You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભામાં વકફ સંશોધન બિલ પાસ થવા પર શું બોલ્યા ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડના સભ્ય? - ન્યૂઝ અપડેટ
બુધવારે લોકસભામાં વકફ સંશોધન બિલ પાસ થવા પર ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ સમાચાર સંસ્થા એએનઆઈને નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું, "અમે લોકોને ક્યાંક આશા હતી કે જેડીયૂ અને ટીડીપી આ બિલનો વિરોધ કરશે. કારણકે તેમનાં રાજ્યોમાં મુસ્લિમોએ તેમને સહયોગ આપ્યો છે. પરંતુ અફસોસ એ છે કે આ બંને દળોએ તેનો વિરોધ નહીં કર્યો. તેને કારણે મુસ્લિમોમાં નિરાશા છે."
મૌલાના ખાલિદે કહ્યું કે જો વકફ સંશોધન બિલ રાજ્યસભામાં પણ પસાર થાય તો ઑલ ઇન્ડિયા પર્સનલ બોર્ડ આ બિલને કોર્ટમાં પડકારશે.
તેમણે કહ્યું, "અમને આશા છે કે આ બિલમાં જે સંવૈધાનિક ખામીઓ છે તેના આધારે કોર્ટ અમને ન્યાય આપશે."
જામનગરમાં વાયુસેનાનું વિમાન ક્રૅશ, પાઇલટનું મૃત્યુ
જામનગરના સુરવાડા ગામ નજીક ઍરફૉર્સનું એક વિમાન ક્રૅશ થયું છે. આ જેગુઆર ફાઇટર પ્લેન હતું. આ પ્લેન ક્રૅશ થઈને અનેક ટુકડાઓમાં ફેલાઈ ગયું. અકસ્માત બાદ આ વિસ્તારમાં ધુમાડાના ગોટે-ગોટા ફેલાઈ ગયા. આ અકસ્માતમાં એક પાઇલટનું ગંભીર ઈજાને કારણે મૃત્યુ થયું છે.
ભારતીય વાયુસેનાએ આ જેગુઆર ફાઇટર ક્રૅશ થવા પાછળ ટૅક્નિકલ ખામી ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર કરેલી પોસ્ટ અનુસાર, "આ પ્લેનની ઉડાન દરમિયાન પાઇલટે તેમાં ટૅક્નિકલ ખામીનો સામનો કર્યો. ઍરફિલ્ડ અને જનસંખ્યાને ધ્યાનમાં રાખીને નુકસાનથી બચવા માટે તેમણે બહાર નિકળવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયાસમાં એક પાઇલટે તેની જીવ ગુમાવ્યો જ્યારે કે એકનો ઇલાજ જામનગરની હૉસ્પિટલમાં થઈ રહ્યો છે."
આ વિમાન ખુલ્લા મેદાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે "જ્યારે આ વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે તરત જ ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એક પાઇલટનો જીવ બચાવવામાં સફળ રહ્યાં હતા. તેમણે ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી હતી."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટા ભાગના દેશો પર આકરા ટેરિફની જાહેરાત કરી ત્યાર પછી ઘણા દેશોના નેતાઓએ પોતાના પ્રતિભાવો આપ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સને કહ્યું કે "અમે વધતા ટ્રેડમાં અવરોધ નથી ઇચ્છતા. અમે ટ્રેડ-વૉર નથી ઈચ્છતા. અમે અમેરિકા સાથે વેપાર અને સહયોગના માર્ગે કામ કરવા માંગીએ છીએ જેથી કરીને બંને દેશના લોકોનું જીવન બહેતર બની શકે."
દક્ષિણ કોરિયાના કાર્યકારી રાષ્ટ્રપતિ હાન ડક-સૂએ વૈશ્વિક ટ્રેડ-વૉરની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને કહ્યું કે સરકારે આ વ્યાપાર સંકટનો સામનો કરવા માટે પોતાની તમામ ક્ષમતા કામે લગાડવી જોઈએ.
કોલંબિયાનાં વિદેશ મંત્રી લૉરા સારાબિયાએ કહ્યું, "અમે આના પર વિચાર કરીએ છીએ જેથી દેશના ઉદ્યોગો અને નિકાસકારોની સુરક્ષા કરી શકાય."
બ્રાઝિલની સરકારે પણ અમેરિકાએ લગાવેલા ટેરિફ વિશે એક નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું, "દ્વિપક્ષિય વેપારમાં પારસ્પરિકતા સુનિશ્ચિત કરવા માટે તેઓ તમામ પગલાંનો વિચાર કરે છે જેમાં વિશ્વ વ્યાપાર સંગઠનનો સહારો લેવાનું પણ સામેલ છે, જેથી કરીને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ થઈ શકે."
અમેરિકાએ સાઉથ કોરિયા પર 25 ટકા, કોલંબિયા અને બ્રાઝિલ પર 10 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.
આ દરમિયાન ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની એલ્બાનિઝે કહ્યું, "ટેરિફ અણધાર્યા નથી, પરંતુ તે સંપૂર્ણ રીતે અયોગ્ય છે."
તેમણે કહ્યું કે, "ટેરિફની જાહેરાત કરવાનો કોઈ તર્ક નથી. તે ઑસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચેની ભાગીદારીની વિરુદ્ધ છે. આ કોઈ મિત્રનું કામ નથી."
વકફ સંશોધન બિલ લોકસભામાં પાસ, જેડીયુ અને ટીડીપીએ આપ્યો સાથ, ઓવૈસીએ બિલની કૉપી ફાડી
વકફ સંશોધન બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. મોડી રાતે 1.56 વાગ્યે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ ઍલાન કર્યું.
બિલના પક્ષમાં 288 મત પડ્યા અને વિરોધમાં 232 મત પડ્યા. હવે આ બિલને રાજ્યસભામાં મોકલવામાં આવશે.
ભાજપની સહયોગી પાર્ટીઓએ પણ આ બિલને સમર્થન આપ્યું હતું. પરંતુ વિપક્ષોએ આ બિલનો જોરદાર વિરોધ કર્યો.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે લઘુમતિઓ માટે ભારતથી વધારે સુરક્ષિત દેશ દુનિયામાં કોઈ નથી. તેમણે કહ્યું કે લઘુમતિ સુરક્ષિત છે કારણકે બહુમતિ ધર્મનિરપેક્ષ છે.
વકફ સંશોધન બિલ પર લગભગ 12 કલાક સુધી ચાલેલી ચર્ચામાં જવાબ આપતા કેન્દ્રીય લઘુમતિ મામલાના અને સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે પારસી જેવા નાના સમુદાય પણ ભારતમાં સુરક્ષિત છે અને અહીં તમામ અલ્પસંખ્યકો ગર્વ સાથે રહી શકે છે.
બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે "સરકારે વકફ સાથે છેડછાડ નથી કરી. વકફ બોર્ડ અને વકફ પરિષદ માટે સંશોધન કરવામાં આવ્યું છે. તેની કાર્યપ્રણાલી પ્રશાસનિક છે. વકફ બોર્ડનો ધાર્મિક ક્રિયાકલ્પ નથી કરવાનો. અમે મુતવલ્લીને સ્પર્શ પણ કરી નથી રહ્યા.
ત્યાં એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં વકફ બિલનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આ અનુચ્છેદ 25, 26નું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે આ બિલ મુસ્લિમો માટે અન્યાયકર્તા છે.
ચર્ચા દરમિયાન એવું પણ થયું કે જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આમને-સામને આવી ગયા.
કૉંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે જ્યારે કિરેન રિજિજૂ બોલી રહ્યા હતા ત્યારે કૉંગ્રેસના કોઈ પણ સાંસદને પૉઇન્ટ ઑફ ઑર્ડર ઉઠાવવાની તક ન આપવામાં આવી.
ગૌરવ ગોગોઈએ કહ્યું, "કેટલાક દિવસ પહેલાં અલગ-અલગ જગ્યાએ દેશમાં લોકોએ ઈદની શુભકામનાઓ પાઠવી અને તેમની ડબલ એન્જીનની સરકારે લોકોને નમાઝ સુદ્ધા પઢવા ન દીધી. આજે તેમની એક સમાજની જમીન પર નજર છે કાલે અન્ય લઘુમતિઓની જમીન પર નજર કરશે."
ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદો તરફથી જે પણ સંશોધનો આવ્યા તે ફગાવી દેવામાં આવ્યા.
ચર્ચા દરમિયાન ઓવૈસીએ બિલની કૉપી ફાડી નાખી હતી. આ મામલે વકફ સંશોધન બિલ પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે ઓવૈસીની આ પ્રતિક્રિયાને અસંવૈધાનિક ગણાવી.
અમિત શાહે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે વિપક્ષ સમાજમાં ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. તો સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે આ બિલ તેમની સાંપ્રદાયિક રાજનીતિનું નવું સ્વરૂપ છે. તેમણે કહ્યું, "વકફની જમીન કરતા મોટો મુદ્દો એ જમીનનો છે જેના પર ચીને કબજો કર્યો છે. પરંતુ તેના પર કોઈ સવાલ ન કરે તે માટે આ બિલ લાવવામાં આવ્યું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન