You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લુપ્તપ્રાય સમુદ્રી કાચબા કેવી રીતે બન્યા ત્રણ લોકોનાં મોતનું નિમિત્ત?
- લેેખક, કો ઓવે, વિરમા સિમોનેટ
- પદ, બીબીસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
ફિલિપાઇન્સમાં ડેલ નોર્ટના તટવર્તી પ્રાંત મેગુઈનાડામાં સમુદ્રી કાચબાની વાનગી ખાવાના કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. સમુદ્રી કાચબાની લુપ્તપ્રાય પ્રજાતિનો આહાર કર્યા પછી 32 લોકો બીમાર પડ્યા છે.
અધિકારીઓએ કહ્યું કે સ્થાનિક તેદુતે આદિવાસી સમુદાયના કેટલાય લોકોને કાચબાની વાનગી ખાધા પછી ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ હતી.
ફિલિપાઇન્સના પર્યાવરણીય કાયદા હેઠળ સમુદ્રી કાચબાનો શિકાર કરવો કે તેને ખાવા પર પ્રતિબંધ છે. પરંતુ અહીંના કેટલાક આદિવાસી સમુદાયમાં સમુદ્રી કાચબા ખાવાની એક પરંપરા બની ગઈ છે.
દૂષિત શેવાળ ખાનારા કેટલાક કાચબા ઝેરી થઈ ગયા હોવાની શક્યતા છે.
સ્થાનિક અધિકારી આઇરીન ડિલોએ બીબીસીને જણાવ્યું કે ટેડૂથે આદિવાસી સમુદાયે ખાધેલી આ વાનગીનો વધેલો ભાગ ખાધા પછી કૂતરાં, બિલાડાં અને મરઘીઓ પણ મરી ગઈ હતી. તેમણે કહ્યું કે અધિકારીઓ તેમના મોતની તપાસ કરી રહ્યા છે.
અડોબો રેસિપી
સમુદ્રી કાચબાની વાનગી સ્થાનિક લોકો અડોબો (ગાઢ રસાવાળી વાનગી) તરીકે બનાવે છે. ફિલિપાઇન્સનું આ એક લોકપ્રિય વ્યંજન છે. તેને સિરકા અને સોયા સોસમાં માંસ અને રસા સાથે ભેળવીને તૈયાર કરવામાં આવે છે.
ડિલોએ કહ્યું, "અહીં ઝિંગા અને માછલી મોટા પ્રમાણમાં છે. આવું થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે."
સ્થાનિક મીડિયાનું કહેવું છે કે હૉસ્પિટલમાં દાખલ થયેલા ઘણા લોકોને રજા આપી દેવાઈ છે. ત્રણેય મૃતકોની અંતિમ વિધિ તેમના રિવાજ પ્રમાણે કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક આગેવાન દાતુ મોહમ્મદ સિંસુત જુનિયરે જણાવ્યું કે તેમણે અધિકારીઓને આ ક્ષેત્રમાં સમુદ્રી કાચબાના શિકાર પર પ્રતિબંધને સખતાઈથી લાગુ કરવા માટે કહ્યું છે.
તેમણે કહ્યું, "આવી ઘટનાઓ વારંવાર બનવી ન જોઈએ."
સમુદ્રી કાચબાની ઘણી પ્રજાતિઓ લુપ્તપ્રાયની યાદીમાં છે. ફિલિપાઇન્સમાં તેમને પકડવા, નુકસાન પહોંચાડવું અથવા શિકાર કરવો ગેરકાયદે છે.
કેટલીક સંસ્કૃતિમાં માંસ અને ઈંડાં માટે સમુદ્રી કાચબાનો શિકાર કરવામાં આવે છે. તેમનું માનવું છે કે કાચબાના માંસમાં ઔષધીય ગુણો હોય છે.
2013માં પૂર્વ સમર પ્રાંત પાસે પણ આવી જ ઘટનામાં 68 ગામવાસીઓ બીમાર પડી ગયા હતા. તેમાંથી ચારનાં મોત થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન