You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વક્ફ બિલમાં સુધાર અંગે લોકસભામાં ચર્ચા : અમિત શાહે વિપક્ષના નેતાઓને શું જવાબ આપ્યો?- ન્યૂઝ અપડેટ્સ
નરેન્દ્ર મોદી સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજ્જૂએ બુધવારે લોકસભામાં વકફ સુધાર બિલ રજૂ કર્યું હતું. જેની ચર્ચા માટે આઠ કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો.
આ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષે પોતાના મત અને તર્ક રજૂ કર્યા હતા. એક તબક્કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય અખિલેશ યાદવે કહ્યું હતું :
"ભાજપ જ્યારે પણ નવું બિલ લાવે છે ત્યારે તે પોતાની નિષ્ફળતાને છુપાવવાનો પ્રયત્ન કરે છે. ભાજપના લોકો મુસ્લિમોની જમીનો ચિન્હિત કરવાની વાત કરી રહ્યા છે, જેથી કરીને મહાકુંભમાં જે હિન્દુઓ મૃત્યુ પામ્યા છે અને લાપતા થઈ ગયા છે એ વાત પર પડદો પડી જાય."
પૂર્વ કાયદા મંત્રી અને બિહારની પટણાસાહિબ બેઠક પરથી ભાજપના સંસદસભ્ય રવિશંકર પ્રસાદે સત્તાપક્ષ તરફથી મોરચો સંભાળ્યો હતો. તેમણે પાર્ટીના વિચાર રજૂ કરતા કહ્યું :
"આજે હું સંસદ સામે એ સવાલ ઉઠાવવા માગું છું કે વક્ફની સંપત્તિની જમીનો પર કેટલી શાળાઓ બની? કેટલી હૉસ્પિટલો બની? કેટલાં સ્કિલ-સેન્ટર બન્યાં? કેટલાં અનાથાશ્રમો બન્યાં? આજે જ્યારે આ બિલથી વક્ફની જમીનને રેગ્યુલેટ કરીને તેની પ્રૉપર્ટીમાં ફંડિંગ સારું કરીને એ જમાતના લોકોનો વિશ્વાસ સંપાદિત કરીએ છીએ તો તેમને (વિપક્ષને) પરેશાની કેમ થાય છે?"
આસામમાંથી લોકસભાના સંસદસભ્ય ગૌરવ ગોગોઈએ લોકસભામાં ચર્ચા દરમિયાન કહ્યું, "વિશેષ સમાજના લોકોની જમીન પર તેમની નજર છે. કાલે કોઈ બીજા સમુદાયની જમીન પર તેમની નજર રહેશે. અમે સંશોધનની વિરુદ્ધ નથી. જે સંશોધન આ લોકો લઈને આવ્યા છે તેનાથી સમસ્યા વકરશે. વિપક્ષે આપેલી સલાહો અને સૂચવેલા સુધારાને તેમણે ફગાવી દીધા."
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી અને સરકાર વતી મોરચો સંભાળ્યો હતો, જેમાં તેમણે વિપક્ષની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું:
"વક્ફમાં કોઈ બિનઇસ્લામિક સભ્ય નહીં આવે. આ સ્પષ્ટ રીતે સમજી લો કે એવી કોઈ જોગવાઈ કરવામાં નથી આવી. ધાર્મિક સંસ્થાઓના સંચાલનમાં કોઈ બિનમુસ્લિમ વ્યક્તિની નિમણૂકની અમે વાત કરી નથી, અમે કરવા પણ માગતા નથી. એટલે જે લોકો મોટી મોટી વાતો કરે છે કે સમાનતાનો અધિકાર ચાલ્યો જશે, મુસ્લિમોના ધાર્મિક અધિકારોમાં દખલ કરાશે, એવું કંઈ થવાનું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મ્યાનમાર : ભૂકંપમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા અંગે હવે સેનાએ શું જણાવ્યું
મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે વધીને 2,886 થઈ ગઈ છે. આ માહિતી બુધવારે મ્યાનમારની સૈન્ય સરકારે આપી છે.
ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 4,639 છે, જ્યારે 373 લોકો હજુ પણ લાપતા છે. રાહત અને બચાવ કાર્ય હજુ ચાલી રહ્યું છે.
એવું માનવામાં આવી રહી છે કે 28 માર્ચના મ્યાનમરમાં આવેલા ભૂકંપને કારણે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે અહીંની સૈનિક સરકાર આ આંકડાને ઘટાડીને જણાવી રહી છે
28 માર્ચના મ્યાનમારમાં ભૂકંપના જોરદાર ઝટકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 7.7 હતી.
આ ભૂકંપના ઝટકા મ્યાનમારના પાડોશી દેશ થાઇલૅન્ડની રાજધાની બૅંગકૉક સુધી અનુભવાયા હતા.
થાઇલૅન્ડમાં ભૂકંપના કારણે છ લોકોનાં મોત થયાં છે જ્યારે 100 મજૂર લાપતા છે.
ત્યાર બાદ, યુએસ જિયોલૉજિકલ સરવેએ જણાવ્યું હતું કે મ્યાનમારમાં ભૂકંપના પ્રથમ ઝટકાના 12 મિનિટ પછી બીજો ઝટકો આવ્યો હતો.
બીજો ભૂકંપની તીવ્રતા 6.4 હતી. આ ભૂકંપનું કેન્દ્ર સાગાઇંગથી 18 કિલોમીટર દક્ષિણમાં હતું.
કૉંગ્રેસનો આરોપ, 'વિશેષ સમાજના લોકોની જમીન પર નજર'
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂના વકફ સંશોધન બિલને સંસદમાં રજૂ કર્યા અને તેના પક્ષમાં તર્ક રજૂ કર્યા બાદ કૉંગ્રેસે આ બિલ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.
કૉંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, "આ કયા પ્રકારનો કાયદો તમે બનાવી રહ્યા છો? વિશેષ સમાજના લોકોની જમીન પર આ લોકોની નજર છે. કાલે અન્ય સમુદાયના લોકોની જમીન પર તેમની નજર હશે. અમે સંશોધનની સામે નથી. જે સંશોધન આ લોકો લઈને આવ્યા છે તેનાથી સમસ્યા વધશે."
ગોગોઈએ કહ્યું કે વકફ બિલમાં સંશોધન માટે ગઠન કરવામાં આવેલી જેપીસી દરમિયાન વિપક્ષે જે સૂચનો આપ્યા હતા તેને અવગણવામાં આવ્યા છે. તેમનું કહેવું હતું કે વિપક્ષે આ બદલાવોને નકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે લોકસભામાં આ બિલ પર આઠ કલાક ચર્ચા થવાની છે પરંતુ જરૂર પડે તો સમયાવધિ વધારી શકાય છે.
વકફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થતાં હોબાળો
વકફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થયું હતું. વકફ સંશોધન બિલને રજૂ કરતી વખતે સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે જેપીસી સામે અલગ-અલગ પક્ષકારોએ, અધિકારીઓએ, સિવિલ સોસાયટીએ અને ધાર્મિક સંસ્થાઓએ પોતાની વાત મૂકી હતી.
મોદી સરકારના સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂનું કહેવું છે કે આ દેશના હિતમાં છે.
કિરેન રિજિજૂએ કહ્યું, "બિલનો કરોડો મુસ્લિમો જ નહીં પરંતુ આખો દેશ સમર્થન કરશે. ગરીબ મુસ્લિમો, મહિલાઓ અને બાળકો માટે આ જરૂરી છે. તેનાથી અમે પીછેહઠ નથી કરતા."
"જે લોકો તેનો વિરોધ કરે છે તેમનો વિરોધ રાજકારણથી પ્રેરિત છે."
તેમણે એમ પણ કહ્યું કે સરકાર સમજી વિચારીને આ બિલ લાવી છે.
જ્યારે કિરેન રિજિજૂ બિલ રજૂ કરતી વખતે બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષના સાંસદોએ હંગામો શરૂ કરી દીધો.
ઇન્ડિયા ગઠબંધન એક દિવસ પહેલા જ કરેલી એક બેઠકમાં આ બિલનો વિરોધ કરવાનો નિર્ણય લઈ ચૂક્યું છે.
વકફ સંશોધન બિલ પર અખિલેશ યાદવે શું કહ્યું?
વકફ સંશોધન બિલ લોકસભામાં પેશ થવા જઈ રહ્યું છે ત્યારે તમામ પક્ષોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી.
અખિલેશ યાદવે સંસદ પરિસરમાં મીડિયાને કહ્યું, "અમારી પાર્ટી આ બિલનો વિરોધ કરશે. જે લોકો માટે આ બિલ લાવવામાં આવી રહ્યું છે તેમની વાતોને મહત્ત્વ નહીં આપવાથી મોટો અન્યાય અન્ય બીજો કયો હોઈ શકે."
તેમણે દાવો કર્યો કે "ભાજપને જમીનથી પ્રેમ છે. તમે ઉત્તર પ્રદેશમાં જોયું હશે કે એક જ રાતમાં 15 મિનિટમાં કેટલો નફો થયો. આ લોકો વકફની જમીન વેચવાની તૈયારી કરી રહ્યા છે."
ઇન્ડિયા ગઠબંધન એક દિવસ પહેલા જ કરેલી એક બેઠકમાં આ બિલનો વિરોધ કરવાનો નિર્ણય લઈ ચૂક્યું છે.
વકફ સંશોધન બિલ પર ભાજપના સાંસદ જગદંબિકા પાલ શું બોલ્યા?
વકફ સંશોધન બિલ પર બનેલી સંસદીય સમિતિ(જેપીસી)ના અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે વિધેયકને લોકસભામાં પેશ થવાના સમાચાર પર કહ્યું કે તેમની મહેનત રંગ લાવી છે.
જગદંબિકા પાલે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે "428 પાનાનો રિપોર્ટ અમે આપી દીધો છે અને અમે તમામ પક્ષકારો સાથે પણ વાતચીત કરી છે."
તેમણે આ દિવસને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે વકફ સંશોધન બિલ પાસ થવાથી સામાન્ય મુસ્લિમોને તેનો ફાયદો થશે.
જોકે, આ બિલ પર બનેલી કમિટિની બેઠક દરમિયાન વિપક્ષોએ આરોપ લગાવ્યો કે તેમને બોલવા દેવામાં નહોતા આવ્યા.
વકફ બિલ પર મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે ભાજપનાં સહયોગી દળોને શું અપીલ કરી?
વકફ સંશોધન વિધેયકને લઈને ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે ભાજપના સહયોગી દળોને અપીલ કરી છે.
એઆઈએમપીએલબીએ કહ્યું કે ભાજપના સહયોગી સહિત તમામ ધર્મનિરપેક્ષ રાજનીતિક દળો અને સાંસદો આ વકફ બિલનો વિરોધ કરે અને કોઈ પણ હાલતમાં તેના પક્ષમાં મતદાન ન કરે.
ઉલ્લેખનીય છે કે વકફ સંશોધન વિધેયકને પારિત કરવા માટે અને ચર્ચા કરવા માટે લોકસભામાં બુધવારે લાવનાર છે.
બોર્ડના અધ્યક્ષ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ અપીલ કરતાં કહ્યું, "તમામ ધર્મનિરપેક્ષ દળો તથા સાંસદોને મારી અપીલ છે કે તેઓ સસંદમાં આ વિધેયક પેશ થવા પર ન માત્ર વિરોધ કરે પરંતુ ભાજપના સાંપ્રદાયિક એજેન્ડાને રોકવા તેની સમર્થનમાં મતદાન પણ ન કરે."
વકફ શું છે અને વકફ બિલનો કેમ વિવાદ થયો છે? આ વિશેના દરેક સવાલોના જવાબ મેળવવા અહીં ક્લિક કરો.
થાઇલૅન્ડ અને મ્યાનમાર બાદ ભારતના આ પડોશી દેશોમાં આવ્યો ભૂકંપ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની જાણકારી રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ આપી.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું કે પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 4.3 હતી જ્યારે અફઘાનિસ્તાનમાં તે 4.7 હતી.
પાકિસ્તાનમાં આવેલો ભૂકંપ જમીનથી 120 કિલોમીટર અંદર હતો જ્યારે અફઘાનિસ્તાનમાં આવેલો ભૂકંપ જમીનથી 193 કિલોમીટર અંદર હતો.
થાઇલૅન્ડ અને મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે ભારે તબાહી મચી હતી. ભૂકંપ પ્રભાવિત થાઇલૅન્ડ અને મ્યાનમારમાં બચાવ અભિયાન ચાલી રહ્યું છે.
અમેરિકામાં હજારો સરકારી કર્મચારીઓની નોકરી જશે
અમેરિકામાં ફેડરલ સ્વાસ્થ્ય કર્મચારીઓની છટણી શરૂ થઈ ગઈ છે. આ છટણી મામલે કર્મચારીઓને ત્યારે ખબર પડી જ્યારે તેમને ઑફિસના ગેટ પર જ રોકી દેવામાં આવ્યા.
આ છટણીઓમાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે.
અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી રૉબર્ટ એફ કૅનેડી જૂનિયરે છેલ્લા સપ્તાહે જ ઘોષણા કરી હતી કે દસ હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે ગત સપ્તાહે કહ્યું હતું કે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન(એફડીએ)માંથી 3,500 કર્મચારીઓને કાઢવાની યોજના છે.
ત્યાં યુનાઇટેટ સ્ટેટ્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન(સીડીસી)માંથી પણ 2,400 કર્મચારીઓનો છટળી થવાની છે. ઉપરાંત પ્રશાસને કહ્યું છે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનમાંથી પણ 1,200 કર્મચારીઓને કાઢવાના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન