સાળંગપુર: હર્ષદ ગઢવી કોણ છે, જેણે મંદિરમાં શિલ્પચિત્રોને તોડવાનો પ્રયાસ કર્યો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

સ્વામીનારાયણ વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલાં શિલ્પચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે.

પરંતુ તેમાં એક વધુ વિવાદિત ઘટના બની છે. એક વ્યક્તિએ મંદિરમાં ઘૂસીને શિલ્પચિત્રોને તોડવાની અને તેના પર કાળો રંગ લગાવવાની કોશિશ કરી હતી.

પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી લીધી હતી અને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાને પગલે મંદિર પરિસરમાં પોલીસનો કાફલો પહોંચી ગયો છે અને બંદોબસ્ત વધુ સઘન કરી દેવાયો છે.

વળી બીજી બાજુ શિલ્પચિત્રોના લીધે સર્જાયેલા વિવાદ પર અલગ-અલગ સાધુસંતોનાં નિવેદનોથી મામલો વધુ ગરમાતો જાય છે.

અગાઉ કરણી સેના અને વિવિધ હિન્દુ સંગઠનોએ આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો, તો ગુજરાતનાં અલગઅલગ મંદિરો સાથે સંકળાયેલા મહંતો અને ધાર્મિક આગેવાનોએ પણ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

અગાઉ કથાકાર મોરારિબાપુએ પણ આ વિશે નિવેદન આપી કહ્યું હતું કે "આ હીન ધર્મ છે."

બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર સાળંગપુર શિલ્પચિત્ર વિવાદને લઈને લીંબડી મોટામંદિર ખાતે આગામી તારીખ પાંચમી સપ્ટેમ્બરે સાધુ-સંતોની બેઠક યોજાશે. જેમાં સાધુ સંતો, અખાડાના પ્રમુખ, મહામંડલેશ્વર સહિતના લોકો ઉપસ્થિત રહેશે.

લીંબડી બેઠક બાદ સાળંગપુર વિવાદ મામલે આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

શિલ્પચિત્રોને તોડવાની કોશિશ કરનાર હર્ષદ ગઢવી કોણ છે?

બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર શિલ્પચિત્રોને તોડવાની અને તેના પર કાળો રંગ લગાડવાની કોશિશ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

ઘટનાના પગલે ડી.વાય.એસ.પી. ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

બોટાદના એસપી કિશોર બરોળિયાએ જણાવ્યું કે, “વ્યક્તિ પાર્કિંગ અને બગીચાની પાસેથી આવી હતી. તેને પોલીસે પકડી લીધી છે અને પૂછપરછ ચાલુ જ છે. મંદિર પ્રશાસન સાથે વધુ વિગતો શેર કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે.”

“હું સામાન્ય જનતાએ અપીલ કરીશ કે તમામ વિવાદનો ઉકેલ સંવાદથી પણ આવી શકે છે. એટલે તમામે શાંતિ જાળવવી જોઈએ.”

“એ વ્યક્તિ છુપાઈને અંદર પહોંચી હતી અને તે જે વાહનમાં આવી હતી તેની પણ તપાસ થઈ રહી છે કે તેમની સાથે કોઈ બીજા લોકો હતા કે નહીં. મંદિર પ્રશાસન તરફથી મળનારી રજૂઆતને આધારે ફરિયાદ નોંધવામાં આવશે.”

પોલીસ અનુસાર શિલ્પચિત્રો પર કાળો રંગ લગાડવાની કોશિશ કરનાર વ્યક્તિ ચારણકી ગામના હર્ષદ ગઢવી છે. તેઓ ખેતીવાડી સાથે સંકળાયેલા છે. તેમણે પોતાના જ ગામમાં વાડીમાં ગજાનંદ આશ્રમ બનાવેલો છે. સાળંગપુર પગપાળા જતા યાત્રિકો માટે તેઓ સેવાની વ્યવસ્થા પૂરી પાડે છે.

ચારણકી ગામના સરપંચ સહિતના લોકોએ તેમનું સમર્થન કર્યું છે. દિયાળભાઈ પરમાર તેમના ગામના રહેવાસી છે અને સરપંચ પણ છે.

તેમણે બીબીસીને જણાવ્યું, “હર્ષદભાઈ ધાર્મિક વ્યક્તિ છે. સાળંગપુરમાં જે વિવાદ ચાલી રહ્યો છે એટલે હર્ષદભાઈથી સહન ન થતાં આવું પગલું ભર્યું હશે.”

બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર, હર્ષદ ગઢવીના ગામ ચારણકીમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ગ્રામજનો સમર્થનમાં એકત્ર ન થાય, તેમજ હાલ હર્ષદ ગઢવીના સમર્થનમાં બરવાળા તરફ ન જાય તે માટે બંદોબસ્ત ગોઠવાયો છે.

તો ગામમાંથી બહાર જતા લોકોને યોગ્ય કારણ વગર બરવાળા તરફ પોલીસ દ્વારા જતા રોકાઈ રહ્યા છે.

વડતાલના નૌતમ સ્વામીનું નિવેદન

શિલ્પચિત્રોને લઈને શરૂ થયેલા વિવાદ મુદ્દે વડતાલના નૌતમ સ્વામીએ આપેલા નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે. આ નિવેદનને કારણે જ વિવાદ વધ્યો હોવાનું મનાય છે.

શિલ્પચિત્રો સામે વિરોધ કરનારા સંતોને નૌતમ સ્વામીએ એક સભામાં જણાવ્યું હતું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને શ્રી હનુમાનજી મહારાજે પણ સ્વામીનારાયણ ભગવાનની સેવા કરી છે. આ વાતથી સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ભરેલો પડ્યો છે. જો કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ પર વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં તેનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિને કોઈ જરૂર નથી."

નૌતમ સ્વામીએ પુરાણોનો હવાલો આપીને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો જવાબ આપવા તૈયાર હોવાની વાત કરી હતી.

તેમણે ઉમેર્યું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને તે વેદ વ્યાસજીએ કહ્યા મુજબ સ્કંધ પુરાણ વગેરેમાં તેનો ઉલ્લેખ છે અને જેને જ્યારે જે જગ્યાએ જોઈએ ત્યારે સંપ્રદાયના વિદ્વાનો જવાબ આપવા તૈયાર છે. સત્સંગીઓએ અન્યોની વાતો સાંભળીને હતોત્સાહ ન થવું."

શું છે સમગ્ર વિવાદ?

સાળંગપુરમાં બનેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવી છે. આ ઊંચી પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મની ફરતે હનુમાનનાં શિલ્પચિત્રો મૂકવામાં આવ્યાં છે.

સાળંગપુરનું આ હનુમાન મંદિરનું સંચાલન સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ શાખા કરે છે.

મંદિરના વહીવટદારોનું કહેવું છે કે આ શિલ્પચિત્રો વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરે છે.

હવે, આ શિલ્પચિત્રો પૈકી એકમાં સહજાનંદ સ્વામીના એટલે કે સ્વામીનારાયણના પગમાં હનુમાનજી હાથ જોડીને બેઠા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે.

એક શિલ્પચિત્રમાં હનુમાનજીને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા છે.

આ મુદ્દે કેટલાક સાધુ-સંતો રોષે ભરાયા છે. તેમના મતે ‘આ પ્રકારનાં ચિત્રો સનાતન ધર્મનું અપમાન છે.’

કથાકાર મોરારિબાપુએ પણ આ શિલ્પચિત્રોમાં હનુમાનના ચિત્રાંકન મામલે નારાજગી પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આ હીન ધર્મ છે." ત્યારપછી આ મામલાની વ્યાપક ચર્ચા ચાલુ થઈ હતી.

જેને પગલે વિવિધ સંગઠનો, સંપ્રદાયો અને મંદિરના મહંતો સહિતના લોકો હવે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.