ઈરાને ઇઝરાયલ પર સેંકડો મિસાઇલો છોડી, ઈરાન મુદ્દે ભારતે ઍડવાઇઝરી જાહેર કરી

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ઈરાને મંગળવારે રાત્રે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, આ પહેલાં અમેરિકાએ ચેતવણી આપી હતી કે ઈરાન તરફથી ઇઝરાયલ પર હુમલો થઈ શકે છે.

ઈરાનમાંથી ઇઝરાયલ પર સેંકડો મિસાઇલો છોડવામાં આવી હતી. ઇઝરાયલનું કહેવું હતું કે દેશભરમાં આ મિસાઇલો છોડવામાં આવી હતી.

ઇઝરાયલની સેનાએ લોકોને આદેશ આપ્યો હતો કે તેઓ સુરક્ષિત સ્થળોએ જતાં રહે અને નવી સૂચના ના મળે ત્યાં સુધી ત્યાં જ રહે.

ઈરાનની સરકારી ટીવી પર ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડે પણ નિવેદન જારી કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ હુમલા ઈરાન તરફથી કરવામાં આવ્યા છે અને ઇઝરાયલ પર ડઝનો મિસાઇલ્સ છોડવામાં આવી છે.

આ ઉપરાંત તેના નિવેદનમાં ધમકી આપવામાં આવી હતી કે જો ઇઝરાયલે જવાબમાં હુમલો કર્યો તો ફરીથી મિસાઇલ્સ છોડવામાં આવશે.

ઈરાનમાં જેને ખૂબ તાકતવર ગણવામાં આવે છે તે ઈરાની રિવૉલ્યૂશનરી ગાર્ડે કહ્યું છે કે આ હુમલો હમાસના નેતા ઇસ્માઇલ હનિયા, હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહના મોતની સાથે લેબનોન અને પેલેસ્ટાઇનવાસીઓના મોતના જવાબમાં કરવામાં આવ્યા છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલનાં મહત્ત્વનાં સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં છે અને તેની માહિતી બાદમાં આપવામાં આવશે.

ઇઝરાયલે કહ્યું કે પરિણામ ભોગવવા તૈયાર રહો

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું છે કે આ હુમલા બાદ હવે આ તેના પ્રત્યાઘાત પડશે. તેમના કહેવા પ્રમાણે ઇઝરાયલને આ હુમલા બાદ સંરક્ષિત વિસ્તારોમાંથી બહાર નીકળવાની મંજૂરી મળી ગઈ છે.

ડેનિયલે કહ્યું, 'અમે હવે રક્ષા કરવા અને હુમલા કરવા બંને રીતે હાઇઍલર્ટ પર છીએ. અમે અમારા નાગરિકોની રક્ષા કરીશું અને આ હુમલાના પ્રત્યાઘાત પડશે. અમારી પાસે હુમલો કરવાની યોજના છે અને હવે અમે નક્કી કરીશું કે કયા સ્થળે અને કયા સમયે હુમલો કરવામાં આવશે.'

તેમણે કહ્યું કે ઈરાને કરેલા હુમલામાં અત્યાર સુધી કોઈના મોતના સમાચાર નથી.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ઈરાન તરફથી મિસાઇલ હુમલો થતાં જ લોકોને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની સૂચના આપી દીધી હતી. જે બાદ દેશભરમાં અનેક લોકોએ બંકરોમાં આશરો લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે ઈરાને એક સાથે ઇઝરાયલ પર 300 જેટલી મિસાઇલ્સ છોડી હતી. જેમાંથી ઇઝરાયલે અનેક મિસાઇલ્સને આકાશમાં જ તોડી પાડી હતી.

ઇઝરાયલે તાજેતરમાં જ કરેલા એક હુમલામાં હિઝબુલ્લાહના નેતા નસરલ્લાહનું મોત થયું હતું. જે બાદ ઇઝરાયલે પોતાના હુમલા ચાલુ રાખ્યા હતા અને ઇઝરાયલી સેના જમીન માર્ગે પણ લેબનોનમાં પ્રવેશી હતી.

હિઝબુલ્લાહને ઈરાન તરફથી મદદ મળે છે અને નસરલ્લાહ પણ જાહેરમાં સ્વીકારી ચૂક્યા હતા કે ઈરાન સાથે તેમને સારા સંબંધો હતા. હિઝબુલ્લાહ અને હમાસના નેતાના મોત બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ વધારે તણાવભરી બની હતી. જેમાં હવે ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો છે.

આ હુમલા બાદ હવે અમેરિકાએ ઇઝરાયલની સેનાને મદદ કરવાના આદેશ આપ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે ઈરાન તરફથી કરવામાં આવી રહેલા હુમલામાં અમેરિકન સેના ઇઝરાયલની મદદ કરે.

અમેરિકા તરફથી જાણકારી આપવામાં આવી હતી કે રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ઈરાન તરફથી કરવામાં આવેલા હુમલા બાદ બનેલી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

ઈરાન મુદ્દે ભારતે ઍડવાઇઝરી જાહેર કરી

ભારતીય વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે ઈરાન મુદ્દે ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયામાં આની માહિતી આપી છે.

ભારત તરફથી કહેવાયું કે "અમે આ વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ પર ઝીણી નજર રાખી રહ્યા છીએ."

ઍડવાઇઝરીમાં કહેવાયું કે "ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનમાં બિનજરૂરી મુસાફરી ન કરે. જેઓ ઈરાનમાં છે તેમને વિનંતી કરવામાં આવે છે કે સતર્ક રહે અને તેહરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે."

વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયા મુદ્દે પણ ઍડવાઇઝરી જાહેર કરી છે. તેમાં લખવામાં આવ્યું કે ભારત સરકાર પશ્ચિમ એશિયામાં સુરક્ષા મુદ્દે ચિંતિત છે.

ઍડવાઇઝરીમાં સુરક્ષા માટે સંયમ રાખવાની અપીલ કરાઈ છે. તેમજ બધા મુદ્દાને વાતચીત અને કૂટનીતિના માધ્યમથી ઉકેલવાનું આવાહન કરાયું છે.

અગાઉ મંગળવારે ઇઝરાયલમાં પણ ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને લઈને ઍડવાઇઝરી જાહેર કરી હતી.

તેમાં ઇઝરાયલમાં રહેતા ભારતીયોને સતર્ક કરવા અને સુરક્ષા સંબંધિત પ્રોટોકૉલને અનુસરવાની વાત કરાઈ હતી.

મંગળવારે ઈરાને ઇઝરાયલમાં અંદાજે 200 મિસાઇલ છોડી છે. ત્યારબાદ આ ઍડવાઇઝરી જાહેર કરાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.