You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ ગૅરંટી આપી, 'જ્યારે સરકાર બદલાશે ત્યારે...'
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમનો જૂનો વીડિયો પોસ્ટ કરીને ગૅરંટી આપતા કહ્યું છે કે, “જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકશાહીનું ચીરહરણ કરનારા લોકો પર જરૂર કાર્યવાહી થશે.”
તેમણે ઈડી અને સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને ટાંકતા કહ્યું હતું કે, “એવી કાર્યવાહી કરવામાં આવશે કે બીજી વાર આવું કામ કરવાની કોઈની હિંમત નહીં થાય.”
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “હું કડક કાર્યવાહીની ગૅરંટી આપું છું.”
કૉંગ્રેસ પક્ષને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 1800 કરોડની ચુકવણીની નોટિસ મળ્યા બાદ તેમણે આ વાત રજૂ કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ઇન્કમ ટૅક્સ વિભાગે ફરી એક વાર કૉંગ્રેસને નોટિસ આપી છે અને આ નોટિસ તેને નાણાકીય વર્ષ 2017-18થી 2020-21ના સમયગાળા માટે આપવામાં આવી છે. તેમાં દંડ અને વ્યાજનો પણ ઉલ્લેખ છે.
આ પહેલાં પણ ઇન્કમ ટૅક્સ વિભાગે કૉંગ્રેસને 200 કરોડના દંડની નોટિસ આપી હતી અને પક્ષનાં ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હતાં. કૉંગ્રેસે હાઈકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ તેને કોઈ રાહત મળી ન હતી.
કૉંગ્રેસને 1,823 કરોડ રૂપિયાની આઈટીની નોટિસ મળી, પાર્ટીએ ભાજપ પર શું કહ્યું?
કૉંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ અજય માકને એક પ્રેસવાર્તામાં કહ્યું કે પાર્ટીને આવકવેરા વિભાગ તરફથી 1,823 કરોડ રૂપિયાની નોટિસ મળી છે.
તેમણે કહ્યું કે આવકવેરા વિભગ કૉંગ્રેસને પણ અન્ય વિપક્ષી પાર્ટીઓની જેમ જ નિશાનો બનાવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અજય માકને કહ્યું કે ભાજપે ટૅક્સના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે અને આવકવેરા વિભાગે તેમની પાસેથી 4,600 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવી જોઈએ.
તેમણે કહ્યું, "અમને જે નોટિસ મળી છે તેમાં સીતારામ કેસરીના(1993-94) સમયની નોટિસ મળી છે. સીતારામ કેસરીના સમયની 53ની કરોડની નોટિસ આવી છે. આવકવેરા વિભાગે કુલ 1823 કરોડની ડિમાન્ડ કૉંગ્રેસ પાર્ટી પાસેથી કરી છે. દેશમાં લોકતંત્ર બચ્યું જ નથી."
અજય માકને ઉમેર્યું કે "ભાજપના ઉલ્લંઘન પર તેઓ આંખો બંધ કરીને બેઠા છે અને અમારા હિસાબે કૉંગ્રેસ પર લાગુ કરેલી વાત જો ભાજપ પર પણ કરવામા આવે તો તેમના 4600 કરોડ થશે. કૉંગ્રેસને ખોટી રીતે ફસાવામાં આવી રહી છે. લોકતંત્ર ક્યાં છે?"
કૉંગ્રેસ આરોપ લગાવ્યો, "અમારી પાસે આ ડિમાન્ડ પાંચ વર્ષ પહેલાં મળેલી ચેલાની ડાયરી રિકવર કરવામાં આવી હતી તેના આધારે કરવામાં આવી છે. આ ડાયરીમાં કેટલીક ઍન્ટ્રીઓ છે જેના આધારે આ માંગણી કરવામાં આવી છે. અમે એ પૂછવા માગીએ છીએ કે આયકર વિભાગ ચેલાની ડાયરી વિશે સતર્ક છે પરંતુ જૈન ડાયરીમાં આવેલા અડવાણીજીના નામને આધારે ટૅક્સ કેમ નથી માગતા."
"આવકવેરા વિભાગ યેદિયુરપ્પાની ડાયરી પર ચૂપ કેમ છે. વિભાગ જ્યારે જૂના કેસો ખોલી જ રહી છે તો બંગારૂ લક્ષ્મણ સમયના કેસો કેમ ખોલવામાં નથી આવ્યા."
"શું માત્ર કૉંગ્રેસના સમયની જ ડાયરીઓ યાદ આવી રહી છે. આવકવેરા વિભાગના ધ્યાનમાં સહારા-બિરલાની ડાયરી નથી આવી રહી જેમાં મોદીજીનું પણ નામ હતું. તેના તરફ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું."
એનડીએમાં સામેલ થયાના આઠ મહિના બાદ પ્રફુલ્લ પટેલ સામેના કેસમાં CBIનો ક્લોઝર રિપોર્ટ, શું હતો કેસ?
એનડીએમાં સામેલ થયા પછી આઠ મહિનાની અંદર સીબીઆઈ તરફથી પ્રફુલ્લ પટેલને રાહત, કલોઝર રિપોર્ટ દાખલ કર્યો
એનડીએમાં સામેલ થયા તેના આઠ મહિના પછી કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલ સામે એર ઇન્ડિયા-ઇન્ડિયન ઍરલાઇન્સ મર્જર કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે.
જુલાઈ 2023માં અજિત પવાર અને અન્ય નેતાઓ સાથે પ્રફુલ્લ પટેલ પણ ભાજપની આગેવાનીવાળા એનડીએ ગઠબંધનમાં સામેલ થયા હતા.
સમાચાર પત્ર ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ઇન્ડિયા-ઇન્ડિયન એરલાઈન્સના મર્જર વખતે પ્રફુલ્લ પટેલ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હતા.
આ દરમિયાન થયેલા કથિત ગોટાળામાં તેમની ભૂમિકા સંદિગ્ધ હતી. આ કારણે ઈડી અને સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી.
અહેવાલ પ્રમાણે આ મામલો ઇન્ડિયા-ઇન્ડિયન ઍરલાઇન્સનું મર્જર કરીને નેશનલ એવિએશન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ બનાવવા સાથે જોડાયેલ છે. કૉર્પોરેશને મોટી સંખ્યા પર વિમાનોને ભાડે આપ્યા અને એરબસ અને બોઇંગ પાસેથી 111 વિમાનો ખરીદ્યા.
આ ઉપરાંત આરોપ લાગ્યા કે વિદેશી ઍરલાઇન્સને નફો થાય તેવા રૂટ આપવામાં આવ્યા અને વિદેશી રોકાણ સાથે ખોલવામાં આવેલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટમાં પણ ભ્રષ્ટાચાર થયો.
અહેવાલ પ્રમાણે પ્રફુલ્લ પટેલના કથિત મિત્ર દીપક તલવારને જાન્યુઆરી 2019માં દુબઈથી દેશનિકાલ કરવામાં આવ્યા અને ઈડીએ તેમની ધરપકડ કરી.
સીબીઆઈએ સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ બધા મામલાઓની તપાસ કરવા માટે ચાર એફઆઈઆર દાખલ કરી હતી.
મે 2019માં ઈડીએ એક વિશેષ કોર્ટને જણાવ્યું હતું કે વચેટિયા દીપક તલવાર પ્રફુલ્લ પટેલના ખાસ મિત્ર છે અને તેમને કથિત રૂપે 2008-09 દરમિયાન મંત્રી સાથે નજદીકી હોવાનો લાભ ઉઠાવ્યો અને નફો રળનારી ઍર ઇન્ડિયાના રૂટને ખાનગી ઍરલાઇન્સ સાથે વહેંચવામાં મદદ કરી.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે સીબીઆઈને 19 માર્ચે રાઉઝ એવેન્યુ કોર્ટના વિશેષ ન્યાયધીશ (સીબીઆઈ) પ્રશાંત કુમારની અદાલતમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો. કોર્ટે એજન્સીને રિપોર્ટ પર વિચાર કરવા માટે 15 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે.
ગયા વર્ષે જૂનમાં પ્રફુલ્લ પટેલે એનસીપી સુપ્રીમો શરદ પવાર સાથે બિહારના પટણામાં વિપક્ષી ગઠબંધન "ઇન્ડિયા"ની બેઠકમાં ભાગ લીધો હતો.
જોકે તે પછી અજિત પવાર, છગ્ગન ભુજબળ સહિતના નેતાઓ સાથે પ્રફુલ્લ પટેલે પણ શરદ પવારનો સાથ છોડીને ભાજપની આગેવાનીવાળા એનડીએ ગઠબંધનમાં સામેલ થયા.
એનસીપીનું અજિત પવાર જૂથ અત્યારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારનો હિસ્સો છે અને અજિત પવાર રાજ્યના ઉપમુખ્ય મંત્રી છે.
માફિયાથી બાહુબલી નેતા બનેલા મુખ્તાર અન્સારીનું યુપીને જેલમાં હાર્ટ ઍટેક બાદ મૃત્યુ
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં સજા કાપી રહેલા માફિયાથી બાહુબલી નેતા બનેલા મુખ્તાર અંસારીનું હાર્ટ ઍટેક બાદ મૃત્યુ થયું છે. આ જાણકારી જિલ્લાના વહીવટીતંત્રે આપી છે.
બાંદા જિલ્લા જેલમાં બંધ મુખ્તાર અંસારીને ગુરુવારે સાંજે રાની દુર્ગાવતી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મેડિકલ બુલેટિન પ્રમાણે, "63 વર્ષીય મુખ્તાર અંસારીને જેલના સુરક્ષાકર્મીઓએ મેડિકલ કૉલેજના ઇમરજન્સી વૉર્ડમાં સાંજે 8:45 એ ભરતી કર્યા હતા. તેમણે ઉલટીની તકલીફ અને બેહોશીની હાલતમાં મેડિકલ કૉલેજે લાવવામાં આવ્યા હતા."
બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે દર્દીને નવ ડૉક્ટરોની ટીમ તરફથી તત્કાલિક સ્વાસ્થ્ય મદદ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જોકે, ઘણા પ્રયત્નો છતાં હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું.
બે દિવસ પહેલાં જ તેમની તબિયત બગડતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા.
ગુકુવારે જેવી મુખ્તાર અંસારીની તબિયત બગડવાના સમાચાર આવ્યા કે ગાઝીપુરમાં લોકો તેમના ઘરે ભેગા થવા લાગ્યા.
મૃત્યુની પુષ્ટિ થયા પછી આખા રાજ્યમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે અને મુખ્તાર અન્સારીના ગૃહ જિલ્લા મઊ સહિત કેટલાક વિસ્તારોમા પોલીસની સંખ્યા વધારી દેવામાં આવી છે.
તેમના ઘરની બહાર પણ ભારે સંખ્યામાં પોલીસ દળો ઉપસ્થિત છે.
બે દિવસ પહેલાં જ મંગળવારના તેમની તબિયત બગડી હતી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા.
ક્ષત્રિય સમાજ પુરૂષોતમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માગ કેમ કરી રહ્યો છે?
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કર્યા પછી એક અથવા બીજી રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.
વડોદરા અને સાબરકાંઠામાં સ્થાનિક કાર્યકરો જ ભાજપના ઉમેદવારનો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે રાજકોટથી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરી રહ્યા છે.
એક વાયરલ વીડિયોમાં રૂપાલાએ નિવેદન આપ્યું, "અંગ્રેજોએ દમન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. મહારાજાઓ નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. તેમનું સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ ન હટ્યા. આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે. એમનેમ નથી આવ્યો તે દિ તેમની તલવારો આગળ પણ નહોતા ઝુક્યા. નાના માણસો હતા. ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રહ્યા એ સનાતન ધર્મ. મને તો તમારા માટે ગૌરવ છે." જોકે, ક્ષત્રિય સમાજના વિરોધ પછી મામલો ગરમાતા રૂપાલાએ પોતાના નિવેદન અંગે માફી માંગી હતી તેમ છતાં ક્ષત્રિય સમાજનો રોષ ઓછો નથી થયો.
સમાચાર પત્ર ઇન્ડિયન એકસપ્રેસના એક અહેવાલ પ્રમાણે ક્ષત્રિય સમાજે ભાજપ સમક્ષ માંગણી કરી છે કે રાજકોટ લોકસભા સીટ પરથી પુરશોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવે.
રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાજપૂત યુવા સંધના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાએ કહ્યું, "કોઈપણ પ્રકારના સમાધાનની વાતચીત પહેલા ભાજપે રાજકોટ લોકસભાની સીટ પર રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવી પડશે. અમે આ વાત પર કોઈ સમાધાન કરવા તૈયાર નથી."
"આખો ક્ષત્રિય સમાજ અને તેના 90 જેટલા સંગઠનો કોઈ સમાધન માટે તૈયાર નથી અને રૂપાલાને તેમના નિવેદન માટે માફ નહીં કરે. જો કોઈપણ નેતા સમાધાન કરવા ઈચ્છતા હોય તો તો તેમણે રૂપાલાને પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માટે સમજાવવા જોઈએ અને અન્ય કોઈ વ્યક્તિને અહીંથી ટિકિટ મળવી જોઈએ."
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન કરવા માટે ગુજરાત ભાજપે પોતાના ક્ષત્રિય નેતાઓને મેદાનો ઉતાર્યા છે. આ ઉપરાંત ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.