ચાંદીપુરા વાઇરસ: ગુજરાત સરકારે શરૂ કર્યું મૉનિટરિંગ, 29 સંદિગ્ધ કેસ નોંધાયા

પ્રકાશિત

ગુજરાત સરકારના આરોગ્યવિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં ચાંદીપુરાના સંદિગ્ધ 29 કેસની સારવાર ચાલી રહી છે. જેમાંથી 26 દરદીઓ ગુજરાતના, બે રાજસ્થાન તથા એક મધ્ય પ્રદેશના છે.

ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં આ બીમારીને કારણે 14 બાળકોનાં મૃત્યુ થયાં છે. જેમાં સાબરકાંઠામાં ચાર સંદિગ્ધ કેસ આવ્યા છે અને બેનાં મૃત્યુ થયાં છે. અરવલ્લીમાં ચાર સંદિગ્ધ કેસ અને જેમાં ત્રણનાં મોત થયાં છે. રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર અરવલ્લીમાં થયેલાં મૃત્યુમાં એક સંદિગ્ધ ચાંદીપુરા વાઇરસને કારણે થયું છે.

આ ઉપરાંત મહીસાગરમાં એક, મહેસાણામાં એક, રાજકોટમાં બે, અમદાવાદમાં એક અને મોરબીમાં એક-એક મૃત્યુ નોંધાયા છે.

રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરથી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે અને જિલ્લા તથા કૉર્પોરેશનના આરોગ્યવિભાગોને નિયંત્રણાત્મક તથા અટકાયતી પગલાંઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ સિવાય આ પ્રકારના સંદિગ્ધ કેસોના નમૂના નેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજી પુના ખાતે મોકલવા તાકિદ કરવામાં આવી છે.

રોગચાળાના નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે અને તેનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર: ધોરણ 12 પાસ કરનાર દરેક વિદ્યાર્થીને મળશે રૂ. છ હજાર

મહારાષ્ટ્ર સરકાર ધો.12 પાસ કરનાર, ડિપ્લોમા તથા ગ્રૅજ્યુએશનનો અભ્યાસ કરનારાઓને માસિક રૂપિયા છ હજાર, રૂપિયા આઠ હજાર તથા 10 હજાર ચૂકવશે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ ઍક્સ પોસ્ટમાં આના વિશે જાહેરાત કરતા લખ્યું, "બાળકો માટે 'મુખ્ય મંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના' શરૂ કરવામાં આવશે અને માધ્યમિકથી ધો. 12 સુધીનો અભ્યાસ કરનારને રૂ. છ હજાર, ડિપ્લોમા કરનારને રૂ. આઠ હજાર તથા ડિગ્રી કરનારને રૂ. 10 હજાર શિષ્યવૃત્તિ સ્વરૂપે આપવામાં આવશે."

શિંદેએ અષાઢી અગિયારસની સત્તાવાર મહાપૂજા માટે પંઢરપુર ગયા હતા. આ તકે યોજાયેલા કાર્યક્રમમાં બોલતી વખતે તેમણે યુવા માટેની આ યોજનાની જાહેરાત કરી.

જોકે, આ આર્થિકલાભ મેળવવા માટે યુવાનોએ એક વર્ષ સુધી કોઈ ફેકટરીમાં ઍપ્રેન્ટિસશિપ કરવી પડશે.

શિંદેએ કહ્યું, "યુવા એક વર્ષ સુધી કોઈ ફેકટરીમાં ઍપ્રેન્ટિસશિપ કરે, તો તેને અનુભવ મળશે તથા એના આધારે તેમને નોકરી પણ મળી રહેશે. આ ઍપ્રેન્ટિસશિપ માટે સરકાર ચૂકવણી કરશે."

બિહારમાં મુહર્રમના સરઘસમાં પેલેસ્ટાઇનનો ઝંડો લહેરાવવા બદલ એક વ્યક્તિની ધરપકડ

બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં મુહર્રમના એક સરઘસમાં પેલેસ્ટાઇનનો ઝંડો લહેરાવવાને કારણે વિવાદ પેદા થયો છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ જાણકારી સ્થાનિક પોલીસે આપી.

પૂર્વ ચંપારણના પોલીસ અધિક્ષક કાંતેશકુમાર મિશ્રાએ બીબીસીને જણાવ્યું, “મુહર્રમના સરઘસમાં પેલેસ્ટાઇનનો ઝંડો લહેરાવવા અને હંગામો કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.”

આ ઘટના જિલ્લાના મહેસી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસ ઘરપકડ કરવામાં આવેલી વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.

ઓમાન પાસે દરિયામાં ઑઇલનું ટૅન્કર પલટી ગયું, 13 ભારતીયો લાપતા

ઓમાનની પાસે દરિયામાં 15 જુલાઈના રોજ એક તેલનું ટૅન્કર પલટી ગયું હતું. આ ટૅન્કર પર આફ્રિકાના દેશ કોમોરોસનો ઝંડો હતો.

ઓમાનના સમુદ્રી સુરક્ષા કેન્દ્રએ ટૅન્કર પલટી ગયું તે વિશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર જાણકારી આપી હતી.

સમુદ્રી સુરક્ષા કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે આ ઘટના વિશે જાણકારી મળતાની સાથે જ બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ જહાજ પર હાજર 16 લોકો લાપતા છે, જેમાંથી 13 ભારતીય નાગરિકો છે અને ત્રણ શ્રીલંકાના નાગરિકો છે.

આ જહાજનું નામ “પ્રેસ્ટીજ ફૉલ્કન” છે.

હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછાં 50 લોકોનાં મોત

હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઇઝરાયલના હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછાં 50 પેલેસ્ટિનિયનોનાં મોત થયાં છે. આ ઉપરાંત આ હુમલાઓમાં ઘણા લોકોને ઇજા પણ થઈ છે.

આ હુમલાઓ પૈકી એક મોટો હુમલો દક્ષિણે આવેલા ખાન યુનૂસ શહેરમાં અને બીજો હુમલો સેન્ટ્રલ ગાઝામાં કરવામાં આવ્યો હતો.

જોકે, ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે બંને હુમલાઓ પેલેસ્ટાઇનના હથિયારબંધ જૂથોને નિશાને રાખીને કરવામાં આવ્યો હતો.

ઇઝરાયલનો દાવો છે કે છેલ્લા નવ મહિનામાં તેમણે કરેલા હવાઈ હુમલાઓ અને સૈન્ય કાર્યવાહીમાં 14 હજાર ચરમપંથીઓનાં મોત થયાં છે.

ઓમાનમાં ગોળીબારમાં એક ભારતીય સહિત પાંચ વ્યક્તિનાં મોત

ઓમાનના પાટનગર મસ્કત શહેરમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય સહિત પાંચ વ્યક્તિનાં મોત થયાં છે. આ ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં એક ભારતીય સામેલ છે.

ઓમાનસ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, “15 જૂલાઈનાં રોજ મસ્કત શહેરમાં ઘટેલી ગોળીબારની ઘટના પછી ઓમાન સલ્તનતના વિદેશ મંત્રાલયે સૂચના આપી છે કે એક ભારતીય નાગરિકનું મોત થયું છે અને અન્ય એક ભારતીય નાગરિકને ઇજાઓ થઈ છે. દૂતવાસ પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને પરિવારોને મદદ કરવાના બધા જ પ્રયત્નો કરશે.”

મસ્કતની શિયા મસ્જિદ પાસે થયેલા ગોળીબારમાં ચાર પાકિસ્તાની નાગરિકોનાં પણ મોત થયાં હતાં.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ઇમામ અલી મસ્જિદ પાસે થયેલા આ હુમલાને “કાયરતાપૂર્ણ આતંકવાદી” હુમલો ગણાવીને તેની નિંદા કરી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં લગભગ 30 પાકિસ્તાની નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હુમલાખોરોને મારી નાખવામાં આવ્યા છે.

મસ્જિદમાં શ્રદ્ધાળુઓની આ ભીડ શિયા મુસ્લિમોના પવિત્ર દિવસ અશૂરાની પહેલાંની સાંજે એકઠી થઈ હતી.

અમેરિકા રાષ્ટ્રપતિ બાઇડને સ્વીકાર્યું કે ટ્રમ્પ વિશે તેમની ટિપ્પણી એક ભૂલ હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્રમ્પ વિશે આપેલા એક નિવેદન અંગે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પને નિશાન પર લેવાનો સમય આવી ગયો છે.

પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર થયેલા હુમલાના થોડાક દિવસો પહેલાં બાઇડને પોતાના એક નિવેદનમાં આ વાત કરી હતી. આ હુમલા દરમિયાન એક ગોળી ટ્રમ્પના કાનને અડીને નીકળી ગઈ હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકોને ઇજા થઈ હતી.

બાઇડને ટ્રમ્પ પર થયેલા હુમલા પછી આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાની ભૂલને સ્વીકારી હતી. જોકે, તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કરેલી ટિકા-ટિપ્પણીનો બચાવ કર્યો હતો અને જણાવ્યું કે શું કામ તે મહત્ત્વપૂર્ણ છે.

રાષ્ટ્રપતિ બાઇડને એનસીબી ચૅનલમાં લેસ્ટર હોલ્ટને જણાવ્યું કે મારાં ચૂંટણી અભિયાનની ફરજ છે કે તે લોકોને ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો કેવા ખતરા પેદા થશે તેના વિશે જણાવે. બાઇડને કહ્યું કે અમારી વાતોને ખોટા અર્થમાં ન લેવી જોઇએ.

બાઇડને કહ્યું કે મારી ટિપ્પણીનો અર્થ હતો કે ડેમૉક્રેટ્સે ટ્રમ્પની ખોટી નીતિઓ અને ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલી ખોટી ટિકા-ટિપ્પણીઓ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.

આ ઇન્ટરવ્યુ દરમિયાન બાઇડને ફરીથી સ્પષ્ટતા કરી હતી કે ડિબેટમાં ખરાબ પ્રદર્શન અને પાર્ટીના લોકો દ્વારા માંગણી કરવા છતાં તેઓ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટશે નહીં.

તેમણે કહ્યું કે હું વૃદ્ધ છું, પરંતુ ટ્રમ્પ કરતાં માત્ર ત્રણ વર્ષ જ મોટો છું. તેમણે પોતાની માનસિક સ્થિતિને ઠીક ગણાવીને પોતાની સિદ્ધીઓ ગણાવી હતી. આ સાથે જે તેમણે સ્વીકાર્યું કે તેઓ અમેરિકાના લોકોને ખાતરી આપે છે કે તેઓ સ્વસ્થ છે.

બૅંગ્કોકની એક હૉટલમાંથી છ મૃતદેહો મળ્યા, શું છે સમગ્ર મામલો?

જેમી વ્હાઇટહેટ, બીબીસી ન્યૂઝ

થાઇલૅન્ડના પાટનગર બૅંગ્કોકની એક આલીશાન હૉટલનાં એક રૂમમાં વિયતનામના છ લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે.

સરકારે આપેલી માહિતી પ્રમાણે આ મૃતકોમાં કેટલાક વિયતનામી-અમેરિકન હતા. સ્થાનિક મીડિયાના શરૂઆતી અહેવાલોમાં કહેવામાં આવ્યું હયું કે ફાઇવ સ્ટાર હૉટલ ગ્રાન્ડ હયાત ઇરાવન બૅંગ્કોકમાં ગોળીબાર થયો હતો. જોકે, પોલીસે આ અહેવાલોને નકાર્યા હતા અને કહ્યું કે ગોળીબારના કોઈ પુરાવા મળ્યા નથી.

પોલીસનું કહેવું છે કે બની શકે કે આ લોકોને ઝેર આપવામા આવ્યું હોય. જોકે, આ વાતની પણ કોઈ પુષ્ટિ હજી થઈ શકી નથી.

થાઇલૅન્ડના વડા પ્રધાન શ્રેથા થાવિસિને પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાની તપાસ અંગે આદેશ આપ્યા હતા.

વડા પ્રધાને કહ્યું કે હું નથી ઇચ્છતો કે આ ઘટનાને કારણે દેશની છબી પર અસર પડે અને પ્રવાસીઓ પર કોઈ અસર થાય.

તેમણે કહ્યું કે પોલીસને શંકા છે કે મૃતકોનાં મૃત્યુને 24 કલાક થઈ ગયાં હતાં. મૃતકોએ શું ખાધું હતું તે જાણવા માટે પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે.

આ પહેલાં થાઈ પબ્લિક બ્રૉડકાસ્ટિંગ સર્વિસે પોલીસના હવાલેથી કહ્યું હતું કે ત્રણ મહિલા અને ત્રણ પુરૂષોનાં મૃત્યું થયાં હતાં.

પોલીસ મેજર જનરલ થિરાડેક થમસુથીએ થાઈ પબ્લિક બ્રૉડકાસ્ટિંગ સર્વિસને જણાવ્યું હતું કે પીડિતોને ઝેર આપવામાં આવ્યું હતું.