You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'આજની હેટ્રિકે 2024ની હેટ્રિકની ગૅરંટી આપી દીધી છે' - ત્રણ રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત બાદ મોદીએ શું કહ્યું?
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપને મળેલી સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતા.
આ ત્રણેય રાજ્યોમાં ભાજપને બહુમતી મળી હતી જ્યારે તેલંગણામાં કૉંગ્રેસને બહુમતી મળી હતી.
મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે, 'કેટલાક લોકો કહે છે કે આજની હેટ્રિકે 24ની હેટ્રિકની ગૅરંટી આપી દીધી છે.'
તેમણે ત્યાં હાજર રહેલા કાર્યકરોને સંબોધતા કહ્યું કે, "આજનો વિજય ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે."
ત્યાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતાં ત્રણ રાજ્યોની જનતાનો આભાર વ્યક્ત કર્યો.
જેપી નડ્ડાએ આ અવસર પર જીતનો શ્રેય વડા પ્રધાન મોદીને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'આ દેશમાં જો કોઈ એક ગૅરંટી છે તો તે વડા પ્રધાન મોદીની ગૅરંટી છે.'
નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું માતાઓ-બહેનો-દીકરીઓ સામે, હું મારા યુવા સાથીઓ સામે, ખેડૂત સાથીઓ સામે, ગરીબ પરિવારો સામે, અને તેમના નિર્ણયની સામે નતમસ્તક છું.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંઇક આવી શૈલીમાં નવી દિલ્હીમાં ભાજપ કાર્યકર્તાઓ અને મતદારોને સંબોધિત કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' પર શું આરોપો લગાવ્યા?
પોતાના સંબોધનમાં તેમણે વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધન પર દેશને જાતિઓમાં વહેંચી ભાગલા પાડવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે, "આ ચૂંટણીમાં દેશને જાતિઓમાં વહેંચવાના ઘણા પ્રયાસો થયા હતા. પરંતુ હું સતત કહેતો હતો કે મારા માટે માત્ર ચાર જાતિઓ જ દેશની સૌથી મોટી જાતિઓ છે. એ ચાર જાતિઓ છે- મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને આપણા ગરીબ પરિવારો. તેમને સશક્ત કરીને જ આપણો દેશ સશક્ત બનશે."
તેમણે કહ્યું કે, "હું ઘણીવાર કહેતો હતો કે નારીશક્તિએ ભાજપનો ઝંડો ફરકાવવાનો સંકલ્પ લીધો છે. આજે નારીશક્તિ વંદન કાયદાએ દેશની માતાઓ-દીકરીઓના મનમાં નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે."
તેમના મતે, "ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે દેશના યુવાનોને માત્ર અને માત્ર વિકાસ જ જોઈએ છે. જ્યાં પણ સરકારોએ યુવાનો વિરુદ્ધ કામ કર્યું છે, તે સરકારોને સત્તાથી દૂર કરવામાં આવી છે. પછી તે રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે તેલંગાણા. આ ત્રણ રાજ્યોમાં સત્તામાં રહેલા પક્ષો હવે સત્તાથી દૂર થઈ ગયા છે."
મોદીએ કહ્યું, "આજની જીત ઐતિહાસિક છે, અભૂતપૂર્વ છે. આજે સબકા સાથ, સબકા વિકાસની જીત થઈ છે. આજે ઈમાનદારી, પારદર્શિતા અને સુશાસનની જીત થઈ છે."
રાહુલે કહ્યું, 'વિચારધારાની લડાઈ ચાલુ રહેશે'
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પાર્ટીની હારનો સ્વીકાર કરતાં કહ્યું છે કે વિચારધારાની લડાઈ આગળ પણ ચાલુ રહેશે.
સોશિયલ મીડિયા સાઇટ 'એક્સ' પર તેમણે લખ્યું, "મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનનો જનાદેશ અમે વિનમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ. વિચારધારાની લડાઈ ચાલુ રહેશે. "
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મળેલા વિજયનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો.
તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, 'જનતાનાં દિલમાં માત્ર અને માત્ર મોદીજી છે..આજનાં ચૂંટણીપરિણામથી એ સાબિત થઈ ગયું છે કે તુષ્ટીકરણ અને જાતિમાં વહેંચવાની રાજનીતિના દિવસો સમાપ્ત થઈ ગયા છે.'
'નવું ભારત 'પૉલિટિક્સ ઑફ પર્ફૉર્મેન્સ' પર વોટ આપે છે. આ અપાર સમર્થન માટે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની જનતાને નમન કરું છું.'
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેલંગણાના લોકોનો આભાર વ્યક્ત કર્યો અને છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં પરિણામ વિશે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'આ ચૂંટણીપરિણામ અમારી અપેક્ષા પ્રમાણે નથી પણ અમે મહેનત અને દૃઢનિશ્ચયથી મજબૂતીથી પાછા ફરીશું.'
સાથે જ તેમણે લખ્યું કે, અમે આ હારથી હતાશ થયા વગર 'ઇન્ડિયા'ના દળો સાથે, બે ગણા જોશથી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જઈશું.
કમલનાથે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું, 'મેં પહેલાં પણ કહ્યું હતું કે હું મધ્ય પ્રદેશના મતદારો પર ભરોસો કરું છું. આજે પણ કહું છું. મને આશા છે કે તેમણે ભાજપ પર ભરોસો દેખાડ્યો છે તો તેમની સાથે વિશ્વાસઘાત નહીં થાય. કદાચ જનતા અમારી વાતને સમજી ન શકી.'
અશોક ગેહલોતે શું કહ્યું?
રાજસ્થાનમાં ચૂંટણી હાર્યા બાદ અશોક ગેહલોતે મુખ્ય મંત્રીપદ પરથી રાજીમાનું આપ્યું હતું.
કૉંગ્રેસ નેતા અશોક ગેહલોતે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે તેમને આશા હતી કે રાજસ્થાનની જનતા વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી બદલો લેશે પરંતુ જનતા સમજી શકી નહીં.
અશોક ગેહલોતે કહ્યું કે, 'ચૂંટણીમાં અમારા નેતાઓએ કોઈ કસર નહોતી છોડી. અમારી સ્કીમો એટલી શાનદાર હતી, અમને આશા હતી કે સ્કીમોના આધાર પર અને જે કાયદા પાસ કર્યા છે, તેના આધાર પર અમારી સરકાર બનશે.'
'મોદીજી, અમિત શાહજી અને બહારથી આવેલા પાંચ-સાત મુખ્ય મંત્રી, સૌએ મારી સરકાર પર હુમલો બોલાવ્યો. તેમનો ટાર્ગેટ અમે હતા કારણ કેે તેઓ રાજસ્થાનની સરકાર પાડી શક્યા ન હતા. મને આશા હતી કે જનતા બદલો લેશે.'
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર તેમણે લખ્યું કે, "આ પરિણામ બધા માટે પ્રત્યાશિત નહોતા. આ હાર બતાવે છે કે અમે અમારી યોજનાઓ, કાયદા અને નવાચારોને જનતા સુધી પહોંચાડવામાં પૂર્ણ રીતે સફળ થયા નહોતા."
તેમણે ભાજપને ચાલુ સ્કીમોને આગળ ચલાવતા રહેવાની વિનંતી કરીને લખ્યું, "મારી તેમને સલાહ છે કે અમે કામ કર્યા છતાં સફળ ન થયા તેનો અર્થ એ નથી કે તેઓ સરકારમાં આવ્યા બાદ કામ જ ન કરે. ઓપીએસ, ચિરંજીવી સહિત તમામ યોજનાઓ તથા જે વિકાસની ગતિ આ પાંચ વર્ષોમાં રાજસ્થાનને અમે આપી છે તેઓ તેને આગળ વધારે."
ભાજપના હાથમાં હવે 12 રાજ્યો, કૉંગ્રેસ પાસે કેટલાં?
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગણા અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષે જીત મેળવી છે.
આ વિજય પર ઔપચારિક રીતે મહોર લાગી ગયા બાદ ભાજપની ઝોળીમાં 12 રાજ્યો આવી જશે. જ્યારે બીજી તરફ, સૌથી મોટા વિપક્ષ એવા કૉંગ્રેસ પક્ષ પાસે રાજસ્થાન અને છત્તીસગઢની હાર બાદ માત્ર ત્રણ રાજ્યોની જ કમાન રહેશે.
દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહેલી આમ આદમી પાર્ટી આ રીતે ત્રીજા નંબરે ગણી શકાય એમ છે.
કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પાસે હાલના સમયે ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા, આસામ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશની સત્તા છે. એવામાં ત્રીજી નવેમ્બરની મતગણતરી બાદ સ્પષ્ટ મનાઈ રહ્યું છે ભાજપ મધ્ય પ્રદેશમાં સત્તામાં ચાલુ રહેશે અને રાજસ્થાન તેમજ છત્તીસગઢ તે કૉંગ્રેસ પાસેથી આંચકી લેશે.
સમાચાર સંસ્થા પીટીઆઈના એક રિપોર્ટ અનુસાર આ 12 રાજ્યો ઉપરાંત ભાજપ મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલૅન્ડ તથા સિકકીમમાં પણ શાસક પક્ષ સાથે ગઠબંધનનો ભાગ છે.
બીજી તરફ કૉંગ્રેસ માત્ર હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં જ સત્તામાં છે.કૉંગ્રેસ રાજસ્થાન અને છત્તીસગઢ ગુમાવતી જોવા મળી રહી છે.આ ઉપરાંત બિહાર અને ઝારખંડમાં કૉંગ્રેસ સત્તારૂઢ ગઠબંધનોમાં સામેલ છે. તામિલનાડુમાં તે દ્રમુકનો સહયોગી પક્ષ છે પણ રાજ્ય સરકારનો ભાગ નથી.
વર્તમાન સમયમાં ભારતમાં છ રાષ્ટ્રીય દળો છે - ભાજપ, કૉંગ્રેસ, બસપા, સીપીએમ, એનસીપી અને આમ આદમી પાર્ટી.