You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'બહેનની છેડતીનો વિરોધ કરનાર' દસમાના વિદ્યાર્થીને પેટ્રોલ છાંટી આગ ચાંપી દેવાઈ, મૃત્યુ પહેલાં કહ્યું 'તેમને છોડતા નહીં'
- લેેખક, વાદીસેટ્ટી શંકર
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
ચેતવણી : આ રિપોર્ટનો અમુક ભાગ આપને વિચલિત કરી શકે છે
"એ દરરોજ સવાર બરાબર પાંચ વાગ્યે ટ્યૂશન માટે નીકળતો. શુક્રવારે પણ એ નિત્યક્રમ અનુસરી રહ્યો હતો. અમને અડધા કલાક પછી કહેવાયું કે તેના પર હુમલો થયો છે. અગાઉ પણ એક વાર તેને કોઈએ માર્યો હતો, અમને લાગ્યું કે એવું જ કંઈક બન્યું હશે. પરંતુ અમે ક્યારેય નહોતું વિચાર્યું કે કોઈ તેનો જીવ જ લઈ લેશે."
અમરનાથનાં મામી 16 જૂનની ઘટના વિશે જણાવતાં રડી પડ્યાં.
આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લાના ચેરુકુપલ્લી મંડલના રાજાવોલી વિસ્તાર પાસે શુક્રવારે અમરનાથની હત્યા કરી દેવાઈ.
દસમામાં ભણતા વિદ્યાર્થી ઉપ્પલા અમરનાથની ક્રૂરપણે કરાયેલ હત્યાથી લોકો આશ્ચર્યચક્તિ અને આક્રોશમાં છે.
હુમલા બાદ અમરનાથ પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેવાઈ. આ ઘટના બાદ આખા આંધ્ર પ્રદેશમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
અમરનાથ તેમના પિતાના મૃત્યુ બાદ તેમનાં માતા અને મોટાં બહેન સાથે પોતાનાં નાનીના ઘરે રહી રહ્યા હતા.
તેઓ ઉપ્પલા વેરી પાલેમ ગામથી બે કિલોમિટર દૂર રાજાવોલૂ હાઇસ્કૂલમાં ભણતા હતા. તેઓ ત્યાં જ ટ્યૂશન માટે પણ જતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના સંબંધીઓ અનુસાર ભણવા જવા માટેનો તેમનો રસ્તો અને ટ્યૂશન જવાનો તેમનો સમય તેમની હત્યાનું કારણ બની ગયું.
અમરનાથના અંતિમ શબ્દ
અમરનાથ સવારે પાંચ વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. તેની દસ મિનિટની અંદર જ રસ્તામાં આરોપીએ તેમને રોકી લીધા. પોલીસ અનુસાર 23 વર્ષીય વેંકટેશ્વરા રેડ્ડી આ મામલામાં આરોપી છે.
સાઇકલ મારફતે ટ્યૂશન જઈ રહેલા અમરનાથને અધવચ્ચે રોકીને મકાઈના ઢગલા પાછળ ખેંચી લેવાયા હતા. આ જ સ્થળે તેમના પર હુમલો કરાયો અને તેમને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેવાઈ.
અમરનાથનો એક વીડિયો પણ જાહેર કરાયો છે, જેમાં તેઓ ઍમ્બુલન્સ મારફતે હૉસ્પિટલ જતી વખતે પોતાની સાથે બનેલી ઘટના અંગે જણાવી રહ્યા છે. આ તેમના મૃત્યુ પહેલાંના અંતિમ શબ્દો હતા.
આ વીડિયોમાં અમરનાથ કહે છે કે, “સ્કૂલે જતી વખતે તેમણે મને અધવચ્ચે રોકી લીધો. મને મુખ્ય માર્ગથી દૂર ખેંચી લવાયો. તેમણે મારા મોઢું કપડું મૂકીને બંધ કરી દીધું. કમર પાછળ મારા હાથ બાંધી દેવાયા. માર ઉપર તાડપત્રી મુકાઈ અને તે બાદ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેવાઈ. જેમણે મારી સાથે આવું કર્યું તેમની સાથે પણ આવું જ થવું જોઈએ. તેમને છોડતા નહીં.”
ગુંટૂરની હૉસ્પિટલે લઈ જતી વખતે અમરનાથે રસ્તામાં જ જીવ છોડી દીધો. ગુંટૂરની સરકાર હૉસ્પિટલમાં તેમના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ થયું.
જે વાહન અમરનાથના મૃતદેહને તેમના ગામડે લઈ જઈ રહ્યું હતું તે ભીડ દ્વારા રસ્તામાં ઘેરી લેવાયું હતું. તેમના સંબંધીઓ, પછાત વર્ગનાં ઘણાં સંગઠનો અને વિપક્ષ તેલગુદેશમ્ પાર્ટીના નેતાઓએ સ્થળ પર પ્રદર્શન કર્યાં.
મોટાં બહેન સાથે થતી છેડતીનો વિરોધ કરતા અમરનાથ
અમરનાથના મૃત્યુ સંબંધે ચેરુકુપલ્લી પોલીસ સ્ટેશનમાં એક કેસ દાખલ કરાયો છે. હત્યા સિવાય આ મામલામાં પોક્સો ઍક્ટ સંબંધિત કલમો પણ લગાવાઈ છે. તેમનાં માતા ઉપ્પલા માધવીએ આ કેસ દાખલ કરાવ્યો છે.
બીબીસી સાથેની વાતચીતમાં અમરનાથનાં એક સંબંધી પી. લક્ષ્મી દાવો કરે છે કે, “અમરનાથનાં મોટાં બહેન બારમું ધોરણ ભણે છે. વેંકી નામનો એક યુવક તેને પરેશાન કરી રહ્યો હતો. તેણે સ્કૂલના પ્રિન્સિપાલને વેંકીની ફરિયાદ પણ કરી હતી. પરંતુ તેણે આ વિશે ઘરે કશું નહોતું કહ્યું, કારણ કે તે ગભરાઈ ગઈ હતી. તેના ભાઈ અમરનાથે ફોનમાં એક મૅસેજ જોયો અને તેને આ વાતની ખબર પડી.”
લક્ષ્મી આગળ જણાવે છે કે, “વેંકેટેશ્વર રેડ્ડીએ અભ્યાસ છોડી દીધો છે અને એ કોઈ કામ નથી કરતો. ક્યારેક ક્યારેક મજૂરી કરે છે. પહેલાં પણ એક વખત એણે અમરનાથ પર હુમલો કર્યો હતો. અમે તેના ઘરે જઈને પરિવારને આ વિશે ફરિયાદ કરી હતી. અમે ફરી આવું થવા પર ફરિયાદ કરવાની ચેતવણી આપી હતી. પરંતુ તેણે આ ક્રૂર ઘટનાને અંજામ આપ્યો.”
અમરનાથ તાજેતરમાં જ 15 વર્ષના થયા હતા. હવે તેમનો પરિવાર ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની માગ કરી રહ્યો છે.
'અમે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો'
ઘટના બાદ જ્યારે લોકો અમરનાથ પાસે પહોંચ્યા તો તેમનો શ્વાસ ચાલી રહ્યો હતો.
સૌપ્રથમ તેમની પાસે પહોંચનારા લોકોમાં સામેલ રામમૂર્તિ રેડ્ડીએ બીબીસીને જણાવ્યું, “સવારના પાંચ વાગ્યા હશે. હું ઊંઘી રહ્યો હતો. બહારથી આવતા અમુક અવાજો સંભળાઈ રહ્યા હતા. હું શું થઈ રહ્યું છે એ જોવા બહાર નીકળ્યો. એ બાળક ખૂબ ગંભીર રીતે દાઝી ગયો હતો. રસ્તામાં ઍમ્બુલન્સ મળી અને તેને તેમાં સુવડાવી દેવાયો. અમે એક ચાદર લાવ્યા અને તેના વડે તેને ઢાંકી દીધો.”
રેડ્ડીએ જણાવ્યું, “એ કહી રહ્યો હતો કે તેને ખૂબ બળતરા થઈ રહી છે. તે અમને તેના પર પાણી રેડવાનું કહી રહ્યો હતો. અમે તેને કહ્યું કે આવી અવસ્થામાં પાણી નાખવું એ યોગ્ય નથી. અમે તેના પરિવારને માહિતી આપવા ગયા. જ્યારે અમે ઘરે પહોંચ્યા એ બોલી શકી રહ્યો હતો. ઍમ્બુલન્સની રાહ જોઈ રહ્યા હતા એ દરમિયાન અમે તેને એક કારમાં નાખી દીધો. રસ્તામાં ઍમ્બુલન્સ મળી ગઈ અને અમે એને તેમાં સુવડાવી દીધો અને તેને ઓક્સિજન લગાડાયો. પણ તેનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું, એ ખૂબ ગંભીર રીતે દાઝેલો હતો.”
ગામની અન્ય એક વ્યક્તિ મૂર્તિ રેડ્ડીએ બીબીસીને જણાવ્યું કે, “જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ નહોતું, માત્ર દાઝેલી અવસ્થામાં અમરનાથ પડ્યો હતો. આગ મકાઈની બોરીઓ સુધી પહોંચી રહી હતી. એ તરત ઓલવી દેવાઈ.”
ઘટના પર રાજકારણ
આ મામલામાં આરોપી કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના છે જ્યારે પીડિત પછાત વર્ગના છે. આ કારણે વિસ્તારમાં ભારે રાજકીય તાણ પણ જોવા મળી રહ્યો છે.
ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ઘટના અંગે ટિપ્પણી કરતાં કહ્યું છે કે આ ઘટના પરથી ખબર પડે છે કે રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કેટલી ખરાબ છે.
રેપલ્લે વિસ્તારના ધારાસભ્ય અનાગની સત્યાપ્રસાદ ચેરૂકુપલ્લી ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં પછાત વર્ગના લોકો સુરક્ષિત નથી.
તેમજ પોલીસનું કહેવું છે કે ઘટના વિશે પ્રારંભિક માહિતી મેળવ્યા બાદ તપાસ શરૂ કરી દેવાઈ છે.
રેપલ્લેના ડીએસપી મુરલી કૃષ્ણા પ્રમાણે પોલીસ આરોપીને શોધી રહી છે અને તેને જલદી જ પકડી લેવાશે.
બીબીસી સાથેની વાતચીતમાં ડીએસપીએ કહ્યું કે આરોપ પર હત્યા તેમજ પોક્સો ઍક્ટની કલમો અંતર્ગત કેસ દાખલ કરાયો છે અ પોલીસ આ મામલામાં શક્ય તેટલી જલદી સજા અપાવવાનો પ્રયાસ કરશે.
વિસ્તારમાં તાણ
મૃતક ઉપલ્લા વેરી પેલમ ગામના રહેવવાસી છે જે રાજાવોલૂ પંચાયતમાં પડે છે. બંને સ્થ્ળોએ સુરક્ષાવ્યવસ્થા જાળવવા માટે પોલીસ તહેનાત કરી દેવાઈ છે.
સત્તાધારી વાઈએસઆરસીપીના સાંસદ મોપીદેવી વેંકટરમન જ્યારે પીડિત પરિવરને મળવા પહોંચ્યા ત્યારે ટીડીપી કાર્યકર્તાઓએ તેમનો વિરોધ કર્યો અને વિસ્તારમાં તાણ સર્જાયું.
સ્થાનિક લોકો કાયદાવ્યવસ્થાની આ સ્થિતિને લઈને નાખુશ છે. સત્તાધારી સાંસદે પણ પીડિત પરિવારના ઘરેથી પાછા ફરવું પડ્યું.
આરોપીનો પરિવાર એક નાનકડી ઝૂંપડીમાં રહે છે. ઘટના બાદ તેનો પરિવાર ઘર ખાલી કરીને જતો રહ્યો છે. આરોપીનો પક્ષ મૂકવા માટે ત્યાં કોઈ હાજર નહોતું.
બીજી તરફ મૃતકનાં પરિવાર અને સ્થાનિક સંગઠનોએ ચાર કલાક સુધી મૃતદેહ રાખીને પ્રદર્શન કર્યું. અધિકારીઓએ જ્યારે કડક કાર્યવાહીનો વિશ્વાસ અપાવ્યો ત્યારે તેમણે પોતાનું પ્રદર્શન સમાપ્ત કર્યું જે બાદ અંતિમ સંસ્કાર કરાયા.