You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ, કેટલા દિવસ વરસાદી માહોલ?
ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સાર્વત્રિક સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત આવનારા પાંચ દિવસમાં રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ દિવસોમાં અમુક વિસ્તારોમાં વાદળો જોવા મળશે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપીમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરના વિસ્તારોમાં વરસાદ વધે એવી શક્યતા છે. ગોધરા, પંચમહાલ, ખેડા, આણંદ, મહિસાગર અને અરવલ્લીમાં વરસાદ આવનારા દિવસોમાં વધશે તેવી શક્યતા છે.
જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે. પરંતુ એકાદ દિવસમાં અહીંના વિસ્તારોમાં પણ વરસાદ વધે તેવી શક્યતા છે.
કચ્છમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ નથી પડ્યો. આવનારા થોડા દિવસોમાં પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી નથી. અહીં છુટોછવાયો વરસાદ પડી શકે છે પણ ભારે વરસાદ માટે કચ્છના લોકે હજી થોડી રાહ જોવી પડશે.
સૌરાષ્ટ્રમાં કેવો પડશે વરસાદ?
સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સમનાથ, જૂનાગઢ, રાજકોટ અને બોટાદ જિલ્લાઓમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડે તેવી આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરના એવા કેટલાક વિસ્તારો છે જ્યાં વરસાદની શક્યતા તો છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી.
વરસાદી સિસ્ટમની શું સ્થિતિ છે?
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ભારતના ભૂભાગો પર આવી રહી છે. મધ્ય પ્રદેશ પર હાલ લો-પ્રેશર એરિયા વિસ્તાર છે. હવે તે ગુજરાત તરફ આગળ વધશે જેથી ગુજરાતમાં પણ વરસાદ વધવાની શક્યતા પ્રબળ બનતી જાય છે.
હાલ મધ્ય પ્રદેશની આસપાસ લો-પ્રેશર એરિયા છે એ સિસ્ટમ હાલ મજબૂત થઈ છે. જેના લીધે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
હાલ જે આગાહી છે એ મુજબ આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે પરંતુ ઉપરની તરફથી આગળ વધી જાય એવી સંભાવના છે.
ગુજરાતથી લઈને કેરળ સુધી એક ટ્રફ રેખા બનેલી છે. જેના કારણે ગુજરાતને સારો વરસાદ મળી રહ્યો છે. મુખ્ય ટ્રફ રેખા રાજસ્થાનથી બંગાળ સુધીની છે. આ જ ટ્રફ રેખાના કારણે મંગળવારે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.
29 અને 30 જૂન અને 1લી જુલાઈએ ગુજરાતમાં વધારે વરસાદ વરસે તેવી શક્યતા છે.
આ સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે સાથે પવન ફૂંકાય તેવી શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહે તેવી શક્યતા છે અને આ ગતિ 30-40 કિમી પ્રતિ કલાકની રહે તેવી શક્યતા છે.