You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શારીરિક સંબંધ બાંધતી વખતે થયેલ ઈજાથી માદા ચિત્તાનું મોત
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
- પ્રકાશિત
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાનું શારીરિક સંબંધ બાંધતી વખતે થયેલ ઈજાને કારણે તાજેતરમાં મૃત્યુ થયું હતું. માર્ચ મહિનાથી અત્યાર સુધી ત્રણ ચિત્તા મૃત અવસ્થામાં મળી આવ્યા છે. પાર્કે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે સવારે એક માદા ચિત્તા ઈજાગ્રસ્ત અવસ્થામાં મળી આવી હતી, જેનો એ સમયે ઇલાજ કરાયો હતો.
નિવેદનમાં આગળ કહેવાયું હતું કે પ્રાથમિક રિપોર્ટ મુજબ બે ચિત્તા સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે થયેલ ઈજાના કારણે માદા ચિત્તાનું મૃત્યુ થયું હતું.
નોંધનીય છે કે ભારતમાં ચિત્તાને ફરી વસાવવા માટેના પ્રયાસો અંતર્ગત આ ત્રણેય ચિત્તાને આ વર્ષે દક્ષિણ આફ્રિકાથી લવાયા હતા.
મૃત્યુ પામનાર માદા ચિત્તાનું નામ 'દક્ષા' હતું. 'અગ્નિ' અને 'વાયુ' નામના બે ચિત્તાના ક્ષેત્રની બાજુના ક્ષેત્રમાં આ માદા ચિત્તાને રાખવામાં આવી હતી.
નિવેદનમાં આગળ કહેવાયું છે કે, “30 એપ્રિલના રોજ ભારતીય અને દક્ષિણ આફ્રિકાના અધિકારીઓ અને નિષ્ણાતોની એક મિટિંગમાં દક્ષાને નર ચિત્તા સાથે મળવા દેવાનો નિર્ણય કરાયો હતો. જેના એક દિવસ બાદ બંને ક્ષેત્રો વચ્ચેનો દરવાજો ખોલી દેવાયો હતો.”
6 મેના રોજ નર ચિત્તા માદા ચિત્તાના ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા.
નિવેદનમાં કહેવાયું હતું કે, “શારીરિક સંબંધ બાંધતી વખતે ચિત્તા માદા ચિત્તા સાથે હિંસક વર્તન કરે એ સાવ સ્વાભાવિક બાબત છે. તેમજ આ દરમિયાન મૉનિટરિંગ ટીમ વચ્ચે પડે એ બાબત અશક્ય છે.”
નોંધનીય છે કે ભારતમાંથી વિલુપ્ત જાહેર કરાયાનાં 70 વર્ષ બાદ ગત વર્ષે દેશમાં ચિત્તાનું પુનરાગમન થયું હતું. ચિત્તાના આગમનને કારણે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમજ ચિત્તાને સ્પર્શતા સમાચાર હેડલાઇન બની જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત મહિને ઉદય નામનો ચિત્તો મૃત્યુ પામ્યો હતો. અધિકારીઓના જણાવ્યાનુસાર કાર્ડિયેક ફેલ્યોરને કારણે તેનું મૃત્યુ થયું હતું. ઉદય ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણ આફ્રિકાથી લવાયેલ 12 ચિત્તા પૈકી એક હતો.
27 માર્ચના રોજ નામિબિયાથી લાવેલા પ્રથમ સમૂહમાં આવેલ માદા ચિત્તાનું સંભવિત કિડનીને લગતી બીમારીને કારણે મૃત્યુ થયું હતું. ગત વર્ષે જાહેર પ્રચાર સાથે પાંચ નર અને ત્રણ માદા ચિત્તા ભારત લવાયા હતા. મૃતક માદા ચિત્તાને પણ આ પ્રથમ સમૂહ સાથે ભારત લવાઈ હતી.
જંગલમાં છોડતા પહેલાં તમામ ચિત્તાને નિયંત્રિત ક્વોરૅન્ટીન ઝોનમાં રાખવામાં આવ્યા હતા. તેમની દરેક પ્રવૃત્તિ અને અવરજવર પર નજર રાખવામાં આવે છે.
29 માર્ચના રોજ નામિબિયાથી આવેલ માદા ચિત્તાએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો.
ઘણી લોકકથાઓમાં ચિત્તાનો ઉલ્લેખ હોઈ ભારત માટે ચિત્તો મહત્ત્વપૂર્ણ પ્રાણી છે. વર્ષ 1947 બાદ ભારતનાં મોટા સ્તનધારી પ્રાણીઓ પૈકી એક માત્ર ચિત્તો લુપ્ત થયો હતો. લુપ્ત થવાનાં કારણોમાં શિકાર, શિકાર અને વસવાટના ક્ષેત્રમાં ઘટાડો અને શિકારનો અભાવ સામેલ હતાં.