You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણમાં ભારતનો પણ ઉલ્લેખ, ટેરિફ વિશે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે યુએસ કૉંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું છે જેમાં તેમણે ભારત સહિત બીજા દેશોને પણ ટાર્ગેટ કર્યા છે.
તેમણે બીજી એપ્રિલથી તમામ દેશો પર રૅસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે, "ચીન, ભારત, બ્રાઝિલ, મૅક્સિકો અને કૅનેડા સહિત ઘણા દેશો અમારી તુલનામાં વધારે ટેરિફ લગાવે છે."
ભારતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, "ભારત ઑટો ઉત્પાદનો પર 100 ટકા કરતાં પણ વધારે ટેરિફ લગાવે છે."
તેમણે કહ્યું કે, "આ ઉત્પાદનો પર ચીન અમારા કરતાં બમણો ટેરિફ લગાવે છે. જ્યારે દક્ષિણ કોરિયામાં ટેરિફ ચાર ગણો વધારે છે. જોકે, અમે દક્ષિણ કોરિયાને સૈન્ય અને બીજી ઘણી સહાય કરીએ છીએ."
ટ્રમ્પે જણાવ્યું કે, "મિત્રો અને વિરોધીઓ બંને તરફથી આ કરવામાં આવે છે. અમેરિકા માટે આ ન્યાયસંગત નથી. તેથી અમે બીજી એપ્રિલથી રૅસિપ્રોકલ ટેરિફ લગાવવાના છીએ. તે દેશો જેટલા ટેરિફ રાખશે એટલા જ અમે પણ લગાવીશું."
ટ્રમ્પે કહ્યું કે, "અમે પહેલી એપ્રિલથી જ આ કરવાના હતા. પરંતુ તે દિવસે એપ્રિલફૂલ બનાવવાનો આરોપ પોતાના માથે ન લઈ શકાય. તેથી બીજી એપ્રિલની તારીખ પસંદ કરી છે."
મારી ધમકીઓથી ઇમિગ્રન્ટ્સ યુએસ આવતા બંધ થયા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ કૉંગ્રેસમાં ભાષણ આપ્યું છે જેમાં તેમણે ઇમિગ્રેશનની પણ વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "મારી ધમકીઓ સાંભળીને હવે ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં આવતા અટકી ગયા છે."
ટ્રમ્પે કહ્યું કે, "યુએસ-મૅક્સિકો બૉર્ડર પર નૅશનલ ઇમરજન્સીનો ઉકેલ લાવવા માટે તેમણે ઘણાં બધાં પગલાં લીધા છે."
ટ્રમ્પે જણાવ્યું કે, "મેં આપણા દેશમાં સરહદેથી ઘૂસણખોરી રોકવા યુએસ મિલિટરી અને બૉર્ડર પેટ્રોલને કામે લગાવ્યા છે. ગયા મહિને ગેરકાયદે ઘૂસણખોરીનો આંકડો અત્યાર સુધીમાં સૌથી નીચો હતો."
ટ્રમ્પે રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો ત્યાર પછી ગેરકાયદે ઇમિગ્રેશન સામે સખત પગલાં ભર્યાં છે. તેમણે કેટલાય માઇગ્રન્ટ્સની ધરપકડ કરીને મિલિટરી વિમાનોમાં તેમના દેશ પાછા મોકલ્યા છે અને કેટલાકને ગ્વાટેનામો બે પણ મોકલવામાં આવ્યા છે.
ટ્રમ્પે કહ્યું કે, "તેમણે (ઇમિગ્રન્ટ્સે) મારા શબ્દો સાંભળ્યા છે અને યુએસ ન આવવાનું નક્કી કર્યું છે."
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં પાકિસ્તાનનો આભાર માન્યો
અમેરિકન કૉંગ્રેસની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યું કે સાડા ત્રણ વર્ષ અગાઉ આતંકવાદીઓએ 13 અમેરિકન સૈનિકો અને બીજા અગણિત લોકોની હત્યા કરી હતી.
ટ્રમ્પે કહ્યું કે, "અમે તાજેતરની ઘટનાના માસ્ટરમાઇન્ડને પકડ્યા છે અને તેને અમેરિકા લાવવામાં આવી રહ્યા છે. તેમણે અમેરિકન કાયદાનો સામનો કરવો પડશે."
"તેમને પકડવામાં મદદ કરવા બદલ ખાસ કરીને પાકિસ્તાનની સરકારને ખૂબ આભાર."
વર્ષ 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકન આગેવાની હેઠળની સેના હટતી હતી ત્યારે એક હુમલામાં 13 અમેરિકન સૈનિકો સહિત 170 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
તેને હવે અબી ગેટ બૉમ્બિંગ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રમ્પે જણાવ્યું કે, "આ હુમલા માટે જવાબદાર વ્યક્તિને પાકિસ્તાનમાં પકડાઈ ગઈ છે અને તેને હવે અમેરિકા લાવવામાં આવશે."
ટ્રમ્પના ભાષણ દરમિયાન કૉંગ્રેસનો માહોલ કેવો હતો
ડોનાલ્ડ ટ્રમ્પ આજે યુએસ કૉંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધન કરતા હતા ત્યારે રિપબ્લિકન અને ડેમૉક્રેટ નેતાઓ વચ્ચે તણાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો.
ટ્રમ્પ જ્યારે પોતાના વિજયનાં વખાણ કરતાં હતા અને ડેમૉક્રેટ્સની ટીકા કરતા હતા, ત્યારે ડેમૉક્રેટ સભ્યોએ ઘોંઘાટ શરૂ કરી દીધો હતો.
ભાષણ શરૂ કર્યા પછી થોડી જ વારમાં ટ્રમ્પે અધવચ્ચેથી અટકવું પડ્યું હતું. સ્પીકરે ટ્રમ્પ સામે બૂમો પાડતા સૅનેટર અલ ગ્રીનને બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો.
ગ્રીન ધીમેધીમે સદનમાંથી બહાર જતા જોવા મળ્યા હતા. ત્યાર પછી ટ્રમ્પે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું.
જોકે, હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવના કેટલાક ડેમૉક્રેટ સભ્યોએ પોતાના ટીશર્ટ અને બ્લૅઝર પર 'રેઝિસ્ટ' એટલે કે પ્રતિરોધ લખ્યું હતું. ત્યાર પછી તેમણે સંબોધનનો બહિષ્કાર કર્યો અને ગૃહમાંથી બહાર નીકળી ગયા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન