You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ
- લેેખક, મૅડલિન હૅલ્પર્ટ
- પદ, બીબીસી ન્યૂઝ, ન્યૂયૉર્ક
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ફ્લોરિડાના ગોલ્ફ કોર્સમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આવનારી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની કથિત હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જોકે, અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ સુરક્ષિત છે અને આ મામલે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે સીક્રેટ સર્વિસના એજન્ટોએ ઝાડીઓમાં રાઇફલની બેરલ જોઈ અને તે તરફ ગોળીઓ ચલાવી. એફબીઆઈએ જણાવ્યું કે ટ્રમ્પ તે સમયે 275થી 455 મીટર દૂર હતા.
ત્યારબાદ ઘટનાસ્થળ પરથી એક એકે47 જેવી બંદૂક, દૂરબીન, બે બૅકપૅક અને એક ગોપ્રો કૅમેરો મળી આવ્યો.
એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તેમણે ઝાડીઓમાંથી એક શંકાસ્પદ માણસને ભાગતા જોયો. એજન્ટોએ તેના પર ઘણી વખત ગોળીઓ ચલાવી ત્યાર પછી તે વ્યક્તિ એક કાળા રંગની નિસાન ગાડીમાં કૂદતી દેખાઈ.
પ્રત્યક્ષદર્શીએ તે વાહન અને નંબર પ્લેટની તસવીરો ખેંચી લીધી. ત્યારબાદ આ ગાડીને ક્લબની ઉત્તરે આવેલી માર્ટિન કાઉન્ટીમાં રોકવામાં આવી.
પામ બીચ કાઉન્ટીના શેરિફ રિક બ્રૅડશૉએ કહ્યું, "અમે માર્ટિન કાઉન્ટી શેરિફ કાર્યાલયનો સંપર્ક કર્યો અને તેમને સૂચના આપી. તેમણે તે ગાડીને રોકીને શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી."
શેરિફે પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમે ત્યારબાદ પ્રત્યક્ષદર્શીને કાઉન્ટી કાર્યાલય પર લાવ્યા અને શંકાસ્પદ વ્યક્તિની ઓળખાણ કરાવી. પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે મેં આ જ વ્યક્તિને ઝાડીઓમાંથી ભાગીને ગાડી પર કૂદતા જોઈ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પે પોતાના સમર્થકોને એક ઈ-મેલ થકી જણાવ્યું કે તેઓ સ્વસ્થ અને સુરક્ષિત છે.
તેમણે કહ્યું, "મને કોઈ રોકી શકશે નહીં. હું ક્યારેય શરણાગતિ સ્વીકારીશ નહીં."
આ ઘટનાના લગભગ બે મહિના પહેલાં પેન્સિલવેનિયાની એક જાહેરસભામાં એક બંદૂકધારી વ્યક્તિએ ટ્રમ્પની હત્યાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં ગોળી ટ્રમ્પના કાન પર લાગી હતી.
સીક્રેટ સર્વિસે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ટ્રમ્પ સંબંધિત સુરક્ષાત્મક ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. આ ઘટના રવિવારે 14: 00 ઈએસટી (ભારતીય સમય પ્રમાણે રાત્રે 11 : 30 કલાક આસપાસ) ઘટી હતી.
ટ્રમ્પના રહેઠાણ પાસે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
શેરિફ બ્રૅડશૉએ જણાવ્યું કે સીક્રેટ સર્વિસ એજન્ટે શાનદાર કામ કર્યું.
તેમણે કહ્યું, "એજન્ટે યોગ્ય સમયે પૂર્વ રાષ્ટ્રપતિ પર નિશાન તાકી શકાય તે પહેલાં કૂદકો માર્યો અને તેમને ઝાડીઓમાં એક રાઇફલની બેરલ જોવા મળી. તેમણે તાત્કાલિક જ તે વ્યક્તિને નિશાન બનાવી. આ કારણે તે માણસ ભાગી ગયો."
ફ્લોરિડામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના માર-એ-લાગોસ્થિત રહેઠાણ અને વેસ્ટ પામ બીચ ખાતેના તેમના નજીકના ગોલ્ફ કોર્સની આસપાસના રસ્તાઓ પર હાલમાં ભારે સુરક્ષા બંદોબસ્ત છે.
અમેરિકાના મીડિયાએ એક લૉ ઍન્ફોર્સમેન્ટ અધિકારીને ટાંકીને શંકાસ્પદ વ્યક્તિનું નામ જણાવ્યું છે. આ હુમલામાં આ શંકાસ્પદ વ્યક્તિ હવાઈનો રહેવાસી 58 વર્ષીય રાયન વેસ્લી રાઉથ છે.
બીબીસી વેરિફાઈને તે નામ સાથે મેળ ખાતી સોશિયલ મીડિયા પ્રોફાઇલ મળી છે. તેઓ સૂચવે છે કે રાઉથે વિદેશી લડવૈયાઓને રશિયન દળો સામે લડવા માટે યુક્રેન જવા માટે બોલાવ્યા હતા.
વ્હાઇટ હાઉસે જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસને આ ઘટના વિશે જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ઘટના ટ્રમ્પ ઇન્ટરનેશનલ ગોલ્ફ કોર્સમાં બની જ્યાં ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા હતા.
વ્હાઇટ હાઉસે કહ્યું, "તેઓ સુરક્ષિત છે એ જાણીને અમે રાહતનો શ્વાસ લીધો. ટીમ અમને નિયમિત રૂપે જાણકારી આપતી રહેશે."
રાષ્ટ્રપતિપદના ડૅમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસે ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું, "મને આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે. હું ખુશ છું કે ટ્રમ્પને કોઈ નુકસાન થયું નથી."
તેમણે લખ્યું કે અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી.
13 જુલાઈના રોજ પેન્સિલવેનિયાના બટલરમાં એક સભાને સંબોધિત કરતી વખતે ટ્રમ્પ ઈજાગ્રસ્ત થયા હતા. આ સભા દરમિયાન થૉમસ મૅથ્યુ ક્રુક્સે નજીકની એક ઇમારતની અગાશી પરથી એઆર-15 રાઇફલથી ટ્રમ્પ પર ગોળી ચલાવી હતી.
આ ગોળીબારમાં એક વ્યક્તિની મોત થયું હતું જ્યારે 20 વર્ષીય ક્રુક્સને એક સીક્રેટ સર્વીસ સ્નાઇપરે ઘટનાસ્થળે જ મારી નાખ્યો.
સીક્રેટ સર્વિસ આ મામલે એક વિસ્તૃત તપાસનો સામનો કરી રહી છે કે એક શૂટર પૂર્વ રાષ્ટ્રપતિ ગોળી કેવી રીતે ચલાવી શક્યો. તેમની સુરક્ષામાં આ ચૂક કેવી રીતે થઈ.
તે ઘટનાનાં બે અઠવાડિયાંની અંદર જ સીક્રેટ સર્વિસ એજન્સીના ડાયરેક્ટર કિમ્બર્લી ચીટલે રાજીનામું આપ્યું હતું.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)