'પાર્ટનરને રાજી કરવા મારા નિતંબમાં બાયૉપૉલિમર્સ ઈમ્પ્લાન્ટ કરાવ્યાં, વર્ષો સુધી પીડા સહન કરી'

    • લેેખક, વેલેન્ટિના ઓરોપેઝા કોલ્મેનારેસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
  • પ્રકાશિત

યાદિરા પેરેઝે તેના નિતંબ ‘ખાલી’ કરાવી નાખ્યા હતા.

ચાર મહિના પહેલાં સર્જને કાઢી નાખેલા ટિસ્યૂનો ફોટો દેખાડતાં તેઓ પીળા, પાતળા ગોળા તરફ નિર્દેશ કરે છે.

“એ નાના દડાઓ બાયૉપૉલિમર છે,” એવું વેનેઝુએલાના 43 વર્ષના ફોટોગ્રાફર યાદિરા એવી રીતે કહે છે કે જાણે તે ટિસ્યૂઝ અને સૂકા લોહીનો હિસ્સો તેમનો ન હોય.

“એ પૈકીના કેટલાક નાના બૉલ મારા જમણા ગ્લુટીયસના સ્નાયુમાં જડાઈ ગયા હતા અને મને અસહ્ય દુખાવો થતો હતો.”

યાદિરા પોતાને સુંદર સ્ત્રી ગણતાં હતાં, જ્યારે એ સમયના તેમના બૉયફ્રેન્ડનો આગ્રહ હતો કે યાદિરાના નિતંબ અત્યંત પુષ્ટ હોવા જોઈએ અને યાદિરા તેને ખુશ કરવા ઇચ્છતાં હતાં.

બાયૉપૉલિમર્સ ઈમ્પ્લાન્ટ (પ્રત્યારોપણ) કર્યા પછી પહેલી વાર માસિક સ્રાવ થયો ત્યારે યાદિરાના નિતંબ એટલા લાલ, સખત અને ગરમ થઈ ગયા હતા કે યાદિરા બેસી કે સૂઈ શકતાં ન હતાં.

એ પછી દર વખતે માસિક આવે ત્યારે યાદિરાને સમાન લક્ષણ જોવાં મળતાં હતાં.

(અહેવાલની કેટલીક વિગત અને ફોટો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે)

બાયૉપૉલિમર્સ એક કૃત્રિમ પદાર્થ છે, જેનાથી હોઠ, સ્તન અને નિતંબના કદમાં વધારો કરી શકાય છે.

યાદિરાએ તેમના શરીરમાં બાયૉપૉલિમર્સ ઈન્જેક્ટ કરાવ્યાનાં 14 વર્ષ પછી 2021માં વેનેઝુએલાની સરકારે, કોલંબિયા, બ્રાઝિલ અને મૅક્સિકો જેવા અન્ય દેશોની માફક કૉસ્મેટિક સર્જરીમાં ‘ફિલર્સ’ના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આમાંની ઘણી પ્રક્રિયા અનૌપચારિક અથવા ગુપ્ત હોવાથી વિશ્વમાં કેટલા લોકોએ બાયૉપૉલિમર્સ ઈમ્પ્લાન્ટ કરાવ્યાં છે તેનો ચોક્કસ આંકડો મળી શકતો નથી.

યાદિરાએ કારાકાસમાંના એક બ્યૂટી સલૂનમાં બાયૉપૉલિમર્સ ઈમ્પ્લાન્ટ કરાવ્યાં હતાં. બીબીસી મુન્ડોએ તે સલૂનનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.

બાયૉપૉલિમર્સના પ્રત્યારોપણ પછીનાં 16 વર્ષમાં યાદિરાએ તેને કઢાવવા બે વખત લેસર લાઈપોસક્શન અને એક સર્જરી કરાવી છે.

અમેરિકાના ફ્લોરિડાના મિયામી શહેરમાં છેલ્લી સર્જરી વખતે યાદિરાએ ટ્રીટમેન્ટ તથા રિકવરીનું દસ્તાવેજીકરણ કરવા પોતાના ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનો નિર્ણય કર્યો હતો.

તેઓ મિયામીમાં બે વર્ષ રહ્યાં હતાં અને આ સર્જરી તથા દવાઓનાં નાણાં ચૂકવવા તેમણે લોન લીધી હતી.

ક્યુબા, કોલંબિયા અને વેનેઝુએલાની 44 મહિલાઓના એક જૂથનો હિસ્સો છે યાદિરા. એ બધી મહિલાઓ અમેરિકાનાં જુદાં-જુદાં શહેરોમાં રહે છે અને પોતપોતાના શરીરમાંના ઈમ્પ્લાન્ટ્સ હટાવવા સર્જરીની તૈયારી પણ કરી રહી છે.

હૉસ્પિટલો, ક્લિનિક્સ અને નિષ્ણાતો સાથે થયેલા જાત અનુભવનું બયાન યાદિરા અહીં કરે છે.

હૉસ્પિટલો, ક્લિનિક્સ અને નિષ્ણાતો એ નક્કી કરી શક્યા ન હતા કે યાદિરાની તકલીફને પ્રત્યારોપણ સાથે સંબંધ છે કે નહીં. તેમણે યાદિરાની પીડાને દૂર કરવા અસરકારક સારવાર પણ કરી ન હતી.

‘ચાલ તારા નિતંબ મોટા કરાવીએ’

કારાકાસમાં 2007માં કૉસ્મેટિક સર્જરીનો જુવાળ ફાટી નીકળ્યો હતો.

એ સમયે હું મારા પુત્ર લીયોના પિતા હેનરી સાથે રહેતી હતી. હેનરી કાયમ અખબારો ખરીદતો હતો અને સામયિકોમાં સર્જરીની જાહેરાતો પ્રકાશિત થતી હતી.

એક દિવસ તેણે મને કહ્યું, “આ જો, નિતંબની શસ્ત્રક્રિયા થઈ શકે છે. ચાલ, તારા નિતંબ મોટા કરાવીએ. પુષ્ટ નિતંબની કલ્પના કર.”

મેં શરૂઆતમાં ના પાડી, પરંતુ આખરે કહ્યું, “હું તેને રાજી કરીશ.”

અમે જે જગ્યાએ ગયા ત્યાં ક્લિનિક ન હતું, પરંતુ એક ઑપરેટિંગ રૂમ હતો, જ્યાં તેઓ સ્તન પ્રત્યારોપણ અને લિપોસક્શન કરતા હતા. તે કારાકાસના બેલો મોન્ટેમાં આવેલી એક ઑફિસ પ્રકારની ઑફિસ હતી.

અમે કોઈની ભલામણ વિના, જાહેરાત વાંચીને ત્યાં ગયા હતા. તેમણે જાહેરાતમાં જણાવ્યું હતું કે ઈમ્પ્લાન્ટની સામગ્રીનો ઉપયોગ અમેરિકા અને યુરોપના સર્જનો કરે છે.

મેં ઈમ્પ્લાન્ટ કરાવવા વિશે ક્યારેય વિચાર્યું ન હતું, કારણ કે મારું શરીર સુડોળ હતું. હું મારા નિતંબ મારા શરીર અને ઊંચાઈ મુજબ પ્રમાણસરના હતા.

જોકે, હેનરીને વળગણ હતું કે મારા નિતંબ અત્યંત પુષ્ટ હોવા જોઈએ. અમે એક વર્ષ કે તેથી વધુ સમયથી રિલેશનશિપમાં હતા અને થોડા સમય પહેલાં સંસાર માંડ્યો હતો.

હું પહેલાં જ ઈમ્પ્લાન્ટ કરાવી ચૂકી હતી. હું 21 વર્ષની હતી ત્યારે મારા સ્તનમાં સિસ્ટ હોવાથી સર્જરી કરાવવી પડી હતી. ડૉક્ટરે બાયોપ્સી કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તેમાં જીવલેણ કોષો હતા.

મેં બન્ને સ્તન પર પાર્શિયલ માસ્ટેકટોમી કરાવી હતી અને પ્રોસ્થેસિસ ફીટ કરાવ્યા હતા.

‘ટેપ લગાવી લો’

હેનરી અને હું પહેલી વાર કન્સલ્ટેશન માટે ગયા ત્યારે ત્યાં બાયૉપૉલિમર્સની રાહ જોઈ રહેલી મહિલાઓની કતાર હતી.

અમારી સારવાર કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે તે સર્જન છે. તેમણે મને એક નાની બૉટલ દેખાડી હતી. તેમાં પ્રવાહી હતું અને તેઓ તેનું ઇન્જેક્શન મને આપવાના હતા. તે બાયૉપૉલિમર્સ છે એવું તેમણે કહ્યું ન હતું. તેમણે એવું જણાવ્યું હતું કે કદ વધારવા માટે કોષ વિસ્તારી રહ્યા છે.

ડૉક્ટરે તેમનાં પત્ની સાથે અમારો પરિચય કરાવ્યો હતો. તેમનાં પત્ની તેમના જેવા જ વૃદ્ધ મહિલા હતા. ડૉક્ટરે જણાવ્યું હતું કે તેમનાં પત્નીએ 15 વર્ષથી આ પ્રક્રિયા કરાવી રાખી છે અને તેમણે ક્યારેય અસ્વસ્થતા અનુભવી નથી.

ડૉક્ટરનાં પત્નીએ લાઈક્રા પેન્ટ અને ફલાલીનું ચુસ્ત શર્ટ પહેર્યું હતું. તેઓ આકર્ષક દેખાતા હતાં.

મારે એવું કશું કરાવવાની જરૂર ન હતી, પરંતુ હું જાણતી હતી કે હું ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાવું ત્યાં સુધી હેનરી સતત આગ્રહ કર્યા કરશે. તેથી મેં હા પાડી હતી.

મને વિશ્વાસ હતો, પણ આ પ્રક્રિયા વિશે મેં કશું વાંચ્યું ન હતું કે રિસર્ચ કર્યું ન હતું.

ડૉક્ટરે પોવિડિન એન્ટિસેપ્ટિકથી મારા નિતંબના ભાગના સાફ કર્યો હતો અને મને લોકલ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું હતું. હું કશું જોઈ શકતી ન હતી, કારણ કે હું સ્ટ્રેચર પર માથું નીચે રાખીને સૂતી હતી.

તેમણે કેવા સાધનથી મને ઇન્જેક્શન આપ્યું હતું કે શેનું ઇન્જેક્શન આપ્યું હતું તે મેં જોયું ન હતું. મને દુખાવો પણ ન થયો.

તેમણે મારા નિતંબમાં જેટલી જગ્યાએ બાયૉપૉલિમર્સ ઈન્જેક્ટ કર્યું હતું તે દરેક છીદ્ર પર એક ગોળ બૅન્ડ-એઈડ લગાવ્યું હતું. પછી અમે ઘરે ગયાં.

મેં મારી જાતને અરીસામાં જોઈ ત્યારે મને આશ્ચર્ય થયું હતું. હેનરીએ કહ્યું હતું કે તે અદભુત હતી.

મને શરૂઆતમાં વધારે પડતા ગરમાટાનો અનુભવ થયો હતો. સેક્સ માણતી વખતે વધારે સલામતી અનુભવતી હતી. તેને મારા આત્મસન્માન સાથે કોઈ લેવાદેવા ન હતી, પરંતુ સેક્સ દરમિયાન અમને સંતુષ્ટિ મળી હતી.

એ પછીના દિવસોમાં પ્રવાહી બહાર આવવા લાગ્યું હતું અને મારું પેન્ટ ભીનું થઈ ગયું હતું. ડૉક્ટરે મને કહ્યુઃ “તેના પર ટેપ લગાવી લો.” એમ કરવાથી પ્રવાહી બહાર આવતું બંધ થઈ ગયું હતું.

લાલ, કઠણ અને આકર્ષક નિતંબ

મારા શરીરમાં સેલ્યુલાઈટ જેવું દેખાતું એક નાનું છિદ્ર હતું અને તેને ઠીક કરાવવા હેનરીએ મને ડૉક્ટર પાસે જવા કહ્યું. ડૉક્ટરે તેમાં વધારે પ્રવાહી નાખ્યું, પરંતુ તે નાનું છિદ્ર ક્યારેય ભરાયું નહીં.

બીજા ઇન્જેક્શનના એક સપ્તાહ પછી મારા નિતંબમાં સોજો આવી ગયો હતો. તે લાલ, કઠણ અને આકર્ષક થઈ ગયા હતા. પછી મારા નિતંબ અને પીઠનો છેક ખભા સુધીનો હિસ્સો ફૂલી ગયો હતો.

હું સૂઈ શકતી ન હતી. મારા નિતંબમાંના બાયૉપૉલિમર્સને કારણે કે બ્રૅસ્ટ પ્રોસ્થેસિસને કારણે હું ચત્તી કે ઊંઘી સૂઈ શકતી ન હતી.

બેસવું મારા માટે અગ્નિપરીક્ષા જેવું હતું. એટલી પીડા થતી હતી કે કોઈ મને સ્પર્શે તો બળતરા થતી હતી.

મને આ સમસ્યાઓ થવા લાગી ત્યારે હેનરીમાં બદલાવ આવ્યો હતો. હવે અમે સેક્સ માણતા ન હતા. હું એટલી પીડા સહન કરી શકતી ન હતી.

તે સેક્સની માગણી કરતો હતો. તેની પાસે ધીરજ ન હતી. મારી હાલત ભલે ગમે તેવી હોય, પરંતુ તે પોતાની જાતીય એષણા સંતોષવા ઇચ્છતો હતો. મને પીડા થતી હોય અને હું આરામ કરતી હોઉં તેની તેને પરવા ન હતી.

‘તમે અમને કહ્યું હતું કે આ સલામત છે’

ડૉક્ટરે મારી બળતરા તથા પીડા ઓછી કરવા માટે દવાઓ આપવાનું શરૂ કર્યું. દર મહિને માસિક આવે ત્યારે મારાં નિતંબ, પીઠ અને કેડ ફૂલી જતાં હતાં. લાલ થઈ જતાં. પીડા થતી હતી. એ સહન કરવાનું મુશ્કેલ હતું.

હું તથા હેનરી ડૉક્ટર પાસે ગયાં અને તેમને કહ્યું, “તમે અમને કહ્યું હતું કે આ સલામત છે અને મને કોઈ તકલીફ થશે નહીં.”

ડૉક્ટરે જવાબ આપ્યો, “ચિંતા કરશો નહીં. ક્યારેક આવું થતું હોય છે, પરંતુ આપણે તેનું નિવારણ કરીશું.”

એક દિવસ તેમણે અમને જણાવ્યું હતું કે મને ઇન્જેક્શન આપવાનું તેને મોંઘું પડી રહ્યું છે, કારણ કે તેઓ અમારી પાસેથી પૈસા લેતા ન હતા.

પ્રયોગનું સાધન

મને માસિક આવે ત્યારે સોજો, દુખાવો અને લાલાશ પાછા આવતા હતા. હું બેસી શકતી ન હતી. કામ પર જઈ શકતી ન હતી. મને બહુ ખરાબ લાગતું હતું.

અમે એક પછી એક એમ અનેક ડૉક્ટર્સની સલાહ લેતા હતા. તેમણે મને એન્ટિબાયૉટિક્સ અને ઍલર્જી વિરોધી દવાઓ આપી હતી, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો ન હતો.

કોઈ મને મદદ કરી શકતું ન હતું, કારણ કે મારામાં શું થઈ રહ્યું છે એ તેઓ સમજી શક્યા ન હતા.

એ પછી મારી મુલાકાત બાયૉપૉલિમર્સ વિશે સંશોધન કરતા એક ડૉક્ટર સાથે થઈ હતી. તેમણે મને રૂમેટોલૉજિસ્ટ પાસે જવાની સલાહ આપી હતી. તેમણે મને પરીક્ષણ કરાવવા કહ્યું હતું અને શોધી કાઢ્યું હતું કે મારી કેડમાં સંધિવા થયો છે.

હું માંડ 27 કે 28 વર્ષની હતી.

ડૉક્ટરે મને જણાવ્યું હતું કે એ બાયૉપૉલિમર્સને કારણે છે કે કેમ એ તેઓ નથી જાણતા, પરંતુ તેમણે બળતરાના શમન માટે પ્રિડનીસોન નામની દવા લેવાની ભલામણ કરી હતી.

હું થોડો સમય કારાકાસની સોશિયલ સિક્યૉરિટી ફાર્મસીમાંથી દવા લેતી રહી હતી. મારી કેડ અને નિતંબ પરનો સોજો ઊતરી ગયો હતો. પછી દવાએ કામ કરવાનું બંધ કરી દીધું.

બાયૉપૉલિમર્સ વિશે સંશોધન કરતા ડૉક્ટરને હું એક વર્ષ સતત મળતી રહી હતી. મારા કેસમાં શું કરવું તેની તેમને ખબર પડતી ન હતી. તેમણે આ સંદર્ભે બીજા સર્જનોની સલાહ લીધી હતી. બાદમાં તેમણે મને લેસર લિપોસક્શન કરાવવાની ભલામણ કરી હતી.

તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ મારા પર ઓપન સર્જરી કરવા તૈયાર નથી. કેન્યુલા દાખલ કરીને શક્ય તેટલું બહાર ખેંચી કાઢવાનો તે શ્રેષ્ઠ સમય હતો.

ડૉક્ટર પાસે બાયૉપૉલિમર્સને માત્ર બે દર્દી હતા. મારા ઉપરાંત એક બીજી મહિલા હતી. તેથી અમે તેમના માટે પ્રયોગનાં સાધન જેવાં હતાં.

હું એટલી તલપાપડ હતી કે મેં તેમને કહી દીધેલું કે મારામાંથી બધું જ ખેંચી કાઢો તેવું હું ઇચ્છું છું. મને ચાલવામાં કોઈ તકલીફ પડતી ન હતી, પરંતુ મારા નિતંબ અને કરોડરજ્જુમાં પીડા થતી હતી.

‘હવે ઈન્જેક્શન લેશો નહીં’

જેમણે મને બાયૉપૉલિમર્સ આપ્યાં હતાં તે ડૉક્ટર સાથે, મને શું થઈ રહ્યું છે તે જણાવવા મેં અને હેનરીએ વાત કરી હતી. ત્યાં પ્રત્યારોપણની રાહ જોઈ રહેલી મહિલાઓની કતાર લાગી હતી.

મેં તેમને આજર્વભરી વિનંતી કરી હતી, “ઇન્જેક્શન લેશો નહીં, ઇન્જેક્શન લેશો નહીં. જુઓ મારી સાથે શું થઈ રહ્યું છે.”

એ પૈકીની એક મહિલાએ મને કહ્યું, “આ તો લૉટરી જેવું છે. બધાની સાથે આવું થતું નથી.”

પોતે હવે કોઈ મદદ કરી શકશે નહીં એવું ડૉક્ટરે જણાવ્યું ત્યારે મેં તેમને કહ્યું હતું, “કાં તો તમે મારી સમસ્યાનું નિરાકરણ કરો અથવા હું રોજ તમારી ઑફિસે આવીશ અને મારા નિતંબ દેખાડીને દરેક દર્દીને ડરાવીશ.”

એ પછી તેણે પ્રથમ વાર લિપોસક્શન માટે નાણાં ચૂકવ્યાં હતાં. મારા નિતંબમાં કેટલી સામગ્રી છે તે એમઆરઆઈ દ્વારા જાણ્યા બાદ એક અન્ય ડૉક્ટર-સંશોધકે મારે પર 2011માં લિપોસક્શન કર્યું હતું.

એ ડૉક્ટરે મને મેયોનીઝની બરણી ભરાય તેટલા બોલ્સ કાઢીને મને આપ્યા હતા.

કેટલું નુકસાન થયું?

એ પછી એક વર્ષ સુધી મને સારું લાગ્યું હતું, પરંતુ 2012માં મને માસિક આવ્યું ત્યારે જૂનાં લક્ષણો ફરી દેખાયાં હતાં.

મારી પીઠ પર ખાસ સોજો ન હતો, પરંતુ મારા નિતંબ એકદમ કઠણ થઈ ગયા હતા. ડૉક્ટરે મને ફરી એમઆરઆઈ કરાવવા મોકલી હતી અને જણાવ્યું હતું કે હજુ પણ લગભગ 15 ટકા બાયૉપૉલિમર્સ મારા નિતંબમાં છે.

તેમણે મારા પર બીજું લિપોસક્શન કર્યું હતું, જેના પૈસા મેં ચૂકવ્યા હતા અને ત્રણ મહિના સુધી કમરપટ્ટો પહેર્યો હતો.

થોડા સમય પછી હું ફરી ગર્ભવતી થઈ હતી.

હું 17 વર્ષની હતી ત્યારે પહેલી દીકરીને જન્મ આપ્યો હતો. મને વંધ્યત્વની કોઈ સમસ્યા ન હતી, પરંતુ આ વખતે 32 વર્ષની વયે ગર્ભ ટકી શક્યો નહીં.

ડૉક્ટરે મને હાશિમોટોના થાઇરોઇડિટિસ (જેમાં રોગપ્રતિકારક તંત્ર થાઇરોઇડ પર હુમલો કરે છે) થયો હોવાનું નિદાન કર્યું હતું અને કહ્યું હતું કે મારા થાઇરોઇડની અનિયમિત પ્રવૃત્તિને કારણે, કદાચ બાયૉપૉલિમર્સની આડઅસરને લીધે આ નુકસાન થયું છે.

મારા થાઇરોઇડને કારણે મારા શરીરે બાયૉપૉલિમર્સને નકારવાનું શરૂ કર્યું હતું કે પછી બાયૉપૉલિમર્સને લીધે મારી રોગપ્રતિકારક શક્તિ અનિયંત્રિત થઈ ગઈ હતી અને તેનાથી મારા થાઇરોઇડને નુકસાન થયું હતું, એ બાબતે તેઓ સ્પષ્ટ ન હતા.

બ્રૅસ્ટ પ્રોસ્થેસિસને લીધે મને કોઈ સમસ્યા થઈ ન હતી એ હકીકત હતી. મારા શરીરે બ્રૅસ્ટ પ્રોસ્થેસિસનો નહીં, પરંતુ બાયૉપૉલિમર્સનો અસ્વીકાર કર્યો હતો.

મને તેનો કોઈ અનુભવ ન હતો. પ્રત્યારોપણ માટે મેં જે કંઈ સહન કર્યું તેનાથી હું આશ્ચર્યચકિત હતી.

પછી હું ફરી ગર્ભવતી થઈ હતી અને જુલાઈ, 2014માં કોઈ સમસ્યા વિના મારા પુત્ર લીઓનો જન્મ થયો હતો.

પીડા ફરીથી શરૂ થઈ

બીજા ઑપરેશન પછી મારું જીવન બદલાઈ ગયું હતું. 10 વર્ષ સુધી કોઈ પીડા થઈ ન હતી. ગયા વર્ષના ઑક્ટોબરમાં ફરીથી સોજો આવવા લાગ્યો હતો.

આ વખતે મારા નિતંબ અને પીઠ જ નહીં, પરંતુ ચહેરા અને હાથમાં પણ એવું થતું હતું. પહેલી વાર મને સાંધામાં દુખાવો થયો હતો.

મને તાવ આવ્યો હોય તેવું લાગતું હતું અને શરીરમાં કળતર થતી હતી. મારું માથું ફાટી જશે એવું લાગતું હતું.

હું હૉસ્પિટલે ગઈ અને મારો વારો ન આવ્યો ત્યાં સુધી ઇમરજન્સી રૂમમાં ધ્રૂજતી રહી હતી.

મેં ડૉક્ટરને કહ્યું હતું કે આ બાયૉપૉલિમર્સની આડઅસર હોવી જોઈએ. ડૉક્ટરે કહ્યું, હું શું કહું છું એ તેઓ સમજી શકતા નથી.

તેમણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ટેસ્ટ કર્યો. તેમાં કશું વાંધાજનક ન હતું. ડૉક્ટરે મને કોવિડ ટેસ્ટ અને ફ્લૂ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. એ બન્ને પણ નૅગેટિવ હતા.

હું સતત કહેતી હતી કે આ બધું બાયૉપૉલિમર્સને લીધે થઈ રહ્યું છે, પરંતુ તેમણે મને ઇન્ફેક્શન થયું છે કે કેમ તે ચેક કરવા ત્રણ દિવસ સુધી હૉસ્પિટલમાં રાખી હતી. મને ચેપ લાગ્યો હોવાના કોઈ સંકેત તબીબી પરીક્ષણમાં મળ્યા ન હતા.

મેં ડૉક્ટરને સમજાવ્યું કે મારા નિતંબમાં પ્રત્યારોપણ કરાવ્યું છે. પછી કહ્યું, “મારે તેને બહાર કઢાવવું જ પડશે. તેને લીધે જ બધી તકલીફ થઈ રહી છે.”

તેમણે એવું કહ્યું હતું કે તેઓ મારા પર ઑપરેશન કરી શકે તેમ નથી. એ માટે મારે સર્જનની સલાહ લેવી પડશે.

હૉસ્પિટલમાં ઈમરજન્સીને લીધે અને વીમા મારફત તેઓ એમ કરી શકે તેમ ન હતા, કારણ કે તેઓ તેને કૉસ્મેટિક સર્જરી ગણતા હતા. મારા નિતંબમાંથી સ્રાવ થતો હોત તો તેઓ ઑપરેશન કરી શક્યા હોત.

તેમણે મને દસ દિવસની એન્ટિબાયૉટિક્સ આપી હતી. એ દવા મારે દર આઠ કલાકે લેવાની હતી. સમય જતાં મારી તબિયત સુધરવા લાગી હતી.

માનસિક ઉદાસીનતા

મારી સાથે શું થઈ રહ્યું છે તે જાણવા હું પ્રાયમરી ડૉક્ટર પાસે ગઈ હતી. તેમણે મને જણાવ્યું હતું કે બે કારણ હોઈ શકે. કાં તો મારા શરીરમાંના બાયૉપૉલિમરના બચેલા અવશેષોથી મને તકલીફ થતી હોઈ શકે અથવા તો મારા બ્રૅસ્ટ પ્રોસ્થેસીસને લીધે તકલીફ થતી હોય તે શક્ય છે.

તેમણે મારા બ્રૅસ્ટ પ્રોસ્થેસિસને કઢાવી નાખવાની ભલામણ કરી હતી.

હું દોઢ વર્ષથી મિયામીમાં હતી અને ચિંતિત હતી. હું વેનેઝુએલા પાછી ફરીને મારા પરિવારને મળવા ઇચ્છતી હતી. મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે મારી માતા અને ભાઈઓ મારી પડખે ન હતાં તેનું મને બહુ માઠું લાગ્યું હતું, કારણ કે અમારી વચ્ચે ગાઢ સંબંધ છે.

ડૉક્ટરે મને એન્ટીડિપ્રેસન્ટ દવાઓ લેવાની ભલામણ કરી હતી. તેમણે મને કહ્યું હતું કે મારું શરીર ડિપ્રેશનને લીધે આવી પ્રતિક્રિયા આપી રહ્યું છે. “આ નાની ગોળીઓ લેવાનું શરૂ કરો. તેનાથી તમને આરામ થશે અને સારું લાગશે.”

મેં મનોચિકિત્સકની સલાહ લીધી હતી. તેમણે મને ચેતવણી આપી હતી કે ગોળીઓ લેવાનું પરિણામ જોખમી હોઈ શકે છે. તેમણે કહ્યું હતું, “તમે લીઓ સાથેનો સંપર્ક ગુમાવી બેસશો. પસંદગી તમારે કરવાની છે.”

તેથી મેં એન્ટીડિપ્રેસન્ટ ગોળીઓ લેવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને બાયૉપૉલિમર્સના નિષ્ણાત સર્જનને શોધવાનું શરૂ કર્યું હતું.

એવા એક સર્જન મને કોલંબિયામાં મળી આવ્યા હતા, પરંતુ મારા ઇમિગ્રેશન સ્ટેટસને કારણે એ સમયે હું અમેરિકા છોડી શકું તેમ ન હતી. હું હેલ્થ પરમિટ માટે વિનંતી કરી શકું તેમ હતી, જેથી મને શસ્ત્રક્રિયા માટે કોલંબિયા જવાની પરવાનગી મળી શકે.

પીડા એટલી તીવ્ર હતી કે હું ઇમિગ્રેશન પ્રોસેસનું જોખમ લેવા તૈયાર હતી, પરંતુ મને સારું લાગવા માંડ્યું અને મેં એ બાબતે વધુ વિચારવાનું નક્કી કર્યું.

સર્જરી અને જખમનાં નિશાન

એક મિત્ર સાથે મેં રોડ ટ્રીપ કરી. કલાકો સુધી બેઠા રહેવાને કારણે મારા નિતંબ ફરી સૂજી ગયા હતા. તે લાલ અને કઠણ બની ગયા હતા.

મને ફરીથી તાવ અને કળતરનો અનુભવ થયો. જાણે મને કોવિડ થયો હોય તેવું લાગ્યું. મને થતું હતું કે હું પથારીમાંથી ઊઠી જ નહીં શકું.

હું ઓહિયોમાં હતી ત્યારે હેનરી વેનેઝુએલાથી રોજ લીઓને ફોન કરતો હતો અને મને તેની સાથે વાત કરવાની ઇચ્છા જ થતી ન હતી. એક દિવસ મેં હેનરીને કહી દીધું હતું કે મારે તારી સાથે વાત કરવી નથી, કારણ કે તારા લીધે મારી આવી હાલત થઈ છે.

તેણે મને કહ્યું હતું, “મને લાગે છે કે એ આપણા બંનેનો નિર્ણય હતો.”

લીઓના પિતાને કારણે હું ઘણી બાબતોમાં સંમત થઈ હતી. હું ઘણું શીખી, પરંતુ એ દરમિયાન મેં મારી ઓળખ ગુમાવી દીધી હતી.

હું કલાકો સુધી બેસી શકતી ન હતી એટલે પ્લેનમાં મિયામી પાછી ફરી. પાછા ફરતા પહેલાં એક મિત્રે મને ડૉ. નાયર નારાયણનનો નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે તેઓ બાયૉપૉલિમરના નિષ્ણાત છે. તેઓ સંયોગથી મિયામીમાં જ રહેતા હતા.

હું ડૉક્ટરને મળવા ગઈ. મારી સ્થિતિ જાણવા તેમણે કેટલાક ટેસ્ટ્સ કરાવ્યા. સર્જરી માટે ઑપરેટિંગ રૂમમાં જતા પહેલાં મારા પુત્ર લીઓને કારણે હું મોતથી ભયભીત હતી.

મારે પૈસા ઉધાર લેવા પડ્યા હતા, કારણ કે કોઈ પણ વીમામાં આ પ્રક્રિયાને આવરી લેવામાં આવી ન હતી.

આખરે ડૉક્ટરે મારી ઓપન સર્જરી કહી, ચામડી કાપી અને બધું બહાર કાઢ્યું. તેમને સ્નાયુમાં અટવાયેલા નાના દડા મળી આવ્યા હતા.

રિકવરીની પ્રક્રિયા લાંબી અને પીડાદાયક હતી. પહેલા ત્રણ સપ્તાહ તો હું બેસી શકતી ન હતી. પછી ઊભા રહીને પેશાબ કરવો પડતો હતો.

ઊંઘવામાં બહુ મુશ્કેલી થતી હતી. હું ઓશિકું મારા પેટ પાસે રાખીને ઊંઘવાના પ્રયાસ કરતી હતી. હું પડખાભેર સૂઈ શકતી ન હતી.

મારી સારવારમાં લીઓએ બહુ મદદ કરી. દરેક બાબતમાં મદદ કરી. બે મહિના સુધી હું વાહન ચલાવી શકી ન હતી અને તેને ક્યાંય લઈ જઈ શકી ન હતી.

મેં ઘરેથી કામ કર્યું હતું. કમ્પ્યુટર સામે ઊભા રહીને શક્ય હોય તેટલું કામ કર્યું હતું.

મારા શરીર પર કેટલાક મોટા ડાઘ છે, પરંતુ તેનાથી કોઈ નુકસાન થતું નથી. એ ડાઘ મને, મેં જે અનુભવ્યું હતું તેની યાદ અપાવે છે.

હવે હું બાયૉપૉલિમર્સના પરિણામ બાબતે જાગૃતિ લાવવા ઇચ્છું છું.

જે લોકો બાયૉપૉલિમર્સ કરાવવા ઇચ્છે છે તેમને કહું છું કે એવું કરાવશો નહીં. તમારી જાતને નુકસાન કરશો નહીં.

જેઓ પીડા સાથે જીવે છે તેમને યાદ કરાવું છું કે બીજા વિકલ્પો છે. હાર માનશો નહીં, કારણ કે આશા અમર છે.

બાયૉપૉલિમર્સ શું છે અને તેનાથી શું થઈ શકે?

જેમણે યાદિરાના ઈમ્પ્લાન્ટ્સ દૂર કર્યા હતા તે નાયર નારાયણન ભારપૂર્વક કહે છે, “બાયૉપૉલિમર્સમાં કંઈ પણ થઈ શકે.”

તેઓ કહે છે, “મોટા ભાગની સ્ત્રીઓ સિલિકોનનો ઉપયોગ કરે છે, પરંતુ તે બોન સિમેન્ટમાંથી પણ બને છે. તેનો ઉપયોગ માથા અથવા ખોપરીનાં હાડકાંના પુનર્નિમાણ માટે પણ કરવામાં આવે છે.”

નારાયણને મિયામી ખાતેની તેમની ઑફિસમાં પેરુના એક દર્દીની સારવાર કરી હતી. એ દર્દીએ તેના નિતંબમાં મોટર ઑઇલ, જાણે કે તે ઈમ્પ્લાન્ટ હોય તેમ, ઈન્જેક્ટ કરાવ્યું હતું.

બાયૉપૉલિમર્સની આડઅસરનાં લક્ષણોની ડૉ. નારાયણને આપેલી યાદી નીચે મુજબ છે.

  • પગમાં પીડા અથવા ચાલવામાં મુશ્કેલી
  • જડતા
  • સ્નાયુ અથવા સાંધામાં દુખાવો
  • લાંબા સમય સુધી બેસવામાં કે સૂવામાં મુશ્કેલી
  • માનસિક મૂંઝવણ
  • ચામડીના રંગ અને રચનામાં ફેરફાર. ચામડીનો દેખાવ મગરની ત્વચા જેવો થઈ જાય

તેમના જણાવ્યા અનુસાર, યાદિરાને એડજુવન્ટ-ઈન્ડ્યુસ્ડ ઇન્ફ્લેમેટરી ઓટોઈમ્યુન સિન્ડ્રોમ અથવા એશિયા સિન્ડ્રોમની તકલીફ હતી. તેમાં રોગપ્રતિકારક તંત્ર બહારની કોઈ પણ વસ્તુ સામે આક્રમક પ્રતિભાવ આપે છે.

“મારી થિયરી એવી છે કે શરીર રોગપ્રતિકારક તંત્રને અતિ સક્રિય થવાનો આદેશ આપે છે અને પ્રત્યારોપણ કરવામાં આવ્યું હોય તે વિસ્તારની બહાર આ બધી સમસ્યાઓ સર્જાય છે.”

તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ થિયરી છે, કારણ કે નોંધપાત્ર કેસોમાં બાયૉપૉલિમરની અસરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હોય તેવો કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ થયો નથી.

“સિલિકોન શરીરને કેવી રીતે અસર કરે છે તે સાબિત થયું નથી.”

જોકે, બાયૉપૉલિમર્સને કારણે યાદિરા બાળક ગુમાવી શક્યાં હોત એ વાતની પુષ્ટિ તેમણે કરી હતી.

“યાદિરા સુંદર સ્ત્રી છે અને તેમને વધારે સુંદર દેખાવા માટે કૉસ્મેટિક સર્જરીની જરૂર ન હતી. યાદિરાના કિસ્સાનું પુનરાવર્તન લેટિન અને ખાસ કરીને વેનેઝુએલાની મહિલાઓ સાથેના મારા પરામર્શમાં વારંવાર પુનરાવર્તિત થાય છે,” એમ તેમણે કહ્યું હતું.

નારાયણને સિલિકોન ઈમ્પ્લાન્ટ્સને દૂર કરવા તથા તેના રિકન્સ્ટ્રક્શન માટે નિષ્ણાતોનું એક જૂથ રચવાનો પ્રસ્તાવ અમેરિકન સોસાયટી ઑફ પ્લાસ્ટિક સર્જન્સ સમક્ષ રજૂ કર્યો છે.

તેમણે કહ્યું હતું, “તેને મંજૂરી મળશે ત્યારે અમે લેટિન અમેરિકાના સર્જનોને અમેરિકા લાવવાનું અને બાયૉપૉલિમર્સના સંશોધન માટે સંગઠન રચવાનું ભંડોળ પ્રાપ્ત કરી શકીશું, એવી મને આશા છે.”