You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મંત્રી કુંવરજી બાવળિયાની શાળામાં વિદ્યાર્થિનીનો આપઘાત, સ્વજનોએ કહ્યું- 'સાચું કારણ કહેતા નથી'
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- ગત 23 જાન્યુઆરીએ રાજકોટના વીંછિયાની અમરાપરની શાળામાં દસમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીના આપઘાતની ઘટના સામે આવી હતી
- આ શાળા રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાની છે, તેના કારણે ઘટનાની તપાસમાં પોલીસ યોગ્ય તપાસ ન કરી રહી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે
- વિદ્યાર્થિનીના પરિવારજનો પણ આપઘાતનું ખરું કારણ ન જણાવાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે
- શું છે સમગ્ર મામલો, જાણવા માટે વાંચો બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ
"મારી દીકરીએ સ્કૂલ કૅમ્પસમાં આપઘાત કર્યો હતો પણ તેનો મૃતદેહ ઉતારતી વખતે પોલીસ બોલાવવામાં આવી ન હતી, તેમજ આ અંગે કોઈ ફોટો કે વીડિયો પણ લેવામાં આવ્યો નથી કે અમને દેખાડવામાં આવ્યો નથી. અમારે ન્યાય જોઈએ છે. અમારી દીકરીના આપઘાતનું કારણ જોઈએ છે."
ઉપરોક્ત શબ્દ મુકેશભાઈ જોગરાજિયાના છે જેમની ધોરણ દસમાં ભણતી દીકરીએ તા.23 જાન્યુઆરીની રાતે રાજકોટના વીંછિયાના અમરાપરમાં આવેલી રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાની આદર્શ સ્કૂલમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મૃતક દીકરીનો આખો પરિવાર આઘાતમાં છે, તેઓ છેલ્લા દસ દિવસથી પોતાની દીકરીના આપઘાત પાછળનું કારણ જાણવા મથી રહ્યા છે પણ તેમને આરોપ છે કે સ્કૂલ સત્તાવાળા કે પોલીસ તરફથી સંતોષકારક જવાબ મળી રહ્યો નથી.
પોલીસ પ્રાથમિક તપાસના આધારે વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ ‘અભ્યાસનો ભાર’ ગણાવી રહી છે.
ત્યારે બીજી તરફ સંસ્થામાં અગાઉ પણ ‘દીકરીના આપઘાતની ઘટના બની હોવાનું’ જણાવી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખાયો છે.
જોકે સામેની બાજુએ કુંવરજી બાવળિયાનાં દીકરી અને શાળાનાં ઇનચાર્જ પ્રિન્સિપાલ ભાવનાબહેન બાવળિયા તમામ આરોપો નકારે અને પોતે પણ વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ જાણવા માગતાં હોવાની વાત કરે છે.
આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
શું હતી ઘટના?
23 જાન્યુઆરીના રોજ એટલે કે સોમવારે રાત્રિના નવથી દસ વાગ્યા સુધીના અરસામાં વીંછિયામાં આવેલી આદર્શ સ્કૂલ કૅમ્પસમાં એક વૃક્ષ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં કાજલબહેન મુકેશભાઈ જોગરાજિયા નામની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના બાદ સ્કૂલના સત્તાધીશોએ વિદ્યાર્થિનીનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો.
આ મુદ્દે મૃતકના પિતા મુકેશભાઈ જોગરાજિયાએ જણાવ્યું હતું કે, “ખુદ મંત્રી બાવળિયાએ તેમને ફોન કરીને તેઓને તેમની દીકરી અંગે માહિતી આપી હતી.”
આ સમગ્ર મામલે પરિવારજનો તટસ્થ તપાસ કરી દીકરીના આપઘાતનું કારણ જાણવા માગે છે.
જોકે આ મામલે હજુ સુધી કોઈ કારણ સ્પષ્ટ ન થતાં સમગ્ર પંથકમાં ચર્ચા વધી રહી છે.
પોલીસ શું કહે છે?
વીંછિયા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આઈડી જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે આ ઘટના અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "દીકરીના આપઘાત અંગે હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. દીકરીની સાથે રહેતી અને ભણતી દીકરીઓ તેમજ તેમનાં શિક્ષકો અને ગૃહમાતાનાં નિવેદનો લેવામાં આવ્યાં છે.”
“આ નિવેદનો મુજબ એવું જાણવા મળ્યું છે કે, આપઘાત કરનાર દીકરી થોડી સંવેદનશીલ હતી. તેની પરીક્ષા ચાલી રહી હતી. અભ્યાસના ચિંતાના કારણે આપઘાત કર્યો હોય તેવી શક્યતા છે. આ કેસની તપાસમાં આ સિવાય બીજું કોઈ કારણ મળ્યું નથી."
તેઓ આગળ જણાવે છે કે, " દીકરીએ કપડાં સૂકવવાની દોરીથી આત્મહત્યા કરી હતી. તેને શોધવા નીકળનાર દીકરીઓએ તેને નીચે ઉતારી હતી. સંસ્થામાં સીસીટીવી છે પરંતુ બનાવની જે જગ્યા બાથરૂમની પાછળની આવેલી હોઈ તે જગ્યા પર સીસીટીવી નથી."
‘પોલીસ કંઈક છુપાવી રહી છે’
મૃતક વિદ્યાર્થિનીનાં પિતરાઈ બહેન ગુલાબ જોગરાજિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “મારી બહેને આપઘાત કર્યો તે વાત અમે માની લઈએ પરંતુ કયા કારણથી આપઘાત કર્યો તે કારણ તો ખબર હોવી જોઈએ. મારી બહેન ઉતરાયણની રજામાં બે દિવસ ઘરે આવી હતી.”
“ઉતરાયણ પર ઘરે આવી ત્યારે તેણે ધોરણ 11માં વિજ્ઞાનપ્રવાહ પસંદ કરવાની વાત પણ કરતી હતી તેમજ તે રાજીખુશીથી ઘરેથી ગઈ છે. તે હૉસ્ટેલ જઈ રહી હતી ત્યારે તેને બોર્ડની એક્ઝામ હોવાથી નવાં કપડાં લાવવાની વાત કરી રહી હતી."
તેઓ વધુમાં જણાવે છે કે, "મારી બહેન ભણવામાં ખૂબ જ હોશિયાર હતી જેથી તેને ભણવાના કારણે આ પગલું ભર્યું હોવાની વાત ખૂબ જ ખોટી છે. તા.1 ફેબ્રુઆરીએ અમે તેની હૉસ્ટેલ પર ગયા હતા અને અમે તેણે જ્યાં આત્મહત્યા કરી હતી તે જગ્યા બતાવવાની માગ કરી.”
“ત્યાર બાદ અમે તેની રૂમની દીકરીઓને મળ્યા હતા પરંતુ તેમને તમને કઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. અમે હૉસ્ટેલનાં ગૃહમાતાને મળીને પૂછ્યું હતું કે તેની પર કોઈ ગુસ્સે થયું હોય કે ખીજાયું હોય એવી કોઈ ઘટના બની હતી કે કેમ તો હૉસ્ટેલનાં ગૃહમાતાએ અમને કહ્યું કે અમે કોઈ વિદ્યાર્થિની પર વ્યક્તિગત ખીજાતાં નથી. અમે દરેકને સમૂહમાં વાંચવા માટેની જ સૂચના આપતા હોઈએ છીએ.”
“હૉસ્ટેલમાં પોલીસે અમારી હાજરીમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી નથી. તેમજ પોલીસ આ અંગે કંઈક અંદરખાને છુપાવી રહી હોવાનું અમને લાગી રહ્યું છે."
મૃતક વિદ્યાર્થીનીના પિતા મુકેશભાઈ જોગરાજિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારી દીકરીને સોમવારે 16 તારીખે હું હૉસ્ટેલમાં મૂકીને આવ્યો હતો અને બીજા સોમવારે 23 તારીખે રાત્રે મને એના ખરાબ સમાચાર મળ્યા હતા. 23 તારીખે રાત્રે મને કુંવરજી બાવળિયાસાહેબનો ફોન આવ્યો હતો કે તમારી દીકરી બીમાર છે. તેને દવાખાને લઈ ગયા છીએ. તમે દવાખાને આવો.”
મુકેશભાઈ હૉસ્પિટલ પહોંચ્યા બાદની વાત જણાવતાં કહે છે કે, “અમે જ્યારે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે મારી દીકરી બાંકડા પર મરેલી હાલતમાં પડી હતી. અમે જ્યારે પૂછ્યું કે અમારી દીકરીને શું થયું, તો સ્કૂલવાળાઓએ અમને જણાવ્યું કે તમારી દીકરીએ આપઘાત કર્યો છે. અમે તેઓને પૂછ્યું કે મારી દીકરી શું કામ આપઘાત કરે? શું એવું કારણ બન્યું કે મારી દીકરીએ આપઘાત કરવો પડે?”
“મારી દીકરી હૉસ્ટેલમાં હતી જેથી હૉસ્ટેલમાં જ એવું કંઈ બન્યું હોવું જોઈએ. જેને કારણે મારી દીકરી આપઘાત કરવા મજબૂર બની. કોઈ પણ કારણ સિવાય કોઈ મરી જાય નહીં."
તેઓ વધુમાં જણાવે છે કે, "મારી દીકરી ધોરણ એકથી આઠ સુધી અમારા ગામની શાળામાં ભણતી હતી. બે વર્ષથી આ સંસ્થામાં ભણતી હતી. પોલીસ તરફથી અમને આ અંગે કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. પોલીસ અમને કહે છે કે તેઓ તપાસ કરશે પરંતુ દસ દિવસ કરતાં વધુ સમય થયો પરંતુ આ અંગે કોઈ ચોક્કસ કારણ અમને જાણવા મળ્યું નથી."
‘અગાઉ પણ બન્યા છે આવા બનાવ’
આ અંગે કોળી વિકાસ સંગઠન ગુજરાત ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને આ ઘટના તટસ્થ તપાસની માગ કરી છે.
મુકેશભાઈ રાજપરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ સંસ્થામાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યા બાદ સ્થળ પર પોલીસને બોલાવવામાં આવી ન હતી તેમજ સ્થળ પર વાલીને પણ બોલાવવામાં આવ્યા ન હતા. પોલીસ કે સંસ્થા દ્વારા વાલીને કોઈ ખુલાસો આપવામાં આવતો નથી."
તેમણે આરોપ મૂકતાં આગળ કહ્યું હતું કે, "આ શૈક્ષણિક સંસ્થા ગુજરાતના મંત્રીની હોવાથી મામલાને દબાવવાનું પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં તટસ્થ તપાસ અંગે મેં રાજ્યના ગૃહરાજ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે."
"જો આ ઘટનામાં યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો અમે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું. આ સંસ્થામાં અગાઉ પણ દીકરીઓએ આત્મહત્યા કર્યાના બનાવ બન્યા છે પરંતુ મંત્રી દ્વારા વગનો ઉપયોગ કરીને દર વખતે આવી ઘટનાઓ દબાવી દેવામાં આવે છે."
આદર્શ માધ્યમિક શાળાના ઇનચાર્જ પ્રિન્સિપાલ અને રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાનાં દીકરી ભાવનાબહેન બાવળિયા આ સમગ્ર ઘટના અંગે કરાઈ રહેલા આરોપો અંગે ખુલાસો આપ્યો હતો.
તેમજ ઘટના અંગે માહિતી જાહેર કરતાં જણાવે છે કે, "હું શાળાના કૅમ્પસમાં જ રહું છું. ગત તા. 23 જાન્યુઆરીની રાત્રે સાડા નવ વાગ્યે આ ઘટના અંગે મને જાણ થઈ હતી. હું તરત જ ત્યાં પહોંચી હતી."
"વિદ્યાર્થિનીના આપઘાતની ઘટના બાદ અમે અમારા સ્ટાફના શિક્ષકો તેમજ તેના વિશે શિક્ષકો અને ગૃહમાતા સાથે વાત કરી હતી તેમજ તેની સાથી વિદ્યાર્થિનીઓ સાથે પણ વાત કરી હતી. તે લોકોના કહેવા અનુસાર ઉતરાયણની રજામાં ઘરેથી પરત આવ્યા બાદ આ વિદ્યાર્થિની ગુમસૂમ રહેતી હતી અને કોઈ સાથે વાત કરતી ન હતી."
ભાવનાબહેને વિદ્યાર્થિની સાથે કઠોર વર્તન થયાની કે ભણતરનો ભાર હોવાની વાત નકારી હતી.
તેમણે કહ્યું હતું કે, "વિદ્યાર્થીની ભણવામાં હોશિયાર હતી. ધોરણ નવમાં તે તેના વર્ગમાં બીજા નંબરે પાસ થઈ હતી. જેથી ભણવા અંગે તેને કંઈ કહેવા જેવું હતું નહીં. અમારી સંસ્થામાં કોઈ વિદ્યાર્થીને અમે ગુસ્સે થતા નથી."
"આ વિદ્યાર્થીનીને ધોરણ નવમાં ભણતી હતી ત્યારે ખૂબ જ હેડકી આવતી હતી. જેથી તા. 22 ફેબ્રુઆરી 2022ના રોજ હું જ તેને રાજકોટમાં ડૉ. વિશાલ ગરાડા પાસે સારવાર માટે લઈ ગઈ હતી."
બાળકીની સ્થિતિ અંગે જાણકારી આપતાં ભાવનાબહેન કહે છે કે, "તે સમયે ડૉક્ટરે મને કહ્યું હતું કે આ વિદ્યાર્થિની ખૂબ જ સંવેદનશીલ છે. જેથી જો બની શકે તો તેને હૉસ્ટેલના બદલે તેના ઘરેથી ભણવા દેવી જોઈએ. જેથી આ અંગે તેના વાલી સાથે વાત કરી હતી. વાલી તેને લઈ જવા તૈયાર પણ હતા પરંતુ દીકરી જવા માગતી ન હતી."
"દીકરીને હૉસ્પિટલ લઈ ગઈ હતી તે અંગેના પુરાવા પણ છે. આ વિદ્યાર્થીની બેન્ચ પર પણ એકલી બેસતી હતી. તેની કોઈ ખાસ બહેનપણી પણ ન હતી. વિદ્યાર્થિનીએ ભરેલું આ પગલું અમારા માટે પણ ખૂબ જ આઘાતજનક છે. વિદ્યાર્થિની આવું પગલું કેમ ભર્યું? તે અંગેનું કારણ અમે પણ જાણવા માગીએ છીએ."
આ સંસ્થામાં ભૂતકાળમાં પણ દીકરીઓએ આત્મહત્યા કરી હોવાના મુકેશભાઈ રાજપરાએ કરેલા આક્ષેપ અંગે ભાવનાબહેને કહ્યું હતું કે, "મુકેશભાઈ રાજકારણ કરી રહ્યા છે. તેમના આક્ષેપો રાજકીય છે. ભૂતકાળમાં બનેલી ઘટનામાં ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થિની ભણવા માગતી ન હતી પરંતુ તેના પિતાએ જબરજસ્તી ભણવા માટે હૉસ્ટેલમાં મૂકી હતી જેથી તે વિદ્યાર્થિનીએ દવા પીને આત્મહત્યા કરી હતી."
"આ અંગે વાલી સ્વીકાર્યું હતું કે જબરદસ્તી હૉસ્ટેલમાં મૂકવી તે તેમની ભૂલ હતી. અમારી સંસ્થામાં 2,913 વિદ્યાર્થિનીઓ ભણી રહી છે. અમને દરેક વિદ્યાર્થિની પ્રિય છે."