You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હજી વધશે વરસાદનું જોર, રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે એટલે કે રાજ્યના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.
હાલ ચોમાસું હવે પૂરું થવા જઈ રહ્યું છે પરંતુ તે પહેલાં ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતના પશ્ચિમ ભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને પૂર્વ તરફના ભાગોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી પણ આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.
26 સપ્ટેમ્બરના રોજ તાપીના વ્યારામાં 8 ઇંચ જેટલો, સોનગઢમાં 6 ઇંચથી વધારે, ભાવનગરના ઘોઘામાં 6 ઇંચ, પાલિતાણામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
26 સપ્ટેમ્બરના રોજથી રાજ્યમાં વરસાદનું જોર વધ્યું હતું અને ગુજરાતના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં હવે ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?
હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતના 6 જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 11 જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે.
ગુજરાતમાં 27 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવના છે. એટલે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર રહેવાની શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 27 સપ્ટેમ્બરના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે.
ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે, આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
જ્યારે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
આ સિવાયના જિલ્લાઓમાં કોઈ ઍલર્ટ આપવામાં આવ્યું નથી એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા નથી, ત્યાં છૂટોછવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
28 સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ વરસાદી માહોલ ચાલુ રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 28 સપ્ટેમ્બરના રોજ 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ અત્યંત ભારે વરસાદની શક્યતા નથી.
વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે, આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
રાજ્યના બાકીના જિલ્લાઓમાં 28 સપ્ટેમ્બરના રોજ કોઈ ખાસ ઍલર્ટ નથી પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે.
29 સપ્ટેમ્બરથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસું તમામ વિસ્તારોમાંથી ક્યારે વિદાય લેશે?
ગુજરાત અને રાજસ્થાનમાંથી 23 સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે, ભારતમાં ચોમાસાની વિદાયની અધિકારીક તારીખ 17 સપ્ટેમ્બર છે એટલે કે આ વર્ષે ચોમાસાની વિદાય મોડી શરૂ થઈ છે.
ગુજરાતમાં હાલ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના આ જિલ્લાઓની સાથે રાજસ્થાન, હરિયાણા અને પંજાબના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. હાલ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેના કારણે રાજ્યમાં ચોમાસાની વિદાય હજી થોડી મોડી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં 30 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે તે બાદ રાજ્યમાંથી ફરી ચોમાસાની વિદાય આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં જુલાઈ અને ઑગસ્ટમાં એટલો વરસાદ પડ્યો હતો કે પૂરની સ્થિતિ પેદા થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન