You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત: ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ખુદ રેલવેના કર્મચારીઓએ જ કેમ ઘડ્યું?
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
સુરતના કીમ પાસે બે દિવસ અગાઉ વહેલી સવારે ટ્રેન ઉથલાવવાના પ્રયત્ન કરવાની ઘટનામાં રેલવે કર્મચારીની જ સંડોવણી બહાર આવી છે.
ટ્રેન ઉથલાવવાનું કાવતરું ખુદ એક રેલવે કર્મચારીએ જ ઘડ્યું હોવાનું પોલીસે બીબીસીને જણાવ્યું છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે 16મી સપ્ટેમ્બરના રોજ સુરત નજીકના કીમ-કોસંબા રેલવે ટ્રૅક પર જોગલ ફિશ પ્લૅટ અને એઆરસી પૅડ-લૉક ખોલીને અપલાઇન પર મૂકવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રૅક પર આવતી ગરીબરથ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
આ ઘટના બનતાની સાથે પોલીસની વિવિધ ટીમો તથા કેન્દ્રીય અને સ્થાનિક તપાસ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ હતી અને 48 કલાક બાદ આ ગુનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.
શું છે મામલો?
સુરત પોલીસના જણાવ્યા અનુસાર 21મી સપ્ટેમ્બરની સવારે પાંચ વાગ્યાની આસપાસ ડાઉન-લાઇન નંબર 292/28ના ટ્રૅકની ફિશ પ્લૅટ દૂર કરવામાં આવી હતી અને તેને અપ-લાઇન નંબર 292/27 પર મૂકી દેવામાં આવી હતી.
ત્યારબાદ 292/27થી લઈને 291/17ની વચ્ચે અનેક ઈઆરસી(ઇલાસ્ટિક રેલવે ક્લિપ) કાઢી સવારે 5.25 કલાકે પસાર થતી ટ્રેન ગરીબરથને અવરોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે આ ષડયંત્ર હેઠળ ટ્રેનને પલટી નાખવાનો અને અનેક મુસાફરોના જીવને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોઇસરે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું, “71 જેટલા પૅડ-લૉક કોઈ સામાન્ય વ્યક્તિ કાઢી શકે તે શક્ય નહોતું. એ પહેલાં ત્રણ ટ્રેન પસાર થઈ ગઈ હતી પરંતુ ત્રણેય ટ્રેનના પાઇલટે આ વિશે કોઈ ફરિયાદ કરી નહોતી. આ ઉપરાંત ઘટનાસ્થળેથી કોઈ સ્પષ્ટ પુરાવાઓ મળ્યા નહોતા. જેથી અમને શંકા આ ઘટના વિશે માહિતી આપનારા રેલવે કર્મચારી પર ગઈ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘રેલવે કર્મચારીએ જ ઘડ્યું હતું કાવતરું’
પોલીસને આ ઘટના વિશે માહિતી આપનારા રેલવે કર્મચારી સુભાષ પોદ્દાર પર ગઈ. તેમણે સુભાષ પોદ્દારે આપેલી માહિતી વિશે તેની પૂછપરછ કરી.
પોલીસે આ ઘટના વિશે તેણે પાડેલા ફોટોગ્રાફ્સ તથા ઉતારેલા વીડિયોના સમયની ચકાસણી કરી.
પોલીસે જ્યારે આ ઘટના વિશે તેણે રેલવેને જાણકારી આપી હતી તે સમય સાથે આ ફોટોગ્રાફ્સ અને વીડિયોના સમય સાથે સરખામણી કરી. આ માહિતીમાં પોલીસને તફાવત જણાઈ આવ્યો. જેથી પોલીસે સુભાષ પોદ્દાર ઉપરાંત રેલવે કૉન્ટ્રાક્ટ કર્મચારીઓ શુભમ જયસ્વાલ તથા મનીષકુમાર મિસ્ત્રીના ફોન કબજે લીધા.
પોલીસના જણાવ્યા અનુસાર આ ત્રણેય લોકો રેલવેના ટ્રૅકમૅન તરીકે ફરજ બજાવે છે. તેમણે જ આ ઘટનાનું રેલવેને રિપોર્ટિંગ કરીને ગરીબરથ ટ્રેનને રોકાવડાવી હતી.
હિતેષ જોઇસરે જણાવ્યું, “ત્રણેય આરોપીના મોબાઇલની તપાસ કરી. સુભાષે પોતાના અધિકારીને જે વીડિયો આપ્યા હતા તેના સમયમાં અને ક્લિપ ઉતારવાના સમયમાં 25 મિનિટનો ફેર હતો. ત્રણેય આરોપીની પહેલા અટકાયત કરીને તેમની પૂછપરછ કરી તો તેમણે કબૂલ્યું હતું કે તેમણે રાત્રે અઢી વાગ્યે રેલવે ટ્રેક પરથી પૅડ-લૉક કાઢવાની શરૂઆત કરી હતી અને કેટલાક પૅડ-લૉક કાઢીને તેના ફોટોગ્રાફ્સ લીધા હતા.”
પોલીસના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય ટ્રેનને અકસ્માત થાય તેવો આશય નહોતા ધરાવતા પરંતુ તેવું ષડયંત્ર ઘડાયું છે અને તેની જાણકારી તેમના ઉપરી અધિકારીને આપીને વાહવાહી મેળવવા માગતા હતા.
‘પ્રસિદ્ધિ અને ઍવૉર્ડ મળે તે માટે રચ્યું ષડયંત્ર’
હિતેષ જોઇસરે કહ્યું, “ત્રણેય આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કબૂલ્યું હતું કે ચોમાસાની નાઇટ ડ્યૂટી ટૂંકસમયમાં બંધ થતી હતી તે ચાલુ રહે અને બીજા દિવસે ઑફ મળે તે હેતુથી તેમણે આ પ્લાન બનાવ્યો હતો.”
હિતેશે જોઇસરે વધુમાં જણાવ્યું કે ત્રણેય ટ્રૅકમૅનોએ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે, ઍવૉર્ડ મેળવવા માટેની ઇચ્છા હોવાને કારણે આ પ્લાન બનાવ્યો હતો.
ત્રણેય આરોપીઓ સામે બીએનએસની કલમ 3(5), 61(2)(એ), 62, 125 મુજબ તથા રેલવે અધિનિયમ-1989ની કલમ 150(1)(એ), 150(બી) અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી ઍક્ટ-1984ની કલમ-3 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જ્યારે આ મામલે બીબીસીએ રેલવેનો સંપર્ક સાધ્યો ત્યારે તેમના અધિકારીઓએ કોઈ પણ કોમેન્ટ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમના પબ્લિક રિલેશન ઑફિસરે બીબીસીને જણાવ્યું હતું કે આ કેસ પોલીસ અંતર્ગત છે તેથી રેલવે તેમાં કોઈ પ્રતિક્રિયા નહીં આપે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)