You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાથી ગેરકાયદે રહેતા 119 ભારતીયોને લઈને વિમાન ઊતર્યું, ડિપૉર્ટ કરાયેલા 8 ગુજરાતીને અમદાવાદ લવાશે
અમેરિકામાં ગેરકાયદે રહેતા 119 ભારતીયોને લઈને આવી રહેલું બીજું વિમાન શનિવારે રાત્રે લગભગ 11.40 કલાકે અમૃતસરના ઍરપૉર્ટ પર ઊતર્યું હતું. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને ભારત લાવવા માટેનું આ બીજું વિમાન અમૃતસર પહોંચ્યું હતું. રવિવારે ત્રીજું વિમાન પણ વધુ કેટલાક ભારતીયોને લઈને પહોંચે તેવી માહિતી મળી છે.
શનિવારે અમૃતસર ઊતરેલા આ વિમાનમાં અમેરિકામાં ગેરકાયદે રહેતા આઠ ગુજરાતીઓ પણ પરત ફર્યા હોવાની પ્રાથમિક માહિતી છે.
બીબીસી સહયોગી રોબિંદરસિંહ રૉબિનના જણાવ્યા પ્રમાણે, "અધિકારીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ 119 ભારતીયો પૈકી 67 પંજાબના, 33 હરિયાણાના, 8 ગુજરાતના, 3 ઉત્તર પ્રદેશના, 2 ગોવાના, 2 મહારાષ્ટ્રના, 2 રાજસ્થાનના, એક-એક હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે."
બીબીસી સંવાદદાતા લક્ષ્મી પટેલના જણાવ્યા અનુસાર સરકારી સૂત્રો મારફતે જાણકારી મળી છે કે આ ડિપૉર્ટ કરાયેલા આઠ ગુજરાતીઓને એક ખાનગી પ્લેન મારફતે રવિવારે સવારે 11.55 કલાકે અમદાવાદ લાવવામાં આવશે.
અગાઉ જ્યારે 33 ગુજરાતીઓ અમેરિકાથી ડિપૉર્ટ થઈને આવ્યા હતા ત્યારે પણ સરકારે તેમના વતન ખાતે લાવવાની વ્યવસ્થા કરી હતી. અગાઉ પણ તેમને નિવેદન લઈને છોડી મૂકવામાં આવ્યા હતા અને તેમની ઉપર કોઈ કેસ દાખલ કરવામાં નહોતો આવ્યો.
સૂત્રો મારફતે જાણકારી મળી છે કે આ આઠ ગુજરાતીઓ સામે પણ કોઈ જ કાર્યવાહી નહીં થાય.
લક્ષ્મી પટેલના જણાવ્યા અનુસાર આ આઠ ગુજરાતીઓ પૈકી કેટલાક ગાંધીનગર અને મહેસાણાના હોવાનું કહેવાય છે.
બીજી તરફ બીબીસી સહયોગી રોબિંદરસિંહ રૉબિનના જણાવ્યા અનુસાર રવિવારે એટલે કે 16મી ફેબ્રુઆરીના રોજ આ જ પ્રકારે કેટલાક ડિપૉર્ટ કરાયેલ વધુ ભારતીયોને લઈને વધુ એક પ્લેન આવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આ વિમાન આજે લૅન્ડ થાય તે પહેલાં જ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને સવાલો ઉઠાવતાં રાજકારણ ગરમાયું છે.
ભગવંત માને શનિવારે જ આ મામલે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી અને સવાલો ઉઠાવ્યા હતા. આ પત્રકારપરિષદમાં પંજાબના એનઆરઆઈ મામલાના મંત્રી કુલદીપસિંહ ધાલીવાલ પણ હાજર હતા.
તેમણે પણ માહિતી આપી હતી કે કુલ 119 પ્રવાસીઓને લઈને વધુ એક અમેરિકી વિમાન શનિવારે રાત્રે ભારત આવશે.
ગેરકાયદે ભારતીયો અંગે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને શું કહ્યું?
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું હતું કે જ્યારે ઍરપૉર્ટ પર અમેરિકી વિમાન ઊતરશે ત્યારે તેઓ ખુદ ત્યાં હાજર રહેશે.
તેમણે કહ્યું હતું કે, "મેં ભારતના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને વિમાનને પંજાબને બદલે બીજે ક્યાંક ઉતારવાનો અનુરોધ કર્યો છે. આ પંજાબ સાથે થઈ રહેલો ભેદભાવ છે."
માને કહ્યું હતું કે, "જે પહેલું વિમાન આવ્યું તેમાં પંજાબીઓ કરતાં ગુજરાત અને હરિયાણાના યુવાનોની સંખ્યા પણ વધુ હતી. તેમ છતાં અમૃતસરમાં જ વિમાન કેમ ઉતારવામાં આવે છે? તેને અંબાલા (હરિયાણા) કે અમદાવાદ (ગુજરાત)માં કેમ ન ઉતારવામાં આવ્યું? આ પંજાબને બદનામ કરવાનો પ્રયાસ છે. "
તેમણે કહ્યું હતું કે, "મોદી સરકાર પંજાબને અપમાનિત કરવા માગે છે. આ પંજાબને બદનામ કરવાનું ભાજપનું ષડયંત્ર છે. જ્યારે અમે અમૃતસરથી કૅનેડા કે અમેરિકા માટે સીધી ફ્લાઇટ શરૂ કરવાની માગ કરીએ તો તેને કેન્દ્ર સરકાર સ્વીકારતી નથી અને કહે છે આ ઍરપૉર્ટ સારું નથી. પણ આવી રહેલું આ વિમાન પહેલાં અહીં ઉતાર્યું."
કૉંગ્રેસના નેતાઓએ પણ કર્યું ભગવંત માનનું સમર્થન
માનના નિવેદનને સમર્થન આપતા કૉંગ્રેસના નેતા મનીષ તિવારીએ સવાલ કર્યો હતો કે શું પ્લેનને દિલ્હી અથવા બીજે ક્યાંય લૅન્ડ નહોતું કરાવી શકાતું? દરેક વખતે અમૃતસરમાં કેમ?
મનીષ તિવારીએ કહ્યું, "આ વિમાનો પંજાબમાં કેમ ઊતરી રહ્યાં છે? તમે કેવા પ્રકારનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છો? શું તમે એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છો કે અમેરિકા આવતા દરેક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ પંજાબના છે? પંજાબના મુખ્ય મંત્રીએ આ મામલે જે કહ્યું છે તે એકદમ યોગ્ય છે."
તેમણે કહ્યું, "ગુજરાત અને હરિયાણાના પણ કેટલાક લોકો હતા. આ પ્લેનને દિલ્હી કે બીજે ક્યાંય પણ લૅન્ડ કરી શકાયું હોત. દર વખતે માત્ર અમૃતસરમાં જ શા માટે?"
પંજાબના પૂર્વ મંત્રી અને અકાલી દળના નેતા ગુલઝારસિંહ રાણીકેએ પણ ભગવંત માનના નિવેદનનું સમર્થન કર્યું છે.
તેમણે કહ્યું, "પંજાબની કમનસીબી છે કે કેન્દ્ર સરકારોએ હંમેશાં પંજાબને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. પંજાબ એક સરહદી રાજ્ય છે, ખાસ કરીને અમૃતસર જિલ્લો જે સરહદની નજીક છે, અહીં પ્લેનનું લૅન્ડિંગ એ પંજાબને બદનામ કરવાનું અને માત્ર પંજાબીઓ જ ગેરકાયદેસર વસાહતીઓ છે તેવું બતાવવાનું કાવતરું છે."
આ મામલે ભાજપના નેતા પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે, "માનનું નિવેદન એ માનવીય મૂલ્યો પર હુમલો છે અને તેમણે આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ."
અમેરિકાનો ગેરકાયદે પ્રવાસીઓને કાઢી મૂકવાનો પ્લાન
અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી તરત જ ગેરકાયદે રહેતા પ્રવાસીઓને કાઢી મૂકવાની શરૂઆત કરી છે.
ટ્રમ્પના આ પ્લાન અનુસાર પાંચમી ફેબ્રુઆરીના રોજ પહેલું વિમાન ભારત મોકલવામાં આવ્યું હતું જેમાં અમેરિકાએ 104 ભારતીયોને કાઢી મૂક્યા હતા. આ લોકોમાં ગુજરાત, હરિયાણા અને પંજાબના લોકો મુખ્ય હતા.
એ જ કડીમાં આજે રાત્રે પણ એક વિમાન અમૃતસર ઍરપૉર્ટ પર ઉતરાણ કરશે. બીબીસી સહયોગી રવિન્દરસિંહ રૉબિનના જણાવ્યા અનુસાર આ વિમાનમાં 119 ભારતીયો છે, જેમાંથી 67 પંજાબના છે.
જોકે, અમેરિકા દ્વારા ભારતીયોને હથકડી પહેરાવીને મોકલવાની વાતનો વિરોધ પણ થઈ રહ્યો છે. જે મુદ્દે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે અમેરિકાએ અમને ખાતરી આપી છે કે મહિલાઓ અને બાળકોને હથકડી પહેરાવીને નહીં મોકલવામાં આવે.
અમેરિકામાં વડા પ્રધાન મોદીએ આ મામલે શું કહ્યું?
ગઈ કાલે 14 ફેબ્રુઆરીના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી.
આ બેઠક પછી યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં વડા પ્રધાન મોદીએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું, "આ મુદ્દા પર અમારો અભિપ્રાય સમાન છે અને તે અભિપ્રાય એ છે કે જો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈ પણ ભારતીયની ચકાસણી પુરવાર થાય તો અમે તેમને ભારત પરત લઈ જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ."
તેમણે કહ્યું હતું કે, "કેટલાક ઇમિગ્રન્ટ્સને માનવતસ્કરી કરતાં લોકો દ્વારા પણ લાવવામાં આવે છે અને તેમને એ પણ ખબર નથી હોતી કે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે."
મોદીએ કહ્યું હતું કે, "આ ખૂબ જ સામાન્ય પરિવારનાં બાળકો છે. તેમને મોટાં સપનાં બતાવવામાં આવે છે અને તેમને મોટાં વચનો આપવામાં આવે છે. આસાનીથી તેમનો શિકાર બની જતાં આવા યુવાનોને બચાવવા માટે માનવતસ્કરી પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે. આવા યુવાનોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે આવવા માટે 'મૂર્ખ' બનાવવામાં આવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન