નસબંધી શું છે અને પુરુષ નસબંધી કરાવે તો એની જાતિય ઇચ્છા ખતમ થઈ જાય?

    • લેેખક, અંજલિ દાસ
    • પદ, બીબીસી હિંદી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

“મેં જ્યારે તેમની સાથે નસબંધી વિશે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેઓ તરત જ ગુસ્સે થઈ ગયા. મારા પર ગુસ્સો કર્યો અને કહ્યું કે આજે છેલ્લીવાર આ વિષય પર વાત થઈ રહી છે અને હવે તેના પર ચર્ચા નહીં થાય.”

આટલું કહેતાં જ રશ્મિ (નામ બદલ્યું છે) રડી પડી.

રશ્મિ દિલ્હી-એનસીઆરની સોસાયટીમાં રસોઈ બનાવવાનું કામ કરે છે. તેઓ મૂળ પશ્ચિમ બંગાળનાં છે અને તેમને ત્રણ બાળકો છે. તેઓ હવે બાળક ઇચ્છતાં નથી.

જ્યારે તેમણે પતિને નસબંધી કરાવવાનું કહ્યું તો તેનો જવાબ હતો, ‘તારે નસબંધી કરાવવી હોય તો કરાવ પણ હું શા માટે કરૂં?' આટલી વાત થયા પછી તેઓ વધુ ગુસ્સે થઈ ગયા અને આ વિષય પર આગળ ચર્ચા નહીં કરવાની વાત કરી.

રશ્મિ તેમના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા ઇચ્છે છે એટલે તેમણે જ અંતે હાર માનીને નસબંધી કરાવવી પડી. આ માટે તેમણે રસોઈ બનાવવાનું કામ છોડવું પડ્યું હતું.

પરંતુ શું આ માત્ર રશ્મિની જ કહાણી હશે જેને નસબંધીના નામે પતિના દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો?

આંકડાઓ શું કહે છે?

આંકડાઓ દર્શાવે છે કે ભારતના મોટાભાગના પરિવારોમાં કુટુંબ નિયોજનની જવાબદારી હજુ માત્ર સ્ત્રીઓ પર જ છે.

ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં આંકડાઓ અનુસાર 2008થી 2019 વચ્ચે 5.16 કરોડ લોકોની નસબંધી કરવામાં આવી જેમાં પુરુષોની નસબંધીનો દર માત્ર ત્રણ ટકા હતો.

નસબંધીની સ્વીકાર્યતા વિકસિત દેશોમાં તો છે, પરંતુ ભારત સહિત વિકાસશીલ દેશોમાં ખૂબ ઓછી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્ષ 2015નાં એક રિપોર્ટ અનુસાર કૅનેડા, બ્રિટન અને અમેરિકામાં નસબંધીનો દર ક્રમશ: 21.7 ટકા, 21 ટકા અને 10.8 ટકા હતો.

અમેરિકામાં 23 વર્ષીય કંટેટ ક્રિએટર કીથ લાઉસ કે જેઓ એક દીકરીના પિતા છે તેમણે નસબંધી કરાવી હતી. તેમના પાર્ટનરને અન્ય ગર્ભનિરોધકો વાપરવાનો અનુભવ ખરાબ રહ્યો હતો.

તેઓ કહે છે કે, "પતિ-પત્નીમાંથી કોઈ એકને આ પ્રકારનો નિર્ણય લેવાનો હતો એટલે મારા માટે આ નિર્ણય આસાન હતો."

સાથે જ તેઓ જણાવે છે કે, “મારું માનવું છે કે મહિલાઓને બાળકનો જન્મ અને તેનું નિયંત્રણ એ બંનેની જવાબદારી ન આપવી જોઇએ.”

અમેરિકાની ઉટા યુનિવર્સિટીમાં યુરોલૉજી સર્જરીના આસિસ્ટન્ટ પ્રૉફેસર સર ઍલેક્ઝાન્ડર પાસ્તાઝક કહે છે કે મોટાભાગના પુરુષો જે નસબંધી માટે આવે છે તેઓ કહે છે કે તેઓ નસબંધી એટલા માટે કરાવી રહ્યા છે "કારણ કે તેમની પત્નીએ તેમને કરવાનું કહ્યું હતું."

ભારતીય સમાજમાં મહિલા સમાનતા અને તેની વાસ્તવિકતાનાં દૃશ્યો ખૂબ જ અલગ છે.

જો આપણે પુરુષોની નસબંધીની વાત કરીએ તો એ સહજ રીતે સ્વીકાર્ય નથી. તેના વિશે વાત કરવી પણ એટલું સ્વીકાર્ય નથી.

નસબંધી શું છે?

પરંતુ નસબંધી કરાવવાથી ભારતીય પુરુષો કેમ ખચકાટ અનુભવે છે?

ગુવાહાટી અપોલો ઍક્સેલકૅર હૉસ્પિટલના વરિષ્ઠ યુરોલૉજિસ્ટ, ડૉ. જૉય નારાયણ ચક્રવર્તી સમજાવે છે, "નસબંધી એ એક સર્જરી છે જેમાં પુરુષના અંડકોષમાં ચીરો મૂકવામાં આવે છે અને શુક્રાણુ વહન કરતી નળીને કાપી નાખવામાં આવે છે."

તેઓ કહે છે, "આ સર્જરી સામાન્ય રીતે લૉકલ એનેસ્થેસિયાની મદદથી કરવામાં આવે છે, એટલે કે નસબંધી કરાવતી વખતે વ્યક્તિ ભાનમાં હોય છે અને તેને કોઈ દુખાવો થતો નથી. આ સર્જરીમાં ઘણો ઓછો સમય લાગે છે."

આ સાથે તેઓ એ પણ જણાવે છે કે નસબંધીની સર્જરીમાં લગભગ 20 મિનિટનો સમય લાગે છે.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અહેવાલ મુજબ ગર્ભનિરોધક તરીકે પુરુષ નસબંધી 99 ટકા અસરકારક છે.

પરંતુ નસબંધી સાથે અનેક પ્રકારની માન્યતાઓ પણ સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે તે જાતીય પ્રવૃત્તિમાં સમસ્યાઓનું કારણ બને છે.

ડૉ. જૉય ચક્રવર્તી કહે છે, "આ એક કોરી કલ્પના છે. એ માન્યતા ખોટી છે કે નસબંધી પછી જાતીય પ્રવૃત્તિમાં અમુક પ્રકારની અડચણ આવે છે."

તેઓ સમજાવે છે, "નસબંધીની પ્રક્રિયામાં ઇરેક્શન (લિંગના ઉત્થાન) માટે જવાબદાર નસને ન તો સ્પર્શ કરવામાં આવે છે કે ન તો કાપવામાં આવે છે. વીર્ય બનવાનું ચાલુ રહે છે અને તેને વહન કરતી નળી પણ સુરક્ષિત રહે છે. તેનાથી સેક્સ અને જાતીય પ્રવૃત્તિની ઇચ્છામાં કોઈ ફર્ક પડતો નથી."

નેશનલ રૂરલ હેલ્થ મિશનના રિપોર્ટ અનુસાર, નસબંધી બાદ અંડકોષમાંથી શુક્રાણુ (સ્પર્મ) બનવાનું ચાલુ રહે છે. નસબંધી પછી તેમાં જે શુક્રાણુ કોષો બને છે તે વીર્ય સાથે ભળતા નથી પરંતુ ટ્યુબ કપાવાના કારણે તે તમારા શરીરમાં જ ભળી જાય છે.

તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે નસબંધીથી ન તો સ્થૂળતા વધે છે અને ન તો શરીર નબળું પડે છે. પુરુષો પહેલાની જેમ જ સખત મહેનત કરી શકે છે.

સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીના યુરોલૉજી વિભાગના સંશોધકોના જણાવ્યા અનુસાર, 1973માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતના અધિકારો પર પ્રતિબંધ મૂક્યા પછી નસબંધીના કેસોની સંખ્યામાં વધારો થયો હતો.

નસબંધી સંબંધી આ વલણ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળ્યું છે. ગૂગલ ટ્રૅન્ડ સર્ચમાં પણ નસબંધી શબ્દને સર્ચ કરવામાં 850 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ન્યૂયોર્ક, કૅલિફૉર્નિયા, ફ્લૉરિડા, આયોવા અને અન્ય સ્થળોએ 30 વર્ષથી ઓછી ઉંમરના પુરુષોમાં નસબંધીનો દર બમણો થયો છે.

ત્યાં 2007 અને 2009ની વચ્ચે 18થી 45 વર્ષની વયના પુરુષોની નસબંધીની સંખ્યામાં 34 ટકાનો વધારો થયો હતો.

સર્જરી ક્યાં કરાવવી જોઇએ?

મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં યુરોલૉજિસ્ટ ડૉક્ટર સોની મહેતા કહે છે કે આ સર્જરી સરકારી હૉસ્પિટલમાં કરાવી શકાય છે.

ડૉ. જોય ચક્રવર્તી ભારપૂર્વક કહે છે કે, "સરકારી હૉસ્પિટલો આ શસ્ત્રક્રિયા માટે પૈસા લેતી નથી તેથી તમારે તેને ત્યાં કરાવવી જોઈએ."

ઉપરાંત તેઓ કહે છે કે, "જો તમે ખાનગી હૉસ્પિટલમાં સર્જરી કરાવવા માંગતા હોવ તો તમારે ત્યાંની સુવિધાઓ અનુસાર પૈસા ખર્ચવા પડશે."

સર્જરી પહેલા અને પછી કોઈ સાવચેતી રાખવાના પ્રશ્ન પર તેઓ કહે છે, "કોઈ ખાસ સાવચેતી રાખવાની જરૂર નથી. હા, જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો સર્જરી પહેલા શુગર લેવલ નોર્મલ હોવું જોઈએ."

જેઓ કિડની કે પ્રૉસ્ટેટની સમસ્યા ધરાવતા હોય તેઓ પણ ઇચ્છે તો આ સર્જરી કરાવી શકે? આ સવાલ પર તેમણે કહ્યું કે હા, કોઈપણ સામાન્ય વ્યક્તિ તેને કરાવી શકે છે.

બીજી બાજુ સેક્સ લાઇફ પર તેની અસર અંગે ડૉ. સોની સમજાવે છે, "આ સર્જરી પછી, શુક્રાણુ (વીર્ય) લગભગ છ મહિના સુધી તમારા વીર્યમાં આવતા રહી શકે છે, તેથી કૉન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ."

કેવી રીતે જાણી શકાય કે તમારું વીર્ય શુક્રાણુથી મુક્ત છે?

આ અંગે ડૉ.સોની કહે છે, "આ માટે સીમેન ઍનાલિસિસ ટૅસ્ટ કરવામાં આવે છે."

આ પરીક્ષણને નસબંધી પરીક્ષણ અથવા તો વીર્ય વિશ્લેષણ પણ કહેવામાં આવે છે.

આ માટે સૅમ્પલ આપતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે બે-ત્રણ દિવસ સુધી કોઈપણ પ્રકારની સેક્સ કે સેક્સ્યુઅલ ઍક્ટિવિટી ન કરવી જોઇએ.

આમ કરવાથી વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા તેના ઉચ્ચતમ સ્તર પર રહે છે.

નસબંધી સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ સવાલો

વર્ષોથી એવી ચિંતા રહી છે કે શું નસબંધી ભવિષ્યમાં પુરુષોના સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર કરે છે.

રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશનના અહેવાલમાં જણાવાયું છે કે ઘણા સૂક્ષ્મ વિશ્લેષણ સંશોધન અહેવાલોમાં એવું જાણવા મળ્યું છે કે નસબંધીનો હૃદય રોગ, પ્રૉસ્ટેટ કૅન્સર, રોગપ્રતિકારક શક્તિનું ઓછું થવું જેવી બાબતો સાથે કોઈ સંબંધ નથી. આવા રોગો પર આ ઓપરેશનની કોઈ પ્રતિકૂળ અસર થતી નથી.

શું નસબંધી પછી કોઈ જાતીય સંક્રમણથી થતા રોગો પણ નથી થતા?

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અહેવાલમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે નસબંધી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD)ને બીજાના શરીરમાં પ્રવેશતા અટકાવી શકતી નથી. તેના માટે કૉન્ડોમનો ઉપયોગ સૌથી અસરકારક રીતોમાંથી એક છે.

શું નસબંધી સર્જરીને રિવર્સ કરી શકાય?

ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે આ વાત શક્ય છે.

જોકે નસબંધી કરાવતા પુરુષો માટે એ જાણવું અગત્યનું છે કે તેને રિવર્સ કરી શકાય છે. પણ તે એક જટિલ સર્જરી છે અને તેની સફળતાની ખાતરી આપી શકાતી નથી.

જનસંખ્યા પર નિયંત્રણ જરૂરી પરંતુ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ

ભારતની વધતી વસ્તી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની વસ્તી 140 કરોડ હોવાનું જણાવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર 2050 સુધીમાં ભારતની વસ્તી 150 કરોડને વટાવી જશે.

દેશની આઝાદી પછી જન્મ દર ઘટાડવા અને વસ્તી વૃદ્ધિદરને ધીમો પાડવાના લક્ષ્ય સાથે કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.

એ પછીના વર્ષોમાં ખાસ કરીને 1972થી 1980 સુધી કુટુંબ નિયોજન એ વસ્તી નિયંત્રણનું વ્યાપક અભિયાન બની ગયું.