પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પહેલી વાર એવું શું થયું, જેનાથી ભારતની ચિંતા વધી શકે છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

બાંગ્લાદેશમાં શેખ હસીનાએ સત્તા છોડીને ભાગવું પડ્યું ત્યાર બાદ ઘણી બાબતો એની બની રહી છે જે ભારતની દૃષ્ટિએ યોગ્ય નથી મનાતી. ગયા બુધવારે પાકિસ્તાનનું એક માલવાહક જહાજ કરાચીથી નીકળીને બાંગ્લાદેશના દક્ષિણપૂર્વ સાગરકાંઠે ચટગાંવ બંદરે પહોંચ્યું હતું.

1971માં થયેલા બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ પછી બંને દેશ વચ્ચે આ પ્રથમ સમુદ્રી સંપર્ક થયો છે. આની પહેલાં બંને દેશ વચ્ચેનો સમુદ્રી વેપાર સિંગાપુર કે કોલંબોના માધ્યમથી થતો હતો.

બાંગ્લાદેશમાં પાકિસ્તાનના હાઈકમિશને એક નિવેદનમાં કહ્યું, “એવું પહેલી વાર બન્યું છે કે પાકિસ્તાનના કરાચીથી કાર્ગો જહાજ સીધું બાંગ્લાદેશના ચટગાંવ બંદરે પહોંચ્યું છે અને આ દ્વિપક્ષીય સંબંધોમાં મહત્ત્વપૂર્ણ પગલાની શરૂઆત છે.”

નિવેદન અનુસાર, “આ નવો રૂટ સપ્લાઇ ચેઇનને વધારે આસાન બનાવશે, પરિવહનનો સમય ઘટાડશે અને બંને દેશ માટે વ્યવસાયની નવી તકનાં દ્વાર ખોલશે.”

હકીકતમાં, આ સીધો સમુદ્રી સંપર્ક પાકિસ્તાન અને બાંગ્લાદેશના પારંપરિક જટિલ રાજદ્વારી સંબંધોમાં એક ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે.

સાથે જ, ભારત સાથે મૈત્રીપૂર્ણ રહેલી શેખ હસીના સરકાર સત્તા પરથી હટી ગયા પછી બાંગ્લાદેશમાં સત્તામાં આવેલી મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી નવી વચગાળાની સરકારમાં પાકિસ્તાન સાથેના સંબંધોમાં ઉષ્માનો પણ સંકેત કરે છે.

પરંતુ, આ તાજા સમાચારે ભારત માટે ચિંતા જન્માવી છે. હસીનાને પદ પરથી હટાવાયાં બાદથી જ બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધ ઘણા ઘટી ગયા છે.

બાંગ્લાદેશની નીતિઓમાં ફેરફાર

શેખ હસીના સત્તા પરથી હટી ગયાં બાદ ઇસ્લામાબાદ અને ઢાકા, બંનેએ પારસ્પરિક સંબંધોમાં સુધારો કરવાની વાત કહી છે.

ચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયૉર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની મુલાકાત થઈ હતી અને બંને દેશ વચ્ચેના ‘દ્વિપક્ષીય સહયોગને પુનઃ જીવંત’ કરવા પર ભાર મુકાયો હતો.

ન્યૂયૉર્કમાં યુનુસે કહેલું, “આપણા સંબંધોને ફરી જીવંત કરવા ખૂબ જરૂરી છે.”

સાથે જ, તેમણે જુદાં જુદાં ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે બંને દેશના સંબંધોમાં ‘નવો અધ્યાય શરૂ’ કરવાની વાત કહી હતી.

હસીના વહીવટી તંત્રમાં અમલી નીતિઓ કરતાં વિપરીત આ એક મહત્ત્વપૂર્ણ ફેરફાર હતો.

હિંદુસ્તાન ટાઇમ્સના એક સમાચાર અનુસાર, ઑગસ્ટ 2022માં બાંગ્લાદેશ સરકારે ચીનનિર્મિત ફ્રિગેટ યુદ્ધજહાજ પીએનએસ તૈમુરને ચટગાંવ બંદરે લાંગરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

આ યુદ્ધજહાજને કંબોડિયા અને મલેશિયાની નેવી સાથે એક નૌસેના અભ્યાસ પછી છેવટે શ્રીલંકાના બંદર ખાતે લાંગરવામાં આવ્યું હતું.

સૈન્ય અભ્યાસ પછી પાકિસ્તાન જઈ રહેલા આ યુદ્ધજહાજને જ્યારે બાંગ્લાદેશ સરકારે ચટગાંવ બંદરે લાંગરવાની મંજૂરી નહોતી આપી, ત્યારે શ્રીલંકાએ આ જહાજને કોલંબો પાર્ટ પર આવવા દેવાની મંજૂરી આપી હતી.

પાકિસ્તાનમાં અમન 2025 નામનો નૌસૈનિક અભ્યાસ થવાનો છે અને બાંગ્લાદેશે પહેલાં જ, તેમાં ભાગ લેવાની પુષ્ટિ કરી દીધી છે.

આ પુષ્ટિ બંને દેશ વચ્ચેના સૈન્ય સહયોગને પણ દર્શાવે છે.

શેખ હસીનાનું સત્તા પરથી હટવું પાકિસ્તાન માટે મોટી તક

ભારતમાં પાકિસ્તાનના હાઈકમિશનર રહેલા અબ્દુલ બાસિતે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે, ચાલુ વર્ષની પાંચમી ઑગસ્ટે બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન થયું તે પાકિસ્તાન માટે તક છે, કેમ કે, શેખ હસીના સંપૂર્ણ રીતે ભારતના પક્ષમાં હતાં.

બાંગ્લાદેશ સાથે પાકિસ્તાનના બગડેલા સંબંધો માટે શેખ હસીનાને જવાબદાર ઠરાવતાં બાસિતે કહ્યું, “શેખ હસીના ભારતના ઇશારે કામ કરતાં હતાં. તેમના કેટલાક એજન્ડા હતા, જેને લઈને તેઓ આગળ વધી રહ્યાં હતાં.”

પાકિસ્તાનના કરાચીથી પ્રથમ વાર બાંગ્લાદેશના ચટગાંવ પહોંચેલા કાર્ગોની ઘટનાને અબ્દુલ બાસિત ઘણી મહત્ત્વપૂર્ણ માને છે.

બાસિતે કહ્યું, “પહેલી વાર એવું બન્યું છે કે પાકિસ્તાની માલવાહક જહાજ સીધું ચટગાંવ પહોંચ્યું છે. આની પહેલાં બંને દેશ વચ્ચે જે કંઈ વેપાર થતો હતો તે સિંગાપુર અને શ્રીલંકાના માર્ગે થતો હતો. આવું થવાથી ભારતમાં હોબાળો થઈ ગયો છે. બાંગ્લાદેશમાં જે નેતૃત્વ છે, તે હવે ખૂબ ખુલ્લા વિચારો ધરાવે છે. એવું નથી કે તે ભારત સાથે સંબંધ વધારવાનું વિરોધી છે, પરંતુ, તેણે પોતાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે અને પાકિસ્તાન સાથે સંબંધો કેમ ન વધારે!”

તેમણે કહ્યું, “હવે આગામી પગલું એ હશે કે વેપાર અને ઉદ્યોગજગતનાં સંગઠન પણ એકબીજાને ત્યાં જશે, અને બની શકે કે આવતા વર્ષ સુધીમાં બંને દેશ વચ્ચે વિદેશસચિવ સ્તરે વાટાઘાટ પણ શરૂ થાય.”

તેમણે કહ્યું, “શેખ હસીનાના જવાથી પાકિસ્તાનને એક તક મળી છે, કેમ કે, પાકિસ્તાન–બાંગ્લાદેશના સંબંધોને જોવાનો શેખ હસીનાનો એક અલગ દૃષ્ટિકોણ હતો, તેનાથી અમે બચી ગયા. પાકિસ્તાન માટેનો તેમનો દૃષ્ટિકોણ પૂર્વગ્રહયુક્ત હતો. તેઓ ભૂતકાળમાંથી બહાર જ નીકળી નહોતાં શકતાં.”

અબ્દુલ બાસિતે કહ્યું, “હવે અમારી સામે એક તક છે, જેનો અમારે બંને દેશના લાભ માટે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.”

પાકિસ્તાને વેપાર ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવા પગલાં ભર્યાં છે.

પાકિસ્તાને બાંગ્લાદેશના નાગરિકો માટે તત્કાલ ફ્રી વીઝાની સુવિધા શરૂ કરી છે.

બાંગ્લાદેશમાં પાકિસ્તાનના હાઈકમિશનર સૈયદ અહમદ મારૂફે છઠ્ઠી નવેમ્બરે જણાવેલું, “પાકિસ્તાનમાં બાંગ્લાદેશી નાગરિકોને ફ્રી વિઝા આપવામાં આવશે અને તે અંગે 48 કલાકમાં નિર્ણય લેવાશે. એક વેબસાઇટ પર માત્ર માહિતી આપવાની રહેશે. વિઝાની બે શ્રેણી છે, બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા. મુસાફરી કરનારાઓએ માત્ર પાછા જવાની ટિકિટ અને જ્યાં રોકાવા માગતા હોય તેની માહિતી આપવાની રહેશે.”

2023માં પાકિસ્તાન અને બાંગ્લાદેશનો દ્વિપક્ષીય વેપાર લગભગ 80 કરોડ ડૉલરનો હતો.

ભારતમાં ચિંતા

પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધોમાં આવેલા આ ઐતિહાસિક પરિવર્તનના લીધે ભારતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોલકાતાથી પ્રકાશિત થતા અંગ્રેજી દૈનિક ધ ટેલિગ્રાફમાં એક નિષ્ણાતે કહ્યું, “ચટગાંવ અને મોંગલા બાંગ્લાદેશનાં બે મોટાં બંદર છે અને પાકિસ્તાન માટે આ બંને પાંચ દાયકા સુધી પહોંચથી દૂર રહ્યાં. આની પહેલાં બંને દેશ વચ્ચેનો સમુદ્રી સંપર્ક વાયા કોલંબો અને શ્રીલંકા દ્વારા થતો હતો. હવે પાકિસ્તાની જહાજ સીધાં ચટગાંવ પહોંચશે. પ્રતિબંધિત સામાન બાંગ્લાદેશમાં જવા અને ભારતમાં અલગતાવાદી સમૂહોના હાથમાં પહોંચવાની આશંકાનો ઇનકાર કરી શકાય તેમ નથી.”

આ નિષ્ણાતે 2004માં ચટગાંવમાં ગેરકાયદે હથિયારોની અત્યાર સુધીની સૌથી મોટી ખેપ પકડાઈ હોવાનો ઉલ્લેખ કર્યો.

2001થી 2006 સુધી બાંગ્લાદેશમાં ખાલિદ ઝિયાના નેતૃત્વવાળી બીએનપી સરકાર સત્તામાં હતી, તે દરમિયાન જે ઘટનાઓએ સરકાર માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી તેમાંની એક મુખ્ય ઘટના દશ ટ્રક ભરાય તેટલાં હથિયારો પકડાયાં તે હતી.

બાંગ્લાદેશના ઇતિહાસમાં હથિયારો અને દારૂગાળાની સૌથી મોટી ખેપ પહેલી એપ્રિલ 2004એ પકડાઈ હતી.

આ હથિયારો બે મોટાં ટ્રેલર્સ દ્વારા સમુદ્રમાર્ગે ચટગાંવસ્થિત યૂરિયા ફર્ટિલાઇઝર કે સીયુએફએલ જેટી પર લવાયાં હતાં.

એક્સ્પર્ટ એવું માને છે કે, તત્કાલીન બીએનપી સરકારના ભારત સાથેના સંબંધો બગડવાની શરૂઆત હથિયારોનો મોટો જથ્થો મળી આવવાની ઘટનાથી થઈ હતી.

દક્ષિણ એશિયામાં શક્તિસંતુલન પર અસર

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધતા સંબંધને ભારત શંકાની નજરે જુએ છે, કેમ કે, લાંબા સમય બાદ દક્ષિણ એશિયામાં ભૂરાજકીય સમીકરણ પર અસર પડી શકે છે.

ભારતીય સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા એક સૂત્રે અંગ્રેજી અખબાર ટેલિગ્રાફને જણાવ્યું કે, “ગયા વર્ષે ભારતને મોંગલા પોર્ટના સંચાલનનો અધિકાર મળ્યો હતો તે ભારત માટે ચીન પરની વ્યૂહાત્મક જીત હતી, પરંતુ હવે પાકિસ્તાનની પહોંચ ચટગાંવ પોર્ટ સુધી થઈ ગઈ છે. હવે બંને બંદરોની સમુદ્રી ચૅનલ પાકિસ્તાની જહાજોને પરવાનગી આપશે. આ બાબતની ક્ષેત્રીય ભૂરાજકારણ પર ચોક્કસ અસર થશે, કેમ કે, ચટગાંવ મ્યાનમાર પાસે છે.”

હકીકતમાં, મ્યાનમારમાં પૂર્વોત્તરના વિદ્રોહી સમૂહોએ શરણ લીધું હોવા બાબતે ભારતીય સુરક્ષા એજન્સીઓને શંકા છે અને એવી પણ આશંકા રહી છે કે તેમને આ માર્ગે જ શસ્ત્રો મળી રહ્યાં છે.

પહેલાં બાંગ્લાદેશની કટ્ટરપંથી પાર્ટી જમાત-એ-ઇસ્લામી પરથી પ્રતિબંધ હટાવી દેવાના અને હવે, બાંગ્લાદેશના બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ હટાવી દેવાના સમાચારોએ પણ ભારતની ચિંતા વધારી છે.

ભારતના જાણીતા સુરક્ષા નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે, “બાંગ્લાદેશમાં મિલિટરી-મુલ્લા શાસન હેઠળ—જેમાં યુનુસ નામમાત્રના પ્રમુખની ભૂમિકા નિભાવે છે—આ દેશ હિંસક ઇસ્લામવાદીઓનો ગઢ બની ગયો છે. હવે ઍટર્ની જનરલે હાઈકોર્ટને કહ્યું છે કે બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ હટાવી દેવો જોઈએ.”

તેમણે લખ્યું છે, “બાંગ્લાદેશની બહુલતાવાદી અને સમન્વયવાદી પરંપરાઓને નાબૂદ કરવા માટે ચૂંટાયા વગરના શાસકોની કોશિશને જોતાં ઍટર્ની જનરલે તર્ક રજૂ કર્યો કે ‘ધર્મનિરપેક્ષતા એ દેશની વાસ્તવિકતાઓ સાથે મેળ ખાતી નથી જ્યાં 90 ટકા વસ્તી મુસ્લિમ છે’.”

જોકે, એવું પહેલી વાર નથી બન્યું કે બાંગ્લાદેશમાં પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખનાર સરકાર છે.

16 વર્ષ સુધી સૈન્ય સરમુખત્યાર અને બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ના નેતૃત્વ હેઠળની સરકાર પણ પાકિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખતી હતી

જોકે, 1996થી 2001 અને ફરી 2009થી લઈને 2024 સુધી શેખ હસીના વડાં પ્રધાન રહ્યાં તે સમયગાળા દરમિયાન ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ વધુ મજબૂત થતા ગયા.

હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધ નિકટના રહ્યા અને દ્વિપક્ષીય આર્થિક સહયોગમાં પણ ઘણી વૃદ્ધિ થઈ હતી. બંને દેશ વચ્ચે વેપાર, ઊર્જા અને સુરક્ષા ક્ષેત્રમાં વ્યાપક સહયોગ થયો.

દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું વાણિજ્યિક ભાગીદાર છે અને તે બંનેનો દ્વિપક્ષીય વેપારવિનિમય લગભગ 16 અબજ ડૉલરનો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.