રશિયાનું મહત્ત્વાકાંક્ષી 'લૂના-25' યાન ચંદ્ર પર સોફ્ટ લૅન્ડિંગના એક દિવસ પહેલાં ક્રૅશ થયું

પ્રકાશિત

રશિયાનું લૂના-25 સ્પેસક્રાફ્ટ ક્રૅશ થઈ ગયું છે. અધિકારીઓ અનુસાર અનિયંત્રિત અવસ્થામાં ચંદ્રની આસપાસ ભ્રમણ કર્યા બાદ સ્પેસક્રાફ્ટ ક્રૅશ થયું છે.

લૂના-25 ચંદ્ર પર દક્ષિણ ધ્રુવ પર લૅન્ડ થવાનું હતું પરંતુ તેમાં તેને નિષ્ફળતા હાંસલ થઈ છે. નોંધનીય છે કે પાછલાં 50 વર્ષોમાં આ રશિયાનું પ્રથમ ચંદ્રઅભિયાન હતું.

સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર સોમવારે ઊતરવાનું હતું, અને ઉતરાણ બાદ આ યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તપાસ કરવાનું હતું, વૈજ્ઞાનિકોના મતાનુસાર દક્ષિણ ધ્રુવ પર થિજાયેલું પાણી અને અમૂલ્ય તત્ત્વો હોઈ શકે છે.

રશિયાના સરકારી સ્પેસ કૉર્પોરેશન 'રોસકોસમોસે' રવિવારે જણાવ્યું કે તેમણે શનિવારે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ (ભારતીય સમય) લૂના-25 સાથે સંપર્ક ગુમાવ્યો હતો.

નિવેદનમાં કહેવાયું છે કે, “ઉપકરણ અચોક્કસ ભ્રમણકક્ષામાં પહોંચી ગયું હતું અને ચંદ્રની સપાટી સાથે અથડાવાના કારણે નષ્ટ થયું હતું.”

નોંધનીય છે કે રશિયા અને ભારત વચ્ચે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલા પહોંચવા મામલે જાણે સ્પર્ધા હતી. ભારતનું ચંદ્રયાન-3 આવતા અઠવાડિયે ચંદ્ર પર ઉતરાણ કરી શકે છે. અત્યાર સુધી આ કામમાં કોઈ દેશ સફળ થઈ શક્યો નથી. જોકે, અમેરિકા અને ચીન બંને ચંદ્રની સપાટી પર સોફ્ટ લૅન્ડિંગ કરી ચૂક્યાં છે.

લાંબા સંશોધનનું આયોજન થયું નિષ્ફળ

ગત અઠવાડિયે શુક્રવારે લૉન્ચ કરાયેલ લૂના-25ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની યોજના હતી.

રશિયાના મૂન મિશન પહેલાં 14 જુલાઈના રોજ ભારતે ચંદ્રયાન-3 લૉન્ચ કર્યું છે. ચંદ્રયાન-3 પણ ચંદ્રની સપાટી પર ઊતરશે. રશિયાના આ અભિયાનની હોડ ચીન અને અમેરિકાના મૂન મિશન સાથે પણ હતી.

અમેરિકા અને ચીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અંતરિક્ષયાન ઉતારવા માટે ઍડ્વાન્સ મિશન શરૂ કર્યું છે.

રશિયાની સ્પેસ એજન્સી 'રોસકોસમોસ' અનુસાર લૂના-25ને સોયૂઝ 2.1વી રૉકેટથી વોસ્તોની કૉસ્મોડ્રોમથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ જગ્યા મૉસ્કોથી લગભગ 5500 કિમી પૂર્વમાં છે.

સોયૂઝ 2.1વી રૉકેટનો ઉપરનો ભાગ લૉન્ચ કરાયાના એક કલાક બાદ તેને પૃથ્વીની કક્ષાથી બહાર તરફ ધકેલીને ચંદ્રની તરફ લઈ ગયો હતો.

લૂના-25માં રોવર અને લૅન્ડર હતાં. તેના લૅન્ડરનું વજન 800 કિલો હતું.

ત્યાર બાદ તે ચંદ્રની જમીનના નમૂના લેવા અને તેનું વિશ્લેષણ કરવાનું કામ કરવાનું હતું. સાથે તે લાંબા સમય સુધી ચાલનારું સંશોધન પણ કરવાનું હતું.

લૂના-25 સોયૂઝ 2.1બી રૉકેટની મદદથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. તે 46.3 મીટર લાંબુ હતું. 10.3 મીટર વ્યાસવાળા આ રૉકેટનું વજન 313 ટન હતું. ચાર તબક્કાના આ રૉકેટે લૂના-25 લૅન્ડરને ધરતીની બહાર એક ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકી દીધું હતું.

કેવું હતું લૂના-25? શું હતો હેતુ?

લૂના-25નો આકાર એક નાનકડી કાર જેવો હતો. તે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર એક વર્ષ સુધી કામ કરશે એવી યોજના હતી.

હાલનાં કેટલાંક વર્ષોમાં નાસા અને બીજી અંતરિક્ષ એજન્સીઓને ચંદ્ર પર બરફ હોવાના સંકેતો મળ્યા છે.

રશિયાના મૂન મિશનનાં રાજકીય અર્થઘટનો પણ કરવામાં આવી રહ્યાં હતાં, રશિયાએ કહ્યું કે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશોએ પ્રતિબંધ લગાવીને તેના અંતરિક્ષ કાર્યક્રમને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ પશ્ચિમી દેશોના પ્રતિબંધ રશિયાની અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

રશિયા ગત કેટલાક દાયકાઓથી એની તૈયારી કરી રહ્યું હતું. જો તેનું મૂન મિશન સફળ રહ્યું હોત તો એ તેની મોટી સફળતા હોત. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોની સ્પેસ એજન્સી અને રશિયાની એજન્સીઓ વચ્ચે પરસ્પર સહયોગ ખતમ થઈ ચૂક્યો છે.

યુરોપિયન સ્પેસ એજન્સીએ લૂના-25માં પોતાનું પાયલટ-ડી નેવિગેશન કૅમેરા જોડીને તેનો ટેસ્ટ કરવાની યોજના બનાવી હતી. પરંતુ યુક્રેન પર રશિયાના હુમલા બાદ તેમણે આ યોજના છોડી દીધી હતી.

અમેરિકન અંતરિક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ 1969માં ચંદ્ર પર પહોંચનારી પ્રથમ વ્યક્તિ હતા. રશિયા (સોવિયેત સંઘ)નું લૂના-2 મિશન 1959માં ચંદ્રની સપાટી પર પહોંચનારું પ્રથમ અંતરિક્ષયાન હતું. 1966માં લૂના-9 મિશન ચંદ્ર પર રશિયાનું પ્રથમ સૉફ્ટ લૅન્ડિંગ મિશન હતું.

'રોસકોસમોસ'એ જણાવ્યું કે મિશનનો હેતુ સોફ્ટ-લૅન્ડિંગ ટેકનૉલૉજી વિકસિત કરવાનું હતું. સાથે જ ચંદ્રની આંતરિક સંરચના પર શોધ કરવા અને પાણી સહિત બીજી જરૂરી વસ્તુઓની શોધ કરવાનું તેનું મિશન હતું.

રશિયાનું સ્પેસક્રાફ્ટ પહેલા કઈ રીતે પહોંચવાનું હતું?

નોંધનીય છે કે અગાઉ લૂના- 25 23 ઑગસ્ટના ચંદ્રની સપાટીને સ્પર્શશે તેવી પણ આશા હતી.

જ્યારે ચંદ્રની સપાટી સ્પર્શવા માટે નીકળેલું ચંદ્રયાન-3 ગત મહિને 14 જુલાઈ 2023ના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન અમુક દિવસમાં ચંદ્રની સપાટી પર ઊતરી શકે છે.

સવાલ એ છે કે આખરે લગભગ એક મહિના બાદ પણ લૉન્ચ થવા છતાં લૂના-25 ચંદ્રયાન-3 પહેલાં ચંદ્રની સપાટી સ્પર્શ કરવામાં સફળ થઈ શક્યો હોત?

જો રશિયાનું યાન સલામતપણે ઉતરાણ કરી શક્યું હોત તો ચંદ્રયાન-3 મિશન રશિયાના લૂના-25 મિશન પછી ચંદ્રની સપાટી પર પહોંચ્યું હોત. તેનું કારણ એ છે કે ચંદ્રયાન-3 લૂના-25 મિશનની સરખામણીમાં લાંબા રસ્તાની સફર કરી રહ્યું છે.

જોકે ચંદ્રયાન-3 પોતાની સફર મારફતે પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણનો લાભ લેવા માગે છે. જેથી તે ઘણું ઓછું ઈંધણ વાપરશે.