You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ વ્યક્તિ, જે 'આંખો વિના જોઈ શકે', આંખે પટ્ટી બાંધી પુસ્તકો વાંચે, સોયમાં દોરો પરોવે
- લેેખક, ચેરેલીન મોલાન
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ
- પ્રકાશિત
ભીડભરેલી ગલીઓ વચ્ચે સાઇકલ પર સવાર કોઈ વ્યક્તિ પસાર થઈ રહી હોય તો તેમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ જો એ જ વ્યક્તિ આંખો પર પટ્ટી બાંધીને પસાર થાય કે શ્વાસ લેવા માત્ર નાક ખુલ્લું હોય તો લોકો આશ્ચર્યમાં પડી જાય.
પટ્ટી પણ એ રીતે બાંધેલી હોય કે પહેલાં આંખો પર બાંધેલો લોટ લગાવ્યો હોય, પછી એના પર રૂ લગાવ્યું હોય અને એના પર અલગઅલગ પટ્ટીઓ એ રીતે બાંધી હોય કે કંઈ દેખાય નહીં.
આવી જ એક સાઇકલસવાર વ્યક્તિ કુદાબક્ષ (ખુદાબક્ષ) હતી, તે પોતાનું નામ અંગ્રેજીમાં કુદા જ લખે છે.
તેમનો જન્મ વર્ષ 1905માં કાશ્મીરમાં થયો અને વર્ષ 1930 અને 1940ના દાયકામાં ઇંગ્લૅન્ડ તથા યુરોપના માર્ગો પર સાઇકલિંગ કરીને આ કારનામું કરવા માટે જાણીતા થયા હતા.
તેમનો એ દાવો હતો કે તેઓ આવું કરવા માટે કાબિલ હતા, કેમ કે તેઓ ‘આંખો વગર જ જોઈ શકતા.’
આ જાદુઈ કામને તેઓ એક્સ-રેની આંખોવાળી વ્યક્તિના નામથી પ્રચાર કરતા હતા. તેઓ આંખો પર પટ્ટી બાંધીને પુસ્તકનો ભાગ વાંચતા અને સોયમાં દોરો પરોવી લોકોને આશ્ચર્યમાં મૂકી દેતા.
તેમણે પોતાની આ દૈવી લાગતી ક્ષમતાથી ઘણી પેઢીને ચમત્કૃત કરી છે. કથિત રીતે તેમણે રોલ્ડ ડાહલની વર્ષ 1977ની કહાણી ‘ધી વન્ડરફૂલ સ્ટોરી ઑફ હેનરી સુગર’ને પણ પ્રભાવિત કર્યા, જેને હવે વેસ ઍન્ડરસને પોતાની ફિલ્મમાં રજૂ કર્યા છે.
મિસ્ટર બક્ષનું અસલી નામ કુદાબક્ષ હતું. તેઓ એક શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા. વર્ષ 1952માં તેમણે મિસ્ટર ડાહલ સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ પ્રોફેસર મૂરના નામથી પ્રખ્યાત એક ભારતીય જાદુગરની કળાથી એટલા પ્રભાવિત થયા કે તેમનામાં એ શીખવાની તીવ્ર ઇચ્છા જાગી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની કળા જોયા પછીના બે દિવસ બાદ તેઓ 13 વર્ષની વયે ઘરેથી ભાગી ગયા.
મિસ્ટર મૂરના શિષ્ય બનવા તેઓ કાશ્મીરથી લાહોર પહોંચી ગયા. આગામી કેટલાંક વર્ષોમાં તેમણે બર્મા (મ્યાનમાર), સીલોન (શ્રીલંકા) અને બૉમ્બઈ (મુંબઈ)ની યાત્રા કરી અને ખાનાબદોશ અથવા જાદુગરો, યોગીઓ તથા થિયેટરના કલાકારો પાસેથી જાદુગરી શીખી.
નામ પણ બદલ્યું
તેમણે પોતાનું નામ પણ બદલીને પ્રોફેસર કેબી ડ્યૂક રાખી લીધું અને પછી કુદાબક્ષ (ખુદાબક્ષ) નામ પર પરત આવી ગયા. લેખક જૉન ઝુબરઝિકીએ પોતાના પુસ્તક ‘એમ્પાયર ઑફ એન્ચેન્ટમેન્ટ : ધી સ્ટોરી ઑફ ઇન્ડિયન મૅજિક’માં આ વાત લીખી છે.
વર્ષ 1935ના મે મહિનામાં તેઓ ઇંગ્લૅન્ડ પહોંચ્યા જ્યાં પૂર્વીય દુનિયાના જાદુગરોની માગ હતી. તેઓ તેમનાં કરતબ જોવા માગતા હતા.
મિસ્ટર ઝુબરઝિકીએ બીબીસીને જણાવ્યું કે એ સમયે ભારતને જાદુની ભૂમિ તરીકે જોવામાં આવતી હતી. આ એક એવો અભિપ્રાય હતો જેનાથી ભારતનો પ્રવાસ કરતા પર્યટકો, મિશનરી, વેપારીઓ અને ઇતિહાસકારોની લેખની આગળ વધી. તેમણે પોતાના આકર્ષક પરંતુ મોટા ભાગે અતિશયોક્તિપૂર્ણ અંદાજમાં ગલીઓ અથવા દરબારોના જાદુગરોનાં કરતબો જોયાં હોવાનો ઉલ્લેખ કર્યો છે.
ઘણા ભારતીય જાદુગરોએ વિદેશી જાદુઈ કામોથી ફાયદો ઉઠાવ્યો છે, કેમ કે પશ્ચિમવાળા જાદુઈ વસ્તુઓને ઘણી પસંદ કરતા હતા. કુદાબક્ષ તેમાંથી એક હતા. જોકે તેઓ એક અંગ્રેજ જેવો પહેરવેશ પહેરતા હતા પરંતુ તેઓ પોતાની જાદુઈ શક્તિને પૂર્વી જ્ઞાન અને સૂફીવાદ સાથે જોડતા હતા.
જાદુઈ કહાણી પર આધારિત મૅગેઝિન ધી લિંકિંગ રિંગમાં બક્ષ વિશે લખતા ઇતિહાસકાર જૉન બૂથે તેમને, “ભારતીય ઉપમહાદ્વીપના એક એવા રહસ્યમયી વ્યક્તિ તરીકે રજૂ કરી છે, જે પેરિસમાં આંખો પર પટ્ટી બાંધીને સાઇકલ ચલાવતી, જેમની સૂફી જેવી આભા હતી.”
ઇંગ્લૅન્ડમાં કુદાબક્ષને પોતાની ‘એક્સ-રે જેવી આંખો’ના ખેલના લીધે ઝડપથી લોકપ્રિયતા મળી.
તેમણે એવા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું જેઓ તેમના જાદુમાં નહોતા માનતા અને તેમની યોગ્યતાના સત્યને પારખવા માટે તેઓ તેમની પરીક્ષા લેતા હતા.
જાદુગરની પરીક્ષા
બ્રિટનના પ્રખ્યાત ભૂતોના શિકારી હેરી પ્રાઇસે જુલાઈ 1935માં ડૉક્ટરોની એક ટીમ સાથે મળીને કુદાબક્ષ (ખુદાબક્ષ)ના એક્સ-રે વિઝનના દાવાઓની પરીક્ષા લીધી.
મિસ્ટર ઝુબરઝિકીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે હેરી પ્રાઇસ સર્જિકલ પટ્ટીઓ, ચોંટાડવાની ટૅપ, રૂનાં પૅડ અને ઘટ્ટ કાળી કપાસની બે ગણી જાડી એક પટ્ટી સાથે આવતા હતા.
જ્યારે બક્ષે પ્રાઇસની પટ્ટી લગાવીને પુસ્તકનો ભાગ વાંચી લીધો તો એક ડૉક્ટરે તેમની આંખો પર પટ્ટી ફરી બાંધી લીધી. ત્યાર બાદ પણ બક્ષ તેમણે હાથે લખેલા શબ્દો વાંચી રહ્યા હતા જે તેમની પાછળ ટેબલ પર લખીને મૂકી રાખેલા હતા.
1935ના સપ્ટેમ્બરમાં પ્રાઇસે બક્ષની ફરી એક પરીક્ષા લીધી જેનાથી તેમને ઇંગ્લૅન્ડ અને યુરોપના મોટા ભાગના વિસ્તારોમાં પ્રસિદ્ધિ મળી ગઈ.
સરીના ગ્રામીણ ક્ષેત્રમાં બક્ષે આગ પર ચાલવાનું કારનામું કરી બતાવ્યું. ઇંગ્લૅન્ડમાં પહેલી વાર કોઈએ આવું કારનામું કરી બતાવ્યું હતું. તેમણે ડૉક્ટરો, મનોવૈજ્ઞાનિકો અને પત્રકારોની હાજરીમાં આ કારનામું કરી બતાવ્યું હતું.
પરીક્ષા લેનારાએ તમામ પ્રકારે બક્ષની ચકાસણી કરી અને આગ પર ચાલતા પહેલાં અને ચાલ્યા પછી તળિયાં ચકાસ્યાં કે બક્ષે કોઈ ચતુરાઈ તો નથી વાપરી ને.
તપાસ માટે એક ખાડો ખોદવામાં આવ્યો અને તેને લાકડાં, ચારકોલ, પેરાફીન અને અખબારોની રદ્દીથી ભરવામાં આવ્યો તથા તેમાં આગ લગાડાઈ. કેટલાક કલાકો બાદ તે ખાડો અંગારથી ધગધગી રહ્યો હતો.
બક્ષે એક વાર નહીં પણ ચાર-પાંચ વાર એ ખાડામાંથી પસાર થયા. પ્રાઇસે પોતાના પુસ્તક ‘કન્ફેશન ઑફ ધ ઘોસ્ટ હન્ટર’માં લખ્યું છે કે તેમના પગનાં તળિયાં દાઝ્યાં હોય એવાં કોઈ નિશાન નહોતાં.
નવ દિવસ પછી કેટલાક અન્ય લોકોની હાજરીમાં બક્ષે એક આગના ખાડામાં ફરીથી ખુલ્લા પગે ચાલવાનું કારનામું કર્યું જેમાં સ્ટીલને જો રાખવામાં આવે તો એ પણ ઓગળી જાય પણ આ વખતે પણ તેમનાં પગ-તળિયાં સુરક્ષિત રહ્યાં.
મિસ્ટર ઝુબરઝિકી લખે છે કે આ કારનામાના કારણે પ્રાઇસનું મગજ એ અનુમાન પર ગયું કે શારીરિક અને માનસિક શક્તિઓ વચ્ચે કંઈક અસ્પષ્ટ સંબંધ હતો, જે તેમને ઈજા સામે સુરક્ષામાં મદદ કરે છે.
ધ્યાન કેન્દ્રિત કરવાનો અભ્યાસ
ડાહલ સાથે ઇન્ટરવ્યૂમાં મિસ્ટર બક્ષે દાવો કર્યો, “તેમણે એટલી હદે ધ્યાન કેન્દ્રીત કર્યું કે મને આગ સિવાય કંઈ બીજુ દેખાતું જ નહોતું અને મને લાગી રહ્યું હતું કે આગ ઠંડી પડી રહી છે.”
તેમણે દાવો કર્યો કે તેમની દૃષ્ટિક્ષમતા તેમને એક્સ-રે વિઝનનું કારનામું કરવામાં મદદ કરે છે. તેમણે ધ્યાન કેન્દ્રીત કરીને એ પ્રાપ્ત કર્યું છે જે એક યોગીએ તેમને નાની ઉંમરમાં શીખવ્યું હતું.
મનને સંપૂર્ણ એકાગ્ર કરવામાં મીણબત્તીની આગના કાળા ધબ્બાને એ સમય સુધી તાકવું સામેલ હતું, જ્યાં સુધી તેની આસપાસની તમામ વસ્તુઓ આંખોમાંથી ઓઝલ ન થઈ જાય અને તે એ વ્યક્તિના ચહેરાને સારી રીતે જોઈ શકતા હતા, જેને તેઓ સૌથી વધુ પ્રેમ કરતા હતા, એટલે કે પોતાના ભાઈનો ચહેરો.
કેટલાંય વર્ષો સુધી દરેક રાત મીણબત્તીનો અભ્યાસ કર્યા બાદ બક્ષને 24 વર્ષની વયે અનુભવ થયો કે જો તેઓ પોતાની આંખ બંધ કરી લે છે અને કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો, ‘હું જે વસ્તુને જોઈ રહ્યો છું એનું માળખું અસ્પષ્ટ, મધ્યમ શૈલીમાં જોઈ શકું છું.’
તેમણે કહ્યું કે જ્યારે તેઓ 28 વર્ષના થયા તો તેઓ આંખો પર પટ્ટી બાંધીને કોઈ પણ પુસ્તક વાંચી શકતા હતા.
એવું નથી કે મિસ્ટર બક્ષના દાવાઓને પડકારવામાં ન આવ્યા. કેટલાક લોકોએ તેમના કથિત એક્સ-રે ખેલનો અભ્યાસ કર્યો અને એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે તેઓ પોતાના નાકની ચારેબાજુ જોઈ રહ્યા હતા. બક્ષ પર આલેખ લખનારા કૅટલિન રેની મિલરનું કહેવું છે કે આમ છતાં તેમની લોકપ્રિયતામાં કોઈ ફરક ન પડ્યો.
જાદુગર બિલ લાર્સને મૅગેઝિન જિનીના એક લેખમાં લખ્યું કે તેમના શો જોવા માટે હજારો લોકો આવતા હતા. તો પ્રેસે તેમને ‘સદીની અજાયબી’ અને ‘દુનિયાની આઠમી અજાયબી’ જાહેર કર્યા હતા.
છેલ્લા દિવસો અમેરિકામાં પત્તાં રમીને વિતાવ્યા
રિપ્લીના ‘બિલીવ ઇટ ઑર નૉટ’ના પ્રથમ ટેલિવિઝન શો પર બક્ષને રજૂ કરવામાં આવ્યા. તેમણે પોતાનો ટીવી શો ‘કુદાબક્ષ : હિંદુ યોગી’ પણ શરૂ કર્યો.
મિસ્ટર બક્ષનો આ શો એટલો પ્રખ્યાત હતો કે લોકોને વિશ્વાસ કરાવી દીધો કે તેઓ સાચે જ આંખો વગર જોઈ શકે છે.
બૂથે લખ્યું કે કઈ રીતે બક્ષના દાવાઓમાંથી એક ઘટનામાં ત્રણ મહિલા કલાકારોમાં ગભરાટ ફેલાયો, જે બક્ષના શોમાં પર્ફૉર્મ કરવાની હતી. (જેમનો પ્રેસે તેમનો મોટા પાયે પ્રચાર કર્યો).
બક્ષે દાવો કર્યો હતો કે તેઓ ઈંટોની દીવાલની પાર જોવાનો અભ્યાસ કરી રહ્યા છે અને આ કારણે જ એ મહિલાઓએ બક્ષથી ઘણા દૂર ડ્રેસિંગ રૂમની માગ કરી.
તેમણે ફરિયાદ કરી કે અમારા અને બક્ષ વચ્ચે માત્ર ઈંટોની એકમાત્ર દીવાલ છે.
તેઓ અંતે લંડન છોડીને અમેરિકા ચાલ્યા ગયા, જ્યાં તેઓ હોલીવૂડના પ્રખ્યાત ક્લબ મૅજિક કૅસલ સહિત ઘણાં સ્થળો પર કરતબ બતાવતા રહ્યા.
બક્ષનું વર્ષ 1981માં કૅલિફોર્નિયાના લૉસ એન્જલસમાં નિધન થયું. તેમણે પોતાના છેલ્લા દિવસો મૅજિક કૅસલમાં જાદુગરો સાથે પત્તાં રમીને વિતાવ્યા. બૂથ લખે છે કે તેમને એ જ સમયે હરાવી શકાતા હતા, જ્યારે તેમણે આંખો પર પટ્ટી ન બાંધેલી હોય.