You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : 170 સંસ્થાનાં 696 વૉર્ડ અને 4,390 બેઠકો પર મતદાન પૂર્ણ, મંગળવારે પરિણામ થશે જાહેર
રવિવારે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.
નોંધનીય છે કે 21 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણે પત્રકારપરિષદ યોજીને ગુજરાતની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કેટલીક બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો.
રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, બોટાદ-વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાઈ હતી.
આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની ત્રણ બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની નવ બેઠકો અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણીનો કાર્યક્રમ પણ રાજ્ય ચૂંટણીપંચે જાહેર કર્યો હતો.
આ તમામ ક્ષેત્રોમાં નોંધાયેલા મતદારો રવિવારે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થયું. 18 ફેબ્રુઆરી એટલે કે મંગળવારે ચૂંટણી પરિણામ જાહેર કરી દેવાશે.
આ અગાઉ એસ. મુરલીકૃષ્ણે પોતાના નિવેદનમાં ચૂંટણી કાર્યક્રમ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, "રાજ્યમાં કુલ 170 સંસ્થામાં ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ વૉર્ડ 696 છે અને બેઠકોની સંખ્યા 4,390 છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાનમથકોની સંખ્યા અનુક્રમે 1,032 અને 244 છે. ચૂંટણીપ્રક્રિયા માટે કુલ 25 હજાર પોલીસજવાનોને તહેનાત કરાશે."
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન
સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની સામાન્ય તેમજ લીંબડી અને ધ્રાંગધ્રા પાલિકાની પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.
મતદાનમથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની એક-એક બેઠક તેમજ લીંબડી તાલુકા પંચાયતની ઊંટડી અને સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરી બેઠક માટે પણ મતદાન થયું.
તો ગોધરા નગરપાલિકા વૉર્ડ નંબર-7ની એક બેઠક માટે મતદાન થયું.
ત્રણ મતદાન કેન્દ્રોનાં સાત બૂથ પર પર પોલિંગ સ્ટાફ સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.
અહીં બે અપક્ષ અને એક કૉંગ્રેસના ઉમેદવાર મળીને કુલ ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો.
ભાવનગરમાં ત્રણ નગરપાલિકા સહિત કૉર્પોરેશનની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે.
2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શું થયું હતું?
ગુજરાતની 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોની વાત કરીએ તો તેમાં ભાજપને 'જબરદસ્ત' વિજય હાંસલ થયો હતો.
નગરપાલિકામાં ભાજપ, કૉંગ્રેસ, બસપા અને અન્યોને અનુક્રમે 2085, 388, 172 અને છ અને 24 બેઠકો મળી હતી.
જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 800, કૉંગ્રેસે 169, અપક્ષે ત્રણ, આપે બે, બીએસપીએ એક અને અન્યે ચાર બેઠકો જીતી હતી.
તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ભાજપે કુલ 3352 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કૉંગ્રેસે 1252, અપક્ષે 115, આપે 31, બીએસપીએ ચાર અને અન્યે 16 બેઠકો જીતી હતી.
આ ઉપરાંત રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ ચૂંટણીકાર્યક્રમ અનુસાર વર્ષ 2021માં પ્રથમ તબક્કામાં યોજાઈ હતી.
જે તમામમાં ભાજપ સત્તા જાળવવામાં સફળ રહ્યો હતો.
નોંધનીય છે કે એ સમયે છ મ્યુનિસિપલ કૉર્પોરેશન – અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરની કુલ 575 બેઠકોમાંથી ભાજપને 483, કૉંગ્રેસને 55, આમ આદમી પાર્ટીને 27, બસપાને ત્રણ અને અપક્ષને એક બેઠક મળી હતી.
આ પહેલાં નવેમ્બર-2015માં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કૉંગ્રેસનો દબદબો રહ્યો હતો અને ભાજપ બીજા ક્રમે ધકેલાઈ ગયો હતો. જેના માટે અનામત આંદોલનને કારણે પાટીદારોમાં રહેલા આક્રોશને જવાબદાર માનવામાં આવતો હતો.
જોકે, વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સત્તાપક્ષ માટે આવું કોઈ ફૅક્ટર નુકસાનકારક સાબિત થઈ શક્યું નહોતું.
વર્ષ 2021ની ચૂંટણીઓની વાત કરીએ તો એ સમયે આ એક ચતુષ્કોણીય રાજકીય જંગ હતો.
જેમાં ગુજરાતની પરંપરાગત પાર્ટીઓ ભાજપ અને કૉંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમએ પણ ઝંપલાવ્યું હતું.
એ સમયે રાજ્યમાં છ મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લાપંચાયત, 231 તાલુકાપંચાયત અલગ-અલગ બે તબક્કામાંઓમાં યોજાઈ હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેમ યોજાય છે?
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સ્થાનિક સ્વરાજ્યના મહત્ત્વ અંગે વાત કરતાં પંચાયતી રાજના જાણકાર અને એચ. કે. આર્ટ્સ કૉલેજના પૂર્વ અધ્યાપક પ્રોફેસર હેમંતકુમાર શાહ કહ્યું હતું કે, "તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમને જે કંઈ પણ પ્રાથમિક સુવિધાઓની જરૂર પડે છે તે પૂરી પાડવાનું કામ સ્થાનિકસ્વરાજની સંસ્થા કરતી હોય છે. જેમ કે રસ્તા બનાવવા, ગટરની વ્યવસ્થા કરવી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી વગેરે જેવાં કામ પંચાયત અથવા પાલિકા કરતી હોય છે માટે સ્થાનિક કામોના નિકાલ માટે આ ખૂબ જ જરૂરી છે. આ સંસ્થાઓ લોકોને સીધી રીતે સ્પર્શે છે."
ગુજરાત સરકારની પંચાયતી રાજ વિભાગની વેબસાઇટ પર તાલુકા પંચાયતે કરવાનાં કામની યાદી પણ આપવામાં આવી છે.
જેમાં ગામના રસ્તા બનાવવા, પ્રાથમિક શાળાઓ ખોલવી અને તેનું સંચાલન કરવું, તાલુકા કક્ષાએ આરોગ્યની સેવાઓ પૂરી પાડવી વગેરે જોગવાઈ કરવામાં આવી છે.
ભારતના બંધારણમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બંધારણની કલમ 243 જી પ્રમાણે પંચાયતની સત્તાઓ, સત્તાધિકાર અને જવાબદારીઓ સોંપવામાં આવી છે.
જેમાં 29 કાર્યો પંચાયતોએ કરવાનાં છે. જે પ્રમાણે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યાદીઓને વહેંચી દેવામાં આવી છે.
આ યાદી ભારતના બંધારણમાં આપવામાં આવેલી યાદી કરતાં પણ મોટી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન