You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચશ્માંની જગ્યાએ કૉન્ટેક્ટ લૅન્સ પહેરવાથી અંધાપો આવી શકે?
ટીવી જગતનાં જાણીતી અભિનેત્રી જસ્મિન ભસીને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોતાના સ્વાસ્થ્ય અંગેની માહિતી શૅયર કરતાં જણાવ્યું હતું કે કૉન્ટેક્ટ લૅન્સના કારણે તેમની આંખોના કૉર્નિયાને નુકસાન થયું છે અને આંખમાં ઈજા થવાથી તેમને સરખું દેખાતું નથી.
'ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં જાસ્મિને જણાવ્યું હતું કે 'હું એક ઇવેન્ટ માટે દિલ્હીમાં હતી. મને ખબર નથી કે મારા લૅન્સમાં શું ખરાબી હતી પરંતુ તે પહેર્યા પછી મારી આંખોમાં દુખાવો થવા લાગ્યો અને તે દુખાવો ધીરે ધીરે વધવા લાગ્યો. થોડા સમય બાદ હું બરાબર જોઈ શકતી ન હતી જેથી અમે મોડી રાત્રે આંખના નિષ્ણાત પાસે ગયાં. જ્યાં તેમણે જણાવ્યું કે મારાં કૉર્નિયાને નુકસાન થયું છે અને પછી તેમણે મારી આંખોની સારવાર શરુ કરી.'
જસ્મિનની હાલ મુંબઈમાં સારવાર ચાલી રહી છે. આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ચશ્મા પહેરેલો એક ફોટો શૅર કરતા કહ્યું હતું કે 'હવે તેઓ પહેલાં કરતાં સારી સ્થિતિમાં છે અને ધીમેધીમે સ્વસ્થ થઈ રહ્યાં છે.'
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
કૉન્ટેક્ટ લૅન્સ એટલે શું?
લોકો નંબરનાં ચશ્માંને બદલે કે આંખોને વધુ સુંદર દેખાડવા માટે લૅન્સ પહેરતા હોય છે અને જાણકારો પ્રમાણે ઘણી વખત એ આંખો માટે નુકશાનકારક પણ નીવડે છે.
કૉન્ટેક્ટ લૅન્સ એ પાતળા અથવા નરમ પ્લાસ્ટિકના બનેલા હોય છે જે આંખની પટલ પર પહેરવામાં આવે છે. જે સિલિકોન હાઈડ્રોજન મટીરીયલના બનેલા હોય છે.
સામાન્ય રીતે 18 વર્ષથી મોટી ઉંમરના લોકોએ કૉન્ટેક્ટ લૅન્સ પહેરવા જોઈએ. અમુક કેસમાં જો નાનાં બાળકને એક આંખમાં વધુ નંબર હોય ત્યારે તેને કૉન્ટેક્ટ લૅન્સ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે. આવા કેસમાં બાળકની સાથેસાથે તેના પરિવારના સભ્યોને પણ તેની જાળવણી માટે યોગ્ય માહિતી રાખવી જોઈએ.
આ ઉપરાંત જાણકારોના જણાવ્યા પ્રમાણે જેમને દૂરના નંબર, નજીકના નંબર, અસ્થિગ્મેટિઝમ અથવા પ્રિસ્બાયોપિયા હોય છે તે લોકો કૉન્ટેક્ટ લૅન્સ પહેરી શકે છે. આંખોની તંદુરસ્તી સારી હોય તેવા લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સારી ગુણવત્તાના કૉન્ટેક્ટ લૅન્સ બજારમાં પ્રતિષ્ઠિત બ્રાન્ડ દ્વારા ઉપલબ્ધ હોય છે. કૉન્ટેક્ટ લૅન્સ પસંદ કરતી વખતે એમના પેકેજ પર CE માર્ક અથવા FDA મંજૂરી છે તે નહીં તે તપાસવું જોઈએ.
કૉન્ટેક્ટ લૅન્સ પહેરવાથીથી અંધાપો આવી શકે?
કૉન્ટેક્ટ લૅન્સથી કઈ રીતે આંખોને નુકસાન થાય છે તે વિશે વધુ માહિતી મેળવવા માટે અમે સુરતમાં પ્રેક્ટિસ કરતાં આઇ સ્પેશિયાલિસ્ટ ડૉ. ઋજુતા શેલત સાથે વાત કરી.
તેઓ કહે છે, ''કૉન્ટેક્ટ લૅન્સના લીધે જ અંધાપો આવે એવું નથી. જો કૉન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે યોગ્ય રીતે હાઇજિનનું ધ્યાન આપવામાં ન આવે, તેના સોલ્યુશનથી તેને ક્લીન કરવામાં ન આવે અથવા તો કૉન્ટેક્ટ લૅન્સની સમયમર્યાદા સિવાય તેને વધુ સમય સુધી પહેરવામાં આવે ત્યારે આંખની કીકીમાં ઇન્ફૅક્શન થાય છે અને તેમાં અલ્સર થાય છે. આ તકલીફને જો નજરઅંદાજ કરી યોગ્ય સમયે તેની સારવાર ન કરવામાં આવે તો આંખમાં અંધાપો આવી શકે છે.''
''ચશ્માં કે કૉન્ટેક્ટ લૅન્સ બંને આંખો માટે યોગ્ય છે અને તે વ્યક્તિગત પસંદગી છે. કેટલાક દર્દીઓ માટે ચશ્માં વધુ ઉપયોગી છે તો કેટલાક લોકોને લૅન્સ અનુસાર આંખો હોય છે. બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા હોય છે.જોકે ચશ્માં પહેરવા એ કોન્ટેક્ટ લૅન્સ પહેરવા કરતાં વધુ સારું માનવામાં આવે છે.''
તેઓ વધુમાં કહે છે કે, ''વારંવાર ઍલર્જી થતી હોય, આંખનું ઇન્ફૅક્શન થતું હોય, જે લોકોને ધૂળ કે અન્ય ભેજવાળા વાતાવરણમાં કામ કરવાનું હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, આંખમાં ડ્રાયનેસ રહેતી હોય, ડાયાબિટીસ અને ઑટો ઇમ્યુનિટી ડીસિઝ જેવી ગંભીર આંખની બીમારી હોય તેવા લોકોએ કૉન્ટેક્ટ લૅન્સ ન પહેરવા જોઈએ.''
શું આંખનો રંગ બદલવા કે સારી દેખાડવા પહેરાતા કૉન્ટેક્ટ લૅન્સ યોગ્ય છે?
તેના જવાબમાં તેઓ કહે છે, ''આ પ્રકારના લૅન્સ પહેરવા માટે આંખના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આંખની તપાસ કરાવી જરૂરી છે. આંખના માટે જરૂરી હોય એવા લૅન્સ પહેરી શકાય છે. કોઈ પાર્ટી પ્રસંગ કે સ્પોર્ટ્સમાં આ પ્રકારના લેન્સ પહેરી શકાય પરંતુ તેના રોજિંદા ઉપયોગથી આંખને નુકસાન થઈ શકે છે.''
જો લૅન્સ પહેરવા જ પડે તો શું ધ્યાન રાખવું જોઈએ?
- હાથોને સારી રીતે ધોઈને લૅન્સ પહેરવા
- ચિકિત્સકની સલાહ મુજબ જ લૅન્સનો ઉપયોગ કરવો
- દરરોજ લૅન્સની સફાઈ અને જાળવણી માટે યોગ્ય સોલ્યુશનનો ઉપયોગ કરવો
- કૉન્ટેક્ટ લૅન્સની ડબ્બી ધોઈને પ્રોપર સુકાઈ જાય તે રીતે મૂકવી અને દર ત્રણ મહિને આ ડબ્બી પણ બદલી નાખવી
- લૅન્સ પહેરીને ક્યારેય ઊંઘવું નહીં
- જો કૉન્ટેક્ટ લૅન્સ પહેર્યા બાદ તમને તકલીફ થતી હોય, આંખમાં ખૂંચતું હોય, આંખોમાં દુખાવો થતો હોય, લાલાશ આવી હોય, સોજો હોય અથવા દૃષ્ટિમાં ઘટાડો થતો હોય તો ત્વરિત ડૉક્ટરનો સંપર્ક કરવો
- દર ત્રણ અથવા છ મહિને ડૉક્ટરને આંખ બતાવવી જેથી દૃષ્ટિ સંબંધી કોઈ પણ ફેરફાર ઝડપથી પકડાઈ શકે
- દરેક મુલાકાતે આંખો અને દૃષ્ટિનું સંપૂર્ણ નિરીક્ષણ કરાવવું
- કૉન્ટેક્ટ લૅન્સની યોગ્ય જાળવણી અને સફાઈ જરૂરી છે. આ નિયમોનું પાલન ન કરવાથી આંખમાં ઇન્ફૅક્શન અને બીમારીનું જોખમ વધી શકે છે
- જો યોગ્ય રીતે લૅન્સની જાળવણી કરવામાં આવે તો તેમાંથી અંધાપો આવવાની શક્યતા નહિવત્ છે
- અંધાપા આવવાનાં મુખ્ય કારણોમાં મોતિયો, ડાયાબિટિક રેટિનોપથી, મેક્યુલર ડિજનરેશન, ગ્લૂકોમા, અને આંખનાં ઇન્ફૅક્શનનો સમાવેશ થાય છે