રામરાજ્ય જેનો ઉલ્લેખ મહાત્મા ગાંધીએ વારંવાર કર્યો. જેમાં દરેકના સુખ અને સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવે. રામરાજ્યના સપનાને સાકાર કરવા માટે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કામ કરીને દેખાડ્યું છે.”

“આ પહેલી રામનવમી છે જ્યારે અરવિંદ કેજરીવાલ આપણી સાથે નથી. અરવિંદ કેજરીવાલ જેલમાં છે.”