ભારતમાં રાજકીય પક્ષો માટે મહિલાઓ નવી વોટબૅન્ક છે?

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 11 મિનિટ

મહારાષ્ટ્રમાં ગયા મહિને થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના (શિંદે) અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી-અજિત પવાર)ના ગઠબંધન મહાયુતિનો શાનદાર વિજય થયો હતો.

2024માં શરૂ કરવામાં આવેલી 'લાડકી બહિણ' યોજનાને પણ આ જીતનું એક મોટું કારણ માનવામાં આવે છે.

ભાજપે 2023માં મધ્ય પ્રદેશ વિધાનસભાની એવી ચૂંટણી જીતી હતી, જેમાં તેનો વિજય મુશ્કેલ ગણવામાં આવતો હતો. એ વખતે એવી ચર્ચા થઈ હતી કે તત્કાલીન મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની 'લાડલી બહેના' અને 'લાડલી લક્ષ્મી' યોજનાઓએ પક્ષને એક હારેલી ચૂંટણી જીતાડી આપી હતી.

તાજેતરમાં દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીના થોડા સપ્તાહ પહેલાં આમ આદમી પાર્ટી (આપ)એ 'મુખ્ય મંત્રી મહિલા સન્માન યોજના' માટે રજિસ્ટ્રેશનની જાહેરાત કરી ત્યારે મહિલા મતદારોને ચૂંટણી ટાણે જ પોતાની તરફ આકર્ષવાના રાજકીય પ્રયાસમાં વધુ એક કડી ઉમેરાતી જોવા મળી.

જોકે, દિલ્હી સરકારનો મહિલા અને બાળવિકાસ વિભાગ અખબારોમાં જાહેરાત આપીને 'મુખ્ય મંત્રી મહિલા સન્માન યોજના'થી પોતાને દૂર રાખતો જોવા મળ્યો ત્યારે આ યોજના બાબતે વિવાદ સર્જાયો હતો.

આ યોજનાની જાહેરાતના સમયે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અન્ય રાજ્યોની માફક દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં પણ મહિલા મતદારોને આકર્ષવાના પ્રયાસોમાં રાજકીય પક્ષો કોઈ કસર છોડવા માગતા નથી.

'આપ'ની મહિલા સન્માન યોજના શું છે?

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે થોડા દિવસ પહેલાં 'મુખ્ય મંત્રી મહિલા સન્માન યોજના'ની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે દિલ્હીમાં રહેતી 18 વર્ષ કે તેથી વધુ વયની તમામ મહિલાઓને દિલ્હી સરકાર આ યોજના હેઠળ દર મહિને રૂ. 1,000 આપશે અને આ રકમ ચૂંટણી પછી વધારીને રૂ. 2,100 કરવામાં આવશે.

આપના જણાવ્યા મુજબ, આ યોજનાનો લાભ દિલ્હીમાં રજિસ્ટર્ડ એવી મહિલા મતદારોને મળશે, જેમની વાર્ષિક પારિવારિક આવક રૂ. ત્રણ લાખથી ઓછી છે અને જે દિલ્હી સરકાર પાસેથી કોઈ પેન્શન કે નાણાકીય સહાય મેળવતી નથી.

આપની સરકારે આ યોજનાની જાહેરાત 2024-25નું બજેટ રજૂ કરતી વખતે કરી હતી. એ વખતે આ યોજના માટે રૂ. 2,000 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

કેજરીવાલના જણાવ્યા મુજબ, તેમની એક "બનાવટી કેસમાં" ધરપકડ કરવામાં આવી હોવાથી આ યોજનાના અમલમાં વિલંબ થયો હતો.

આપે આશા વ્યક્ત કરી હતી કે આ યોજનાનો લાભ 45 લાખ મહિલાઓને મળશે.

આ યોજનાની જાહેરાત સાથે આપના કાર્યકરોએ મહિલાઓનું રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દીધું હતું.

આપનાં સૂત્રોએ તો ત્યાં સુધીનો દાવો કર્યો હતો કે આ યોજના માટે 10 લાખથી વધુ મહિલાઓ રજિસ્ટ્રેશન કરાવી ચૂકી છે.

પોતે દિલ્હી સરકાર તરફથી આવી કોઈ યોજનાનું નોટિફિકેશન બહાર ન પાડ્યું હોવાની સ્પષ્ટતા કરતી જાહેરાત દિલ્હી સરકારના મહિલા તથા બાળવિકાસ વિભાગે અખબારોમાં પ્રકાશિત કરી ત્યારે મહિલા સન્માન યોજના બાબતે વિવાદ સર્જાયો હતો.

કોઈ પણ વ્યક્તિ કે રાજકીય પક્ષ આ યોજનાના નામે લોકો પાસેથી માહિતી એકત્ર કરતો હોય તો આ છેતરપિંડી છે.

મહિલા સન્માન યોજનાના નામે મહિલાઓની અંગત માહિતી એકત્ર કરતા લોકો સામે તપાસ કરવાનો આદેશ દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ આપ્યો ત્યારે આ વિવાદ વકર્યો હતો.

ચૂંટણીમાં મહિલાઓની વધતી ભાગીદારી

ભારતીય ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, દેશમાં યોજાયેલી પહેલી ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી 7.8 કરોડ એટલે કે 45 ટકા હતી.

સાત દાયકા અને 17 રાષ્ટ્રીય ચૂંટણી પછી 2019માં મહિલાઓની ભાગીદારી પુરુષો કરતાં વધી ગઈ છે.

માત્ર તફાવત જ ઘટ્યો નથી, પરંતુ 2019માં મહિલા મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતાં 0.17 ટકા વધી ગઈ હતી.

ચૂંટણીપંચનું કહેવું છે કે ભારતમાં 1971ની ચૂંટણી પછી મહિલા મતદારોની સંખ્યામાં 235.72 ટકા વધારો થયો છે.

2024ની લોકસભા ચૂંટણી પછી બહાર પાડવામાં આવેલા ડેટામાં ચૂંટણીપંચે જણાવ્યું હતું કે 2024માં પ્રતિ 1,000 પુરુષ મતદાતા સામે મહિલા મતદાતાઓની સંખ્યા 946 હતી, જે 2029ની લોકસભા ચૂંટણીના 926ના આંકડાથી પણ વધારે છે.

એ ડેટા મુજબ, 2024માં 65.78 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે 65.55 ટકા પુરુષ મતદાતાઓએ મતદાન કર્યું હતું.

ચૂંટણીપંચનું કહેવું છે કે 2019ની માફક 2024ની ચૂંટણીમાં પણ મહિલા મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતાં વધારે હતી અને લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં આવું બીજી વખત થયું છે.

તેથી સ્પષ્ટ છે કે હવે કોઈ પણ રાજકીય પક્ષ મહિલા મતદારોની અવગણના કરી શકે તેમ નથી.

ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફર અને ચૂંટણી

2023માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી કે તે સત્તા પર આવશે તો ગૃહલક્ષ્મી યોજના હેઠળ પ્રત્યેક પરિવારની મુખ્ય મહિલાને દર મહિને રૂ. 2,000 નાણાકીય સહાય પેટે આપવામાં આવશે.

ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે કુલ 224 બેઠકોમાંથી 135 બેઠકો જીતીને કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો હતો અને તેણે સરકાર રચી હતી.

સરકાર રચાયાના થોડા દિવસ પછી જ ગૃહલક્ષ્મી યોજના શરૂ કરી દેવામાં આવી હતી.

ઉપલબ્ધ આંકડા મુજબ, જુલાઈ 2024 સુધીમાં આ યોજના હેઠળ 1.25 કરોડ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ગયું હતું.

મધ્ય પ્રદેશ સરકારે જાન્યુઆરી 2023માં લાડલી બહના યોજનાની જાહેરાત કરી હતી. એ યોજના હેઠળ તમામ મહિલાઓને દર મહિને રૂ. 1,000 નાણાકીય સહાય તરીકે આપવાનું શરૂ થયું હતું.

મધ્ય પ્રદેશમાં નવેમ્બર 2023માં ચૂંટણી યોજાવાની હતી અને ચૂંટણીના લગભગ છ મહિના પહેલાં કૉંગ્રેસે નારી સન્માન યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે એ સત્તા પર આવશે તો દરેક મહિલાને દર મહિને રૂ. 1,500 ચૂકવવામાં આવશે. એ ઉપરાંત રાંધણગૅસનું સિલિન્ડર રૂ. 500માં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તેના જવાબમાં શિવરાજસિંહ ચૌહાણ સરકારે લાડલી બહના યોજનાની રકમ પ્રતિમાસ રૂ. 1,000થી વધારીને રૂ. 1,250 કરી નાખી હતી.

ડિસેમ્બર 2023માં ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપે કુલ 230 બેઠકોમાંથી 163 બેઠકો જીતવામાં સફળ થઈ હતી, તેમજ મધ્ય પ્રદેશમાં તેણે ફરી એક વાર સરકાર રચી હતી.

મધ્ય પ્રદેશમાં ભાજપને લાડલી લક્ષ્મી યોજનાનો લાભ પણ મળ્યો હોવાનું માનવામાં આવે છે.

આ યોજના હેઠળ બાલિકાઓના નામે રજિસ્ટ્રેશનથી સતત પાંચ વર્ષ સુધી દર વર્ષે રૂ. 6,000 જમા કરાવવામાં આવે છે અને લાભાર્થીઓને પાંચ વર્ષ પછી રૂ. 30,000 મળે છે.

પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

મહારાષ્ટ્ર સરકારે ઑગસ્ટમાં લાડકી બહિણ યોજના શરૂ કરી હતી. એ યોજના હેઠળ રાજ્યની 21થી 65 વર્ષની વયની તમામ મહિલાઓને દર મહિને રૂ. 1,500 ચૂકવવાનું શરૂ થયું હતું.

મહાયુતિએ આ રકમ વધારીને દર મહિને રૂ. 2,100 કરવાનું વચન ચૂંટણીપ્રચાર દરમિયાન આપ્યું હતું.

નવેમ્બરમાં ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યાર ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિનો કુલ 288માંથી 231 બેઠકો પર વિજય થયો હતો અને રાજ્યમાં મહાયુતિએ ફરીથી સરકાર બનાવી હતી.

ઉપલબ્ધ આંકડા મુજબ, લાડકી બહિણ યોજનામાં લગભગ 2.4 કરોડ મહિલાઓનું રજિસ્ટ્રેશન થયું છે. મહારાષ્ટ્રમાં મહિલા મતદારોની કુલ સંખ્યા લગભગ સાડા ચાર કરોડ છે.

ઝારખંડ સરકારે ઑગસ્ટ 2024માં 'મૈયા સન્માન' યોજના શરૂ કરી હતી. એ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને દર મહિને રૂ. 1,000 આપવાની જોગવાઈ છે.

ઝારખંડમાં નવેમ્બર 2024માં ચૂંટણી યોજાવાની હતી અને મુખ્ય મંત્રી હેમંત સોરેને ચૂંટણી પહેલાં જાહેરાત કરી હતી કે તેમની સરકાર ફરી રચાશે તો આ યોજના હેઠળ આપવામાં આવતી રકમ પ્રતિમાસ રૂ. 1,000થી વધારીને રૂ. 2,500 કરવામાં આવશે.

નવેમ્બર 2024માં ઝારખંડની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું અને તેમાં હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી કુલ 81માંથી 34 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી હતી તથા ફરી સરકાર રચી હતી.

મહિલાઓ સંબંધી યોજનાઓ માટે કેટલો ખર્ચ?

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના તાજેતરના એક અહેવાલ મુજબ, અલગ-અલગ રાજ્યોમાં મહિલાઓને ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફર મારફત આપવામાં આવતી ધનરાશિનો કુલ આંકડો રૂ. બે લાખ કરોડને પાર કરી ગયો છે.

તે રિપોર્ટમાં જણાવ્યા મુજબ, મહિલાઓને લાડકી બહિણ યોજના હેઠળ પૈસા આપવા માટે મહારાષ્ટ્રે સૌથી વધુ રૂ. 46,000 કરોડની જોગવાઈ કરી છે.

બીજા નંબરે કર્ણાટક છે, જેણે ગૃહલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને વાર્ષિક રૂ. 28,608 કરોડ આપવાની જોગવાઈ કરી છે.

આ રીતે મઘ્ય પ્રદેશમાં લાડલી બહન યોજના હેઠળ રૂ. 18,984 કરોડ, પશ્ચિમ બંગાળમાં લક્ષ્મીર ભંડાર યોજના હેઠળ રૂ. 14,400 કરોડ, ગુજરાતમાં નમો શ્રી યોજના હેઠળ રૂ. 12,000 કરોડ અને ઓડિશામાં સુભદ્રા યોજના હેઠળ રૂ. 10,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

છત્તીસગઢ સરકારે વિવાહિત મહિલાઓને વાર્ષિક રૂ. 12,000ની સહાય આપવા માટે મહતારી વંદના યોજના શરૂ કરી છે.

પશ્ચિમ બંગાળની લક્ષ્મીર ભંડાર યોજના હેઠળ સમાજના આર્થિક રીતે નબળા વર્ગોની મહિલાઓને રૂ. 1,000 આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

ઓડિશામાં સુભદ્રા યોજના હેઠળ 21થી 60 વર્ષની વયની તમામ લાયક મહિલાઓને પાંચ વર્ષમાં રૂ. 50,000 આપવાની જોગવાઈ છે.

ગુજરાતમાં નમો શ્રી યોજના હેઠળ એસસી, એસટી અને બીપીએલ શ્રેણીની ગર્ભવતી મહિલાઓને રૂ. 12,000ની નાણાકીય સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશ સરકારે પણ 2024માં જાહેરાત કરી હતી કે રાજ્યની 18થી 60 વર્ષની વયની તમામ મહિલાઓને દર મહિને રૂ. 1,500 આપવામાં આવશે.

મહિલાઓ એક મોટી વોટબૅન્ક?

સવાલ એવો થાય કે રાજકીય પક્ષો મહિલાઓને એક મોટી વોટબૅન્ક સમજીને આવી યોજનાઓ અમલી બનાવી રહ્યા છે?

વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા કહે છે, "મહિલાઓ એક બહુ મોટી વોટબૅન્ક છે. તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે છે અને અનેક મામલાઓમાં પુરુષો કરતાં પણ વધારે મતદાન કરે છે. અનેક યોજનાઓએ મહિલાઓને સશક્તીકરણની અનુભૂતિ કરાવી છે. સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં આગામી દસ વર્ષમાં મહિલાઓને અનામત આપવાની વાતો ચાલી રહી છે, પરંતુ આ સશક્તીકરણનો લાભ શું છે? આ મહિલાઓ અર્થતંત્ર અને જીડીપી વૃદ્ધિમાં યોગદાન આપી શકવાની નથી."

વિનોદ શર્માના કહેવા મુજબ, ભારતમાં કલ્યાણવાદનું રાજકારણ બહુ જૂનું છે અને સૌથી પહેલા તેનાં મૂળિયાં દક્ષિણ ભારતમાં મજબૂત થયાં હતાં. એ પછી તે ઉત્તર ભારતમાં આવ્યું હતું અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉત્તર ભારતના રાજકીય પક્ષોએ તેને વેગ આપ્યો છે.

તેઓ કહે છે, "સરકારના તમામ મોટા-મોટા દાવાઓ છતાં દેશમાં ગરીબી અને અભાવ છે. આ પ્રકારની રાજનીતિથી એવી ચિંતા સર્જાય છે કે મહેનત કર્યા વિના મફતમાં દરેક ચીજ મેળવનારા મફતિયાઓની એક પેઢી આપણે તૈયાર કરી રહ્યા છીએ?"

તેઓ ઉમેરે છે, "મનરેગા એક એવી યોજના હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરવા માટે પૈસા આપવામાં આવતા હતા, પરંતુ હાલની યોજનાઓમાં એવું કશું નથી. તે પરિસ્થિતિને બદતર બનાવવા જેવું છે. આપણું અર્થતંત્ર તેને લાંબા સમય સુધી ચલાવી શકશે કે કેમ, એ હું જાણતો નથી."

વિનોદ શર્મા માને છે કે કલ્યાણકારી રાજ્યમાં ગરીબોને મદદની જરૂર હોય છે, પરંતુ "આ એવી મદદ નથી. આ તો લોકો મફતિયું મેળવવા માર્ગે ધકેલવા જેવું છે. આવી મુફ્તખોરી લોકોના દિમાગ પર નશા જેવી અસર કરતી હોય છે."

તેમનું કહેવું છે કે "લોકોને નોકરી આપો. તેમને આત્મનિર્ભર બનાવો. આવી યોજનાઓ વડે તમે મફતિયાઓની એક આખી પેઢી તૈયાર કરી રહ્યા છો."

સાચું અર્થકારણ કે માત્ર રાજકારણ?

જાણીતાં અર્થશાસ્ત્રી રીતિકા ખેડા હાલ દિલ્હીસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલૉજીમાં કાર્યરત્ છે.

તેઓ કહે છે, "રાજકીય પક્ષો આ યોજનાઓનો ઉપયોગ રાજકીય લાભ મેળવવા માટે કરી શકે છે, તેનો અર્થ એવો નથી કે કૅશ ટ્રાન્સફર્સનું કોઈ આર્થિક ઔચિત્ય નથી. મને લાગે છે કે આ સમગ્ર ચર્ચાના રાજકીય અને આર્થિક બન્ને પાસાં છે."

તેમના કહેવા મુજબ, "શ્રમદળમાં મહિલાઓની ભાગીદારી બહુ ઓછી છે અને મહિલાઓને કામ મળે, પૈસા કમાઈ શકે તથા આર્થિક રીતે સ્વતંત્ર થઈ શકે તેવી તકો તથા વાતાવરણ બનાવવામાં સરકારો નિષ્ફળ રહી છે."

પ્રોફેસર ખેડાના કહેવા મુજબ, "મહિલા આર્થિક રીતે સ્વતંત્ર ન હોય એ કારણે અનેક પ્રકારની મુશ્કેલી સર્જાતી હોય છે. અનેક મહિલાઓ ઘરનાં એવાં બધાં કામ કરતી હોય છે, જેનું આર્થિક મૂલ્ય હોય છે, પરંતુ સમાજ, પરિવાર કે અર્થતંત્રમાં તેને કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી."

તેમનું કહેવું છે કે "એ સંદર્ભમાં જોઈએ તો મહિલાઓને આ કૅશ ટ્રાન્સફર, માર્કેટમાં તકોના અભાવનું એક પ્રકારનું આર્થિક વળતર ગણી શકાય."

આ યોજનાઓ આર્થિક રીતે ટકાઉ છે?

પ્રોફેસર ખેડા કહે છે, "આ યોજનાઓ સસ્તી નથી. તમે આ યોજનાઓ વસ્તીના એક મોટા હિસ્સા સુધી પહોંચાડો છો અને તેમના માટે અર્થપૂર્ણ એવી એક મોટી રકમ ચૂકવો છો તો આ એક મોંઘો કાર્યક્રમ છે."

તેઓ ઉમેરે છે, "પછી તમારે આવી યોજનાઓ માટે નાણાં મેળવવા વધારે સંસાધનોની વાત કરવી પડશે, પરંતુ એવું કોઈ પણ રાજકીય પક્ષ રાજ્ય સ્તરે કરતો હોય એવું દેખાતું નથી. તેથી આ યોજનાઓ માટે તેઓ સંસાધનોની વ્યવસ્થા ન કરતા હોય તો સ્પષ્ટ છે કે આ પ્રકારની કૅશ ટ્રાન્સફર માટે અન્ય યોજનાઓના બજેટમાં કાપ મૂકવામાં આવશે."

રીતિકા ખેડાના કહેવા મુજબ, "આ તો ચિંતાની વાત છે. એક હાથેથી લઈને બીજા હાથેથી આપવા જેવું છે."

ઘણાં રાજ્યો આવી યોજનાઓ માટે હજારો કરોડો રૂપિયાની જોગવાઈ કરી રહ્યા છે ત્યારે સવાલ થાય કે આ યોજનાઓને કારણે રાજ્યોએ ભવિષ્યમાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે?

પ્રોફેસર ખેડા કહે છે, "અત્યારે કશું કહેવું મુશ્કેલ છે, કારણ કે આ યોજનાઓ નવીસવી છે. સરકારો યોજનાઓ માટે વધારે સંસાધન એકત્ર કરવામાં સફળ થશે તો આવી યોજનાઓને કારણે નાણાકીય સમસ્યા સર્જાય એવું જરૂરી નથી."

તેમનું કહેવું છે કે "તેઓ આવું નહીં કરી શકે અને બજેટમાં અન્યત્ર ક્યાંય કાપ નહીં મૂકે તો સમસ્યાઓ સર્જાઈ શકે છે."

રાજકીય પક્ષોને કેટલો ફાયદો?

દિલ્હીસ્થિત સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝમાં પ્રોફેસર તરીકે કાર્યરત્ સંજયકુમાર એક જાણીતા રાજકીય વિશ્લેષક પણ છે.

અમે તેમને સવાલ કર્યો કે મહિલાઓને ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફરની યોજનાઓથી રાજકીય પક્ષોને ફાયદો થઈ રહ્યો છે?

તેઓ કહે છે, "નિશ્ચિત રીતે જ ફાયદો થઈ સહ્યો છે. આ યોજનાઓના લાભાર્થીઓ, તેમણે આપેલા મતને ધ્યાનમાં લઈએ તો સત્તાધારી પક્ષ તરફ દરેક રાજ્યમાં, દરેક ચૂંટણીમાં તેમનો ઝુકાવ જોવા મળે છે."

"સવાલ એ છે કે બધા જ લાભાર્થીઓ સત્તાધારી પક્ષને મત આપી રહ્યા છે, એવું આપણે માની લેવું જોઈએ? આવું હોતું નથી. કેટલાક લાભાર્થી એવા પણ હોય છે કે જેઓ સત્તાધારી પક્ષને મત આપતા નથી, પરંતુ ટ્રેન્ડ એકદમ સ્પષ્ટ જોવા મળે છે."

"લાભાર્થીઓનો ઝુકાવ સત્તાધારી પક્ષ તરફ જ જોવા મળે છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે આવી યોજનાઓથી સત્તાધારી પક્ષોને લાભ થઈ રહ્યો છે."

સંજયકુમારના જણાવ્યા મુજબ, તમે કોઈ સમુદાય માટે ટાર્ગેટેડ સ્કીમ લાવો અને તે સમુદાયને લાભ થાય તો તેનો ફાયદો રાજકીય પક્ષોને દેખીતી રીતે થાય છે.

જોકે, માત્ર આ જ કારણસર પક્ષો ચૂંટણી જીતે છે, એવું કહેવું અતિશ્યોક્તિ ગણાશે, એવું પણ તેઓ જણાવે છે.

આ પ્રકારની યોજનાઓને કારણે ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી વધી છે કે કેમ, એવા સવાલના જવાબમાં સંજયકમાર કહે છે, "સીધો સંબંધ સ્થાપિત કરવો તો બહુ મુશ્કેલ છે. બીજાં કારણો પણ છે."

તેમના કહેવા મુજબ, "મને લાગે છે કે મહિલા મતદારોને એકત્ર અને ઉત્સાહિત કરવામાં સોશિયલ મીડિયા બહુ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. એ સિવાય અનેક રાજ્યોમાં સ્થાનિક સંસ્થાઓ કે પંચાયતોની જે ચૂંટણી થઈ છે એ કારણે પણ મહિલાઓ રાજકીય રીતે વધુ જાગૃત થઈ છે."

"તેમાં આ નવું કારણ ઉમેરાયું છે. તેમાં મહિલાઓને સીધી સુવિધા મળી રહી છે, પૈસા સીધા તેમના ખાતામાં જમા થઈ રહ્યા છે એટલે તેમને લાગે છે કે તેમણે મતદાન કરવું જોઈએ."

સંજયકુમાર ઉમેરે છે, "મહિલાઓ દ્વારા મતદાનના વધતા પ્રમાણમાં એક ફૅક્ટર આ પણ છે. તેનો પ્રભાવ કેટલો છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ આ ફૅક્ટરની એક ભૂમિકા જરૂર છે, કારણ કે રાજ્યની ચૂંટણી હોય કે લોકસભાની, દસ વર્ષનો ચૂંટણી ઇતિહાસ જોઈએ તો દરેક ચૂંટણીમાં મહિલાઓ દ્વારા મતદાન વધી રહ્યું છે."

મહિલાઓ દ્વારા કરવામાં આવતા મતદાનનું પ્રમાણ વધ્યું છે એવું ભલે જાણવા મળે, પરંતુ કેટલી મહિલાઓએ ક્યા પક્ષને મત આપ્યો છે તેની ખબર કેવી રીતે પડે એ જાણવું પણ જરૂરી છે.

સંજયકુમાર કહે છે, "બન્ને વચ્ચે સીધો સંબંધ કે કેમ છે એ તો જાણી શકાય નહીં. અમે સર્વેના આધારે આકલનનો પ્રયાસ કરીએ છીએ."

"કોઈ પક્ષને પુરુષ મતદારોની સરખામણીએ મહિલા મતદારોના બેથી ત્રણ ટકા મત વધારે મળે અને વધારે મહિલાઓએ મતદાન કર્યું હોય તો રાજકીય પક્ષોને નિશ્ચિત રીતે જ તેનો ફાયદો થઈ રહ્યો છે."

શું આ મત ખરીદવા જેવું છે?

આ યોજનાઓની એક મોટી ટીકા એવી થઈ રહી છે કે આ રીતે લાલચ આપીને મત મેળવવા તે વોટ ખરીદવા જેવું છે.

વિનોદ શર્માના કહેવા મુજબ, એક મજબૂત દલીલ એ હોય છે કે સંસાધનોનું સમાન વિતરણ થાય અને તેને સુધારાનો માનવીય ચહેરો કહેવામાં આવે છે.

તેઓ કહે છે, "અલબત્ત, સુધારાનો માનવીય ચહેરો હવે બગડી ગયો છે, કારણ કે સત્તાધારી પક્ષોને લાગે છે કે હાથમાં રોકડા આપવાથી સરકારી મોરચા પરની નિષ્ફળતાઓથી લોકોનું ધ્યાન ભટકાવવામાં સફળતા મળે છે."

વિનોદ શર્માના કહેવા મુજબ, "આ તો પૈસા આપીને મત લેવાની વાત છે. તેનાથી વધારે અધોગામી વિચાર ક્યો હોઈ શકે?"

સંજયકુમાર કહે છે, "ટીકાત્મક વિશ્લેષણ તો એવું જ કહેશે કે ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફર દ્વારા મત મેળવવામાં આવી રહ્યા છે. આ મૂળભૂત જરૂરિયાતની વાત નથી. આ વીજળી, પાણી, રસ્તાની વાત નથી. તમે સીધેસીધા પૈસા આપી રહ્યા હો તો તેની ટીકા કરતાં એવું કહી શકાય કે આ યોગ્ય નથી. તમે સમાન તક ઉપલબ્ધ કરાવતા નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.