બીએચયુ ગૅંગરેપ : આરોપીઓની ધરપકડમાં વિલંબ મામલે ઊઠતા સવાલ – ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, દિલનવાઝ પાશા અને ઉત્પલ પાઠક
    • પદ, બીબીસી હિન્દી
  • પ્રકાશિત

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનૉલૉજી બનારસ હિંદુ યુનિવર્સિટી (આઈઆઈટી બીએચયુ)નું કૅમ્પસ ખૂબ જ વિશાળ છે. આ કૅમ્પસના ઘણા ભાગો એવા છે, જ્યાં સાંજ થતાની સાથે જ અંધારું થઈ જાય છે, પરંતુ હવે અહીંયા દરેક જગ્યાએ નવી લાઇટો લગાવાઈ છે.

બીએચયુ સિક્યૉરીટીની ગાડીઓ હવે પેટ્રોલિંગ કરતી રહે છે.

બીએચયુના એક રસ્તાના છેડે રાત્રે દોઢ વાગ્યે ચાલવા નીકળેલી એક વિદ્યાર્થિની સાથે ગૅંગરેપની ઘટના પછી કૅમ્પસમાં સુરક્ષાવ્યવસ્થા સુધરી છે.

એક નવેમ્બરની રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ બી. ટેક.ની વિદ્યાર્થિની જ્યારે કૅમ્પસના અંતિમ છેડે પોતાના મિત્ર સાથે હતી, ત્યારે ત્યાં ખૂબ અંધારું હતું.

આ ઘટનાની એફઆઈઆર પ્રમાણે બુલેટ પર સવાર ત્રણ યુવકોએ વિદ્યાર્થિની પર ત્યાં ગૅંગરેપ કર્યો.

ગૅંગરેપની પીડિત વિદ્યાર્થિનીનો આરોપ છે કે તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો અને બળજબરીથી ફોન નંબર પણ લેવાયો.

આ ઘટના જે સ્થળે ઘટી ત્યાંથી આગળનો રસ્તો બંધ છે. બીએચયુનું કૅમ્પસ ખુલ્લું છે અને તેમાં બહારના લોકો પણ અહીં અવરજવર કરી શકે છે. જોકે, રાત્રે દોઢ વાગ્યે કૅમ્પસના અંતિમ છેડે આરોપીની હાજરીનું કોઈ સ્પષ્ટ કારણ નથી જણાતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મોડી રાત્રે બીએચયુ કૅમ્પસમાં અવરજવર કરતા રહ્યા છે, પરંતુ તેમનો અને પીડિતાનો કોઈ સીધો સંબંધ નથી.

તપાસમાં સામેલ એક અધિકારીએ કહ્યું, “છોકરી એક યાદૃચ્છિક શિકાર હતી અને જો એ દિવસે ત્યાં અન્ય કોઈ છોકરી હોત તો તે પણ આ ઘટનાનો ભોગ બની હોત.”

આઈઆઈટી કૅમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓના મતે આ વિસ્તારમાં પહેલાં પણ એક છોકરી સાથે છેડતીની ઘટના બની હતી, પરંતુ તેણે આ ઘટનાની ફરિયાદ કરી નહોતી.

આઈઆઈટીની સુરક્ષા સમિતિ સાથે જોડાયેલ એક વ્યક્તિએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

સામૂહિક બળાત્કારની ઘટના કેવી રીતે બની?

વિદ્યાર્થિનીના નિવેદન મુજબ તે રાત્રે દોઢ વાગ્યે પોતાના મિત્ર સાથે ફરી રહી હતી એ દરમિયાન ત્રણ યુવકે બુલેટ પર આવ્યા અને તેમનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ યુવકોએ વિદ્યાર્થિનીને પોતાના મિત્રથી છૂટી પાડી દીધી અને તેનું મોઢું દબાવીને એક ખૂણામાં લઈ ગયા. વિદ્યાર્થિનીનો દાવો છે કે દસ-15 મિનિટ સુધી તેની સાથે બળજબરી કરવામાં આવી. બાદમાં એ ત્યાંથી ભાગીને એક પ્રોફેસરના ઘરમાં છુપાઈ ગઈ.

આ દરમિયાન તેના મિત્રે આઈઆઈટી બીએચયુના અન્ય વિદ્યાર્થીઓને આ ઘટના વિશે માહિતી આપી.

પોલીસ માહિતી મળતાં જ દસ મિનિટની અંદર જ ત્યાં હાજર હતી અને થોડા સમય પછી એસપી સ્તરના અધિકારી પણ ઘટનાસ્થળે હાજર હતા.

વિદ્યાર્થિનીની અડધા કલાક સુધી શોધખોળ કરાઈ. એ દરમિયાન પ્રોફેસર તેને પોતાના ઘરના દરવાજા સુધી મૂકવા આવ્યા અને ત્યાંથી બીએચયુની સુરક્ષા સમિતિ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ તેને પેટ્રોલિંગ ગાર્ડ પાસે પહોંચાડી.

બીએચયુની વિદ્યાર્થિની સાથે બનેલી આ ઘટના પછી આઈઆઈટીના વિદ્યાર્થિઓએ આખો દિવસ પ્રદર્શન કર્યું.

આ દરમિયાન પીડિતાની સાથે રહેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે પોલીસે રાત્રે જ ઘટનાસ્થળની તપાસ કરી હતી, પરંતુ એ જગ્યાને સીલ નહોતી કરાઈ.

પોલીસ તપાસમાં શું મળ્યું?

પોલીસે ઘટનાના બીજા જ દિવસે એફઆઈઆર નોંધી હતી. પ્રથણ એફઆઈઆરમાં આરોપીઓ પર છેડતી અને વીડિયો બનાવવાનો આરોપ હતો, પરંતુ તેમાં આઈપીસીની ગૅંગરેપની કલમ 376 (ડી) લગાવાઈ નહોતી.

જોકે, પીડિતાના નિવેદનના આધારે આઠ નવેમ્બરના રોજ એફઆઈઆરમાં ગૅંગરેપની કલમ ઉમેરવામાં આવી હતી.

પોલીસે પોતાની તપાસને અંગે કોઈ આધિકારિક નિવેદન નથી આપ્યું. બીબીસીએ વારાણસી ઝોનના ઘણા અધિકારીઓ સાથે આ ઘટના વિશે વાત કરવાની કોશિશ કરી, પરંતુ કોઈએ જવાબ ન આપ્યો.

અધિકારીઓએ ઘટનાની સંવેદનશીલતાને પણ વાત ન કરવાનું એક કારણ ગણાવ્યું હતું. સામાન્ય રીતે વારાણસી પોલીસ આવી ઘટનાઓ પ્રકાશમાં આવે ત્યારે પ્રેસ રિલીઝ બહાર પાડે છે, પરંતુ આ કેસમાં આરોપીની ધરપકડ બાદ કોઈ પ્રેસ નોટ જાહેર નહોતી કરાઈ.

પોલીસ તપાસમાં સામેલ એક અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે ઘટનાની સંવેદનશીલતાના કારણે ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.

વિદ્યાર્થિનીએ દાવો કર્યો હતો કે તેનો વીડિયો બનાવાયો હતો, પરંતુ પોલીસે કથિત વીડિયો રિકવર કર્યો નથી.

આ ઘટના પછી વિદ્યાર્થિની સાથે રહેનાર એક વિદ્યાર્થીએ કહ્યું કે ઘટનાના બે દિવસ પછી પોલીસે તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો.

જોકે એ વિદ્યાર્થીનો દાવો છે કે પોલીસે પીડિતાનાં કપડાં કે અન્ય કોઈ પુરાવા રિકવર નથી કર્યાં.

બીબીસીએ ઈમેલ મારફતે વારાણસીના પોલીસ કમિશનરને સવાલો મોકલ્યા છે, જેના જવાબ મળતાં જ આ રિપોર્ટને અપડેટ કરાશે.

આરોપીઓ વિશે ક્યારે ખબર પડી?

પોલીસે ઘટનાની 24 કલાકની અંદર આરોપીઓની હિલચાલનું સીસીટીવી ફૂટેજ મેળવી લીધું હતું. કેટલાક સીસીટીવી ફૂટેજ ખૂબ જ ધુંધળા છે. આ ઘટના પછી પીડિતા સાથે હંમેશાં રહેનાર એક વિદ્યાર્થી પ્રમાણે પોલીસે ત્રણ નવેમ્બરના રોજ આ સીસીટીવી ફૂટેજ વિદ્યાર્થિનીને દેખાડ્યાં હતાં.

આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશયલ ટાસ્ક ફોર્સે હર્ષ નામના એક યુવકની પૂછપરછ માટે ધરપકડ કરી હતી. યુવકનો ચહેરો સીસીટીવીમાં દેખાઈ રહેલા ચહેરાઓ સાથે મળતો હતો.

પોલીસે હર્ષની તસવીર વિદ્યાર્થિનીને દેખાડી હતી. તેણીએ કહ્યું કે તે સામેલ હોય પણ શકે છે અને નહીં પણ.

હર્ષને લગભગ 48 કલાકની પૂછપરછ પછી છોડી મૂક્યો. હર્ષના પરિવાર અને વકીલે તે આ ઘટના સમયે બીજી જગ્યાએ હાજર હોવાના પુરાવા આપ્યા હતા.

હર્ષ કહે છે, “પોલીસે ગાડીમાં બેસાડતાની સાથે જ મને પૂછ્યું કે મારા બાકીના સાથીઓ ક્યાં છે? હું કશું સમજી ન શક્યો. ત્યાર પછી મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો જ્યાં અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. મારી તસવીર લીધા પછી ત્યાં હાજર એક એસપીએ કહ્યું કે આ જ છોકરો છે. હું ના પાડતો રહ્યો પણ કોઈએ મારી વાત સાંભળી નહીં. તેમણે મારી તસવીર અધિકારીઓને મોકલી દીધી.”

હર્ષને થોડીવાર પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા પછી પોલીસલાઇન મોકલી દેવામાં આવ્યો હતો. તેને ત્યાં બેસાડી રાખવામાં આવ્યો. હર્ષે કહ્યું, “મારી સાથે પોલીસે મારપીટ નથી કરી, પરંતુ મારા અન્ય બે સાથીઓનાં નામ આપવા માટે મારા પર વારંવાર દબાણ કરવામાં આવ્યુ. જો કે મેં વારંવાર કહ્યું કે હું કોઈને નથી ઓળખતો.”

આ દરમિયાન પોલીસને આરોપીની સ્પષ્ટ સીસીટીવી તસવીરો મળી ગઈ. પીડિતાની સાથે રહેતા એક વિદ્યાર્થીના કહેવા પ્રમાણે ચાર નવેમ્બરે ત્રણ વાગ્યા આસપાસ પોલીસના બે મોટા અધિકારી બીએચયુ પહોંચ્યા જેમાં આ ઘટનાની તપાસ કરી રહેલા એસપી પ્રવીણ પણ હતા. તેમણે પ્રોકટર ઓફિસમાં પીડિતાને ત્રણ સ્પષ્ટ તસવીર દેખાડી અને તેણે ચાર નવેમ્બરે એટલે કે ઘટનાના ત્રીજે દિવસે જ આ યુવકોની ઓળખાણ કરી લીધી હતી.

આ ઘટના દરમિયાન પીડિતાની સાથે રહેલા વિદ્યાર્થીએ કહ્યું, “જે તસવીરો વિદ્યાર્થિનીને દેખાડવામાં આવી હતી એ સીસીટીવી ફૂટેજમાંથી નહોતી, પરંતુ અલગથી લેવામાં આવી હતી. પીડિતાએ સ્પષ્ટ કર્યું હતું કે આ યુવકો જ આરોપીઓ છે.”

એનો મતલબ છે કે પોલીસ પાસે ચાર નવેમ્બરે જ આરોપીઓની પાકી ઓળખ હતી.

આ ઘટના પછી પોલીસના સતત સંપર્કમાં રહેનાર વિદ્યાર્થીએ કહ્યું, “અમે જ્યારે પણ પોલીસને તપાસ કે આરોપીઓની ધરપકડ માટે સંપર્ક કરતા તો અમને એમ જ કહેવામા આવતું કે તે લોકો હાલ ફરાર છે.”

આઈઆઈટી બીએચયુના આ વિદ્યાર્થી અને ઘટનાનો ભોગ બનેલી વિદ્યાર્થિની કાશી ઝોનમાં એસપી રહેલા પ્રવીણ કુમારના સતત સંપર્કમાં હતાં. પ્રવીણ કુમારની હવે નોઇડા બદલી કરી દેવામાં આવી છે.

તેમણે આ ઘટના વિશે કોઈ પણ નિવેદન આપવાની મનાઈ કરતા કહ્યું, "હવે હું વારાણસીમાં નથી અને તમે આ બાબતે વારાણસીના અધિકારીઓ સાથે વાત કરો."

આરોપીઓ કોણ છે?

પોલીસે આ ઘટનાના બે મહિના પછી 30 ડિસેમ્બરની રાત્રે ત્રણ યુવકોની ધરપકડ કરી. કુણાલ પાંડે, અભિષેક ચૌહાણ આનંદ અને સક્ષમ પટેલ નામનાં આ ત્રણ યુવકો વારાણસીમાં ભાજપની આઈટી સેલ સાથે જોડાયેલા છે.

કુણાલ પાંડે સુંદરપૂર નરિયાના રહેવાસી છે અને વારાણસીમાં ભાજપના આઈટી સેલનાં પ્રમુખ છે.

કુણાલ વિવાહીત છે અને બાળપણમાં જ તેમના પિતાનું મૃત્યું થયું હતું. તેમની પત્ની પિયરમાં છે અને માતા ઘરે તાળું લગાવીને ચાલ્યાં ગયાં છે.

કુણાલના ઘરની બહાર રહેલી એક ગાડી ઉપર ભાજપનાં પોસ્ટર લાગ્યાં છે. આ પોસ્ટરને ખોતરવાની પણ કોશિશ કરવામાં આવી હતી.

અહીં રહેતા લોકોને ભરોસો નથી થઈ રહ્યો કે બધાની મદદ કરનાર યુવા નેતા હવે ગૅંગરેપના મામલામાં જેલમાં બંધ છે.

તેમની પાડોશમાં રહેતી 22 વર્ષીય એક યુવતીએ કહ્યું, “હું કુણાલને લગભગ દસ વર્ષથી ઓળખું છું, જ્યારે તેમનો પરિવાર અહીં રહેવા આવ્યો હતો. તેણે ક્યારેય એવી હરકત નથી કરી કે લોકો વિચારી શકે તે આ ઘટનામાં સામેલ છે.”

તેણીએ ઉમેર્યું, “કુણાલભાઈ ભાજપ સાથે જોડાયેલા છે. કુણાલને એ વાતની ખબર હતી કે યોગી આદિત્યનાથની સરકાર અપરાધીઓ બુલડોઝર ચલાવે છે અને પોલીસ ગોળીઓ મારે છે. એટલે જ આ વાત પર ભરોસો કરવો મુશ્કેલ છે કે તે ભાજપમાં હોવા છતાં આવું કરી શકે.”

અહીં હાજર રહેલી અનેક મહિલાઓએ કહ્યું કે કુણાલ એક યુવા નેતા છે અને તેણે ખૂબ જ ઝડપથી ભાજપમાં પોતાની પકડ મજબૂત કરી હતી.

કુણાલના ઘરની એકદમ સામે રહેતી 50 વર્ષીય મહિલા કહે છે, “કુણાલની અહીંયા ખૂબ જ વગ હતી. આજુબાજુનાં જુગારી અને દારૂડીયાઓ તેનાથી ડરતા હતા. કુણાલે જુગાર બંધ કરાવી દીધો હતો. તમે જ્યાં ઊભા છો ત્યાં જ લોકો જુગાર રમ્યા કરતા, પરંતુ હવે જુઓ કેટલી શાંતિ છે. અમને ભરોસો નથી થતો કે અમારો કુણાલ આવું કરી શકે.”

પોલીસે નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં કુણાલ અને બાકીના આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા છે.

જોકે કુણાલના ઘરની આસપાસ રહેનારા લોકો એ વાત માનવા માટે તૈયાર નથી કે તે બળાત્કાર જેવી નીચ હરકત કરી શકે છે.

મોહલ્લાની એક મહિલા કહે છે, “અહીં કુણાલથી બધા ડરે છે. તે હંમેશાં આગળ રહેતો. પોલીસ સ્ટેશનમાં તેની ઓળખાણ હતી. તેને બધા જ ઓળખતા હતા. કોઈને પણ પોલીસનું કોઈ કામ હોય તો તે કુણાલ પાસે જ જતા. અમે એ માનવા માટે તૈયાર નથી કે રાજકારણમાં આટલી ઝડપથી આગળ વધી રહેલો યુવાન આવું કામ કરી શકે છે.”

કુણાલના ઘરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર જિવધીપુર હરિજન વસ્તીનાં જોલ્હાપુર વોર્ડમાં આરોપી અભિષેક ચૌહાણ આનંદનું ઘર છે.

આ એક રૂમના મકાનમાં અત્યારે તાળું લાગેલું છે. અભિષેકનો પરિવાર તેની ધરપકડ થયા પછી નજીકના જ એક ઘરમાં રહે છે. તેના પિતા જ્યારે દરવાજો ખોલે છે, ત્યારે આ અંધારા રૂમમાં સામે એક ઘડિયાળ દેખાય છે.

અભિષેકના પિતા રડતા રડતા કહે છે, “મારો દીકરો 14 વર્ષની ઉંમરે ભાજપ સાથે જોડાયો હતો. તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી ખૂબ જ પ્રભાવિત હતો અને તેમને ભગવાનની જેમ પૂજતો. 30 ડિસેમ્બરની રાત્રે પોલીસવાળા અચાનક જ મોટી સંખ્યામાં અમારા ઘરે આવી અને મારા દીકરાને ઉઠાવીને લઈ ગયા. અમને ભરોસો નથી થતો કે અમારો દીકરો આવું કશું કરી શકે.”

અભિષેક અત્યારે જેલમાં છે. તેના પિતાએ જેલમાં તેની મુલાકાત લીધી છે. તેઓ દાવો કર્યો, “અભિષેકે મને કહ્યું તેનો આમાં કોઈ વાંક નથી અને તેને કોઈ બળાત્કાર નથી કર્યો. તેણે બસ એટલું જ કહ્યું કે એ રાત્રે બીએચયુમાં તેની છોકરી સાથે બોલાચાલી થઈ હતી અને તે કોઈ એટલી મોટી વાત નથી કે એ વિશે તે કોઈને કહે.”

અભિષેકના પિતા મુન્ના ચૌહાણ કહે છે, "મારો દીકરો પાર્ટીના કહેવાથી મધ્ય પ્રદેશમાં ચૂંટણીપ્રચાર માટે ગયો હતો અને પછી ત્યાંથી પાછા આવ્યા બાદ એક મહિનાથી તે ઘરે જ હતો."

અભિષેકની માતા એ રૂમમાં રાખેલાં ગાદલાં દેખાડતાં કહ્યું, “મારા દીકરો સંપૂર્ણ રીતે ભાજપને સમર્પિત હતો. તે કશું કમાતો નહોતો અને અહીં જમીન પર ગાદલા પર જ ઊંઘી જતો. અમે જ તેનો ખર્ચો ઉપાડી રહ્યાં હતાં. ભાજપ સાથે જોડાયેલો હોવાને કારણે તેની આ વિસ્તારમાં સારી ઓળખ હતી અને સ્થાનિક લોકો પોલીસને લગતાં કામ માટે તેની પાસે આવતા.”

રૂમમાં રાખેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરને દેખાડતી વખતે અભિષેકના ભાઈ સૂરજે કહ્યું, "તેણે પાર્ટી માટે ખૂબ જ કામ કર્યું, દિવસરાત ભાજપ માટે કામ કર્યું. વડા પ્રધાનના દરેક કાર્યક્રમમાં તે ઘરે-ઘરે પત્રિકાઓ વહેંચતો. સ્થાનિક ભાજપના નેતાઓના કાર્યક્રમની વ્યવસ્થાની પણ જવાબદારી સંભાળતો."

અભિષેકનો પરિવાર તે ગુનેગાર નથી તેવો દાવો કરતા કહે છે કે તે લડાઈ-ઝઘડો કરી શકે છે, પરંતુ બળાત્કાર ન કરી શકે.

અભિષેકનાં ફોઈ રોતાં-રોતાં કહે છે, "તેને જ્યારથી સમજણ આવી ત્યારથી તે પાર્ટી માટે કામ કરી રહ્યો છે. પરંતુ આ ઘટના પછી પાર્ટીએ તેને એકલો છોડી દીધો. જોકે તેનો ગુનો હજુ સાબિત પણ નથી થયો."

અભિષેકના ઘરથી 200 મીટર દૂર એક સાંકડી ગલીમાં સક્ષમ પટેલનું ઘર છે. સક્ષમ પટેલ પણ ભાજપના આઈટી સેલ સાથે જોડાયેલો છે. તેનાં માતાએ રડતાં-રડતાં કહ્યું, “મેં જેલમાં મારા દીકરા સાથે વાત કરી છે. તે રડી-રડીને પોતે નિર્દોષ હોવાનું કહે છે. તે માત્ર એટલું જ કહી રહ્યો છે કે બીએચયુમાં છોકરી સાથે થોડીક બોલાચાલી થઈ હતી.”

સુષ્મા પટેલ કહે છે, “મારો દીકરો દિલીપસિંહ પટેલ માટે કામ કરતો હતો અને તેઓ તેને પગાર પણ આપતા. તે તેમનું સોશિયલ મીડિયા પણ ચલાવતો.”

દિલીપસિંહ પટેલ ભાજપના સ્થાનિક મંડળના પ્રમુખ છે. બીબીસીએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ ન મળ્યો. આ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે સક્ષમ પટેલ કેવી રીતે દિલીપસિંહ પટેલ સાથે કેવી રીતે જોડાયેલો હતો. જો કે સક્ષમના પરિવારનો એ દાવો છે કે દિલીપસિંહ તેને દર મહિને પગાર આપતા હતા.

પોતાના રૂમમાં પડેલા એક ગોદડાની તરફ ઇશારો કરતાં સુષ્મા પટેલે કહ્યું, “મારો દીકરો એક મહિનાથી ઘરે જ હતો. તે રોજ અહીં જ ઊંઘતો હતો. જો તેણે આટલો મોટો કેસ કર્યો હતો, તો પોલીસે અત્યાર સુધી તેની ધરપકડ કેમ ન કરી?”

સક્ષમ પટેલે મુલાકાત દરમિયાન પોતાની માતાને કહ્યું હતું કે બીએચયુમાં તેમનો ઝઘડો થયો હતો.

જોકે આ ઘટના પછી તેમણે આ વિશે તેમના પરિવારનાં કોઈ સભ્યને જાણકારી આપી નહોતી.

સક્ષમ પટેલની ઓળખાણ આ વિસ્તારમાં એક યુવા નેતાની હતી. અહીં રહેતા બધા લોકોને જાણકારી હતી કે તે ભાજપ માટે કામ કરે છે.

એક સ્થાનિક યુવા કહે છે, "સક્ષમભાઈ કોઈપણ કામ કરી આપતા. તેની પોલીસ સ્ટેશનથી પ્રશાસન સુધી સારી પકડ હતી."

ભાજપે ધરપકડ પછી આ ત્રણેય યુવાનોથી પોતાને અલગ કરી લીધો છે.

ધરપકડમા વિલંબ પર સવાલ

બીબીસીને જાણકારી મળી કે આરોપીઓની ઓળખ ચાર નવેમ્બરે જ સ્પષ્ટ થઈ ગઈ હતી. ઘટનાના બીજા જ દિવસે ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અને વારાસણીના રાજકીય નેતા અજય રાયે દાવો કર્યો હતો કે ઘટના સાથે સંકળાયેલા ત્રણેય આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે. તેમના પર આ દાવાના કારણે એક એફઆઈઆર કરવામાં આવી હતી.

અજય રાયે બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો, “હું લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલો હતો. ભાજપમાં મારી હજુ પણ ઓળખાણ છે. ભાજપમાં રહેલા મારાં સૂત્રો પાસેથી જ મને જાણકારી મળી કે આ ઘટનામાં સામેલ આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે.”

“પાર્ટીને ખબર હતી કે તેમના લોકોએ બળાત્કાર કર્યો પરંતુ બધા જ ચૂપ રહ્યા. બે મહિના સુધી તેમની ધરપકડ કરવામાં ન આવી કારણ કે પાર્ટી તેમને બચાવવા માંગતી હતી.”

જોકે વારાણસીમાં ભાજપના જિલ્લા પ્રમુખ વિદ્યાસાગર રાયે બીબીસીને વાત કરતા કહ્યું, “એ વાત સાચી છે કે કુણાલ ભાજપ સાથે જોડાયેલો હતો. તે આઈટી સેલનો પ્રમુખ હતો અને સંગઠનમાં થયેલા બદલાવ પછી નવા પ્રમુખની નિયુક્તિ ન થવાના કારણે તે જ આ જવાબદારી સંભાળી રહ્યો હતો.”

“જોકે એ દાવો એકદમ ખોટો છે કે પાર્ટીને તે આ ઘટનામાં સંડોવાયેલો છે તેના વિશે જાણકારી હતી. અમને પણ તેની ધરપકડના દિવસે જ ખબર મળી અને અમે પણ બાકી લોકોની જેમ હતપ્રભ હતા. તેને અમારા સાથે કામ કર્યું છે અને એ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે તે પણ આવું કરી શકે. કોઈ વ્યક્તિનાં દિલ કે મગજમાં શું ચાલી રહ્યું છે તે કોઈપણ જાણી શકતું નથી.”

વિદ્યાસાગર રાય કહે છે, "આનાથી વિશેષ આ ઘટના વિશે કહેવું ઠીક નથી."

બીબીસીએ ભાજપ સાથે જોડાયેલા અન્ય લોકો સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ આ ઘટનાની સંવેદનશીલતાનો હવાલો આપીને તેમને વાત કરવાની ના પાડી.

અજય રાયે દાવો કર્યો છે, "જ્યારે પણ બળાત્કારી કે અપરાધી ભાજપ સાથે જોડાયેલા હોય છે ત્યારે પાર્ટી તેમને બચાવવાની કોશિશ કરે છે. ભાજપના એક વિધાનસભ્યને હાલમાં જ બળાત્કારનાં એક કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા પછી જેલ ગયા. તેમના પર બળાત્કારનો કેસ ચૂંટણી પહેલા જ હતો પરંતુ પાર્ટી તેમને ટિકિટ આપી દીધી. આ મામલાઓ થકી ખબર પડે છે કે પાર્ટીનાં મહિલા સુરક્ષાને લગતા દાવાઓ એકદમ ખોખલા છે.