You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘બુલડોઝર કાર્યવાહી’ અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા શું કહ્યું?
દેશમાં બુલડોઝર વડે મિલકતોને તોડી પાડવા સંબંધે સુપ્રીમ કોર્ટની બે જજોની ખંડપીઠે આજે 13 નવેમ્બરે દિશા-નિર્દેશ આપ્યાં હતાં. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પર ગુનો કર્યાનો આરોપ હોય એ જ કારણસર તેના ઘર કે મિલકતને તોડી પાડવી એ કાયદાના શાસનની વિરુદ્ધ છે.
બુલડોઝર વડે ઘરો તોડી પાડવા વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત દિશા-નિર્દેશ આપ્યાં હતાં.
પોતાનો આદેશ સંભળાવતાં જસ્ટિસ ગવઈએ કહ્યું હતું, “એક સામાન્ય નાગરિક માટે પોતાનું ઘર બનાવવું તે વર્ષોની મહેનત, સપનાં અને મહત્વાકાંક્ષાઓનું પરિણામ હોય છે.”
સરકાર વિરુદ્ધના પ્રદર્શનોમાં સામેલ હોવાની શંકા હોય તેવા લોકોનાં ઘરો દેશનાં કેટલાંય રાજ્યોમાં વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે.
ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં પણ બુલડોઝરનું મહિમામંડન કરવામાં આવે છે. તેમના અનેક ટેકેદારો રાજકીય સભાઓમાં બુલડોઝર લઈને આવે છે.
જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ વિશ્વનાથનની ખંડપીઠે પોતાનો આદેશ સંભળાવતા કહ્યું હતું, “અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે કોઈ નાગરિકનું ઘર માત્ર તેના પર કોઈ ગુનાનો આરોપ હોવાથી કાર્યપાલિકા તોડી પાડતી હોય તો કાર્યપાલિકા કાયદાના શાસનના સિદ્ધાંતો વિરુદ્ધનું કામ કરે છે.”
“કાર્યપાલિકા ન્યાયાધીશના સ્વરૂપમાં કામ કરીને કોઈ નાગરિકને માત્ર આરોપી હોવાને કારણે વિધ્વંસનો દંડ કરતી હોય તો એ સત્તાના વિભાજનના સિદ્ધાંતનું પણ ઉલ્લંઘન છે.”
એકતરફી કાર્યવાહી રોકવા માટે અદાલતે શું જણાવ્યું?
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એમ પણ જણાવ્યું હતું કે આવા મામલાઓમાં જે અધિકારીઓ કાયદો પોતાના હાથમાં લઈને આ પ્રકારની મનમાની કાર્યવાહી કરતા હોય તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારની મનમાની, એકતરફી અને ભેદભાવપૂર્ણ કાર્યવાહી રોકવા માટે કેટલાંક દિશા-નિર્દેશો જરૂરી છે.
આવી પરિસ્થિતિ સંદર્ભે સુપ્રીમ કોર્ટે અનેક દિશા-નિર્દેશો આપ્યાં છે.
- શો-કૉઝ નોટિસ આપ્યા વિના ડિમોલિશનની કોઈ કાર્યવાહી કરવી ન જોઈએ. શો-કૉઝ નોટિસનો જવાબ સ્થાનિક નગરપાલિકા કાયદામાં નિર્ધારિત સમય અનુસાર કે નોટિસ આપ્યાના 15 દિવસમાં આપવાની વ્યવસ્થા હોવી જોઈએ.
- નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટ મારફત મોકલવી જોઈએ અને મિલકત પર ચોંટાડવી પણ જોઈએ. નોટિસમાં ડિમોલિશનનો આધાર સ્પષ્ટ હોવો જોઈએ.
- નોટિસ પૂર્વ તારીખે બહાર પાડવામાં આવી હોવાના આરોપથી બચવા માટે નોટિસ મિલકતના માલિક કે ત્યાં રહેતા લોકોને મોકલવામાં આવે કે તરત જ તેના વિશેની માહિતી જિલ્લા અધિકારીની કે કલેક્ટર ઑફિસે પણ મોકલવી જોઈએ.
- દેશના તમામ સ્થાનિક નગરપાલિકા પ્રાધિકરણોએ આ દિશા-નિર્દેશોના પ્રકાશનના ત્રણ મહિનામાં એક ડિજિટલ પોર્ટલ બનાવવાનું રહેશે. તેના પર નોટિસ આપ્યાની, નોટિસ ચોંટાડ્યાની, નોટિસના જવાબની અને એ સંબંધે આપવામાં આવેલા આદેશની કૉપી જાહેર કરવાની રહેશે.
- વહીવટીતંત્રે પીડિતને સુનાવણીની તક આપવી પડશે અને એ બેઠકનું રેકૉર્ડિંગ પણ કરવાનું રહેશે.
- ડિમોલિશનના આદેશ વિરુદ્ધ અપીલ કરવાની અને ન્યાયિક સમીક્ષાની તક પણ મળવી જોઈએ.
- ડિમોલિશનના આદેશને ડિજિટલ પોર્ટલ પર પ્રદર્શિત કરવાનો રહેશે.
- મિલકતના માલિકને ગેરકાયદે હિસ્સો 15 દિવસમાં જાતે તોડી પાડવાની તક આપવી જોઈએ અને અપીલ પ્રાધિકરણ ડિમોલિશનના ઑર્ડર સામે સ્થગન આદેશ ન આપે ત્યારે જ ડિમોલિશનની કાર્યવાહી થવી જોઈએ.
- ડિમોલિશનની કાર્યવાહીનું વીડિયો રેકૉર્ડિંગ થવું જોઈએ અને ડિમોલિશનનો રિપોર્ટ તૈયાર કરવો જોઈએ.
- આ પૈકીના કોઈ પણ નિર્દેશનું ઉલ્લંઘન થશે તો અદાલતના અપમાનની કાર્યવાહી કરવામાં આવશે. ડિમોલિશનની કાર્યવાહીમાં અદાલતનાં નિર્દેશોનું ઉલ્લંઘન થયાનું પૂરવાર થશે તો સંબંધિત અધિકારીએ તોડેલી મિલકતની પુનર્સ્થાપના પોતાના ખર્ચે કરાવવી પડશે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે માર્ગ પર કોઈ ગેરકાયદે બાંધકામ હોય તેવાં જાહેરસ્થળોની બાબતમાં પ્રસ્તુત આદેશો લાગુ પડશે નહીં.
કોઈ અદાલત દ્વારા આપવામાં આવેલા ડિમોલિશનના આદેશની બાબતમાં પણ આ દિશા-નિર્દેશ લાગુ પડશે નહીં.
આ અગાઉ અદાલતે પોતાનો આદેશ સુરક્ષિત કરતાં આશ્વાસન આપ્યું હતું કે તે દોષી સાબિત થયેલા અપરાધીઓની કાયદેસરની અંગત સંપત્તિની પણ રાજ્ય પ્રાયોજિત દંડાત્મક ડિમોલિશન કાર્યવાહી સામે રક્ષણ કરશે.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હાથ ધરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરતી વખતે અદાલતે ઉપર મુજબ જણાવ્યું હતું.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બુલડોઝર ઍક્શન શા માટે?
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મુસલમાન ભાડુઆતો કથિત અપરાધોમાં સામેલ થયા બાદ કોમી તંગદિલી સર્જાઈ હતી. એ પછી વહીવટીતંત્રે, આ પરિવારો જે ઘરોમાં રહેતા હતા તેને તોડી પાડ્યાં હતાં.
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં 2022માં થયેલી બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ જમિયત-એ-ઉલેમા-એ હિંદ એ પણ અરજી દાખલ કરી હતી. આ અરજીઓને પણ સુનાવણીમાં સામેલ કરવામાં આવી હતી.
બીજા અન્ય રાજ્યોમાં કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહીને પણ અદાલતમાં પડકારવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક અન્ય ચુકાદામાં પણ બુલડોઝર કાર્યવાહી બાબતે આકરું વલણ લીધું હતું.
દેશના તત્કાલીન વડા ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠે એ મામલે જણાવ્યું હતું કે “કાયદાના શાસનમાં બુલડોઝર ન્યાયને કોઈ સ્થાન નથી.”
ખંડપીઠે જણાવ્યું હતું, “તેની છૂટ આપવામાં આવશે તો અનુચ્છેદ 300-એ હેઠળના મિલકતના અધિકારની બંધારણીય માન્યતા ખતમ થઈ જશે.”
કોર્ટે પીડિતને વળતર તરીકે રૂ. 25 લાખ ચૂકવવાનો આદેશ પણ ઉત્તર પ્રદેશ સરકારને આપ્યો છે.
ઉત્તર પ્રદેશના મહારાજગંજના રહેવાસી મનોજ ટિબડેવાલ આકાશનું ઘર 2019માં માર્ગ પહોળો કરવાની યોજના હેઠળ તોડી પાડવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે છઠ્ઠી નવેમ્બરે આ ચુકાદો આપ્યો હતો. એ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નાગરિકોની સંપત્તિ નષ્ટ કરવાની ધમકી આપીને તેમના અવાજને દબાવી શકાય નહીં.
કોર્ટે જણાવ્યું હતું કે બુલડોઝર ન્યાય કાયદાના શાસનની વિરુદ્ધ છે એટલું જ નહીં, પરંતુ તે મૌલિક અધિકારોનું ઉલ્લંઘન પણ કરે છે.
અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું હતું, “લોકોની મિલકતો અને તેમના ઘરોને તોડીને તેમનો અવાજ દબાવી શકાય નહીં. એક વ્યક્તિ પાસે સૌથી મોટી સલામતી તેનું ઘર હોય છે.”
સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ, સરકારે કોઈ પણ વ્યક્તિની મિલકત તોડી પાડતા પહેલાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ અને તેને સુનાવણીની તક આપવી જોઈએ.
કોર્ટનું કહેવું છે કે કોઈ વિભાગ કે અધિકારીને મનસ્વી તથા ગેરકાયદે વર્તન કરવા દેવામાં આવશે તો તેના બદલામાં લોકોની મિલકતો તોડી પાડવામાં આવે એવું જોખમ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન