You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ દેશ જ્યાં સરોગેસી માટે વિદેશથી મહિલાઓની ભરતી કરાય છે
- લેેખક, મારિયા જેવસ્ટાફજેવા
- પદ, બીબીસી રશિયન
- દ્વારા રિપોર્ટિંગ, તિબિલિસી, જ્યોર્જિયા
- પ્રકાશિત
યુરોપ માટે યુક્રેન વ્યાવસાયિક સરોગસીનું કેન્દ્ર હતું, પરંતુ રશિયાના વ્યાપક આક્રમણ પછી ત્યાં બાળકોના જન્મની સંખ્યામાં 90 ટકા ઘટાડો થયો હોવાનો અંદાજ છે. પૈસા આપીને અન્ય મહિલાને કૂખે પોતાના સંતાનને જન્મ આપવા ઇચ્છતા યુગલો હવે યુક્રેનને બદલે જ્યૉર્જિયા જઈ રહ્યા છે. ત્યાં સરોગસીની કિંમત વધી રહી છે, પરંતુ મહિલાઓ પર દબાણ લાવવામાં આવતું હોવાની વ્યાપક ચિંતા છે. સરોગસી માટે હવે વિદેશી મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે.
37 વર્ષનાં એલિના (નામ બદલ્યું છે) કહે છે, "હું માત્ર પૈસા માટે જ આ કામ કરું છું." એલિનાએ જ્યૉર્જિયામાં એક સરોગસી એજન્સી સાથે બીજા દંપતી માટે સંતાનને જન્મ આપવા કરાર કર્યો છે.
એલિનાને ગર્ભાવસ્થા દરમિયાન દર મહિને 500 ડૉલર અને બાળકને જન્મ આપ્યા પછી 15,000 ડૉલર મળશે.
એલિના કહે છે, "પોતાના સંતાનને જન્મ ન આપી શકતા પરિવારોને હું મદદ કરવા ઇચ્છું છું. સંતાન ન હોવાને કારણે તૂટી ગયેલા ઘણા પરિવારોને હું જાણું છું."
એલિના ઉમેરે છે, "સૌથી પહેલાં તો મને પૈસાની જરૂર છે. મારા પરિવારનું સર્વોત્તમ કલ્યાણ જરૂરી છે. મારા માટે તથા મારાં સંતાનો માટે મારું મજબૂત હોવું જરૂરી છે."
સરોગસીની પ્રક્રિયા દરમિયાન ગર્ભને સરોગેટ ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સરોગસી વૈશ્વિક સ્તરે અબજો ડૉલરનો બિઝનેસ છે.
એલિનાની તેમના વતન કઝાખસ્તાનથી જ્યૉર્જિયાની એજન્સી દ્વારા ભરતી કરવામાં આવી હતી. એલિના કઝાખસ્તાનમાં તેમનાં બે સંતાનો સાથે સિંગલ મધર તરીકે રહે છે.
એલિના કપડાંની એક દુકાનમાં કામ કરે છે અને તેમને ત્યાં જે કમાણી થાય છે તેના કરતાં લગભગ ત્રણ ગણી વધુ કમાણી સરોગસીની પ્રક્રિયા દરમિયાન થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એલિના કહે છે, "મને મારાં સંતાનો સિવાય બીજી કોઈ પણ બાબતની પરવા નથી." દંપતીના ભ્રૂણને પોતાના ગર્ભમાં સ્થાનાંતરિત કરવા માટે એલિના જ્યૉર્જિયાની રાજધાની તિબિલિસી પહોંચવાની રાહ જોઈ રહ્યાં છે ત્યારે તેમના સંતાનોને બહુ યાદ કરે છે.
"મેં આ કામ માટે મારી જાતને તૈયાર કરી છે, પરંતુ કોઈનો ટેકો ન હોવાથી હું અહીં એકલતા અનુભવું છું."
માંગમાં ઉછાળો
દામિરા બેકબર્ગેનોવા સરોગસી એજન્સી ચલાવે છે.
યુક્રેનના સ્થાને હવે જ્યૉર્જિયા યુરોપ માટે સરોગસીનું કેન્દ્ર બન્યું છે, પરંતુ અહીં વસ્તી યુક્રેન કરતાં દસગણી ઓછી હોવાથી સરોગસી એજન્સીઓ સમગ્ર મધ્ય એશિયામાંથી એલિના જેવી વધુને વધુ મહિલાઓની ભરતી કરી રહી છે.
અન્યના સંતાન માટે પોતાની કૂખ ભાડે આપવાના આ કામમાં ચિક્કાર પૈસા મળતા હોવાથી મહિલાઓ પર દબાણ સર્જાતું હોવાની ચિંતા સર્જાઈ છે.
બોલાશક નામની સરોગસી એજન્સીના ડિરેક્ટર ડામિરા બેકબર્ગેનોવા કહે છે, "જુઓ, સરોગેટ મધર બનવાનો વ્યાવહારિક રીતે કોઈ ફાયદો નથી. અમારી મહિલાઓ તે ધરાર કરવું પડતું હોવાની લાગણી અનુભવે છે."
ડામિરા ઉમેરે છે, "એ પૈકીની એકેય સ્ત્રી હૃદયની ભલાઈથી આ કામ કરતી નથી. તેમની આર્થિક જરૂરિયાતને કારણે કરે છે. લગભગ તમામ મહિલાઓ તેમનાં પોતાનાં સંતાનોના ભવિષ્ય માટે અન્યોનાં બાળકોને જન્મ આપે છે.”
ડામિરાની એજન્સી ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો આપીને 20થી 34 વર્ષની વયની, પોતાના સંતાનને જન્મ આપી ચૂકેલી મહિલાઓને ટાર્ગેટ કરે છે. સરોગેટ્સની માંગમાં વધારો થવાનો અર્થ એ છે કે ડામિરા મહિલાઓને મળવા માટે કઝાકિસ્તાનમાંની તેમની ત્રણ ઑફિસ અને કેટલીકવાર ચીન માટે પણ સતત પ્રવાસ કરતાં રહે છે.
ડામિરાના કહેવા મુજબ, "સરોગેટ્સની ફી વધવાની સાથે કઝાખસ્તાનમાં રહેવાનો ખર્ચ પણ વધ્યો છે. કેટલીક સ્ત્રીઓ બીજી કે ત્રીજી વખત સરોગસી માટે કરાર કરી રહી છે, જેથી તેઓ તેમના દેવાની ચુકવણી કરી શકે."
ડામિરા કહે છે, "શિક્ષિકાઓ અને પોતાના તબીબી અભ્યાસ માટે પૈસાની જોગવાઈ કરવા ઇચ્છતા જુનિયર ડૉક્ટરોનું રજિસ્ટ્રેશન પણ અમે આજકાલ કરી રહ્યા છીએ। એ મારા માટે ગર્વની વાત નથી."
"યુવતીઓ માટે મને ખેદની લાગણી થાય છે. તેઓ જે ભાવનાત્મક બોજો લેવો પડે છે તેની સરખામણીએ તેઓ જે પૈસા મેળવે છે તેનું મૂલ્ય બહુ ઓછું છે, એવું હું માનું છું."
"અમે તેમને મનોવૈજ્ઞાનિક ટેકો આપીએ છીએ, જે અન્ય એજન્સીઓ નથી કરતી. તેમ છતાં, સ્ત્રીના શરીર પર ભારે તણાવ હોય છે. સરોગસીમાં આસાનીથી પૈસા મળતા નથી. એ બહુ મુશ્કેલ કામ છે."
ખરેખર આવું જ હોય તો ડામિરા સરોગસી એજન્સી શા માટે ચલાવી રહ્યાં છે? તેમને તેમાંથી ખરેખર કમાણી થાય છે?
ડામિરા કહે છે,"હું કરી રહી છું, કારણ કે માંગ વધી રહી છે. તે કાયદેસર હોવું જરૂરી છે અને તેમાં બધાને લાભ થાય છે."
કાયદાના ભૂતપૂર્વ વ્યાખ્યાતા ડામિરાના કહેવા મુજબ, આ પ્રક્રિયામાં સંકળાયેલી દરેક વ્યક્તિ માટે તેઓ શક્ય તેટલા વધારે કાયદાકીય રક્ષણની માંગ કરે છે.
તેમનો દાવો છે કે ઘણી મહિલાઓ તેમનો સંપર્ક કરે છે. કેટલાક કિસ્સા તો સરોગસી માટે પૈસા ન ચૂકવવામાં આવ્યા હોય અથવા સરોગસી પ્રતિબંધિત હોય તેવા દેશોમાં બાળતસ્કરી માટે છેતરવામાં આવી હોય તેવી મહિલાઓના પણ છે.
કલંક
અલબત, અમે જે મહિલાઓને મળ્યા એ પૈકીની એક પણ પોતાને પીડિતા ગણતી નથી. ઘણી મહિલાઓ અન્યો માટે સંતાનને જન્મ આપવા તેમજ પોતાના જીવનને બહેતર બનાવવા બદલ ગર્વ અનુભવતી હતી, પરંતુ તેમના વતનમાં સરોગસી સંબંધી કલંકથી હતાશા અનુભવતી હતી.
સબિના (નામ બદલ્યું છે) તેમનાં ત્રીજા સરોગેટ બાળકને જન્મ આપવાનાં છે. તેમને સાતમો મહિનો ચાલે છે. તેમણે ચાર છોકરાઓને જન્મ આપ્યો છે અને અન્ય દંપતી માટે તેઓ ત્રીજાને જન્મ આપવાના છે. તેમણે અમને સેન્ટ્રલ તિબિલિસીમાંના તેમના ઍપાર્ટમૅન્ટમાં આવવા આમંત્રણ આપ્યું હતું.
આ ઍપાર્ટમૅન્ટમાં તેમના રહેવાની વ્યવસ્થા સરોગસી એજન્સીએ કરી છે. એક દિવાનખાના, રસોડા અને બાથરૂમવાળા આ ઍપાર્ટમૅન્ટમાં તેઓ અન્ય પાંચ સગર્ભા સરોગેટ્સ સાથે રહે છે. આ બધાંએ ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિના જ્યૉર્જિયામાં રહેવું પડે છે.
ઊંચી છતવાળો આ ઍપાર્ટમૅન્ટ ઉજાસભર્યો છે. તેની નાની બાલ્કનીમાંથી કોકેસસ પર્વત જોઈ શકાય છે.
કઝાખસ્તાનના બલ્ખાશ તળાવના કિનારે આવેલા એક નાના શહેરના વતની સબિનાનાં લગ્ન 15 વર્ષની વયે થઈ ગયાં હતાં. તેઓ શાંત સ્વભાવનાં છે. તેથી વતનમાંના તેમના સમુદાય દ્વારા અપેક્ષિત ટીકામાં સામે રક્ષણ મળે છે. સબિનાના જણાવ્યા મુજબ, તેમના વતનમાં સરોગસીની સરખામણી સેક્સ વર્ક સાથે કરવામાં આવે છે.
સબિના કહે છે, "લોકોની માનસિકતા સરોગસીને સમર્થન આપતી નથી. લોકો મને જજ કરશે અને મારા પર બાળક વેચવાનો આરોપ મૂકશે. મેં નક્કી કર્યું છે કે હું કોઈને કશું કહીશ નહીં, જેથી ઘરે પાછી જાઉં ત્યારે મારો બહિષ્કાર ન કરવામાં આવે."
"એક મુસ્લિમ તરીકે મેં મારી જાતને સવાલ કર્યો છે કે હું કોઈ પાપ કરી રહી છું? મેં તેના વિશે વાંચ્યું છે અને ઇન્ટરનેટ પર રિસર્ચ પણ કર્યું છે. મને લાગે છે કે બાળકને જન્મ આપવો એ સારી વાત છે, કારણ કે હું જીવન આપી રહી છું અને બાળકોને જન્મ આપવામાં અસમર્થ લોકોનું ભલું કરી રહી છું."
"હું આ મફતમાં નહીં કરું, કારણ કે મારાં સંતાનોનું પાલનપોષણ કરવાનું છે અને મારો મોટો દીકરો થોડાં વર્ષોમાં કૉલેજમાં જવાનો છે. કઝાકિસ્તાનમાં આટલા પૈસા કમાવામાં મને બમણો સમય લાગે."
કાયદાકીય પ્રતિબંધ
સરોગસી સંબંધી વિવાદને લીધે જ્યૉર્જિયામાં રાજકીય વર્તુળોમાં બન્ને બાજુથી ટીકા થઈ રહી છે.
ઉદારમતવાદીઓ, નારીવાદી જૂથો મેડિકલ પ્રેક્ટિસીસના કડક નિયમન અને શોષણના જોખમ સામે વધુ સલામતીની હાકલ કરી રહ્યા છે.
સમાજવાદી કૉન્ઝર્વેટિવ જ્યૉર્જિયન ડ્રીમ પાર્ટીના તત્કાલીન વડા પ્રધાન ઈરાકલી ગરીબાશવિલીએ વિદેશી નાગરિકો માટે સરોગસી પર પ્રતિબંધ મૂકવાની યોજનાની જાહેરાત જુલાઈ, 2023માં કરી હતી. તેમણે કહ્યું હતું, વિદેશી નાગરિકો "સરોગસીને ધંધામાં પરિવર્તિત કરી રહ્યા છે અને એ માટે બહુ જાહેરાતો કરવામાં આવે છે."
જ્યૉર્જિયાની સરકારે એલજીબીટી વિરોધી ગણવામાં આવતી નીતિઓ બનાવી છે અને નિવેદનો કર્યા છે. “સમાનલિંગી યુગલો અહીં સરોગસી મારફત બાળકોનો જન્મ કરાવતા હોવા” બાબતે જ્યોર્જિયા સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે.
જોકે, સરોગસી એજન્સીઓએ રજૂઆત કર્યા પછી આ વિશેના ખરડાને પાનખરમાં યોજાનારી ચૂંટણી પહેલાં જ્યૉર્જિયાની સંસદમાં અટકાવી રાખવામાં આવ્યું હતું.
એલિના જેવી ઘણી સિંગલ મધરને આશા છે કે સરોગસીથી થતા નાણાકીય લાભ મળતા રહેશે.
એલિના કહે છે, "હું શક્ય તેટલી વહેલી તકે સરોગસી શરૂ કરવા ઇચ્છું છું, જેથી તે શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થાય."