છ રૂપિયાનું એક ઈંડું જેની હરાજીમાં સવા બે લાખ રૂપિયા મળ્યા, આવું કેમ થયું?

    • લેેખક, રિયાઝ મસરુર
    • પદ, બીબીસી ઉર્દૂ
  • પ્રકાશિત

આ કોઈ સોનાનું ઈંડું નથી પણ બજારમાંથી છ રૂપિયામાં ખરીદાયેલું સામાન્ય ઈંડું હતું, છતાં એક હરાજીમાં તેની કિંમત સવા બે લાખ રૂપિયાને આંબી ગઈ.

કાશ્મીરના ઉત્તરી કસ્બા સોપોરના 'માલ માપનપુરા' ગામમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એક મસ્જિદ બનાવાઈ રહી હતી. ઈદના પ્રસંગે મસ્જિદ કમિટીએ ઘરે ઘરે જઈને રોકડ અને સામાન દાનમાં લેવાનો નિર્ણય કર્યો.

લોકોએ રોકડ, વાસણો, મરઘી અને ચોખા સહિતની વસ્તુઓ દાનમાં આપી. પણ મસ્જિદ બનાવવા માટે જે ઉત્સાહ સાથે ગરીબ મહિલાઓએ તેને દાનમાં આપ્યું જેનાથી તેની કિંમત સવા બે લાખથી પણ વધુ પહોંચી ગઈ.

મસ્જિદ કમિટીના એક સભ્ય નસીર અહમદ જણાવે છે "અમે દાન જમા કરી રહ્યા હતા તે સમયે એક નાનકડા ઘરમાંથી મહિલા માથું ઝૂકાવીને ધીરે ધીરે મારી પાસે આવી અને મને એક ઈંડું આપ્યું. એ મહિલા બોલી કે 'મારા તરફથી આનો સ્વીકાર કરો.'"

નસીરનું કહેવું છે કે એ મહિલા અત્યંત ગરીબ છે. એક નાનકડા જર્જરિત મકાનમાં પોતાના એકના એક પુત્ર સાથે રહે છે.

તેઓ કહે છે કે "બીજી બધી વસ્તુઓ તો વેચવા માટે આપી દેવાઈ પણ હું વિચારતો હતો કે આ ઈંડાંનું શું કરવામાં આવે?"

નસીર કહે છે કે એ છ રૂપિયાનું સામાન્ય ઈંડું હતું પણ એ ગરીબ મહિલાએ જે રીતે ઉત્સાહની સાથે એેને ખુદા માટે આપ્યું તેણે તેને ખૂબ જ કિંમતી બનાવી દીધું હતું.

નસીરે ઉમેર્યું "મેં કમિટીના અન્ય સભ્યોને સલાહ આપી કે ઈંડાની બોલી લગાવી દેવાય અને ત્રણ દિવસ સુધી વેચ્યા બાદ ઈંડાને પાછું લઈ લેવાય."

નસીરે મસ્જિદમાં એ મહિલાની ઓળખ જાહેર કર્યાં વગર જાહેરાત કરી કે આ ઈંડાની હરાજી કરાઈ રહી છે. તેમણે આ ઈંડા માટે પોતાના તરફથી દસ રૂપિયાની બોલી લગાવી દીધી.

નસીર અનુસાર પહેલો અવાજ દસ હજાર રૂપિયાનો હતો. પરંતુ બાદમાં એ ઈંડાની કિંમત વધતી ગઈ.

ગામના પૂર્વ સરપંચ તારીક અહમદ કહે છે "250 લોકોના આ ગામમાં મોટી જામા મસ્જિદ નહોતી. એટલે જામા મસ્જિદ બનાવવાનું કામ શરૂ કરાયું પણ છતના બાંધકામ સુધી પહોંચતાં જ ફંડના અભાવે કામ અટકી પડ્યું"

"તેઓ કહે છે કે અમને ખબર નહોતી કે માત્ર એક ઈંડાથી અમને સવા બે લાખ રૂપિયા મળી જશે."

બોલીના છેલ્લા દિવસે શું થયું?

મસ્જિદની વ્યવસ્થા કમિટીએ નક્કી કર્યું હતું કે ઈંડાની બોલી માત્ર ત્રણ દિવસ સુધી લાગશે. નસીર અહમદ કહે છે કે બે દિવસ સુધી લોકો ઈંડા પર 10, 20, 30 અને 50 હજાર રૂપિયા સુધીની બોલી લગાવી ચૂક્યા હતા. દરેક વખતે ઈંડું ખરીદ્યા બાદ બીજી હરાજી માટે પાછું મોકલાવી દેવાતું.

પછી એલાન કરાયું કે છેલ્લા દિવસની સાંજે સાત વાગ્યે બોલી બંધ થઈ જશે. અને છેલ્લી બોલી લગાવનારાને ઈંડું અપાશે.

એ છેલ્લી બોલીમાં સોપોરના યુવા વેપારી દાનિશ હમીદ પણ હતા.

54 હજાર રૂપિયાની બોલી બોલાઈ અને તેની રકમનું બે વખત એલાન થયું ત્યારે છેલ્લી લાઇનમાં બેઠેલા દાનિશે મોટા અવાજમાં કહ્યું '70 હજાર'

એ રીતે આ ઈંડું કુલ મળીને બે લાખ 26 હજાર 350 રૂપિયાનું દાન એકઠું કરી શક્યું.

દાનિશે બીબીસીને કહ્યું "જોકે, મને નથી જણાવાયું કે આ ઈંડું કોણે દાનમાં આપ્યું હતું પણ અમને બધાને ખબર છે કે કોઈ ગરીબ મહિલાએ ઈંડું દાનમાં આપીને પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે. આ મહિલાએ રૂપિયાવાળા લોકોને આગળ આવીને દાન આપવા માટે પ્રેરિત કર્યાં."

તેઓ કહે છે કે "જ્યારે મેં 70 હજાર રૂપિયામાં ઈંડું ખરીદ્યું તો તે સમયે મારી વિચારસરણી પણ એ જ હતી."

અત્યારે ઈંડું ક્યાં છે?

નસીર કહે છે કે હવે એ ઈંડું સામાન્ય નથી રહ્યું પણ તેનું પ્રતીકાત્મક મહત્ત્વ છે.

તેઓ કહે છે, "હું આ ઈંડાને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરી રહ્યો છું. અને એક સારી ફ્રેમ બનાવી રહ્યો છું તેમાં તેને સંભાળીને રાખીશ."

નસીરની ઇચ્છા છે કે આ ઈંડું તેમના પરિવાર અને પ્રત્યેક જોનારા માટે યાદગાર બની રહેશે કે કેવી રીતે એક મહિલાએ ખુદા માટે ઈંડું વિચાર્યાં વગર આપી દીધુ અને તેની કિંમત શું છે?

તેઓ કહે છે " હું સમજું છું, સાચી ભાવનાની કોઈ કિંમત નથી હોતી તેથી આ ઈંડું અમારા ઘરમાં હંમેશાં સુરક્ષિત રહેશે."