મોદી બોલ્યા, “1962 પછી પહેલી વાર કોઈ સરકાર ત્રીજી વખત સત્તામાં આવી છે”, કૉંગ્રેસે શું આપ્યો જવાબ?

પ્રકાશિત

લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, “1962 પછી પહેલી વાર કોઈ સરકાર પોતાના બે કાર્યકાળ પૂર્ણ કરીને ત્રીજી વાર સત્તામાં આવી છે.”

લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપ એકલે હાથે બહુમતી મેળવી શક્યો નથી, પરંતુ સાથી પક્ષોના સથવારે તેને બહુમતી મળી રહે તેવી શક્યતા છે.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે વડા પ્રધાન મોદીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, “કાર્યવાહક વડા પ્રધાન તેમની સંકોચાયેલી છાતી ઠોકીને કહી રહ્યા છે કે 1962 પછી કોઈ સરકાર સતત ત્રણ વાર ન ચૂંટાઈ.”

“પણ ઇતિહાસને આ માસ્ટર ડિસ્ટોર્ટિયન પણ બીજી વાર નહીં લખી શકે. નહેરુ 1952માં 364 બેઠકો સાથે, 1957માં 371 બેઠકો સાથે અને 1962માં 361 બેઠકો સાથે વડા પ્રધાન બન્યા હતા.”

જયરામ રમેશે કહ્યું, “નરેન્દ્ર મોદીને 2024માં 240 બેઠકો મળી છે. આ તેમની સામેનો જનાદેશ છે. પણ તેઓ આ જનાદેશનું સન્માન કરવા માંગતા નથી.”

મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસે ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતાં રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતાં મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને સૌથી વધુ 13 બેઠકો પર જીત મળી છે. જ્યારે તેના સહયોગી પક્ષ શિવસેના (યુબીટી) ને નવ અને એનસીપી (શરદ પવાર)ને આઠ બેઠકો પર જીત મળી છે.

બીજ તરફ ભાજપને મહારાષ્ટ્રમાં માત્ર 9 બેઠકો પર જીત મળી છે. ભાજપના સહયોગી પક્ષો એવા શિંદે જૂથની શિવસેનાને સાત, અજિત પવાર જૂથની એનસીપીને માત્ર એક બેઠક મળી છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે તેમને ઉપ મુખ્ય મંત્રીના પદભારથી પણ મુક્ત કરવામાં આવે કારણ કે તેઓ હવે પક્ષના સંગઠનમાં કામ કરવા માગે છે.

ફડણવીસનું કહેવું છે કે મહાવિકાસ અઘાડીને 2 કરોડ 50 લાખ મતો મળ્યા છે, જ્યારે અમને 2 કરોડ 48 લાખ મતો મળ્યા છે. પણ આ બે લાખ મતોનું અંતર એવું છે કે જેના કારણે મહાવિકાસ અઘાડીને 30 બેઠકો અને અમને 17 બેઠકો જ મળી છે.

તેઓ કહે છે, “કારણ કે એક નેતા તરીકે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની તમામ જવાબદારી મારા શિરે હતી એટલા માટે હારની જવાબદારી પણ મારા પર છે. તેનો હું સ્વીકાર કરું છું. હું ભાગી જનારો માણસ નથી. અમે લોકો સમગ્ર પાર્ટીને સાથે લઈને નવી રણનીતિ તૈયાર કરીશું અને તેની સાથે જ પ્રજા સમક્ષ જઈશું.”

નરેન્દ્ર મોદીએ આપ્યું રાજીનામું, નવી સરકાર બનશે ત્યાં સુધી રહેશે કાર્યવાહક વડા પ્રધાન

દેશમાં લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં બાદ નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ સમગ્ર મંત્રીમંડળે પણ રાજીનામું આપી દીધું છે.

સમાચાર એજન્સી એએનઆઈએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

વડા પ્રધાન મોદી આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મળવા રાષ્ટ્રપતિભવન પહોંચ્યા હતા અને તેમને રાજીનામું સુપરત કર્યું હતું. નવી સરકારના શપથગ્રહણ સુધી તેઓ કાર્યવાહક વડા પ્રધાન તરીકે યથાવત્ રહેશે.

અહેવાલો પ્રમાણે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ આઠમી જૂનના રોજ યોજાશે.

ચૂંટણીપરિણામો પ્રમાણે ભાજપને 240 બેઠકો મળી છે અને તેને સરકાર બનાવવા માટે અન્ય પક્ષોના સાથની જરૂર પડશે.

ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતથી દૂર, કૉંગ્રેસનો 99 બેઠક પર વિજય

લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 240 બેઠકો મળી છે એટલે કે પૂર્ણ બહુમતથી 32 બેઠકો ઓછી છે. બીજી તરફ કૉંગ્રેસે 99 બેઠકો પર વિજય મેળવ્યો છે.

બંને ગઠબંધનોની વાત કરીએ તો ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને 292 બેઠકો, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે. અન્ય પાર્ટીઓએ 17 બેઠકો પર જીત હાંસલ કરી છે.

ગુજરાતની વાત કરીએ તો ભાજપ સતત ત્રીજી વખત 26માંથી 26 બેઠકો જીતવામાં અસફળ રહ્યો હતો. ગુજરાતમાં ભાજપને એક બેઠક ગુમાવી પડી હતી. કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોરે બનાસકાંઠાની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર ડૉક્ટર રેખાબહેન ચૌધરીને લગભગ 30 હજારથી વધારે મતોથી હરાવ્યાં હતાં.

ભાજપને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોટું નુકસાન

2019ની ચૂંટણીની તુલનામાં ભાજપને મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં મોટું નુકસાન થયું હતું.

ઉત્તર પ્રદેશમાં 2019ની તુલનાએ ભાજપને 29 બેઠકોનું નુકસાન થયું હતું અને પાર્ટી 33 બેઠકો જ જીતી શકી હતી. ત્યાર બાદ ભાજપને સૌથી વધારે નુકસાન મહારાષ્ટ્રમાં ઉઠાવું પડ્યું હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાં 23 બેઠકો પર જીત મેળવી હતી. જોકે, 2024ની ચૂંટણીમાં પાર્ટી માત્ર નવ બેઠકો પર જીત મેળવી શકી હતી.

રાજસ્થાનમાં છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપે 25માંથી 25 બેઠકો જીતી હતી. જોકે, આ વખતે રાજસ્થાનમાં પાર્ટીને 14 બેઠકો મળી છે એટલે છેલ્લી લોકસભાની ચૂંટણીની તુલનામાં 11 બેઠકોનું નુકસાન થયું છે. આ ઉપરાંત ભાજપને પશ્ચિમ બંગાળમાં પણ 2019ની તુલનાએ છ બેઠકો ઓછી મળી હતી અને હરિયાણામાં પણ પાંચ બેઠકો પર પરાજય થયો હતો.

જોકે, ભારતીય જનતા પાર્ટીને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતનાં કેટલાંક રાજ્યોમાં સફળતા પણ મળી છે.

આ ચૂંટણીમાં ભાજપે ઓડિશાની 21 બેઠકોમાંથી 20 બેઠકો પર વિજય મેળવ્યો હતો. 2019ની ચૂંટણીમાં પાર્ટીને ઓડિશાથી માત્ર આઠ બેઠકો જ મળી હતી. આ ઉપરાંત ઓડિશાની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે પહેલી વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. આમ, નવીન પટનાયકનાં 24 વર્ષથી લાંબા શાસનનો અંત આવ્યો છે.

ભાજપે તેલંગણામાં પણ 2019ની તુલનાએ બેઠકોની સંખ્યા બમણી કરી હતી. 2019માં પાર્ટીને ચાર બેઠકો જ મળી હતી. જ્યારે 2024ની ચૂંટણીમાં ભાજપ રાજ્યની 17 બેઠકોમાંથી 8 બેઠકો જીતવામાં સફળ રહી. આ ઉપરાંત આંધ્ર પ્રદેશની પણ ત્રણ બેઠકો પર ભાજપને વિજય મળ્યો.

ડાબેરીઓનો અંતિમ ગઢ ગણાતા કેરળમાં ભાજપે પોતાના ઇતિહાસમાં પહેલી વખત એક બેઠક મેળવવામાં સફળ થયો. ભાજપના થ્રિસુરના ઉમેદવાર સુરેશ ગોપીએ 74 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો.

એનડીએ ગઠબંધનમાં ભાજપ બાદ સૌથી વધારે બેઠકો તેલુગુ દેશમ પાર્ટીએ (ટીડીપી) જીતી હતી. ટીડીપી આંધ્ર પ્રદેશની 25 બેઠકો પરથી 16 બેઠકો પર વિજય મેળવ્યો. આ ઉપરાંત આંધ્ર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પણ ટીડીપીને જંગી બહુમતી મળી. ટીડીપીએ આંધ્ર પ્રદેશ વિધાનસભાની કુલ 175માંથી 135 બેઠકો પર વિજય મેળવ્યો.

આ ઉપરાંત નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડએ (જેડીયુ) એનડીએ ગઠબંધનના ભાગરૂપે બિહારની 40 પૈકી 16 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી પાર્ટીએ 12 બેઠકો પર જીત મેળવી હતી.

ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનનું જબરદસ્ત પ્રદર્શન

ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં પાર્ટીએ સૌથી સારું પ્રદર્શન કર્યું હતુ. સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસે મળીને ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી 43 બેઠકો પર વિજય મેળવ્યો. સમાજવાદી પાર્ટીએ કુલ 37 બેઠકો પર વિજય મેળવ્યો, જે 2019ની તુલનામાં 32 બેઠકોનો ઉમેરો છે.

ઇન્ડિયા ગઠબંધને મહારાષ્ટ્રમાં પણ બાજી મારી હતી. ઇન્ડિયા ગઠબંધને મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 30 બેઠકો પર વિજય મેળવ્યો, જેમાં કૉંગ્રેસને 13, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નવ અને શરદ પવારની રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીને આઠ બેઠકો મળી હતી.

આ ઉપરાંત કૉંગ્રેસે રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક જેવાં રાજ્યોમાં 2019ની લોકસભાની ચૂંટણીની તુલનામાં સારૂ પ્રદર્શન કર્યું હતું.

રાજસ્થાનમાં પાર્ટીને છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં એકપણ બેઠક મળી ન હતી. જોકે, કૉંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં આઠ બેઠકો પર જીત મેળવવામાં સફળ રહી હતી. આ ઉપરાંત કર્ણાટક અને હરિયાણામાં અનુક્રમે નવ અને પાંચ બેઠકો મેળવી.