સોનાની કિંમત રેકર્ડ સ્તરે પહોંચી, આટલો મોટો ઉછાળો આવવાનું કારણ શું?

    • લેેખક, સિરાજ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

ભારતમાં સોનું માત્ર રોકાણ માટે જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક કારણોને લીધે પણ ખરીદવામાં આવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સોનામાં રોકાણ કરવાનું પ્રમાણ વધ્યું છે. શેરબજારમાં ઉતારચઢાવ અને અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાની ચિંતાઓને લીધે ઘણીવાર રોકાણકારો સોનામાં રોકાણ કરવાને સુરક્ષિત રસ્તો માને છે.

પરંતુ હાલના સમયમાં સોનાનો ભાવ સતત વધતો જ જાય છે. એવું ભાગ્યે જ જોવા મળે છે કે સોનાના ભાવમાં થોડીઘણો ઘટાડો જોવા મળ્યો હોય.

ચેન્નઈમાં 24 કૅરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 70 હજારને પાર પહોંચી ચૂક્યો છે. જ્યારે 22 કૅરેટની કિંમત 65 હજારને પાર પહોંચી ચૂકી છે.

સોનાના ભાવમાં આવી રહેલી તેજીનું કારણ જણાવતા મદ્રાસ ગૉલ્ડ ઍન્ડ ડાયમંડ મર્ચેન્ટ્સ ઍસોસિએશનના મહાસચિવ શાંતાકુમાર કહે છે કે ભાવમાં વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં થઈ રહેલા ફેરફારો છે.

ભાવ કેમ વધી રહ્યા છે?

શાંતાકુમાર જણાવે છે કે, “દુનિયાભરમાં સોનાના ભાવ લંડન બુલિયન માર્કેટથી નક્કી થાય છે. આ દુનિયાભરમાં સોનાની લેવડદેવડ માટે સૌથી પ્રીમિયર પ્લૅટફૉર્મ છે. દુનિયાભરમાં સોનાનું ખનન કરનારા મોટા કારોબારીઓ અને ઉદ્યોગપતિઓ લંડન બુલિયન માર્કેટ સાથે જોડાયેલા છે. હવે આ બજારમાં સોનાના ભાવ ઉપર જઈ રહ્યા છે. જેની અસર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ પર દેખાઈ રહી છે.”

કિંમતી ધાતુઓ અને પદાર્થોને આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રૉય ઔંસ સિસ્ટમ હેઠળ તોલવામાં આવે છે. એક ઔંસમાં 31.1 ગ્રામ હોય છે.

જ્યારે હાલમાં ભારતનો રૂપિયો ડૉલરના મુકાબલે 83.40ની સપાટીએ છે એટલે કે એક ડૉલરની કિંમત હાલમાં 83થી વધારે છે.

ડૉલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં થઈ રહેલો ઘટાડો પણ સોનાનો ભાવ વધવાનું કારણ છે.

શાંતાકુમાર અનુસાર એ સિવાય અનેક કારણો સોનાના ભાવને પ્રભાવિત કરી રહ્યાં છે. તેઓ કહે છે કે આયાત કિંમત અને વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિઓએ પણ સોનાના ભાવને પ્રભાવિત કર્યા છે.

ભારત વાર્ષિક લગભગ 800 ટન સોનાની નિકાસ કરે છે. ભારત સ્વિટ્ઝરલૅન્ડ, દક્ષિણ આફ્રિકા અને દુબઈ જેવી જગ્યાએથી સૌથી વધુ સોનું આયાત કરે છે.

સોનામાં રોકાણ?

શાંતાકુમાર અમેરિકન અર્થવ્યવસ્થામાં આવેલા સંકટને પણ ભારતીય બજારમાં સોનાની કિંમતમાં વધારાનું કારણ માને છે.

શાંતાકુમાર કહે છે, "અમેરિકામાં બેરોજગારીનો સૂચકાંક ઘણો નીચો ગયો છે. રિયલ એસ્ટેટ સૅક્ટરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. શેરબજારમાં પણ વૃદ્ધિનો કોઈ માર્ગ દેખાતો નથી. ફુગાવો વધી રહ્યો છે. આ બધાની અસર અર્થતંત્ર પર થઈ રહી છે અને તેના કારણે સોનાના ભાવ પર પણ અસર પડી રહી છે."

ભારતમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. આવી સ્થિતિમાં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું લોકસભાની ચૂંટણીની અસર સોનાના ભાવ પર પડી શકે છે?

જોકે, અત્યાર સુધીમાં સોનાના ભાવ પર ભારતીય ચૂંટણીની કોઈ અસર જોવા મળી નથી.

શાંતાકુમાર કહે છે, "ભારતમાં લોકો મોટી સંખ્યામાં સોનું ખરીદે છે. જ્યારે તમે બૅન્કમાં પૈસા જમા કરો છો ત્યારે વ્યાજદર ઓછો મળે છે. તેના કારણે પણ ઘણા લોકો સોનામાં રોકાણ કરે છે. આ કારણથી પણ બજારમાં સોનાની માંગ વધી રહી છે."

અમેરિકા પણ એક મોટું કારણ

ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝર સતીશકુમાર પણ અમેરિકન અર્થવ્યવસ્થામાં વધી રહેલી મોંઘવારીને સોનાના ભાવમાં આવેલી તેજી પાછળનું મુખ્ય કારણ ગણાવે છે.

સતીશકુમાર કહે છે, “જાન્યુઆરીમાં પ્રગટ થયેલા એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં મોંઘવારીનો દર 3.1 ટકા છે. આ અમેરિકાના ફેડરલ રિઝર્વના બે ટકાના લક્ષ્ય કરતાં ઘણું વધારે છે. જેના કારણે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.”

ભાવ વધવા છતાં પણ લોકો સોનામાં રોકાણ કરવા માટે કેમ ઉત્સુક છે?

સતીશકુમાર કહે છે, “લોકો સુરક્ષિત રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છે. ઐતિહાસિક રીતે સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. ભારત સહિત એશિયાના દેશોમાં સોનાને એક પૂંજી માનવામાં આવે છે, પરંતુ અન્ય દેશોમાં સોનાને રોકાણ તરીકે માનવામાં આવે છે.”

શું સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે?

છેલ્લાં 20 વર્ષો પર નજર કરીએ તો સોનાની કિંમતો સતત વધી રહી છે.

તેનું એક કારણ એ છે કે બજારમાં સોનાની માંગ પણ વધી છે. યુએસ ફેડરલ રિઝર્વે કહ્યું છે કે તે વ્યાજ દરમાં વધારો કરશે. જોકે, ઘણા લોકોને અપેક્ષા હતી કે ફેડરલ રિઝર્વ દરો ઘટાડી શકે છે.

સતીશ કુમાર કહે છે, "વ્યાજદરને લઈને ફેડરલ રિઝર્વના નિર્ણયની જૂનમાં રાહ જોવાઈ રહી છે. અમેરિકામાં ચૂંટણીનો સમય છે. અમેરિકાની ચૂંટણીનાં પરિણામો પર પણ તેની અસર પડી શકે છે. વૈશ્વિક સ્તરે થઈ રહેલા ભૌગોલિક રાજકીય ફેરફારોની અસર સોના પર પડે છે. જો મોંઘવારી વધશે તો સોનાના ભાવમાં હજુ પણ વધારો થશે."

ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જેપી મોર્ગનના અનુમાન અનુસાર સોનાના ભાવ હજુ પણ વધી શકે છે. એવું મનાઈ રહ્યું છે કે 2025 સુધીમાં સોનાના ભાવ હજુ પણ વધતા જ રહેશે.