You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોવિયેત સંઘના સ્થાપક લેનિનના મગજના 30,000 ટુકડા સાચવવામાં કેમ આવ્યા છે?
- લેેખક, જુઆન ફ્રાન્સિસ્કો અલોન્સો
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
માણસ જન્મજાત પ્રતિભાસંપન્ન (જીનિયસ) હોય છે કે તેને જીનિયસ બનાવી શકાય છે?
આ રહસ્ય સદીઓથી તત્વજ્ઞાનીઓ અને વિજ્ઞાનીઓને આકર્ષતું રહ્યું છે. જોકે, હવે વિઘટન પામેલા સોવિયેત સંઘમાં 100 વર્ષ પહેલાં આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આમ કરવા માટે તેમણે એક ઐતિહાસિક સીમાચિહ્નનો, સોવિયેત સંઘના લેનિન નામે વધુ જાણીતા સ્થાપક વ્લાદિમિર ઈલિચ ઉલ્યાનોવના મૃત્યુનો ઉપયોગ કર્યો હતો.
બોલ્શોવિક ક્રાંતિના આ નેતા 1924ની 21 જાન્યુઆરીએ મૃત્યુ પામ્યા હતા. તેમની લાંબો સમય સારવાર કરનારા ડોક્ટરોએ, લેનિનની “પ્રતિભાસંપન્નતા” ક્યાં છૂપાયેલી છે તે શોધવાના હેતુસર તેમના મગજને સાચવી રાખવા અને તેનો અભ્યાસ કરવાની દરખાસ્ત કરી હતી.
સોવિયેત શાસકોએ આ દરખાસ્તને મંજૂરી આપી હતી અને આવા સંશોધન હાથ ધરવાના હેતુસર એક સંસ્થાની રચના કરી હતી.
આ ઘટનાની એક સદી પછી લેનિનનું મગજ ક્યાં છે અને તેના વિશ્લેષણના તારણો શું દર્શાવે છે? આ અને અન્ય સવાલોના જવાબ મેળવવા માટે બીબીસી મુંડોએ આ કેસના તપાસકર્તા ઈતિહાસકારો અને ન્યૂરોસર્જનો સાથે વાત કરી હતી.
એક અસ્વસ્થ મહેમાન
અમેરિકન ઈતિહાસકાર પોલ રોડરિક ગ્રેગરીએ કહ્યું હતું, “લેનિનના મગજની કથા, અભ્યાસ માટે તેની બર્લિન(જર્મની)માં ‘નિકાસ’ કરવાના આરોગ્ય પ્રધાન નિકોલાઈ સેમાશ્કો અને સ્ટાલિનના અંગત મદદનીશ ઈવાન તોવસ્તુખા દ્વારા પોલિટ બ્યુરો સમક્ષ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ સાથે થાય છે.”
‘લેનિન્સ બ્રેઈન એન્ડ અધર સ્ટોરીઝ ફ્રોમ ધ સોવિયેત સિક્રેટ આર્કાઈવ્ઝ’ પુસ્તકના આ લેખકે સ્પષ્ટતા કરી હતી કે લેનિન મૃત્યુ પામ્યા ત્યારે રશિયામાં ન્યૂરોસાયન્ટિસ્ટ્સનો અભાવ હતો.
તેથી સોવિયેત સત્તાવાળાઓએ શવપરીક્ષા દરમિયાન કાઢી લઈને ફોર્માલ્ડિહાઈડ નામના રસાયણમાં સાચવી રાખવામાં આવેલા લેનિનના મગજના વિશ્લેષણ માટે જર્મન ડોક્ટર ઓસ્કર વોગ્ટ (1870-1959)ને આમંત્રણ આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વોગ્ટ વિખ્યાત ન્યૂરોલોજીસ્ટ હતા અને તેમણે એમ્પરર વિલિયમ ઈન્સ્ટિટ્યુટ ફોર બ્રેઈન રિસર્ચની સ્થાપના તથા સંચાલન કર્યું હતું. (આ પ્રતિષ્ઠિત સંસ્થા આજે મેક્સ પ્લાન્ક સોસાયટી નામે ઓળખાય છે અને ઘણા જર્મન વૈજ્ઞાનિક કેન્દ્રોને જોડે છે)
સ્પેનની યુનિવર્સિટી ઓફ સલમાન્કાના ન્યૂરોબાયોલોજીના પ્રોફેસર જોસ રેમન એલોન્સોએ બીબીસીને કહ્યું હતું, “એ સમયે જર્મનીમાં વૈજ્ઞાનિક સ્તર શ્રેષ્ઠ હતું અને સૌથી વધુ નોબલ પુરસ્કાર વિજેતાઓ જર્મનીના હતા.”
આ નિષ્ણાતે ઉમેર્યું હતું, “જોકે, વોગ્ટને એ કામ સ્વીકારવા ખાસ ઈચ્છા ન હતી. જર્મન સરકારે તેમને એ કામ કરવા વિનંતી કરી હતી. એ સમયે જર્મની પર પ્રથમ વિશ્વયુદ્ધ પછી શસ્ત્રો વિકસાવવા પર પ્રતિબંધો હતા અને તેનો સામનો કરવા જર્મનીને સોવિયેત સંઘ સાથે સારા સંબંધ જાળવી રાખવામાં રસ હતો.”
પ્રોફેસર એલોન્સોએ તેમના પુસ્તક ‘હિસ્ટ્રી ઓફ ધ બ્રેઈન’ પુસ્તક માટે આ બાબતનો અભ્યાસ કર્યો હતો.
અલબત, લેનિનના મગજને બર્લિન લઈ જવાની યોજના આખરે પડતી મૂકવામાં આવી હતી.
અમેરિકન યુનિવર્સિટી ઓફ સ્ટેનફોર્ડ ખાતેની હૂવર ઈન્સ્ટિટ્યૂટના ફેલો ગ્રેગરીએ કહ્યું હતું, “આ પ્રક્રિયામાં કોઈ વિદેશી સામેલ થાય તે સ્ટાલિનને પસંદ ન હતું, કારણ કે તેઓ તેને નિયંત્રિત કરી શકે તેમ ન હતા.”
‘સ્વીસ ચીઝ જેવું’
સોવિયેત નેતૃત્વના કેટલાક વર્ગના વાંધા છતાં આખરે વોગ્ટને તપાસમાં ભાગ લેવાનું કહેવામાં આવ્યું હતું અને તેમને લેનિનના દિમાગના 30,953 ટુકડાઓમાંથી એક હિસ્સો જર્મનીમાંની તેમની પ્રયોગશાળામાં અભ્યાસ માટે આપવામાં આવ્યો હતો.
તેના બદલામાં મોસ્કોએ જર્મન નિષ્ણાતોને ન્યૂરોસાયન્સના ક્ષેત્રમાં રશિયન ડોક્ટરોને તાલીમ આપવા અને રશિયન બ્રેઈન ઈન્સ્ટિટ્યૂટ(આજની રશિયન એકેડમી ઓફ મેડિકલ સાયન્સ)નું નિદર્શન કરવા કહ્યુ હતું.
જોકે, વર્ષો પછી વોગ્ટે નાઝી શાસન સાથેના ઘર્ષણને કારણે તેમનો હોદ્દો ગુમાવવો પડ્યો હતો, એટલું જ નહીં, પરંતુ આ કામમાંથી પોતાને મુક્ત કરવાનું બહાનું સ્ટાલિનને આપવાની તક પણ મળી હતી, એવું અમેરિકન ઈતિહાસકારે ઉમેર્યું હતું.
એલોન્સોના જણાવ્યા મુજબ, વિદેશી હસ્તક્ષેપ વિશેની સોવિયેત સંઘની ગેરસમજ વાજબી જણાતી હતી. થર્ડ રિકે 1930ના દાયકામાં દાવો કર્યો હતો કે લેનિન બીમાર હતા અને તેમનું મગજ “સ્વીસ ચીઝ” જેવું દેખાતું હતું.
તેથી જ લગભગ બીજા વિશ્વયુદ્ધના અંતે મોસ્કોએ વોગ્ટ પાસે રહેલા લેનિનના મગજના હિસ્સાને પાછો મેળવવા માટે એક ગુપ્ત કામગીરી શરૂ કરી હતી, એમ બેલ્જિયન સંશોધકો એલ. વેન બોગેર્ટ અને એ. ડેવુલ્ફે જણાવ્યું હતું.
સ્પેનિશ પ્રોફેસરના કહેવા મુજબ, “એ હિસ્સો અમેરિકનોના હાથમાં આવી જશે અને તેઓ તેનો ઉપયોગ લેનિન સિફિલિસથી પીડાતા હોવાનું કહીને તેમને બદનામ કરવા માટે કરશે, એવો ડર સોવિયેત સંઘને હતો.”
ખુશ કરવાનો નિષ્ફળ પ્રયાસ
વોગ્ટે 1920ના દાયકાના અંતમાં યુરોપમાંના તેમના પ્રવચનોની શ્રેણી દરમિયાન તેમના અભ્યાસના પ્રારંભિક તારણો રજૂ કર્યાં હતાં. એમાં તેમણે કહ્યું હતું, “લેનિનના મગજના સેરેબ્રલ કોર્ટેક્સના ત્રીજા સ્તરના પિરામિડલ ચેતાકોષો અસંખ્ય અને અસાધારણ રીતે મોટા હતા.”
જર્મન ન્યૂરોલોજિસ્ટના જણાવ્યા મુજબ, સદગત નેતાના ‘ચપળ મગજ’ અને “વિચારોને ખૂબ જ ઝડપથી સમજવાની ક્ષમતા તેમજ વાસ્તવિકતાની સમજણ”નું કારણ આ બાબત હતી. તેથી તેમણે લેનિનને “સાહસિક વિચારસરણીના રમતવીર” ગણાવ્યા હતા.
મોસ્કો જે શોધી રહ્યું હતું તે વોગ્ટે જણાવ્યું હતું, પરંતુ કેટલાક સોવિયેત નેતાઓ સંતુષ્ટ ન હતા. તેનું કારણ સમજાવતાં એ સમયના અન્ય નિષ્ણાતો એવી દલીલ કરી હતી કે મોટા અને અસંખ્ય પિરામિડલ ચેતાકોષો માનસિક મંદતાનું લક્ષણ પણ હોય છે. એક સામ્યવાદી નેતાએ સ્ટાલિનને એક અહેવાલમાં આવી ચેતવણી આપી હતી.
એલોન્સોના કહેવા મુજબ, “વોગ્ટના તારણોની વ્યાપક ટીકા કરવામાં આવી હતી, કારણ કે લેનિનનું મગજ અનન્ય અને અપવાદરૂપ હતું, તેવું રશિયનો સાંભળવા ઈચ્છતા હતા અને વોગ્ટે એવું જ તારણ રજૂ કર્યુ હતું.”
સ્પેનિશ ન્યૂરોબાયોલોજિસ્ટે ઉમેર્યું હતું, “સોવિયેત સત્તાવાળાઓ ભારપૂર્વક કહેતા હતા કે લેનિન સૌથી મહાન પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. તેઓ માનતા હતા કે લેનિનનું મગજ વિશિષ્ટ હતું અને તેમાં કશુંક અનન્ય હતું, જે અન્ય કોઈપણ માનવી જેવું ન હતું.”
વોગ્ટ માનતા હતા કે મગજના માળખા (કદ અને આકાર) અને લોકોની બુદ્ધિ વચ્ચે સીધો સંબંધ હોય છે.
સાત ચાવી હેઠળ
જે વ્યક્તિએ જનતાને નિયંત્રિત કરવા માટે આતંકના ઉપયોગને વાજબી ઠેરવ્યો હોય અને પોતાની માતા મૃત્યુ પામી ત્યાં સુધી તેનાથી અલગ રહી હોય તેને બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ ગણી શકાય? સોવિયેત જીવનચરિત્રકારોએ માતાથી અલગ રહેવાની વાતની અવગણના કરી હતી અને લેનિન અદભૂત યાદશક્તિ ધરાવતા હોવાને લીધે સાત ભાષામાં નિપુણતા ધરાવતા હતા તથા અખબાર માટેનો લેખ માત્ર એક કલાકમાં લખી શકતા હતા, એ બાબતને હાઈલાઈટ કરી હતી.
લેનિનના ‘જીનિયસ’ મૂળને શોધવાની તપાસ એક દાયકાથી વધુ સમય સુધી ચાલી હતી, કારણ કે તેમના મગજ સાથે તુલના કરી શકાય એટલા માટે અન્ય લોકોના મગજ એકઠા કરવા જરૂરી હતું.
આ જ કારણસર માત્ર લેનિનનું મગજ જ નહીં, પરંતુ ફિઝિયોલોજિસ્ટ ઈવાન પાવલોવ, એરોનોટિકલ એન્જિનિયર કોન્સ્ટેન્ટિન ત્સિઓલકોવસ્કી અને લેખક મેક્સિમ ગોર્કીના મગજ પણ મોસ્કો એકેડમી ઓફ મેડિકલ સાયન્સમાં તાળા-ચાવીમાં રાખવામાં આવ્યાં છે.
અલબત, લેનિનના મગજની તુલના તેમના દસ તેજસ્વી દેશબંધુઓ સાથે જ નહીં, પણ દસ સામાન્ય નાગરિકોના મગજ સાથે પણ કરવામાં આવી હતી. તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ન હતું. તે માત્ર ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
ગ્રેગરીના કહેવા મુજબ, “પોલિટ બ્યૂરોને આપવામાં આવેલા અહેવાલના એક નકલ હૂવર ઈન્સ્ટિટ્યૂટમાં છે. તે 63 પાનાની છે. એ કંગાળ હાલતમાં છે અને તેમાં ઘણી વૈજ્ઞાનિક ભાષા છે તથા તે અર્થહિન છે, પરંતુ તેનું તારણ એવું છે કે લેનિન તેમના જીવનના છેલ્લા દિવસો સુધી જીનિયસ હતા. મગજને મળતા રક્ત પ્રવાહમાં બ્લોકેજ હોવાને લીધે હૃદયરોગના ચાર હુમલા આવ્યા હોવા છતાં અને બીજા હુમલા પછી શક્તિહીન બની ગયા હોવા છતાં આ સ્થિતિ હતી.”
તેમણે ઉમેર્યું હતું, “આ દસ્તાવેજને વાંચીને હસવું આવતું હતું, કારણ કે તેના લેખકોએ તેમને ગમતા તારણ સુધી પહોંચવા માટે વાતો ઉપજાવી કાઢી હોય તેવું લાગતું હતું.”
એ સમયના કેટલાક વિખ્યાત લેખકોના બે કિલો વજનના મગજની સરખામણીએ લેનિનનું મગજ 1.3 કિલોગ્રામનું હોવા છતાં સોવિયેત સંશોધકોએ ખાતરીપૂર્વક જણાવ્યુ હતું કે લેનિનના મગજના “ખાસ કરીને આગળના હિસ્સામાંની ચાસ અને ગૂંચળાની રચના જટિલ વિશિષ્ટતાઓ દર્શાવે છે.” આવું મગજ “ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતા” ધરાવતી વ્યક્તિઓનું જ હોય છે.
એલોન્સોએ વોગ્ટ અને તેમના અનુગામીઓના તારણોનો અસ્વીકાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું, “મગજના કદ અથવા આકારને બુદ્ધિમત્તા સાથે લેવાદેવા હોય એવું કોઈ માનતું નથી. મોટા મગજવાળા ઘણા લોકોએ મહાન કળાત્મક અથવા વૈજ્ઞાનિક કામ કર્યાં છે, પરંતુ નાના મગજવાળા લોકોએ પણ એવું કર્યું છે. મગજમાં જીનિયસ ક્યાં છૂપાયેલી હોય છે, એ દર્શાવતી કોઈ પેટર્ન અમને મળી નથી.”
પછી તરત જ એલોન્સોએ ઉમેર્યું હતું કે “આપણે જેને બુદ્ધિમત્તા કહીએ છીએ તેની ચર્ચા આજે પણ ચાલી રહી છે. ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગને પ્રતિભાસંપન્ન કળાકાર ગણવામાં આવે છે, પરંતુ તેમને ઘણી સમસ્યા કનડતી હતી. આવું જ ભૌતિકશાસ્ત્રી આઈઝેક ન્યૂટન સાથે બન્યું હતું. ન્યૂટનને ઈતિહાસમાં શ્રેષ્ઠ વિજ્ઞાની માનવામાં આવે છે, પરંતુ તેમના કોઈ મિત્રો ન હતા અને પૈસાદાર હોવા છતાં કંગાળ સ્થિતિમાં જીવ્યા હતા.”
એક રાજકીય શસ્ત્ર
લેનિનના મગજની રક્ષા અથવા ચકાસણી કરી ચૂકેલા કેટલાક વૈજ્ઞાનિકોએ 1991માં સોવિયેત સંઘના વિસર્જન પછી સત્તાવાર મંતવ્યથી અલગ મંતવ્ય આપવાનું શરૂ કર્યું હતું.
લેનિનના મગજનું રક્ષણ કરતા કેન્દ્રના ડિરેક્ટર ડૉ. ઓલેગ એડ્રિયાનોવે 1993માં સ્વીકાર્યું હતું કે “લેનિનના મગજમાં મોટો ફ્રન્ટલ લોબ અને સંખ્યાબંધ પિરામિડલ ન્યૂરોન્સ હતા તે ખરું, પણ હવે તેનો શું અર્થ? આપણે માત્ર અનુમાન કરી શકીએ કે એ મગજ વિશિષ્ટ ન હતું.”
“મને નથી લાગતું કે લેનિન જીનિયસ હતા,” એવું બ્રિટિશ પ્રકાશનો માટેના નિવેદનમાં ડૉ. ઓલોગે જણાવ્યું હતું.
લેનિનના મગજનો અભ્યાસ એવા શસ્ત્રો પૈકીનો એક હતો, જેના વડે સ્ટાલિને પોતાને સોવિયેત સંઘના સ્થાપકના વારસદાર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગ્રેગોરીએ ઉમેર્યું હતું, “સ્ટાલિન માત્ર લેનિનની પ્રતિભાસંપન્નતા સાબિત કરવા ઈચ્છતા ન હતા, પરંતુ લેનિનના મૃત્યુ સાથે જ શરૂ થયેલા સત્તાના સંઘર્ષમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે તે પ્રતિભાસંપન્નતાના અર્થવાહક બનવા ઈચ્છતા હતા.”
સત્તાના યુદ્ધમાં સ્ટાલિને માત્ર લેનિનના મગજનો જ ઉપયોગ કર્યો ન હતો. આ રીતે તેમણે તેમના પુરોગામી અને તેમના પરિવારની ઈચ્છાને અવગણીને લેનિનનું શરીર સાચવી રાખવાનો તથા તેને ક્રેમલિનમાં બાંધવામાં આવેલી સમાધિમાં સંત તરીકે પ્રદર્શિત કરવાનો નિર્ણય કર્યો હતો. એ આજે પણ ત્યાં છે.
જોકે, ક્યુબાના ઈતિહાસકાર આર્માન્ડો ચાગુસેડા જેવા નિષ્ણાતો માને છે કે લેનિને તેઓ જીવંત હતા ત્યારે જ પોતાના દૈવીકરણની પ્રક્રિયાને વેગ આપ્યો હતો.
તેમણે કહ્યું હતું, “લેનિન એકહથ્થુ સોવિયેત શાસનના સર્જક હતા અને પ્રચાર તેના પાયા પૈકીનો એક હતો. નેતાઓ કહે છે છે કંઈ અને વ્યવહારમાં થાય છે બીજું કંઈ. લેનિન, ફિડેલ કાસ્ત્રો અથવા માઓ ત્સે તુંગ બધાએ કહ્યું હતું કે તેઓ તેમના વ્યક્તિત્વનો સંપ્રદાય ઈચ્છતા નથી, પરંતુ તે અર્થહીન હતું, કારણ કે પોતાના જીવન દરમિયાન તેમણે તેમનો સંપ્રદાય બનાવ્યો હતો અથવા તેને પ્રોત્સાહિત કર્યો હતો અને એ તેમના મૃત્યુ પછી પણ ચાલુ રહ્યું હતું.”